ફોન નં. : ૩૪ “આત્મધર્મ ” Regd. No. G. 128
નિર્વાણમહોત્સવના પ્રારંભે મંગલવાણી
મહાવીર ભગવાન મોક્ષ પધાર્યા તેનો આજે મંગળ–કલ્યાણક દિવસ છે.
નિર્વાણના પ્રેમી જીવો ભગવાનના નિર્વાણનો ઉત્સવ ઊજવે છે; તે મહાન
ઉત્સવ આજથી શરૂ થાય છે.
ભગવાનનો નિર્વાણમહોત્સવ ઉજવવાની સાચી રીત એ છે કે ભગવાને ઈષ્ટ–
ઉપદેશમાં જેવો આત્મસ્વભાવ બતાવ્યો છે તેવો પોતાના જ્ઞાનમાં–
અનુભવમાં લઈને, મોક્ષમાર્ગમાં આત્માને સ્થિત કરવો. –ભગવાને દેખાડેલા
નિર્વાણમાર્ગમાં પરિણમવું તે જ સાચો નિર્વાણમહોત્સવ છે.
નિર્વાણપદ–સિદ્ધપદમાં ભગવાનને જેવું પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખ છે–
તેવા પોતાના આત્માના પરિપૂર્ણ સ્વભાવને જે ઓળખે–તેમાં ઉપયોગ
જોડીને તેનો અનુભવ કરે, તેણે આનંદરસના સ્વાદ સહિત મોક્ષના
મહોત્સવનો મંગલપ્રારંભ પોતાના આત્મામાં કર્યો.
[આસોવદ અમાસે, ગુરુદેવના મંગલઉદ્ગાર]
હે મુમુક્ષુ! ખેદ છોડ...પ્રસન્નતાથી આત્માને સાધ!
હે મુમુક્ષુ! મહાવીરશાસનને પામીને હવે જીવનમાં તું ખેદભિન્ન થઈને જીવીશ
નહિ, આનંદમય જીવન જીવજે. તારા જીવનને આનંદમય બનાવવા જ સંતોનો ઉપદેશ
છે. અહા, આવા આનંદ સાધવાના અવસરમાં ખેદ શો! મુમુક્ષુને તો નિજાનંદની
પ્રાપ્તિના અવસરમાં પરમ ઉત્સાહ હોય.
અરે મુમુક્ષુ! તને વળી ખેદ શેનો? જગતમાં એવું તે શું દુઃખ છે કે તારે ખેદ
કરવો પડે? તારે તો અત્યારે આત્માને સાધવાનો મહા આનંદપ્રસંગ છે...તો
પ્રસન્નચિત્તે આત્માને સાધવામાં લાગી જા. ખેદ છોડ! જો તો ખરો, તને કેવા સરસ
દેવ–ગુરુ મળ્યા છે? કેવો સરસ માર્ગ મળ્યો છે! ને અંદર કેવો મજાનો સુંદર આત્મા
બિરાજી રહ્યો છે!! જગતમાં આવો સરસ યોગ મળ્યો, પછી હવે ખેદ કરવાનું ક્યાં
રહે છે? ખેદની ટેવ છોડ ને મહાન ઉલ્લાસથી, શાંતભાવે તારા આનંદધામમાં જો...
તારું જીવન અપૂર્વ ચેતનવંતુ બની જશે.
પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૬૦૦
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (364250) : કારતક (૩૭૩)