• મહાવીરભગવાનનો મહોત્સવ કેવી રીતે ઊજવવો? •
અખિલ ભારત, ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણમહોત્સવસમિતિ
દિલ્હી તરફથી, તીર્થક્ષેત્રોની ફિલ્મ ઉતારવા માટે પ્રવાસ કરી રહેલા ભાઈઓ,
ગતમાસમાં સોનગઢ આવેલા; તેમણે સોનગઢની ફિલ્મ ઉતારી, તેમજ મહાવીર
ભગવાનના નિર્વાણમહોત્સવ સંબંધી ગુરુદેવ (કાનજીસ્વામી) નો સંદેશ લીધો.
ગુરુદેવે સંદેશમાં જે કહ્યું તે સમસ્ત જૈનસમાજને માટે ઉપયોગી માર્ગદર્શક હોવાથી
અહીં આપીએ છીએ.
મહાવીર ભગવાને ભેદવિજ્ઞાનવડે મોક્ષદશા પ્રાપ્ત કરી છે, અને જગતને
માટે પણ તેમણે ભેદવિજ્ઞાનનો જ સન્દેશ આપ્યો છે. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ
ચૈતન્યતત્ત્વ છે; શરીર અચેતન છે અને રાગાદિભાવો દુઃખદાયક આસ્રવ છે; તે
બંને અત્યંત ભિન્ન છે. આ પ્રમાણે આત્મા અને આસ્રવોની ભિન્નતા જાણીને,
જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવી તે જ જૈનશાસનમાં મહાવીર ભગવાનનું
ફરમાન છે.
આવું ભેદવિજ્ઞાન કરવું અને તેનો પ્રચાર કરવો, તે જ મહાવીર ભગવાનનો
નિર્વાણ–મહોત્સવ ઉજવવાની સાચી રીત છે.
જીવે શુભ–અશુભ ભાવો તો અનંતવાર કર્યા છે; પરંતુ જૈનશાસનમાં
ભગવાને શુભરાગને તો પુણ્ય કહ્યું છે, અને મોહ વગરના શુદ્ધ ચેતના–પરિણામને
જ ધર્મ કહ્યો છે. ભગવાન કુંદકુંદસ્વામી પણ વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા પાસે
જઈને આ જ સન્દેશ લાવ્યા હતા. જગતના જીવો તીર્થંકરના આવા સન્દેશને
પામીને આત્મહિત કરો.
તીર્થંકર ભગવંતો જ્યાંથી મોક્ષ પધાર્યા એવા સમ્મેદશિખર, ગીરનાર,
પાવાપુરી વગેરે તીર્થની યાત્રા કરતાં તે ભગવંતોનું સ્મરણ થાય છે; એવા તીર્થોની
યાત્રા, મુનિઓનું બહુમાન, તથા સાધર્મીઓમાં પરસ્પર પ્રેમ–વાત્સલ્યનો પ્રચાર
થાય, અને જગતના જીવો વીતરાગ–વિજ્ઞાન પામીને આત્મહિત કરે,–એ જ
નિર્વાણ મહોત્સવનું પ્રયોજન છે.
જૈનસમાજમાં બધા લોકો સાથે મળીને ભક્તિ–ઉલ્લાસપૂર્વક મહાવીર
ભગવાનનો નિર્વાણ–મહોત્સવ ઊજવે–એ સારી વાત છે.
– जय महावीर