* પર્યુષણપર્વ......ઉત્તમક્ષમાનું આરાધન *
શ્રી જિનશાસનની મંગલછાયામાં દેવ–ગુરુ–ધર્મની ભક્તિપૂર્વક
અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવનાપૂર્વક દશલક્ષણી–પર્યુષણપર્વ
ભારતભરમાં આપણે સૌએ આનંદથી ઉજવ્યા...વીરનાથનું વીતરાગી
શાસન ધાર્મિકભાવનાઓની ઝળકી ઉઠયું. આ વીતરાગી પર્વની પૂર્ણતા
પ્રસંગે પરમ ભક્તિપૂર્વક દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે, તથા અત્યંત
ધર્મવાત્સલ્યપૂર્વક સમસ્ત સાધર્મીજનો પ્રત્યે હાર્દિક ક્ષમાપના ચાહું છું.
વીરનાથપ્રભુના નિર્વાણના અઢીહજારવર્ષની પૂર્ણતાનું જે મહાન
વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ તે વર્ષનું આ મંગલ પર્વ આપણને સદાય
આરાધનાનો ઉત્સાહ તથા પ્રેરણા આપ્યા કરો, ધર્મલાભ સૌને થાઓ, ને
સર્વત્ર આનંદમય ધર્મપ્રેમનું મધુરું વાતાવરણ પ્રસરી રહો–એમ પ્રાર્થીએ
છીએ.
અહા, ધન્યભાગ્ય છે કે આજે આપણને વીરનાથપ્રભુનો માર્ગ
મળ્યો છે...તેમની જ વાણીનું રહસ્ય આજે ગુરુદેવ દ્વારા આપણને પ્રાપ્ત
થાય છે...અને તે જ વીરવાણી ‘આત્મધર્મ’ માં પીરસાય છે. દેવ–ગુરુ–
ધર્મના મહિમાને અને તેમના માર્ગને પ્રસિદ્ધ કરવાનું કાર્ય આત્મધર્મ
આજ ૩૨ વર્ષોથી કરી રહ્યું છે, ને હજારો મુમુક્ષુઓ ગૌરવપૂર્વક તેનો
લાભ લઈ રહ્યા છે...તેના દ્વારા ભારતના હજારો મુમુક્ષુઓનો એક સુંદર
સાધર્મી–પરિવાર રચાઈ ગયો છે.
મુમુક્ષુને પોતામાં કષાય નથી ગમતો ને શાંતિ ગમે છે, એટલે
જેમ પોતામાં ધર્મ વહાલો છે, તેમ બહારમાં સાધર્મીઓ પણ તેને એવા
જ વહાલા છે. ‘આ મારા સાધર્મી છે’ એટલી માત્ર હૃદયની ઊર્મિ પણ
ગમે તેવા કષાયભાવને તોડી નાંખવા સમર્થ છે. સાધર્મિકતાના સ્નેહમાં
દુન્યવી પ્રસંગો અંતરાય કરી શકતા નથી. ક્ષમા અને ધર્મપ્રેમના શાંત
ભાવવાળું શસ્ત્ર, પરમ અહિંસક હોવા છતાં સામાના હૃદયને એવું વીંધી
નાંખે છે કે તે વશ થઈ જાય છે...ને પરસ્પર એકબીજાના
આરાધકભાવની પ્રશંસા–પ્રેમ–પ્રોત્સાહનવડે મિત્રતાનું અનોખું
વાતાવરણ સરજી દે છે. સૌના હૃદયની મધુર વીણા એકતાન થઈને ગુંજી
ઊઠે છે કે–
આરાધના જિનધર્મમાં અદ્ભુત આનંદકાર;
સર્વ જીવમાંં મિત્રતા, વેરભાવ નહિ ક્્યાંય.