Benshreena Vachanamrut (Gujarati). Bol: 199-241.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 11

 

Page 64 of 186
PDF/HTML Page 81 of 203
single page version

૬૪

બહેનશ્રીનાં વચનામૃત

પ્રગટ થાય તો કર્તાપણું છૂટે છે. ૧૯૮.

જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્યદરબારમાં જ ઉપયોગને લગાડી દે; ચોક્કસ પ્રાપ્તિ થશે જ. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, માટે તું પણ આમ કર.

અનંત અનંત કાળ ગયો, જીવ ક્યાંક ક્યાંક અટકે જ છે ને? અટકવાના તો અનેક અનેક પ્રકાર; સફળ થવાનો એક જ પ્રકારચૈતન્યદરબારમાં જવું તે. પોતે ક્યાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે.

દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ ક્યાંક સૂક્ષ્મપણે અટકી જાય છે, શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે, ‘આ રાગની મંદતા, આ અઠ્યાવીસ મૂળગુણ, બસ આ જ હું, આ જ મોક્ષનો માર્ગ’, ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈ અટકી જાય છે; પણ આ અંદરમાં વિકલ્પો સાથે એકતાબુદ્ધિ તો પડી જ છે તેને કાં જોતો નથી? આ અંતરમાં શાન્તિ કેમ દેખાતી નથી? પાપભાવ ત્યાગી ‘સર્વસ્વ કર્યું’ માની સંતોષાઈ જાય છે. સાચા આત્માર્થીને અને સમ્યગ્દ્રષ્ટિને તો ‘ઘણું


Page 65 of 186
PDF/HTML Page 82 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૬૫

બાકી છે, ઘણું બાકી છે’ એમ પૂર્ણતા સુધી ઘણું બાકી છે એમ જ ભાવના રહે અને તો જ પુરુષાર્થ અખંડ ટકી શકે.

ગૃહસ્થાશ્રમમાં સમકિતીએ મૂળિયાં પકડી લીધાં, (દ્રષ્ટિ-અપેક્ષાએ) બધું કરી લીધું, અસ્થિરતારૂપ ડાળાં પાંદડાં જરૂર સુકાઈ જશે. દ્રવ્યલિંગી સાધુએ મૂળ જ પકડ્યું નથી; એણે કાંઈ કર્યું જ નથી. ‘સમકિતીને ઘણું બાકી છે ને દ્રવ્યલિંગી મુનિએ ઘણું કરી લીધુંએમ બાહ્યદ્રષ્ટિ લોકોને ભલે લાગે; પણ એમ નથી. પરિષહ સહન કરે પણ અંદરમાં કર્તૃત્વબુદ્ધિ તૂટી નથી, આકુળતા વેદાય છે, તેણે કાંઈ કર્યું જ નથી. ૧૯૯.

શુદ્ધનયની અનુભૂતિ અર્થાત્ શુદ્ધનયના વિષયભૂત અબદ્ધસ્પૃષ્ટ-આદિરૂપ શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ચૌદ બ્રહ્માંડના ભાવો એમાં આવી ગયા. મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે બધું જાણી લીધું. ‘સર્વગુણાંશ તે સમકિતઅનંત ગુણોનો અંશ પ્રગટ્યો; આખા લોકાલોકનું સ્વરૂપ જણાઈ ગયું.

જે માર્ગે આ સમકિત થયું તે જ માર્ગે મુનિપણું ને કેવળ થશેએમ જણાઈ ગયું. પૂર્ણતાના લક્ષે શરૂઆત થઈ; આ જ માર્ગે દેશવિરતિપણું, મુનિપણું, પૂર્ણ


Page 66 of 186
PDF/HTML Page 83 of 203
single page version

૬૬

બહેનશ્રીનાં વચનામૃત

ચારિત્ર ને કેવળજ્ઞાનબધું પ્રગટ થશે.

નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે. ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્રમા ખ્યાલમાં આવે. ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે. ત્યાં (દ્રષ્ટાંતમાં) તો જુદાં જુદાં દ્રવ્ય ને આ તો એક જ દ્રવ્ય. માટે સમકિતમાં ચૌદ બ્રહ્માંડના ભાવો આવી ગયા. એ જ માર્ગે કેવળ. જેમ અંશ પ્રગટ્યો તેમ જ પૂર્ણતા પ્રગટશે. માટે શુદ્ધનયની અનુભૂતિ એટલે કે શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ૨૦૦.

અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક; શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ ‘અપરિણામી’ નિજાત્મા.

પ્રમાણ-અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમ જ પરિણામી છે. પણ અપરિણામી તત્ત્વ પર દ્રષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે; પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં જતા રહે? પરિણમન તો પર્યાયસ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે.


Page 67 of 186
PDF/HTML Page 84 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૬૭

પરંતુ અપરિણામી તત્ત્વ ઉપરજ્ઞાયક ઉપર દ્રષ્ટિ તે જ સમ્યક્ દ્રષ્ટિ છે. માટે ‘આ મારી જ્ઞાનની પર્યાય’, ‘આ મારી દ્રવ્યની પર્યાય’ એમ પર્યાયમાં શું કામ રોકાય છે? નિષ્ક્રિય તત્ત્વ ઉપરતળ ઉપર દ્રષ્ટિ સ્થાપ ને!

પરિણામ તો થયા જ કરશે. પણ, આ મારી અમુક ગુણપર્યાય થઈ, આ મારા આવા પરિણામ થયા એમ શા માટે જોર આપે છે? પર્યાયમાંપલટતા અંશમાંદ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે? તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબ ને!

જ્ઞાનાનંદસાગરનાં તરંગોને ન જોતાં તેના દળ ઉપર દ્રષ્ટિ સ્થાપ. તરંગો તો ઊછળ્યા જ કરશે. તું એમને અવલંબે છે શું કામ?

અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હઠાવી લે. અનંત ગુણમય એક નિત્ય નિજતત્ત્વઅપરિણામી અભેદ એક દળતેમાં દ્રષ્ટિ દે. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ. તું જ્ઞાતાદ્રષ્ટા થઈ જઈશ. ૨૦૧.

દ્રઢ પ્રતીતિ કરી, સૂક્ષ્મ ઉપયોગવાળો થઈ, દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. ત્યાંથી તને


Page 68 of 186
PDF/HTML Page 85 of 203
single page version

૬૮

બહેનશ્રીનાં વચનામૃત

શાન્તિ ને આનંદ મળશે. ખૂબ ધીરો થઈ દ્રવ્યનું તળિયું લે. ૨૦૨.

આ બધેબહારસ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવી, ખૂબ જ ધીરો થઈ, દ્રવ્યને પકડ. વર્ણ નહિ, ગંધ નહિ, રસ નહિ, દ્રવ્યેન્દ્રિય પણ નહિ અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડરૂપ છે, ક્ષાયોપશમિક જ્ઞાન છે અને દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. આ બધાંથી પેલે પાર દ્રવ્ય છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ. ૨૦૩.

આત્મા તો અનંત શક્તિઓનો પિંડ છે. આત્મામાં દ્રષ્ટિ સ્થાપવાથી અંદરથી જ ઘણી વિભૂતિ પ્રગટે છે. ઉપયોગને સૂક્ષ્મ કરી અંદર જવાથી ઘણી સ્વભાવભૂત રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે. અંદર તો આનંદનો સાગર છે. જ્ઞાનસાગર, સુખસાગરએ બધું અંદર આત્મામાં જ છે. જેમ સાગરમાં ગમે તેટલાં જોરદાર તરંગો ઊછળ્યા કરે તોપણ તેમાં વધઘટ થતી નથી, તેમ અનંત અનંત કાળ સુધી કેવળજ્ઞાન વહ્યા કરે


Page 69 of 186
PDF/HTML Page 86 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૬૯

તોપણ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. ૨૦૪.

ચૈતન્યની અગાધતા, અપૂર્વતા ને અનંતતા બતાવનારાં ગુરુનાં વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.

હે શુદ્ધાત્મદેવ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાન્ત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો! મારા ચૈતન્યદેવમાં તો પરમ વિશ્રાન્તિ છે, બહાર નીકળતાં તો અશાન્તિ જ લાગે છે.

હું નિર્વિકલ્પ તત્ત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્ત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ૨૦૫.

જ્ઞાનીએ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. અભેદમાં જ દ્રષ્ટિ છેઃ ‘હું તો જ્ઞાનાનંદમય એક વસ્તુ છું’. તેને વિશ્રાન્તિનો મહેલ મળી ગયો છે, જેમાં અનંતો આનંદ ભરેલો છે. શાન્તિનું સ્થાન, આનંદનું સ્થાનએવો પવિત્ર ઉજ્જ્વળ આત્મા છે. ત્યાંજ્ઞાયકમાંરહી જ્ઞાન


Page 70 of 186
PDF/HTML Page 87 of 203
single page version

૭૦

બહેનશ્રીનાં વચનામૃત

બધું કરે છે પણ દ્રષ્ટિ તો અભેદ ઉપર જ છે. જ્ઞાન બધું કરે પણ દ્રષ્ટિનું જોર એટલું છે કે પોતાને પોતા તરફ ખેંચે છે. ૨૦૬.

હે જીવ! અનંત કાળમાં શુદ્ધોપયોગ ન કર્યો તેથી તારો કર્મરાશિ ક્ષય થયો નહિ. તું જ્ઞાયકમાં ઠરી જા તો એક શ્વાસોચ્છ્વાસમાં તારાં કર્મો ક્ષય થઈ જશે. તું ભલે એક છો પણ તારી શક્તિ અનંતી છે. તું એક અને કર્મ અનંત; પણ તું એક જ અનંતી શક્તિવાળો બધાંને પહોંચી વળવા બસ છો. તું ઊંઘે છે માટે બધાં આવે છે, તું જાગ તો બધાં એની મેળે ભાગી જશે. ૨૦૭.

બાહ્ય દ્રષ્ટિથી કાંઈ અંતર્દ્રષ્ટિ પ્રગટ થતી નથી. આત્મા બહાર નથી; આત્મા તો અંદરમાં જ છે. માટે તારે બીજે ક્યાંય જવું નહિ, પરિણામને ક્યાંય ભટકવા દેવા નહિ; તેને એક આત્મામાં જ વારંવાર લગાડ; વારંવાર ત્યાં જ જવું, એને જ ગ્રહણ કરવો. આત્માના જ શરણે જવું. મોટાના આશ્રયે જ બધું પ્રગટ થાય છે. અગાધ શક્તિવાળા ચૈતન્યચક્રવર્તીને ગ્રહણ કર. આ એકને જ ગ્રહણ કર. ઉપયોગ બહાર જાય પણ ચૈતન્યનું આલંબન એને અંદરમાં જ લાવે છે. વારંવાર...વારંવાર


Page 71 of 186
PDF/HTML Page 88 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૭૧

એમ કરતાં...કરતાં...કરતાં (સ્વરૂપમાં લીનતા જામતાં... જામતાં) ક્ષપકશ્રેણી પ્રગટીને પૂર્ણ થઈ જાય છે. જે વસ્તુ છે તે ઉપર જ તારી દ્રષ્ટિનો દોર બાંધ, પર્યાયના આલંબને કાંઈ ન થાય. ૨૦૮.

જેમ રાજા પોતાના મહેલમાં ઊંડો ઊંડો રહે છે તેમ ચૈતન્યરાજા ઊંડા ઊંડા ચૈતન્યના મહેલમાં જ વસે છે; ત્યાં જા. ૨૦૯.

તું પોતે માર્ગ જાણતો નથી ને જાણેલાને સાથે રાખે નહિ, તો તું એક ડગલું પણ કઈ રીતે ભરીશ? તું પોતે આંધળો, અને જો ગુરુવાણીનું અને શ્રુતનું અવલંબન ન રાખ, તો સાધકનો માર્ગ જે અંદરમાં છે તે તને કેમ સૂઝશે? સમકિત કેમ થશે? સાધકપણું કેમ આવશે? કેવળ કેમ પ્રગટશે?

અનંત કાળનો અજાણ્યો માર્ગ ગુરુવાણી અને આગમ વગર જણાતો નથી. સાચો નિર્ણય તો પોતે જ કરવાનો છે પણ તે ગુરુવાણી અને આગમના અવલંબને થાય છે. સાચા નિર્ણય વગરસાચા જ્ઞાન વગરસાચું ધ્યાન થઈ શકતું નથી. માટે તું શ્રુતના


Page 72 of 186
PDF/HTML Page 89 of 203
single page version

૭૨

બહેનશ્રીનાં વચનામૃત

અવલંબનને, શ્રુતના ચિંતવનને સાથે જ રાખજે.

શ્રવણયોગ હોય તો તત્કાળબોધક ગુરુવાણીમાં અને સ્વાધ્યાયયોગ હોય તો નિત્યબોધક એવાં આગમમાં પ્રવર્તન રાખજે. તે સિવાયના કાળમાં પણ ગુરુવાણી ને આગમે બતાવેલા ભગવાન આત્માના વિચાર ને મંથન રાખજે. ૨૧૦.

વસ્તુનું સ્વરૂપ બધાં પડખેથી જ્ઞાનમાં જાણી અભેદજ્ઞાન પ્રગટ કર. અંદરમાં સમાયા તે સમાયા; અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિસુખમાં લીન થયા. ‘બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે’. માટે તું તે જ્ઞાનપદને પ્રાપ્ત કર. તે અપૂર્વ પદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે, પણ ચૈતન્ય- દેવનું સ્વરૂપ શું છે, આવા રતનરાશિ જેવા તેના અનંત ગુણોનો સ્વામી કેવો છેતે જાણ્યા વગર ધ્યાન કેવું? જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના, તે ગ્રહણ કર્યા વિના, ધ્યાન કોના આશ્રયે થશે? એકાગ્રતા ક્યાં જામશે? ૨૧૧.

એક સત્-લક્ષણ આત્માએનો જ પરિચય રાખજે. જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ’. તું


Page 73 of 186
PDF/HTML Page 90 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૭૩

લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથીપુરુષાર્થથી અંદર વિચરજે. ૨૧૨.

લોકોના ભયને ત્યાગી, ઢીલાશ છોડી, પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. ‘લોક શું કહેશે’ એમ જોવાથી ચૈતન્યલોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ! તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે. ૨૧૩.

સદ્ગુરુના ઉપદેશરૂપ નિમિત્તમાં (નિમિત્તપણાની) પૂર્ણ શક્તિ છે પણ તું તૈયાર ન થાય તોતું આત્મદર્શન પ્રગટ ન કર તો?? અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા પણ તેં અંતરમાં ડૂબકી મારી નહિ! તું એકલો જ છો; સુખદુઃખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર કેવળ તું એકલો જ છો.

‘‘જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે!
જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે.’’


Page 74 of 186
PDF/HTML Page 91 of 203
single page version

૭૪

બહેનશ્રીનાં વચનામૃત

તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મ- દર્શન પ્રગટ કર.

ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને ઠર; તો તને અનંત જ્ઞાન ને સુખનું ધામ એવા નિજ આત્માનાં દર્શન થશે. ૨૧૪.

મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ પોતાની શોધકવૃત્તિ વહી ન જાયપોતાના સત્સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે.

વળી તે ‘હું શુદ્ધ છું, હું શુદ્ધ છું’ કરીને પર્યાયની અશુદ્ધતા ભુલાઈ જાયસ્વચ્છંદ થઈ જાય એમ ન કરે; શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ૨૧૫.

સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે ‘મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે એમ દ્રઢતા કરી બસ ‘દ્રવ્ય તે જ હું’ એવા ભાવે


Page 75 of 186
PDF/HTML Page 92 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૭૫

પરિણમી જાય છે, બાકી બધું કાઢી નાખે છે.

દ્રષ્ટિ એકેય ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ ‘મને સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થયું કે નહિ’ એમ જોવા નથી બેસતી. એનેદ્રવ્યદ્રષ્ટિવાળા જીવનેખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ્યદ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ; છતાં ‘મને સમ્યગ્દર્શન થયું, મને અનુભૂતિ થઈ’ એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંટી નથી જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી, બધાંને કાઢી નાખી, દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિસ્પૃહ ભાવે જ દ્રષ્ટિ પ્રગટ થાય છે. ૨૧૬.

દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય ને પર્યાય બંને સમાન કોટિનાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ નાની જ છે. દ્રવ્યદ્રષ્ટિવાળાને અંદરમાં એટલા બધા રસકસવાળું તત્ત્વ દેખાય છે કે તેની દ્રષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી. ભલે અનુભૂતિ થાય, પણ દ્રષ્ટિ અનુભૂતિમાંપર્યાયમાંચોંટી નથી જતી. અહો! આવો આશ્ચર્યકારી દ્રવ્યસ્વભાવ પ્રગટ્યો એટલે


Page 76 of 186
PDF/HTML Page 93 of 203
single page version

૭૬

બહેનશ્રીનાં વચનામૃત

કે અનુભવમાં આવ્યો!’ એમ જ્ઞાન જાણે, પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપરદ્રવ્યસ્વભાવ ઉપરજામેલી તે જામેલી જ રહે છે. ૨૧૭.

કોઈ એકાંતમાં વસનારએકાંતપ્રેમીમાણસ હોય, એને પરાણે બાહ્ય કાર્યમાં જોડાવું પડે તો તે ઉપલકપણે જોડાતો દેખાય ખરો, પણ કોણ જાણે તે બહારમાં આવ્યો છે કે નહિ!! અથવા કોઈ ઘણો નબળો માણસ હોય ને એના માથે કોઈ કામનો બોજો મૂકે તો તેને કેટલું આકરું લાગે? એવી રીતે જ્ઞાનીને જ્ઞાનધારા વર્તતી હોવાથી બહારનાં કાર્યમાં જોડાવું બોજારૂપ લાગે છે. ૨૧૮.

ગમે તેવી કટોકટીમાંથી પોતાનાં જ્ઞાન-ધ્યાનનો સમય ખેંચીને કાઢી લેવો. આ અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. તેને વ્યર્થ જવા ન દેવું. ૨૧૯.

જ્ઞાયકપરિણતિનો દ્રઢ અભ્યાસ કર. શુભભાવના કર્તૃત્વમાં પણ આખા લોકનું કર્તાપણું સમાયેલું છે. ૨૨૦.


Page 77 of 186
PDF/HTML Page 94 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૭૭

સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મુહૂર્ત નહિ પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. ૨૨૧.

મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ, માત્ર નિજગુણોમાં જ રમણશીલ, નિરાલંબી હોય છે. મુનિરાજ મોક્ષપંથે પ્રયાણ ચાલુ કર્યાં તે પૂરાં કરે છે. ૨૨૨.

શુદ્ધાત્મામાં ઠરવું તે જ કાર્ય છે, તે જ સર્વસ્વ છે. ઠરી જવું તે જ સર્વસ્વ છે, શુભભાવ આવે પણ તે સર્વસ્વ નથી. ૨૨૩.

અંતરાત્મા તો દિવસ ને રાત અંતરંગમાં આત્મા, આત્મા ને આત્માએમ કરતાં કરતાં, અંતરાત્મભાવે પરિણમતાં પરિણમતાં, પરમાત્મા થઈ જાય છે. ૨૨૪.

અહો! અમોઘરામબાણ જેવાંગુરુવચનો! જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય છે, સ્વભાવ પ્રગટ


Page 78 of 186
PDF/HTML Page 95 of 203
single page version

૭૮

બહેનશ્રીનાં વચનામૃત

થઈ જાય છે. અવસર ચૂકવા જેવો નથી. ૨૨૫.

પોતાનો અગાધ ગંભીર જ્ઞાયકસ્વભાવ પૂર્ણ રીતે જોતાં આખો લોકાલોક ભૂત-ભવિષ્યની પર્યાય સહિત સમય- માત્રમાં જણાઈ જાય છે. વધારે જાણવાની આકાંક્ષાથી બસ થાઓ, સ્વરૂપનિશ્ચળ જ રહેવું યોગ્ય છે. ૨૨૬.

શુદ્ધનયના વિષયભૂત આત્માની સ્વાનુભૂતિ સુખરૂપ છે. આત્મા સ્વયમેવ મંગળરૂપ છે, આનંદરૂપ છે; તેથી આત્માની અનુભૂતિ પણ મંગળરૂપ અને આનંદરૂપ છે. ૨૨૭.

આત્માના અસ્તિત્વને ઓળખીને સ્વરૂપમાં ઠરી જા, બસ!...તારું અસ્તિત્વ આશ્ચર્યકારી અનંત ગુણપર્યાયથી ભરેલું છે. તેનું પૂર્ણ સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું આવી શકતું નથી. તેને અનુભવી, તેમાં ઠરી જા. ૨૨૮.

મુનિને સંયમ, નિયમ ને તપબધાંમાં આત્મા સમીપ હોય. અહો! તું તો આત્માની સાધના કરવા નીકળ્યો...ત્યાં આ લૌકિક જનના પરિચયનો રસ કેમ?


Page 79 of 186
PDF/HTML Page 96 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૭૯

તારે શુદ્ધિ વધારવી હોય, દુઃખથી છૂટવાની ભાવના હોય, તો અધિક ગુણવાળા કે સરખા ગુણવાળાના સંગમાં વસજે.

લૌકિક સંગ તારો પુરુષાર્થ મંદ પડવાનું કારણ થશે. વિશેષ ગુણીનો સંગ તારા ચૈતન્યતત્ત્વને નિહાળવાની પરિણતિ વિશેષ વધવાનું કારણ થશે.

અચાનક આવી પડેલા અસત્સંગમાં તો પોતે પુરુષાર્થ રાખી જુદો રહે, પણ પોતે રસપૂર્વક જો અસત્સંગ કરે તો તેની પરિણતિ મંદ પડી જાય.

આ તો સ્વરૂપમાં ઝૂલતા મુનિઓને (આચાર્ય- દેવની) ભલામણ છે. નિશ્ચય-વ્યવહારની સંધિ જ એવી છે. આ પ્રમાણે પોતાની ભૂમિકાનુસાર બધાએ સમજી લેવાનું છે. ૨૨૯.

આત્મા તો આશ્ચર્યકારી ચૈતન્યમૂર્તિ! પહેલાં ચારે બાજુથી તેને ઓળખી, પછી નય-પ્રમાણ વગેરેના પક્ષ છોડી અંદરમાં ઠરી જવું. તો અંદરથી જ મુક્ત સ્વરૂપ પ્રગટ થશે. અંદર સ્વરૂપમાં ઠરી ગયેલા જ્ઞાનીઓ જ સાક્ષાત્ અતીન્દ્રિય આનંદામૃતને અનુભવે છેत एव साक्षात् अमृतं पिबन्ति’. ૨૩૦.


Page 80 of 186
PDF/HTML Page 97 of 203
single page version

૮૦

બહેનશ્રીનાં વચનામૃત

આત્માના ગુણ ગાતાં ગાતાં ગુણી થઈ ગયો ભગવાન થઈ ગયો; અસંખ્ય પ્રદેશોમાં અનંત ગુણરત્નોના ઓરડા બધા ખુલ્લા થઈ ગયા. ૨૩૧.

જ્ઞાતાનું ધ્યાન કરતાં કરતાં આત્મા જ્ઞાનમય થઈ ગયો, ધ્યાનમય થઈ ગયોએકાગ્રતામય થઈ ગયો. અંદર ચૈતન્યના નંદનવનમાં એને બધું મળી ગયું; હવે બહાર શું લેવા જાય? ગ્રહવાયોગ્ય આત્મા ગ્રહી લીધો, છોડવાયોગ્ય બધું છૂટી ગયું; હવે શું કરવા બહાર જાય? ૨૩૨.

અંદરથી જ્ઞાન ને આનંદ અસાધારણપણે પૂર્ણ પ્રગટ થયાં તેને હવે બહારથી શું લેવાનું બાકી રહ્યું? નિર્વિકલ્પ થયા તે થયા, બહાર આવતા જ નથી. ૨૩૩.

મારે કરવાનું ઘણું બાકી છે એમ માનનારને જ આગળ વધવાનો અવકાશ રહે છે. અનંત કાળમાં ‘મારે આત્માનું કલ્યાણ કરવું છે’ એવા પરિણામ જીવે ઘણી વાર કર્યા, પણ વિવિધ શુભ ભાવો કરી તેમાં સર્વસ્વ માનીને ત્યાં સંતોષાઈ ગયો. કલ્યાણ કરવાની સાચી


Page 81 of 186
PDF/HTML Page 98 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૮૧

વિધિને જાણી નહિ. ૨૩૪.

સ્વતઃસિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ હોય? વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય, પ્રતિકૂળ હોઈ શકે જ નહિ. સ્વતઃસિદ્ધ વસ્તુ સ્વયં પોતાને દુઃખરૂપ હોય શકે જ નહિ. ૨૩૫.

મલિનતા ટકતી નથી અને મલિનતા ગમતી નથી, માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહિ. ૨૩૬.

હે આત્મા! તારે જો વિભાવથી છૂટી મુક્તદશા પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ કર. દ્રવ્યદ્રષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે; દ્રવ્યદ્રષ્ટિના વિષયમાં ગુણભેદ પણ હોતા નથી. આવી શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ કર.

આવી દ્રષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણો તથા પર્યાયોને, અભેદ તેમ જ ભેદને, વિવિધ પ્રકારે જાણે છે. લક્ષણ, પ્રયોજન ઇત્યાદિ અપેક્ષાએ ગુણોમાં


Page 82 of 186
PDF/HTML Page 99 of 203
single page version

૮૨

બહેનશ્રીનાં વચનામૃત

ભિન્નતા છે અને વસ્તુ-અપેક્ષાએ અભેદ છે એમ જ્ઞાન જાણે છે. ‘આ આત્માની આ પર્યાય પ્રગટ થઈ, આ સમ્યગ્દર્શન થયું, આ મુનિદશા થઈ, આ કેવળજ્ઞાન થયુંએમ બધી મહિમાવંત પર્યાયોને તેમ જ અન્ય સર્વ પર્યાયોને જ્ઞાન જાણે છે. આમ હોવા છતાં શુદ્ધ દ્રષ્ટિ (સામાન્ય સિવાય) કોઈ પ્રકારમાં રોકાતી નથી.

સાધક આત્માને ભૂમિકા પ્રમાણે દેવ-ગુરુના મહિમાના, શ્રુતચિંતવનના, અણુવ્રત-મહાવ્રતના ઇત્યાદિ વિકલ્પો હોય છે, પણ તે જ્ઞાયકપરિણતિને બોજારૂપ છે કારણ કે સ્વભાવથી વિરુદ્ધ છે. અધૂરી દશામાં તે વિકલ્પો હોય છે; સ્વરૂપમાં એકાગ્ર થતાં, નિર્વિકલ્પ સ્વરૂપમાં વાસ થતાં, તે બધા છૂટી જાય છે. પૂર્ણ વીતરાગ દશા થતાં સર્વ પ્રકારના રાગનો ક્ષય થાય છે.

આવી સાધકદશા પ્રગટ કરવાયોગ્ય છે. ૨૩૭.

તારે જો તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. જો દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાય સહેજે મળી જશે. ૨૩૮.


Page 83 of 186
PDF/HTML Page 100 of 203
single page version

બહેનશ્રીનાં વચનામૃત
૮૩

શુભનો વ્યવહાર પણ અસાર છે, તેમાં રોકાવા જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ, બધું આવે, પણ તે બધું છોડતો જાય છે; તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે. માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપમાં જ પહોંચી જાય છે. ૨૩૯.

અરે જીવ! અનંત અનંત કાળ વીત્યો, તેં પરનું તો કોઈ દિવસ કંઈ કર્યું જ નથી; અંદરમાં શુભાશુભ વિકલ્પો કરીને જન્મ-મરણ કર્યાં. હવે અનંત ગુણનો પિંડ એવો જે નિજ શુદ્ધાત્મા તેને બરાબર સમજી, તેમાં જ તીક્ષ્ણ દ્રષ્ટિ કરી, પ્રયાણ કર; તેનું જ શ્રદ્ધાન, તેની અનુભૂતિ, તેમાં જ વિશ્રામ કર. ૨૪૦.

ઓહો! આ તો ભગવાન આત્મા! સર્વાંગે સહજાનંદની મૂર્તિ! જ્યાંથી જુઓ ત્યાં આનંદ, આનંદ ને આનંદ. જેમ સાકરમાં સર્વાંગે ગળપણ તેમ આત્મામાં સર્વાંગે આનંદ. ૨૪૧.