: વૈશાખ : ૨૫૦૦ આત્મધર્મ : ૨૧ :
જ્યારે આપણે મુનિરાજને પણ સાથે રાખીને સરખામણી કરશું ત્યારે બેધડકપણે
દેખાશે કે, વીતરાગભાવમાં બિરાજમાન મુનિરાજનું કાર્ય તે જ શ્રેષ્ઠ કાર્ય છે, તે જ
અત્યંત પ્રશંસનીય છે, ને તે વીતરાગભાવની સરખામણીમાં ભૂંડનો પ્રશસ્તરાગ પણ
પ્રશંસનીય નથી.
મુનિરાજનો વીતરાગભાવ જ પરમ અહિંસારૂપ હોવાથી તેને આપણે પ્રશંસનીય
કહેશું, ને તેને જ મોક્ષનું કારણ કહેશું.
તે વીતરાગભાવની સામે ભૂંડના રાગભાવને આપણે ‘પરમ’ અહિંસા નહીં
કહીએ, અપિતુ તેને પણ ‘હિંસા’ ની કક્ષામાં મુકીશું. ભલે તે રાગને ‘પ્રશસ્ત’ વિશેષણ
લગાડીએ તોપણ તેને હિંસા તો કહેવી જ પડશે, કેમકે જેટલો રાગ છે તેટલી હિંસા છે.
પીત્તળને પ્રશસ્ત વિશેષણ લગાડીને ‘પ્રશસ્ત–પીત્તળ’ એમ કહીએ તેથી કાંઈ તે
સુવર્ણની જાતમાં તો ન જ આવે; તેમ કોઈ રાગાદિ–હિંસાને પ્રશસ્ત વિશેષણ લગાડીએ
તેથી કાંઈ તે ‘અહિંસા’ ન બની જાય.
એટલે શુભરાગવાળો તે ભૂંડનો જીવ પણ, આગળ વધીને જ્યારે રાગ વગરનો
ચૈતન્યભાવ પ્રગટ કરશે ત્યારે જ તે વીતરાગભાવરૂપ અહિંસા–ધર્મમાં આવશે, ને તે
પરમ અહિંસા ધર્મ વડે તે મોક્ષને સાધશે. આ રીતે “ अहिंसा परमो धर्मः ” છે.
મુનિના વીતરાગભાવને અને ભૂંડના રાગભાવને આપણે એકકક્ષામાં નહીં મુકી
શકીએ, કેમકે બંનેની જાત એકબીજાથી વિરુદ્ધ છે.
મુનિને મારવાના ભાવની અપેક્ષાએ બચાવવાનો ભાવ તે ઉત્તમ હોવા છતાં,
બંનેની એક કક્ષા છે. (જેમ એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓમાં એક પહેલો નંબર
હોય ને એક છેલ્લો નંબર હોય,–પણ બંનેની કક્ષા એક જ છે–તેમ.) વાઘ અને ભૂંડ
બંનેમાં જેટલા રાગાદિ કષાયભાવો છે તેટલી હિંસા છે; ને જે હિંસા છે તે અહિંસા નથી
એટલે ધર્મ નથી.
મુનિરાજનો વીતરાગભાવ તે અહિંસા છે, ને તે ધર્મ છે.
આવા વીતરાગ અહિંસા ધર્મનો જય હો.
* * * * *