Page 218 of 225
PDF/HTML Page 231 of 238
single page version
૨૧૮ શ્રી પ્રવચન રત્નો -૧
... આ શરીર છે તે શરીરમાં જણાય છે? કે આત્માની જ્ઞાન પર્યાયમાં જણાય છે? જે પર્યાયનું અસ્તિત્વ છે તેમાં તે જણાય છે. ખરેખર તે જણાતું નથી પરંતુ ખરેખર તો એની પર્યાય જણાય છે. એ પર્યાય પણ એમાં નથી. અહાહા! લોજીકથી કાંઈક પકડશે કે નહી ન્યાય! જેની સત્તામાં આ સત્તાનો સ્વીકાર થાય છે તે ચૈતન્યની પર્યાયની સત્તામાં આ છે. પૈસા છે ને બાયડી છે ને આ છોકરા છે એ ચીજ કાંઈ એની પર્યાયમાં આવતી નથી. પર્યાય એટલે અવસ્થા - જાણવાની અવસ્થા. ત્રિકાળ દ્રવ્ય અને ત્રિકાળ ગુણ અને વર્તમાન પર્યાય-અવસ્થા. એ અવસ્થામાં એ ચીજ કાંઈ આવતી નથી; પણ એ ચીજ છે એમ જાણે છે એ પણ એ ચીજને જાણતો નથી. અહાહા! એ ચીજ તો આવતી નથી પણ એ ચીજને જાણતો નથી. એ તો જાણનારને જાણે છે.
અહાહા! આવું છે પ્રભુ! આ તો વીતરાગ, જિનેશ્વર ત્રિલોકનાથ પરમાત્માની વાણી આ છે બાપા! લોકોએ પામર તરીકે કાઢી નાખી છે. એકેન્દ્રિયની દયા પાળો, ફલાણાની દયા પાળો ને આ વ્રત કરોને એમ કરીને જૈનધર્મને પામર કરી નાખ્યો છે. જેની પ્રભુતાનો પાર નથી, જેની મોટપનો પાર નથી અહાહા!
જે આ જગતમાં ચીજો છે. આ શરીર છે એમ શરીરને ખબર પડે છે? એ આત્માની પર્યાયમાં ખબર પડે છે કે આ શરીર છે છતાં પર્યાયમાં એ શરીર આવતું નથી. ખરેખર તો એ પર્યાય શરીરને જાણતી પણ નથી કારણ કે એ પર્યાય શરીરમાં તન્મય થતી નથી. તન્મય થયા વિના જાણવું કહેવું એ બરાબર નથી. આ શરીર છે, વાણી છે, રાગ છે, આ પૈસો - ધૂળ છે, આ મકાન છે એ આત્માની પર્યાય એટલે કે અવસ્થાની સત્તામાં જણાય છે. એ જણાય છે એ આત્માની સત્તાની અવસ્થા જણાય છે; એ વસ્તુ નહીં.
અહાહા! આ બધું દેખાય છે. આંખ તો આટલી છે એમાં દેખાય આટલું બધું. ખરેખર તો અસંખ્ય પ્રદેશમાં દેખાય છે. આ તો આંખ નિમિત્ત છે. અસંખ્ય પ્રદેશમાં પર્યાયમાં જણાય છે. એ પર્યાયમાં પર્યાયની શક્તિથી પર્યાયને જાણે છે.
અહાહા! પ્રભુ! તું તો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા અનંત ગુણોથી શોભાયમાન છો ને! એમાં પરના વિકલ્પોથી તને તો અશોભા અને કલંક લાગે છે. જે આનંદ અને જ્ઞાનથી શોભનારું તત્ત્વ એવું જે પરમાત્મ તત્ત્વ પોતે પ્રભુ નિજ પરમાત્મા એની પર્યાયમાં આ કરું ને આ કરું! પણ આ કરું એ ચીજ તો આહી આવતી નથી અને તારી પર્યાય એ ચીજમાં જાતી નથી તો પરનું કરવું તો એમાં આવતું નથી પણ પરને જાણવું કહેવું એ પણ વ્યવહાર છે – અસદ્ભૂત વ્યવહાર છે કેમ કે પરમાં તન્મય થતો નથી. ફકત પોતાની પર્યાયને જો છે એમ કહેવું એ પણ સદ્ભૂત વ્યવહાર છે.
(પૂ. ગુરુદેવશ્રીના નિયમસાર શ્લોક-૧૨૦ ઉપરના દિ. ૨પ-૧૧-૭૯ના પ્રવચનમાંથી)
Page 219 of 225
PDF/HTML Page 232 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૨૧૯
જ્ઞાન સ્વ-પર પ્રકાશક સ્વભાવી છે. જિનવાણીનું આ કથન મહાસત્ય છે. જ્ઞાનનો સ્વભાવ જાણવું છે તો તેમાં કોને જાણવું અને કોને ન જાણવું એવો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. પરંતુ જ્યારે આત્માનુભવી જ્ઞાની પુરુષો વારંવાર એમ સમજાવતા હોય કે જ્ઞાન સ્વપર પ્રકાશકપણાની એક શક્તિ ધરાવે છે તે વાત સાચી છે પરંતુ જ્ઞાન પરને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો જ્ઞાન જેમાં પોતાના સ્વપર પ્રકાશકપણાની દ્વિરૂપતા જણાઈ રહી છે તેવી પોતાની પર્યાયને જ જાણે છે. આમ જ્ઞાન તો જ્ઞાનને જ જાણે છે ખરેખર પરને જાણતું નથી. કેવળી ભગવાન નું કેવળજ્ઞાન પણ નિરંતર પોતાની વર્તમાન વર્તતી જ્ઞાનપર્યાયને જ જાણી રહેલ છે જે પર્યાયમાં લોકાલોક સતત પ્રકાશિત થયા કરે છે.
વળી એક ન્યાય એવો પણ આપવામાં આવે છે કે જ્ઞાન તન્મય થયા વિના જાણી શકે નહિ અને જ્ઞાનની પર્યાય પર સાથે તો તન્મય થતી નથી તેથી ખરેખર પરમાર્થથી જોતાં જ્ઞાનપર્યાય પરને જાણી શકે જ નહિ. પર્યાય પર્યાયમાં તન્મય હોવાથી પોતે પોતાને જાણે છે અને પ્રયોજનની દ્રષ્ટિએ અભેદ વિવક્ષા લઈએ તો જ્ઞાન પર્યાય જ્ઞાનમય છે અને જ્ઞાન તો સદા જ્ઞાયકમય જ હોય છે તેથી જ્ઞાયક જ જાણવામાં આવે છે એ નિશ્ચય છે.
જ્ઞાન પર્યાયની જાણવા સંબંધી જો આવી સ્થિતિ છે તો પછી પરના જણાવા સંબંધી કોઈ ખાસ વ્યવસ્થા હોવી જોઈએ કારણ કે પર સંબંધીનું જ્ઞાન તો થયા જ કરે છે. આ પ્રશ્નના ઉત્તરરૂપ કથનો જિનવાણીમાં આવે છે પરંતુ તે કથનો યથાર્થ ખ્યાલમાં, યથાર્થરીતે આવ્યા નથી. જ્ઞાનની સ્વચ્છતા, ઉપયોગની સ્વચ્છતા, આત્મામાં, રહેલી સ્વચ્છત્વશક્તિ વગેરે સંબંધી મીમાંસા કરતાં સ્વપરનું પ્રકાશન કેવી રીતે થાય છે તે સમજાય છે. જ્યાં જ્યાં સ્વચ્છતાની વાત આવી છે ત્યાં ત્યાં દર્પણના દ્રષ્ટાંતથી પ્રકાશનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. બાહ્ય પદાર્થો દર્પણમાં પ્રતિબિંબિત થાય છે તે દર્પણની સ્વચ્છતાનું પરિણમન છે, પદાર્થનું એમાં કાંઈ કર્તવ્ય નથી.
જ્ઞાનની સ્વચ્છતાને કારણે લોકાલોક સ્વ-પર સમસ્ત પદાર્થો પોતાનું પ્રમેયત્વ સમર્પિત કરતાં સ્વયમેવ ઝળકે છે. જ્ઞાન તો સમયે સમયે આ ઝળકવાપણાને જાણી રહેલ છે, પદાર્થોને નહી કેમ કે ઝળ કવું જ્ઞાનની સત્તામાં બની રહ્યું છે જ્યારે લોકાલોક તો જ્ઞાનની સત્તાથી બહાર વર્તે છે. સ્વચ્છત્વના નિજ અમૂર્ત આત્મપ્રદેશોમાં થઈ રહેલા પરિણમનને જ પ્રતિભાસન, અવભાસન, પ્રતિબિંબિતપણું, પ્રકાશન વગેરે શબ્દોથી ઓળખવામાં આવે છે. સ્વચ્છત્વના આ નિરંતર ચાલતા પરિણમનને કારણે જ જ્ઞાન સ્વસત્તામાં રહીને પર સન્મુખ થયા વિના તેમજ પરમાં તન્મય થયા વિના પોતાના સ્વચ્છત્વના પરિણમનમાં પ્રતિભાસિત સમસ્તને તેજ સમયે જાણી લે છે. સ્વચ્છત્વને કારણે થતો પ્રતિભાસરૂપ પ્રકાશનનો વ્યાપાર તથા જ્ઞાનનો જાણનક્રિયારૂપ વ્યાપાર સમકાળે ચાલતા રહેતા હોવાથી કાળભેદ વિના સ્વપરનું જાણવું બની શકે છે. આમ પ્રકાશકપણું એ પ્રતિભાસ એટલે કે ઝળકવાના અર્થમાં પ્રતિપાદિત છે, તેને સમકાલીન પરિણમનને કારણે જાણવાના અર્થમાં પણ ઠેકઠેકાણે કથિત કરવામાં આવે છે પરંતુ
Page 220 of 225
PDF/HTML Page 233 of 238
single page version
૨૨૦ શ્રી પ્રવચન રત્નો-૧ જ્ઞાનની જાણનક્રિયાના અર્થમાં જોઈએ તો સર્વજીવોને સર્વકાળે અને સર્વક્ષેત્રે જ્ઞાનમાં તો પોતાનું જ્ઞાન જ જણાયા કરે છે એટલે કે જ્ઞાયક જ અભેદનયે જાણવામાં આવી રહ્યો છે.
વળી પ્રતિભાસ શબ્દ શાબ્દિક અર્થની દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન અર્થમાં વપરાય છે. પ્રતિભાસનો એક અર્થ “જાણે કે આમ ન હોય એવું લાગે છે” એવારૂપે થાય છે. અજ્ઞાનીને વાસ્તવિકતા ન હોય તો પણ તેવું પ્રતિભાસવું એ ભ્રમણાના અર્થમાં થતો પ્રતિભાસનો ઉપયોગ છે. અને જ્ઞાનની જાણનક્રિયા સાથે સંબંધિત પ્રતિભાસ શબ્દનો અર્થ સ્વચ્છત્વના પરિણમનરૂપ પ્રકાશકપણું, પ્રતિબિંબિતપણું, ઝળકવાપણું, અવભાસન થાય છે અને આ અર્થ જે સ્વપર પ્રકાશકતાને યથાર્થ સમજવા માટે યથાર્થ છે.
જ્ઞાની અજ્ઞાની બધામાં જ્ઞાનનું સ્વચ્છત્વ હોવાથી સ્વપરનો પ્રતિભાસ તો વર્ત્યા જ કરે છે. અજ્ઞાની એકાંત પર પ્રતિભાસનો સ્વીકાર કરી પરમાં એકત્વ સ્થાપતો હોવાથી તેના જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે તેથી તે અપ્રતિબુદ્ધ રહી જાય છે અને તેજ જીવ સ્વના પ્રતિભાસનો સ્વીકાર કરી એકત્વપૂર્વક સ્વજ્ઞાયકમય પરિણમન કરે છે તે પ્રતિબુદ્ધ થઈને અનુભૂતિ પ્રગટ કરી લે છે. આ વાત જ શ્રીમદ્ રાજચંદ્રજીના નીચેના કથનમાંથી ફલિત થાય છે-
“અનાદિકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તે જ જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી ભવનિવૃત્તિરૂપ કરનાર કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન જયવંત વર્તો, જયવંત વર્તો” .
આમાં જ્ઞાન તો માત્ર જાણક સ્વભાવી જ હોવાથી ભવના હેતુરૂપ કેમ થાય? પરંતુ સ્વચ્છત્વના પરિણમનને કારણે પરનો પ્રતિભાસ થતાં પરસાથે એકતાબુદ્ધિરૂપ વર્તવું થાય છે તે શ્રદ્ધા અને ચારિત્રના દોષિત પરિણામો સાથે ભેદજ્ઞાનના અભાવને લઈને જ્ઞાન એકત્વપૂર્વક વર્તે છે તેથી તેની ભવના હેતુરૂપ કહેવામાં આવેલ છે. આ હકીકતનો ખુલાસો શ્રી સમયસારજી શાસ્ત્રની ગાથા ૮૭ માં ભાવાર્થકાર સમકિતી પંડિત શ્રી જયચંદજીએ સ્પષ્ટ રીતે કરેલ છે તે યથાર્થપણે સમજીને સ્વીકૃત કરવા યોગ્ય છે.
પ્રતિભાસના સ્વચ્છત્વના પરિણમન સ્વરૂપ આ પ્રકારના ઉપયોગના સંદર્ભો જિનવાણી તથા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી સંકલિત કરીને અહીં પ્રકાશિત કરવામાં આવેલ છે.
Page 221 of 225
PDF/HTML Page 234 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો -૧ ૨૨૧
(૧) જિનવાણીમાંથીઃ ૧. સ્વચ્છત્વશક્તિની વ્યાખ્યાઃ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક
(અર્થાત્ અનેક આકારરૂપ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે) (શ્રી સમયસારજી શાસ્ત્રમાં ૧૧ મી શક્તિ) ૨. જેમાં દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ અતીત, અનાગત અને વર્તમાનકાળના
સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો.. જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદિ પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહીમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિંત થાય છે તેમ... જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે. (શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા-૧ઃ અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ) ૩. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ
જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનોજ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. (શ્રી સમયસારજી ગાથા-૬ નો ભાવાર્થ) ૪. જે પુરુષો પોતાથી જ અથવા પરના ઉપદેશથી કોઈપણ પ્રકારે ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ
કારણ છે એવી અવિચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે, તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી નિરંતર વિકાર રહિત હોય છે, - જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. (શ્રી સમયસારજી કળશ-૨૧) પ. આત્માની જ્ઞાન–સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ - નોકર્મ
જ્ઞેય છે તે પ્રતિભાસે છે. (શ્રી પ્રવચનસારજી ગાથા-૧૯ ભાવાર્થ). ૬. આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં જે શક્તિ વૈચિત્ર્યથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ થાય
છે તે પ્રકાશે છે. (શ્રી સમયસારજી ગાથા-૨૯ મથાળું) આ ગાથાની શ્રી જયસેનાચાર્યની ટીકામાં છે કે જ્ઞાની જ્ઞેય પદાર્થેષુ નિશ્ચયનયેન અપ્રવિષ્ટો અપિ વ્યવહારેણ પ્રવિષ્ટ ઈવ પ્રતિભાતીતિ શક્તિ વૈચિત્ર્ય. ૭. શ્લોકાર્થમાં છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે આનો ભાવાર્થ
Page 222 of 225
PDF/HTML Page 235 of 238
single page version
૨૨૨ શ્રી પ્રવચન રત્નો-૧
કારે એવો અર્થ કર્યો છે કે જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ચ્યુત થાય છે તે તેમનું અજ્ઞાન છે. (શ્રી સમયસારજી કળશ-૨૧પ) ૮. જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે તો પણ જ્ઞેય જ્ઞાનનું થતું જ નથી. ભાવાર્થકાર આને સમજાવતાં
લખે છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરાપણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં જ્ઞેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી. (શ્રી સમયસારજી કળશ - ૨૧૬) ૯. જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં
આવતા હતા તેનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. (શ્રી સમયસારજી કળશ-૪૭) ૧૦. જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ
છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી. જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવા યોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. (શ્રી સમયસારજી કલશ-૨૭૧ ભાવાર્થ) ૧૧. વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જ્ઞાનરૂપી ભીતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત,
અનાગત અને વર્તમાન પર્યાયોના જ્ઞેયાકારો સાક્ષાત્ અક ક્ષણે જ ભાસે છે. આત્માની અદ્ભુત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. જયસેનાચાર્યઃ સર્વે સદ્ભૂતા અસદ્ભૂતા અપિ પર્યાયાઃ યે સ્કુટં તે પૂર્વોકતાઃ પર્યાયો વર્તન્તે પ્રતિભાસન્તે પ્રતિસ્ફુરન્તિ કેવલજ્ઞાને. (શ્રી પ્રવચનસારજી ગાથા-૩૭) ૧૨. આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક હોવાથી, જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુપણે અન્યત્વ હોવા
છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવા અત્યંત અશકય હોવાથી, બધુંય જાણે કે આત્મામાં નિખાત - પેસી ગયું હોય એ રીતે પ્રતિભાસે છે. (સંસ્કૃત ટીકામાં “પ્રતિભાતિ” છે, ત્યાં જાણે છે એમ નથી.) (શ્રી પ્રવચનસારજી ગાથા-૪૯) ૧૩. પ્રથમ તો, અર્થવિકલ્પ તે જ્ઞાન છે. ત્યાં, અર્થ એટલે શું? સ્વ-પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ
તે અર્થ. તેના આકારોનું અવભાસન તે વિકલ્પ અને દર્પણના નિજ વિસ્તારની માફક જેમાં યુગપદ્ સ્વ-પર આકારો અવભાસે છે એવો જે અર્થ વિકલ્પ તે જ્ઞાન. (શ્રી પ્રવચનસારજી ગાથા-૧૨૪) ૧૪. એક પોતાના આત્માને જાણતાં આ ત્રણ લોક જાણવામાં આવી જાય છે કારણ કે આત્માના
ભાવરૂપ કેવળજ્ઞાનમાં આ લોક પ્રતિબિંબિત થતો વસી રહ્યો છે.
Page 223 of 225
PDF/HTML Page 236 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો -૧ ૨૨૩
આત્માને પોતાને જાણતાં બધા ભેદ જણાઈ જાય છે. જેણે પોતાને જાણી લીધો તેણે પોતાથી ભિન્ન સર્વ પદાર્થોને જાણી લીધા. અથવા આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યપ્તિજ્ઞાનથી સર્વ લોકાલોકને જાણે છે તેથી આત્માને જાણતાં બધું જાણી લીધું. અથવા વીતરાગ નિર્વિકલ પરમ સમાધિના બળથી કેવળજ્ઞાન પ્રગટ કરીને જેવી રીતે દર્પણમાં ઘટપટાદિ પદાર્થ ઝળકે છે તે જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સર્વ લોકાલોક ભાસે છે. (શ્રી પરમાત્મપ્રકાશ-હિંદીપ્રત ગાથા-૯૯, પાનું- ૯૩/૯૪) ૧પ. જેવી રીતે તારાઓનો સમૂહ નિર્મળ જળમાં પ્રતિબિંબિત થતો પ્રત્યક્ષ દેખાય છે તેવી જ રીતે
મિથ્યાત્વ રાગાદિ વિકલ્પોથી રહિત સ્વચ્છ આત્મામાં સમસ્ત લોક અલોક ભાસે છે. (શ્રી પરમાત્મપ્રકાશ ગાથા-૧૦૨, પાનું- ૯૬) ૧૬. જેવી રીતે દર્પણની સ્વચ્છતા, દર્પણનું સ્વરૂપ તથા દર્પણના આકાર બરાબર છે તેને છોડયા
વિના દર્પણ યથાયોગ્ય પદાર્થોને પ્રતિબિંબિત કરે છે તથા તે પદાર્થોમાં પ્રતિબિંબિત થવાનો સ્વભાવ હોવાથી પોતાનું સ્થાન છોડયા વિના જ તે દર્પણમાં પ્રતિબિંબિત થઈ જાય છે; તેવી જ રીતે જ્ઞાનાનંદના આધારભૂત આત્માનું જ્ઞાન આત્માના સ્વરૂપ અને આકાર બરાબર છે તેને છોડયા વિના જ સર્વજ્ઞ પરમાત્મા સર્વ લોકાલોકને જાણી લે છે તથા સર્વ લોકાલોક જ્ઞાનનો વિષય હોવાથી જ્ઞેયસ્વભાવી હોવાથી તે પણ પોતાનું સ્થાન છોડયા વિના જ જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ જાય છે. જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબિત મયૂર બાહ્યસ્થિત મયૂરનું પ્રતિબિંબરૂપ કાર્ય હોવાથી મયૂર જ કહેવાય છે તે જ રીતે જ્ઞાનમાં પ્રતિબિંબિત સર્વ લોકાલોક બાહ્ય સ્થિત લોકાલોકના પ્રતિબિંબરૂપ કાર્ય હોવાથી સર્વ લોકાલોક જ કહેવાય છે તેથી સર્વને જાણવાની અપેક્ષાએ આત્મા સર્વગત છે એમ કહેવામાં આવે છે. જેવી રીતે જ્ઞાનસ્વભાવી સર્વજ્ઞ જ્ઞાનમય સ્વક્ષેત્રથી બહાર ગયા વિના જ સર્વગત છે તેવી જ રીતે શરીર સ્થિત સર્વજ્ઞ શરીરની બહાર ગયા વિના જ સર્વગત છે. આ રીતે આત્માની જ્ઞાનમયતા તથા પદાર્થોની જ્ઞેયમયતાને કારણે પોતપોતાના ક્ષેત્રનો ત્યાગ કર્યા વિના જ ક્રમશઃ સર્વજ્ઞ સર્વગત તથા પદાર્થ સર્વજ્ઞગત છે એમ વ્યવહારથી કહેવાય છે. (શ્રી પ્રવચનસારજી ગાથા-૨૭ ની શ્રી જયસેનાચાર્યદેવની તાત્પર્યવૃત્તિ ટીકા) ૧૭. જેવી રીતે રૂપી દ્રવ્ય નેત્રની સાથે પરસ્પર સંબંધનો અભાવ હોવા છતાં પણ પોતાના આકારને
સમર્પિત કરવા સમર્થ છે અને નેત્રપણ તેમના આકારને ગ્રહણ કરવા સમર્થ છે તે જ રીતે ત્રણ લોકરૂપ ઉદરવિવર-છિદ્રમાં સ્થિત ત્રણકાળ સંબંધી પર્યાયોથી પરિણમિત પદાર્થ જ્ઞાનની સાથે પરસ્પર પ્રદેશોનો સંબંધ ન હોવા છતાં પણ પોતાના આકારને સમર્પિત કરવા સમર્થ છે; અખંડ, એક પ્રતિભાસમય કેવળજ્ઞાન પણ તેમના આકારોને ગ્રહણ કરવા સમર્થ છે. (શ્રી પ્રવચનસારજી ગાથા-૨૯ તાત્પર્યવૃત્તિ ટીકા) ૧૮. જો સમસ્ત સ્વ-જ્ઞેયાકારોના સમર્પણ દ્વારા (જ્ઞાનમાં) ઉતર્યા થકા સર્વ પદાર્થો જ્ઞાનમાં ન
પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય અને જો તે (જ્ઞાન) સર્વગત માનવામાં આવે, તો પછી (પદાર્થો)
Page 224 of 225
PDF/HTML Page 237 of 238
single page version
૨૨૪ શ્રી પ્રવચન રત્નો-૧
સાક્ષાત્ જ્ઞાનદર્પણ ભૂમિકામાં ઊતરેલા બિંબસમાન પોતપોતાના જ્ઞેયાકારોનાં કારણો હોવાથી અને પરંપરાએ પ્રતિબિંબ સમાન જ્ઞેયાકારોના કારણો હોવાથી પદાર્થો કઈ રીતે જ્ઞાનસ્થિત નથી નક્કી થતા? (અવશ્ય જ્ઞાનસ્થિત નક્કી થાય છે) ફૂટનોટઃ- જ્ઞાનને દર્પણનીઉપમા આપીએ તો પદાર્થોના જ્ઞેયાકારો બિંબસમાન છે અને જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારો પ્રતિબિંબ જેવા છે-પદાર્થો પોતપોતાના દ્રવ્ય- ગુણ-પર્યાયોનાં સાક્ષાત્ કારણ છે અને પરંપરાએ જ્ઞાનની અવસ્થારૂપ જ્ઞેયાકારોનાં (જ્ઞાનાકારોનાં) કારણ છે. (શ્રી પ્રવચનસારજી શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા ગાથા-૩૧) ૧૯. સિદ્ધ પરમેષ્ઠીના જ્ઞાનમાં કોઈ પદાર્થનો વિનાશ સંભવ નથી. અર્થાત્ બધા પદાર્થો તેમનાં
જ્ઞાનમાં પોતપોતાન ભિન્ન ભિન્ન સત્તારૂપ રહીને જ સર્વદા પ્રતિબિંબિત થયા કરે છે. (પરમ અધ્યાત્મ તરંગિણી કળશ-૧) ૨૦. જ્ઞેયો પણ પોતપોતાના સ્થાને રહીને જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા જ કરે છે. આવો જ જ્ઞાન
અને જ્ઞેયોનો પરસ્પરમાં જ્ઞાયક જ્ઞેય સંબંધ અનાદિથી ધારાપ્રવાહરૂપે ચાલ્યો આવે છે અને આ પ્રકારે જ અનંતકાળ સુધી ચાલ્યા કરશે. ભાવાર્થમાં છે કે બધા પદાર્થો જ્ઞેય છે. અને જ્ઞાનમાં પ્રતિભાસિત થયા જ કરે છે. (પરમ અધ્યાત્મ તરંગિણી કળશ-૬) ૨૧. આત્મા જ્યારે પરિપૂર્ણ નિરાવરણ કેવળજ્ઞાન સમ્પન્ન થાય છે ત્યારે તેમાં ત્રણલોકવર્તી
અનંતાનંત પદાર્થો પોતાની ત્રણે કાળની પર્યાયો સહિત યુગપત્ એક જ સમયમાં એક જ કાળે પ્રતિબિંબિત થાય છે. તેમના પ્રતિબિંબિત થવા છતાં પણ આત્મા તો પોતાના સ્વરૂપમાં જ નિમગ્ન રહે છે. આત્માનો સ્વભાવ જ્ઞાયક છે અને જ્ઞેયોનો સ્વભાવ જ્ઞેયરૂપે જ્ઞાનમાં પ્રતિબિંબિતથવું–ઝળકવું તે છે. બન્ને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. (પરમ અધ્યાત્મ તરંગિણી કળશ-૩૩)
૧. દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વપર આકારનો-સ્વરૂપનો પ્રતિભાસ કરનારી
સ્વચ્છતા જ છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞેયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા-દાન-વ્રતાદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી પણ પરને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે. (પ્રવચન રત્નાકર ભાગ-૨, પાનું-પ૪) ૨. લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય છે એમ નથી. જ્ઞાનની સ્વપર પ્રકાશક પરિણતિ એ
પોતાના સ્વભાવથી થાય છે, લોકાલોકથી નહીં. સ્વપરનો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે; પર છે તો પરનો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વપરને જાણનારી જ્ઞાતૃતા છે. (પ્રવ. રત્ના. ભાગ-ર, પાનું પપ) ૩. ભગવાન આત્મા જ્ઞાયકભાવ સ્વભાવરૂપ છે. એમાં વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય તે રાગ
સંબંધીનું પણ તે કાળે પોતાનું જ્ઞાન પરિણમે છે એ જ્ઞેયાકારે પરિણમે છે એમ કહેવું તે વ્યવહાર
Page 225 of 225
PDF/HTML Page 238 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૨૨પ
અને એ જ્ઞાનાકારે થઈ રહ્યું છે એ નિશ્ચય છે ભગવાન! તને સ્વભાવની સત્તાની ખબર નથી. ભગવાન આત્માની જ્ઞાનસત્તા જ્ઞાનના હોવાપણે છે.. ભગવાન આત્માનો સ્વપરને પ્રકાશવાના સામર્થ્યવાળો ચૈતન્યપ્રકાશ જ એવો છે કે જેમ અરીસામાં સામેની ચીજ-બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ જ્ઞાનમાં રાગાદિકર્મ-નોકર્મ જે હોય તે પ્રતિભાસે છે. (પ્રવ. રત્ના. ભાગ-ર, પાનું-પ૭) ૪. કેવળી ભગવાન નિશ્ચયથી ત્રણકાળ ત્રણલોકને દેખતા નથી. પણ પોતાની પર્યાયને દેખતાં તેમાં
ત્રણકાળ ત્રણલોક દેખવામાં આવી જાય છે... નિત્યાનંદ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને, પોતાની જ્ઞાન અવસ્થા કે જેમાં લોકાલોક ઝળક્યા છે તેને દેખે છે ત્યાં લોકાલોક સહજ દેખાઈ જાય છે. જેને તે દેખે છે તે તો જ્ઞાનની અવસ્થા છે, લોકાલોક નથી. (પ્રવ. રત્ના. ભાગ-૪, પાનું-૧૭૯) પ. અનંત સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં જણાયો છે એટલે કે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય
છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. (પ્રવ. રત્ના. ભાગ-૩, પાનું ૭૬) ૬. તારી ચૈતન્ય જ્યોતિ-જ્ઞાનજ્યોતિ પ્રભુ! બહાર રહેલી અગ્નિને જાણે, પણ તે કાંઈ અગ્નિમાં
પ્રવેશ કરે છે, વા અગ્નિ જ્ઞાનમાં પ્રવેશ કરે છે એમ નથી. અરીસો હોય છે ને? તેમાં અગ્નિ, બરફ વગેરે ચીજોનો પ્રતિભાસ થાય છે તે અરીસાની સ્વચ્છતાનો સ્વભાવ છે; બાકી અરીસામાં કાંઈ અગ્નિ, બરફ વગેરે પેસી જતાં નથી, કે અરીસો તે ચીજોમાં પ્રવેશતો નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્ય અરીસો છે. તેમાં શરીર, મન, વાણી ઈન્યાદિ દેખાય છે, પ્રતિભાસે છે, પણ તે ચીજો જ્ઞાનમાં પ્રવેશતી નથી ને જ્ઞાન તે ચીજોમાં પ્રવેશતું નથી. (પ્રવ. રત્ના. ભાવ-૯, પાનું-૩૯૭) ૭. અહા! લોકો જ્ઞાનમાં પરદ્રવ્યોનો પ્રતિભાસ દેખીને પરદ્રવ્યો સાથે પોતાને પરમાર્થ સંબંધ
હોવાનું માને છે; અર્થાત્ પરજ્ઞેયોને કારણે જ્ઞાન થતું હોવાનું માને છે પરંતુ એવું માનવું અજ્ઞાન છે, આ શબ્દો પરજ્ઞેય છે એનાથી જ્ઞાન થાય એમ માનવું તે અજ્ઞાન છે. (પ્રવ. રત્ના- ભાગ-૯, પાનું-૩૯૭/૯૮) ૮. જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ
કલ્લોલો છે, જુઓ, જ્ઞાન જ્ઞેયાકાર છે એમ નહિ. એ તો જ્ઞેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે પોતે જ થયું છે. જ્ઞેયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞેય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ અર્થાત્ જ્ઞાન જ્ઞેયરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે. એ જ્ઞાનના જ કલ્લોલો છે. (પ્રવ. રત્ના. ભાગ-૧૧, પાનું-૨પ૦)