સર્વજ્ઞમહાવીર–કે જેઓ આપણા ભરતક્ષેત્રમાં વર્તમાન
ચાલી રહેલા મોક્ષમાર્ગરૂપ ધર્મતીર્થના પ્રણેતા છે, જેમના તીર્થમાં
આપણને ધર્મની પ્રાપ્તિ થઈ છે, –તે પરમેશ્વરના પરમઉપકારને
પ્રસિદ્ધ કરવાનો અત્યારે મહાન પ્રસંગ છે. તેથી તે
સર્વજ્ઞમહાવીરના મહાન ગુણોને ઓળખીને તેમના ગુણગાન
વડે તેઓશ્રીનો મહાન ઉપકાર પ્રસિદ્ધ કરીએ છીએ. પ્રભુના
જન્મોત્સવ પ્રસંગે આ ખાસ અંકદ્વારા હૃદયની ઉર્મિઓથી
તેઓશ્રીને અભિવંદીએ છીએ.
મોક્ષરૂપ મહા સુખની જેનાથી પ્રાપ્તિ થાય એવા સમ્યગ્દર્શન
–જ્ઞાન–ચારિત્ર તે ધર્મતીર્થ છે, તે તીર્થવડે ભવસમુદ્રથી તરાય છે.
ભગવાન મહાવીર એવા ધર્મતીર્થના કર્તા છે. પોતાના આત્માને
તો શુદ્ધોપયોગરૂપ પરિણમાવીને પોતે ભવથી તર્યા છે, ને તેમના
તીર્થને પામીને આપણે ભવને તરી રહ્યા છીએ.
અહો, વર્દ્ધમાનદેવ! આપનું આવું મંગલ તીર્થ
વિપુલાચલથી વહેતું–વહેતું આજે અઢીહજારવર્ષથી ભારતદેશમાં
સર્વત્ર ચાલી રહ્યું છે ને તે તીર્થમાં સ્નાનવડે મિથ્યાત્વમેલ
ધોઈને આનંદરસના પાનથી અનેક જીવો પાવન થયા છે.
હે વીરનાથ–સર્વજ્ઞદેવ! આપના ઉપકારને અમે કેમ
ભૂલીએ? આપની પરંપરાથી આવી રહેલું, આપની સર્વજ્ઞતાના
પ્રસાદરૂપ સમ્યગ્જ્ઞાન આજેય અમને ભવદુઃખોથી છોડાવીને
અપૂર્વ મોક્ષસુખનો સ્વાદ ચખાડે છે; તે સર્વોત્કૃષ્ટ ઉપકારની
પ્રસિદ્ધિનો મહાન અવસર આજે આપના અઢીહજાર વર્ષીય
નિર્વાણમહોત્સવ પ્રસંગે અમને પ્રાપ્ત થયો છે. ત્યારે અંતરની
લાખલાખ ઉર્મિથી આપને અભિવંદીએ છીએ.
[બ્ર. હરિભાઈ દ્વારા લખાઈ રહેલ પુસ્તક “સર્વજ્ઞમહાવીર અને
તેમનો ઈષ્ટ ઉપદેશ”] માંથી