• •
[સંપાદકીય]
દુનિયામાં માતા–પુત્ર, અથવા ભાઈ–બેનનો સંબંધ નિર્દોષ ને ઉત્તમ
છે, પણ સાધર્મીનો સંબંધ તો એના કરતાંય ઘણું ઊંચું સ્થાન ધરાવે છે,
–એટલે તો પ્રસિદ્ધ છે કે ‘સાચું સગપણ સાધર્મીતણું. ’ એની તુલનામાં આવે
એવો કોઈ સંબંધ હોય તો તે એક જ છે–ગુરુ અને શિષ્યનો; –પરંતુ ગુરુ–
શિષ્યનો આ સંબંધ પણ અંતે તો સાધર્મીના સગપણમાં જ સમાય છે, કેમકે
એક જ ધર્મને માનનારાઓમાં જે મોટા તે ગુરુ, ને નાનો તે શિષ્ય. એટલે
‘સાચું સગપણ સાધર્મીતણું’ –એની સૌથી ઉત્કૃષ્ટતા છે.
એક રાષ્ટ્રમાં રહેનારા વિધર્મીઓ પણ રાષ્ટ્રીયભાવના વડે
એકબીજાને ભાઈ–ભાઈ સમજવામાં ગૌરવ અનુભવે છે, તો એક
જિનશાસનની છાયામાં રહેનારા, ને એક જ દેવ–ગુરુ–ધર્મને
ઉપાસનારાઓમાં ધાર્મિકભાવના વડે પરસ્પર જે બંધુત્વનું નિર્દોષ વાત્સલ્ય
વર્તતું હોય છે, અને ‘આ મારો સાધર્મી ભાઈ કે બહેન’ એવું કહેતાં એના
અંતરમાં જે નિર્દોષ ભાવના અને ધાર્મિક ગૌરવ વર્તે છે–તેની તુલના
જગતનો એક્કેય સંબંધ કરી શકે તેમ નથી.
આપણો ધર્મ તો વીતરાગધર્મ! તેમાં સાધર્મી–સાધર્મીના સંબંધની
ઉત્કૃષ્ટતાનું બીજું કારણ એ છે કે તેમાં એકબીજાના સંબંધથી માત્ર
ધાર્મિકભાવનાની પુષ્ટિ સિવાય બીજી કોઈ આશા કે અભિલાષા હોતી નથી.
મને જે ધર્મ વહાલો લાગ્યો તે જ ધર્મ મારા સાધર્મી ને વહાલો લાગ્યો,
એટલે તેણે મારી ધર્મભાવનાને પુષ્ટ કરી...ને એની ધર્મભાવનાને હું પુષ્ટ
કરું. –આમ અરસપરસ ધર્મપુષ્ટિની નિર્દોષ ભાવના વડે શોભતું ધર્મવાત્સલ્ય
જગતમાં જયવંત હો.
આપણે સૌ એક જ ઉત્તમપથના પથિક છીએ; આ કડવા સંસારમાં
સાધર્મીના સંગની મીઠાશ દેખીને, ને આત્મિકચર્ચાના બે શબ્દો સાંભળીને
મુમુક્ષુને અસાર સંસારનો થાક ઊતરી જાય છે, ને ધાર્મિકઉત્સાહમાં અનેરું
બળ મળે છે. બસ, સાધર્મીના સ્નેહ પાસે બીજી લાખ વાતોને પણ ભૂલી
જાઓ....સાધર્મી પ્રત્યે વાત્સલ્ય એ મુમુક્ષુનું આભૂષણ છે.
વીરનાથપ્રભુના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવના આ વર્ષમાં
સર્વે સાધર્મીજનો વાત્સલ્યના પવિત્ર ઝરણામાં પાવન થાઓ.....ને
આત્મહિત વડે વીરશાસનને શોભાવો.....