Atmadharma magazine - Ank 366
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 57

background image
મોક્ષસ્વરૂપ આત્મા, તે રાગ વગરનો, ભવના ભાવ વગરનો છે, તેમાં એકત્વ–
પરિણમનથી તો રાગ વગરનો અબંધભાવ પ્રગટે છે, તે મોક્ષનું સાધન છે. અને રાગ તો
ભવનું કારણ છે. ભવનો અભાવ કરવામાં રાગનો બિલકુલ સાથ નથી. અંદર જેણે
આવા અબંધસ્વભાવી આત્માને લક્ષગત કર્યોર્ તેને પર્યાયમાં પણ તેવો અબંધભાવ
પ્રગટ થયો છે, એટલે મોક્ષનો ભાવ ખુલ્યો છે, અરે બાપુ! બંધના મારગ, ને મોક્ષના
મારગ, એ તે કાંઈ એક હોય? બંનેને તદ્ન જુદાપણું છે. તેનું જુદાપણું નક્કી કરતાં
ભેદજ્ઞાન વડે આત્મામાં અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થઈ, એટલે તે આત્માની પર્યાયમાં
ભગવાનનો અવતાર થયો. આત્મામાં ભવનો અભાવ થાય ને મોક્ષનો ભાવ પ્રગટે તે
મંગલ–અવતાર છે, તે આત્મા મોક્ષની મંગલપર્યાયમાં અવતર્યો.
અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે; તેમનો આજે જન્મકલ્યાણકનો
દિવસ છે. જન્મ તો જગતમાં ઘણાં જીવોનાં થાય છે, પણ ભગવાનનો તો આ જન્મ
તીર્થંકર તરીકેનો જન્મ હતો; આ જન્મમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તેમણે જગતને
મોક્ષનો માર્ગ બતાવ્યો, તેથી ભગવાનનો જન્મ તે મંગળરૂપ છે, તે કલ્યાણક તરીકે
ઉજવાય છે. આ ભવ પહેલાંં ભગવાનને આત્માનું ભાન હતું તે તીર્થંકર નામકર્મ બાંધ્યું
હતું. પછી જ્યારે ત્રિશલામાતાની કુંખે પ્રભુ સ્વર્ગમાંથી અવતર્યા ત્યારે પણ આત્માનું
ભાન તેમજ અવધિજ્ઞાન સહિત હતા. ભગવાનનો જન્મ થતાં ઈન્દ્ર આવીને ભગવાનના
માતા–પિતાની પણ સ્તુતિ કરે છે: અહો માતા! તું જગતની માતા છો, તારા ઉદરમાં
જગતના નાથ તીર્થંકર બિરાજે છે; તેથી તું રત્નકુંખધારિણી છો. ભગવાનનું તો બહુમાન
કરે, પણ તેમના માતાનું પણ બહુમાન કરે છે. હે માતા! વીરપ્રભુ તારો તો પુત્ર છે પણ
અમારો તો પરમેશ્વર છે; તારો ભલે પુત્ર, પણ જગતનો તે તારણહાર છે.–આમ કહીને
ઈન્દ્રો માતાને નમસ્કાર કરે છે.
ભગવાન તો જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત છે. આત્માનું સામર્થ્ય અદ્ભુત છે;