Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 77-110 ; Satya Vrat; Achourya Vrat; Bhrahmcharya Vrat.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 10

 

Page 69 of 186
PDF/HTML Page 81 of 198
single page version

જીભ, નાક અને આંખ સહિત ભમરા, પતંગિયા વગેરે ચતુરિન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન સહિતના જીવ પંચેન્દ્રિય છે. તેના બે ભેદ છે. જેને મન હોય તે સંજ્ઞી, જેને મન ન હોય તે અસંજ્ઞી. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય બધા તિર્યંચગતિના ભેદ છે. સંજ્ઞી પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ. એમાં દેવ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને કલ્પવાસીના ભેદથી ચાર પ્રકારે છે. મનુષ્ય આર્ય અને મ્લેચ્છના ભેદથી બે પ્રકારે છે. નારકીના જીવ સાત ભૂમિની અપેક્ષાએ સાત પ્રકારના છે. તિર્યંચોમાં મચ્છાદિક જલચર, વૃષભાદિક સ્થલચર અને હંસાદિક નભચર–એ ત્રણ પ્રકાર છે. આ ભેદ ત્રસ–સ્થાવરના જાણી એની રક્ષા કરવી. ૭૬.

શ્રાવકને સ્થાવરહિસામાં પણ સ્વચ્છંદપણાનો નિષેધઃ–

स्तोकैकेन्द्रियघाताद्गृहिणां सम्पन्नयोग्यविषयाणाम्।
शेषस्थावरमारणविरमणमपि भवति करणीयम्।। ७७।।

અન્વયાર્થઃ– [सम्पन्नयोग्यविषयाणाम्] ઈન્દ્રિય–વિષયોનું ન્યાયપૂર્વક સેવન કરનાર [गृहिणाम्] ગૃહસ્થોએ [स्तोकैकेन्द्रियघातात्] અલ્પ એકેન્દ્રિયના ઘાત સિવાય [शेषस्थावरमारणविरमणमपि] બાકીના સ્થાવર (એકેન્દ્રિય) જીવોને મારવાનો ત્યાગ પણ [करणीयम्] કરવા યોગ્ય [भवति] થાય છે.

ટીકાઃ– ‘सम्पन्नयोग्यविषयाणां गृहिणां स्तोकैकेन्द्रियघातात् शेषस्थावरमारणविरमणम् अपि करणीयम् भवति’– ન્યાયપૂર્વક ઈન્દ્રિયના વિષયોને સેવનારા શ્રાવકોને થોડોક એકેન્દ્રિયનો ઘાત યત્ન કરવા છતાં થાય છે, તે તો થાય. બાકીના જીવોને વિના કારણે મારવાનો ત્યાગ પણ તેમણે કરવો યોગ્ય છે.

ભાવાર્થઃ– યોગ્ય વિષયોનું સેવન કરતાં સાવધાનતા હોવા છતાં સ્થાવરની હિંસા થાય તે તો થાય છે, પરંતુ અન્ય સ્થાવર જીવની હિંસા કરવાનો તો ત્યાગ કરવો. ૭૭.

આ અહિંસા ધર્મને સાધતાં સાવધાન કરે છેઃ–

अमृतत्वहेतुभूतं परममहिंसारसायनं लब्ध्वा।
अवलोक्य बालिशानामसमञ्जसमाकृलैर्न भवितव्यम्।। ७८।।


Page 70 of 186
PDF/HTML Page 82 of 198
single page version

અન્વયાર્થઃ– [अमृतत्वहेतुभूतं] અમૃત અર્થાત્ મોક્ષના કારણભૂત [परमं] ઉત્કૃષ્ટ [अहिंसारसायनं] અહિંસારૂપી રસાયણ [लब्ध्वा] પ્રાપ્ત કરીને [बालिशानां] અજ્ઞાની જીવોનું [असमञ्जसम्] અસંગત વર્તન [अवलोक्य] જોઈને [आकुलैः] વ્યાકુળ [न भवितव्यम्] થવું જોઈએ.

ટીકાઃ– ‘अमृतत्वहेतुभूतं परमअहिंसारसायनं लब्ध्वा बालिशानां असमञ्जसम् अवलोक्य आकुलैः न भवितव्यम्’– મોક્ષના કારણભૂત ઉત્કૃષ્ટ અહિંસારૂપી રસાયણ પામીને અજ્ઞાની જીવોનો મિથ્યાત્વભાવ જોઈ વ્યાકુળ ન થવું.

ભાવાર્થઃ– પોતે તો અહિંસા ધર્મનું સાધન કરે છે અને કોઈ મિથ્યાદ્રષ્ટિ અનેક યુક્તિવડે હિંસાને ધર્મ ઠરાવી તેમાં પ્રવર્તે તો તેની કીર્તિ જોઈને પોતે ધર્મમાં આકુળતા ન ઉપજાવવી અથવા કદાચ પોતાને પૂર્વનાં ઘણાં પાપના ઉદયને લીધે અશાતા ઊપજી હોય અને તેને પૂર્વનાં ઘણાં પુણ્યના ઉદયને લીધે કાંઈક શાતા ઊપજી હોય તોપણ પોતે ઉદયની અવસ્થાનો વિચાર કરીને ધર્મમાં આકુળતા ન કરવી. ૭૮.

મિથ્યાદ્રષ્ટિ યુક્તિવડે હિંસામાં ધર્મ ઠરાવે છે તેને પ્રગટ કરી શ્રદ્ધાળુ
શ્રાવકને સાવધાન કરે છે. તેનાં બાર સૂત્રો કહે છેઃ–

सूक्ष्मो भगवद्धर्मो धर्मांर्थं हिंसने न दोषोऽस्ति।
इति धर्ममुग्धहृदयैर्न जातु भूत्वा शरीरिणो हिंस्याः।। ७९।।

અન્વયાર્થઃ– [भगवद्धर्मः] સર્વજ્ઞ વીતરાગ ભગવાનનો કહેલો ધર્મ [सूक्ष्मः] બહુ બારીક છે માટે [धर्मार्थं] ‘ધર્મના નિમિત્તે [हिंसने] હિંસા કરવામાં [दोषः] દોષ [नास्ति] નથી.’ [इति धर्ममुग्धहृदयैः] એવા ધર્મમાં મૂઢ અર્થાત્ ભ્રમરૂપ હૃદયવાળા [भूत्वा] થઈને [जातु] કદીપણ [शरीरिणः] શરીરધારી જીવોને [न हिंस्याः] મારવા નહિ જોઈએ.

ટીકાઃ– ‘भगवद्धम्ः सूक्ष्मः’– જ્ઞાનસહિતનો ધર્મ સૂક્ષ્મ છે, તેથી ‘धर्मार्थं हिंसने दोषः न अस्ति’– ધર્મના નિમિત્તે હિંસા કરવામાં દોષ નથી. ‘इति धर्ममुग्धहृदयैः भूत्वा शरीरिणः जातु न हिंस्याः’ એ રીતે જેનું ચિત્ત ધર્મમાં ભ્રમરૂપ થયું છે એવા થઈને પ્રાણીઓને કદીપણ ન મારવા.


Page 71 of 186
PDF/HTML Page 83 of 198
single page version

ભાવાર્થઃ– કોઈ અજ્ઞાની કહે છે કે બીજી જગ્યાએ હિંસા કરવી તે પાપ છે પણ યજ્ઞાદિમાં ધર્મના નિમિત્તે તો હિંસા કરવી, તેમાં કાંઈ દોષ નથી. આવી શ્રદ્ધાથી હિંસામાં પ્રવર્તવું યોગ્ય નથી. જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ કદીપણ ન હોય.

પ્રશ્નઃ– જૈનમતમાં મંદિર બનાવવાં, પૂજા–પ્રતિષ્ઠા કરવી વગેરે કહ્યું છે ત્યાં ધર્મ છે કે નથી?

ઉત્તરઃ– મંદિર, પૂજા, પ્રતિષ્ઠાદિ કાર્યમાં જો જીવહિંસા થવાનો ભય ન રાખે, યત્નાચારથી ન પ્રવર્તે, માત્ર મોટાઈ મેળવવા જેમતેમ કર્યા કરે તો ત્યાં ધર્મ નથી, પાપ જ છે. અને યત્નપૂર્વક કાર્ય કરતાં થોડી હિંસા થાય તો તે હિંસાનું પાપ તો થયું પણ ધર્માનુરાગથી પુણ્ય ઘણું થાય છે અથવા એકઠું કરેલું ધન ખરચવાથી લોભકષાયરૂપ અંતરંગ હિંસાનો ત્યાગ થાય છે. હિંસાનું મૂળ કારણ તો કષાય છે, તેથી તીવ્ર કષાયરૂપ થઈ તેમની હિંસા ન કરવાથી પાપ પણ થોડું થયું. માટે આ રીતે પૂજા–પ્રતિષ્ઠાદિ કરે તો ધર્મ જ થાય છે.

જેમ કોઈ મનુષ્ય ધન ખર્ચવા માટે ધન કમાય તો તેને કમાયો જ કહીએ. જો તે ધન ધર્મકાર્યમાં ન ખર્ચાત તો તે ધનવડે વિષયસેવનથી મહાપાપ ઉપજત તેથી તે પણ નફો જ થયો. જેમ મુનિ એક જ નગરમાં રાગાદિ ઊપજવાના ભયથી વિહાર કરે છે, વિહાર કરતાં થોડીઘણી હિંસા પણ થાય છે, પણ નફા–નુકસાન વિચારતાં એક જ નગરમાં રહેવું યોગ્ય નથી. તેમ અહીં પણ નફા–નુકસાનનો વિચાર કરવો જોઈએ. એક સામાન્ય કથનવડે વિશેષ કથનનો નિષેધ ન કરવો. આવું જ કાર્ય તો આરંભી, અવ્રતી અને તુચ્છ વ્રતી કરે છે. તેથી સામાન્યપણે એવો જ ઉપદેશ છે. ધર્મના નિમિત્તે હિંસા ન કરવી. ૭૯.

धर्मो हि देवताभ्यः प्रभवति ताभ्यः प्रदेयमिह सर्वम्।
इति दुर्विवेककलितां धिषणां न प्राप्य देहिनो हिंस्या।। ८०।।

અન્વયાર્થઃ– [हि] ‘નિશ્ચયથી [धर्मः] ધર્મ [देवताभ्यः] દેવોથી [प्रभवति] ઉત્પન્ન થાય છે માટે [इह] આ લોકમાં [ताभ्यः] તેમના માટે [सर्वं] બધું જ [प्रदेयम्] આપી દેવું યોગ્ય છે’ [इति दुर्विवेककलितां] આ રીતે અવિવેકથી ગ્રસાયેલ [धिषणां] બુદ્ધિ [प्राप्य] પામીને [देहिनः] શરીરધારી જીવોને [न हिंस्याः] મારવા ન જોઈએ.


Page 72 of 186
PDF/HTML Page 84 of 198
single page version

ટીકાઃ– ‘हि धर्मः देवताभ्यः प्रभवति’– નિશ્ચયથી ધર્મ ઊપજે છે તે દેવોથી ઊપજે છે, ‘इह ताभ्यः सर्वं प्रदेयम्’– આ લોકમાં તે દેવોના નિમિત્તે બધું આપવું જોઈએ. જીવોને પણ મારીને તેમને ચડાવો. ‘इति दुर्विवेककलितां धिषणां प्राप्य देहिनः न हिंस्याः’– એવી અવિવેકવાળી બુદ્ધિથી પ્રાણીને મારવા નહિ.

ભાવાર્થઃ– દેવ, દેવી, ક્ષેત્રપાળ, કાલી, મહાકાલી, ચંડી, ચામુંડા ઈત્યાદિને અર્થે હિંસા ન કરવી. પરજીવને મારવાથી પોતાનું ભલું કેવી રીતે થાય? બિલકુલ ન થાય. ૮૦.

पूज्यनिमित्तं घाते छागादीनां न कोऽपि दोषोऽस्ति।
इति
संप्रधार्य कार्यं नातिथये सत्त्वसंज्ञपनम्।। ८१।।

અન્વયાર્થઃ– [पूज्यनिमित्तं] ‘પૂજવા યોગ્ય પુરુષોને માટે [छागादीनां] બકરા વગેરે જીવોનો [घाते] ઘાત કરવામાં [कः अपि] કોઈ પણ [दोषः] દોષ [नास्ति] નથી’ [इति] એમ [संप्रधार्य] વિચારીને [अतिथये] અતિથિ અથવા શિષ્ટ પુરુષોને માટે [सत्त्वसंज्ञपनम्] જીવોનો ઘાત [न कार्यम्] કરવો ન જોઈએ.

ટીકાઃ– ‘पूज्यनिमित्तं छागादीनां घाते कोऽपि दोषः न अस्ति’– પોતાના ગુરુ માટે બકરાદિ જીવોના ઘાતમાં કાંઈ દોષ નથી, ‘इति सम्प्रधार्य अतिथये सत्त्वसंज्ञपनम् न कार्यम्’– એમ વિચારીને અતિથિ (ફકીરાદિ ગુરુ) માટે જીવોનો ઘાત ન કરવો.

ભાવાર્થઃ– પાપી, વિષયલંપટી અને જીભના લાલચુ એવા પોતાને અને બીજા જીવોને નરકમાં લઈ જવાને તૈયાર થનાર એવા કુગુરુના નિમિત્તે પણ હિંસા કરવી યોગ્ય નથી. હિંસાથી તેનો અને પોતાનો મોક્ષ કેવી રીતે થશે? મતલબ કે થતો નથી. ૮૧.

बहुसत्त्वघातजनितादशनाद्वरमेकसत्त्वघातोत्थम्।
इत्याकलय्य कार्यं
महासत्त्वस्य हिंसनं जातु।। ८२।।

અન્વયાર્થઃ– [बहुसत्त्वघातजनितात्] ‘ઘણા પ્રાણીઓના ઘાતથી ઉત્પન્ન થયેલ [अशनात्] ભોજન કરતાં [एकसत्त्वघातोत्थम्] એક જીવના ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન [वरम्] સારું છે’ [इति] એમ [आकलय्य] વિચારીને [जातु] કદીપણ [महासत्त्वस्य] મોટા ત્રસ જીવનો [हिंसनं] ઘાત [न कार्यम्] કરવો ન જોઈએ.


Page 73 of 186
PDF/HTML Page 85 of 198
single page version

ટીકાઃ– ‘बहुसत्त्वघातजनितात् अशनात् एक सत्त्वघातोत्थम् वरम्’– ઘણા જીવોના નાશથી ઉત્પન્ન થયેલા ભોજન કરતાં એક જીવને મારવાથી ઊપજેલું ભોજન ઉત્કૃષ્ટ છે ‘इति आकलय्य जातु महासत्त्वस्य हिंसनं न कार्यम्’– એમ વિચારીને કદીપણ મોટા જીવની હિંસા ન કરવી.

ભાવાર્થઃ– કોઈ કહે છે કે અન્નના આહારમાં ઘણા જીવો મરે છે માટે એક મોટો જીવ મારીને ભોજન કરીએ તો ઘણું સારું– એમ માની પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. ત્યાં હિંસા તો પ્રાણઘાતથી છે. એકન્દ્રિય કરતાં પંચેન્દ્રિયના દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ઘણા–વધારે હોય છે. માટે જ એવો ઉપદેશ છે કે ઘણા એકેન્દ્રિય જીવને મારવા કરતાં દ્વીન્દ્રિય જીવને મારવાનું અનેકગણું પાપ છે તો પંચેન્દ્રિયને મારવાથી કેમ ઘણું પાપ ન થાય? વળી બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવને મારવામાં તો માંસનો આહાર થાય છે. તેના દોષ આગળ કહ્યા જ છે. માટે આ પ્રમાણે શ્રદ્ધાન કરવું. ૮૨.

रक्षा भवति बहूनामेकस्यैवास्य जीवहरणेन।
इति मत्वा कर्त्तव्यं न हिंसनं हिस्त्रसत्त्वानाम्।। ८३।।

અન્વયાર્થઃ– [अस्य] ‘આ [एकस्य एव] એક જ [जीवहरणेन] જીવનો ઘાત કરવાથી [बहूनाम्] ઘણા જીવોની [रक्षा भवति] રક્ષા થાય છે’ [इति मत्वा] એમ માનીને [हिंस्त्रसत्त्वानाम्] હિંસક જીવોની પણ [हिंसनं] હિંંસા [न कर्त्तव्यम्] ન કરવી જોઈએ.

ટીકાઃ– ‘अस्य एकस्य एव जीवहरणेन बहूनाम् रक्षा भवति’– આનો એક જ જીવ મારવાથી ઘણા જીવોની રક્ષા થાય છે ‘इति मत्वा हिंस्त्र सत्त्वानां हिंसनं न कार्यम्’– એમ જાણીને હિંસક જીવનો પણ ઘાત ન કરવો.

ભાવાર્થઃ– સાપ, વીંછી, નાહર, સિંહ ઈત્યાદિ બીજા જીવોને મારનારહિંસક જીવોને મારવાથી ઘણા જીવ બચે છે માટે એને મારવામાં પાપ નથી–એવું શ્રદ્ધાન ન કરવું, કેમકે એને તો એના કાર્યનું પાપ લાગે છે. લોકમાં અનેક જીવો પાપ–પુણ્ય ઉપજાવે છે, તેમાં આને શું? તે હિંસક જીવો હિંસા કરે છે તો તેમને પાપ લાગશે. પોતે તેમની હિંસા કરીને શા માટે પાપ ઉપજાવે? ૮૩.

बहुसत्त्वघातिनोऽमी जीवन्त उपार्जयन्ति गुरु पापम्।
इत्यनुकम्पां कृत्वा न हिंसनीयाः शरीरिणो हिंस्त्राः।। ८४।।


Page 74 of 186
PDF/HTML Page 86 of 198
single page version

અન્વયાર્થઃ– [बहुसत्त्वघातिनः] ‘ઘણા જીવના ઘાતક [अमी] આ જીવો [जीवन्तः] જીવતા રહેશે તો [गुरु पापम्] ઘણું પાપ [उपार्जयन्ति] ઉપાર્જન કરશે’ [इति] એ પ્રકારની [अनुकम्पां कृत्वा] દયા લાવીને [हिंस्त्राः शरीरिणः] હિંસક જીવોને [न हिंसनीयाः] મારવા ન જોઈએ.

ટીકાઃ– बहुसत्त्वघातिनः अमी जीवन्तः गुरु पापं उपार्जयन्ति’– ઘણાં જીવોને મારનારા આ પાપી જીવતા રહે તો ઘણાં પાપ ઉપજાવશે એમ ‘इति अनुकम्पां कृत्वा हिंस्त्राः शरीरिणः न हिंसनीयाः’– દયા કરીને હિંસક જીવોને ન મારવા.

ભાવાર્થઃ– બાજ, સમળી વગેરે જે જે હિંસક છે તે જીવતા રહે તો ઘણાં પાપ કરશે અને ઘણાં જીવોને મારશે માટે એને મારવા–એવું શ્રદ્ધાન ન કરવું. તેમની હિંસાનું પાપ તેમને છે, પોતાને શું? બને તો તે પાપક્રિયા છોડાવી દેવી. ૮૪.

बहुदुःखासंज्ञपिताः प्रयान्ति त्वचिरेण दुःखविच्छित्तिम्।
इति वासनाकृपाणीमादाय न दुःखिनोऽपि हन्तव्याः।। ८५।।

અન્વયાર્થઃ– [तु] અને [बहुदुःखासंज्ञपिताः] ‘અનેક દુઃખોથી પીડિત જીવ [अचिरेण] થોડા જ સમયમાં [दुःखविच्छित्तिम्] દુઃખનો અંત [प्रयान्ति] પામશે’ [इति वासनाकृपाणींः] એ પ્રકારની વાસના અથવા વિચારરૂપી તલવાર [आदाय] લઈને [दुःखिनः अपि] દુઃખી જીવોને પણ [न हन्तव्याः] મારવા ન જોઈએ.

ટીકાઃ– ‘तु बहुदुःखासंज्ञपिताः अचिरेण दुःखविच्छित्तिम् प्रयान्ति’– એ જીવ ઘણાં દુઃખથી પીડાય છે, જો એને મારીએ તો તેમનું બધું દુઃખ નાશ પામે. ‘इति वासनाकृपाणीं आदाय दुःखिनः अपि न हन्तव्याः’– એવી ખોટી વાસનારૂપી તલવાર ગ્રહણ કરીને દુઃખી જીવોને પણ ન મારવા.

ભાવાર્થઃ– આ જીવ રોગથી અથવા ગરીબાઈ આદિથી બહુ જ દુઃખી છે, જો એને મારીએ તો તે દુઃખથી છૂટી જાય– એવી શ્રદ્ધા ન કરવી. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય પુણ્યના ઉદયથી ઘણું હોય છે, માટે તેનું વેદન કરવું. અથવા જેવો તેને ઉદય છે તેવો ભોગવે છે, પોતે હિંસા કરીને પાપ શા માટે ઊપજાવવું? ૮પ.

कृच्छे्रण सुखावाप्तिर्भवन्ति सुखिनो हताः सुखिन एव।
इति
तर्कमण्डलाग्रः सुखिनां घाताय नादेयः।। ८६।।


Page 75 of 186
PDF/HTML Page 87 of 198
single page version

અન્વયાર્થઃ– [सुखावाप्ति] ‘સુખની પ્રાપ્તિ [कृच्छे्रण] કષ્ટથી થાય છે, માટે [हताः] મારવામાં આવેલા [सुखिनः] સુખી જીવ [सुखिनः एव] સુખી જ [भवन्ति] થશે’ [इति] એમ [तर्कमण्डलाग्रः] કુતર્કનું ખડ્ગ [सुखिनां घाताय] સુખીઓના ઘાત માટે [नादेयः] અંગીકાર કરવું ન જોઈએ.

ટીકાઃ– ‘कृच्छे्रण सुखावाप्तिः’– કષ્ટથી સુખથી પ્રાપ્તિ થાય છે. ‘सुखिनः हताः सुखिनः एव भवन्ति’– તેથી સુખી જીવોને મારીએ તો તેઓ પરલોકમાં પણ સુખી જ થાય છે. ‘सुखनां घाताय इति तर्कमण्डलाग्रः न आदेयः’– સુખી જીવોના ઘાત માટે આ પ્રકારનો વિચાર કોઈએ ન કરવો.

ભાવાર્થઃ– સુખ કષ્ટથી થાય છે. માટે આ સુખી જીવને કાશીનું કરવત વગેરે પ્રકારથી મારીએ તો પરલોકમાં પણ તે સુખી થાય–એવું શ્રદ્ધાન ન કરવું. આ રીતે મરવાથી કે મારવાથી સુખી કેવી રીતે થાય? સુખી તો સત્ય ધર્મના સાધનથી થાય છે. ૮૬.

उपलब्धिसुगतिसाधनसमाधिसारस्य भूयसोऽभ्यासात्।
स्वगुरोः शिष्येण शिरो न कर्त्तनीयं सुधर्ममभिलषिता।। ८७।।

અન્વયાર્થઃ– [सुधर्मं अभिलषिता] સત્યધર્મના અભિલાષી [शिष्येण] શિષ્ય દ્વારા [भूयसः अभ्यासात्] અધિક અભ્યાસથી [उपलब्धि सुगतिसाधनसमाधिसारस्य] જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર [स्वगुरोः] પોતાના ગુરુનું [शिरः] મસ્તક [न कर्त्तनीयम्] કાપવું ન જોઈએ.

ટીકાઃ– ‘सुधर्मं अभिलषिता शिष्येण स्वगुरोः शिरं न कर्त्तनीयम्’– ધર્મને ચાહનાર શિષ્યે પોતાના ગુરુનું મસ્તક ન કાપવું જોઈએ. કેવા છે ગુરુ? ‘भूयसः अभ्यासात् उपलब्धि सुगति साधन समाधिसारस्य’– ઘણા અભ્યાસથી જેમણે સુગતિના કારણભૂત સમાધિનો સાર મેળવ્યો છે તેવા છે.

ભાવાર્થઃ– આપણા ગુરુ અભ્યાસમાં લાગી ગયા છે (ધ્યાન–સમાધિમાં મગ્ન છે), અભ્યાસ ઘણો કર્યો, હવે જો એમના પ્રાણોનો અંત કરીએ તો તે ઉચ્ચ પદને પામે– એમ વિચાર કરીને શિષ્યે પોતાના ગુરુનું મસ્તક કાપવું યોગ્ય નથી. જો તેમણે સાધન કર્યું છે તો તેઓ જ પોતાનું ફળ આગળ પામશે. તું હિંસા કરીને પાપ શા માટે ઉપજાવે છે.? ૮૭.


Page 76 of 186
PDF/HTML Page 88 of 198
single page version

धनलवपिपासितानां विनेयविश्वासनाय दर्शयताम्।
झटितिघटचटकमोक्षं श्रद्धेयं नैव खारपटिकानाम्।। ८८।।

અન્વયાર્થઃ– [धनलवपिपासितानां] થોડાક ધનના લોભી અને [विनेयविश्वासनाय दर्शयताम्] શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે દેખાડનાર [खारपटिकानाम्] ખારપટિકોના [झटितिघटचटकमोक्षं] શીઘ્ર ઘડો ફૂટવાથી ચકલીના મોક્ષની જેમ મોક્ષનું [नैव श्रद्धेयम्] શ્રદ્ધાન ન કરવું જોઈએ.

ટીકાઃ– ‘खारपटिकानां झटितिघटचटकमोक्षं नैव श्रद्धेयम्’– એક ખારપટિક મત છે; તેઓ તત્કાળ ઘડાના પક્ષીના મોક્ષ સમાન મોક્ષ કહે છે તેનું શ્રદ્ધાન ન કરવું.

ભાવાર્થઃ– કોઈ ખારપટિક નામનો મત છે, જેમાં મોક્ષનું સ્વરૂપ એવું કહ્યું છે કે જેમ ઘડામાં પક્ષી કેદ થયેલું છે, જો ઘડો ફોડી નાખવામાં આવે તો પક્ષી બંધનમાંથી મુક્ત થઈ જાય. તેમ આત્મા શરીરમાં બંધ થયેલ છે, જો શરીરનો નાશ કરીએ તો આત્મા બંધનરહિત–મુક્ત થાય. આવું શ્રદ્ધાન ન કરવું. કેમ કે આવું શ્રદ્ધાન હિંસાનું કારણ છે. અંતરંગ કાર્માણ શરીરના બંધનસહિત આત્મા એમ મુક્ત કેવી રીતે થાય? કેવા છે ખારપટિક? ‘धनलवपिपासितानाम्’– થોડાક ધનના લોભી છે. વળી કેવા છે? ‘विनेयविश्वासनाय दर्शयताम्’– શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેટલીક રીતો બતાવે છે. માટે એમના કથનનું શ્રદ્ધાન ન કરવું. ૮૮.

द्रष्टवापरं पुरस्तादशनाय क्षामकुक्षिमायान्तम्।
निजमांसदानरभसादालभनीयो न चात्मापि।। ८९।।

અન્વયાર્થઃ– [च] અને [अशनाय] ભોજન માટે [पुरस्तात्] પાસે [आयान्तम्] આવેલા [अपरं] અન્ય [क्षामकुक्षिम्] ભૂખ્યા પુરુષને [द्रष्ट्वा] જોઈને [निजमांसदानरभसात्] પોતાના શરીરનું માંસ દેવાની ઉત્સુકતાથી [आत्मापि] પોતાનો પણ [न आलभनीयः] ઘાત કરવો ન જોઈએ.

ટીકાઃ– ‘च अशनाय आयन्तं क्षामकुक्षिं पुरस्तात् द्रष्ट्वा निजमांसदानरभसात् आत्मा अपि न आलभनीयः’– ભોજન લેવા માટે આવેલા દુર્બળ શરીરવાળા મનુષ્યને પોતાની સામે જોઈને પોતાનું માંસ દેવાના ઉત્સાહથી પોતાના શરીરનો પણ ઘાત ન કરવો.


Page 77 of 186
PDF/HTML Page 89 of 198
single page version

ભાવાર્થઃ– કોઈ માંસભક્ષી જીવ ભોજન માટે પોતાની પાસે આવ્યો. તેને જોઈ તેના માટે પોતાના શરીરનો પણ ઘાત ન કરવો, કારણ કે માંસભક્ષી પાત્ર નથી. માંસનું દાન તે ઉત્તમ દાન નથી. ૮૯.

को नाम विशति मोहं नयभङ्गविशारदानुपास्य गुरून्।
विदितजिनमतरहस्यः
श्रयन्नहिंसां विशुद्धमति।। ९०।।

અન્વયાર્થઃ– [नयभङ्गविशारदान] નયના ભંગો જાણવામાં પ્રવીણ [गुरून्] ગુરુઓની [उपास्य] ઉપાસના કરીને [विदितजिनमतरहस्यः] જૈનમતનું રહસ્ય જાણનાર [को नाम] એવો કોણ [विशुद्धमतिः] નિર્મળ બુદ્ધિધારી છે જે [अहिंसां श्रयन्] અહિંસાનો આશ્રય લઈને [मोहं] મૂઢતાને [विशति] પ્રાપ્ત થશે?

ટીકાઃ– ‘नाम नयभङ्गविशारदान् गुरून् उपास्य कः मोहं विशति’– હે જીવ, નયના ભેદો જાણવામાં પ્રવીણ એવા ગુરુનું સેવન કરીને કયો જીવ મોહને પ્રાપ્ત થાય? ન થાય.

ભાવાર્થઃ– જીવને સારા–નરસાનું હિત–અહિતનું શ્રદ્ધાન ગુરુના ઉપદેશથી થાય છે. પૂર્વોક્ત અશ્રદ્ધાની કુગુરુના ભરમાવવાથી અન્યથા પ્રવર્તે છે. પણ જે જીવે સર્વ નયના જાણનાર પરમ ગુરુની સેવા કરી છે તે કેવી રીતે ભ્રમમાં પડે? ન જ પડે. કેવો છે તે જીવ? ‘विदितजिनमतरहस्यः’– જેણે જૈનમતનું રહસ્ય જાણ્યું છે તેવો છે. વળી કેવો છે? ‘अहिंसां श्रयन्’– દયા જ ધર્મનું સ્વરૂપ છે એમ જાણી તેને અંગીકાર કરે છે. અને ‘विशुद्धमतिः’– જેની બુદ્ધિ નિર્મળ છે એવો જીવ મોહને પ્રાપ્ત થતો નથી. આ રીતે દયાધર્મને દ્રઢ કર્યો. એ પ્રમાણે અહિંસા વ્રતનું વર્ણન કર્યું. ૯૦.

સત્ય વ્રત

यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि।
तदनृतमपि विज्ञेयं तद्भेदाः सन्ति चत्वारः।। ९१।।

અન્વયાર્થઃ– [यत्] જે [किमपि] કાંઈ [प्रमादयोगात्] પ્રમાદ કષાયના યોગથી [इदं] [असदभिधानं] સ્વપરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન [विधीयते] કહેવામાં આવે છે [तत्] તેને [अनृतं अपि] નિશ્ચયથી જૂઠું [विज्ञेयम्] જાણવું જોઈએ. [तद्भेदाः] તેના ભેદ [चत्वारः] ચાર [सन्ति] છે.


Page 78 of 186
PDF/HTML Page 90 of 198
single page version

ટીકાઃ– ‘यत् किमपि प्रमादयोगात् इदं असत् अभिधानं विधीयते तत् अनृतं अपि विज्ञेयम्’– જે કાંઈ પ્રમાદ સહિતના યોગના હેતુથી આ અસત્ય એટલે બૂરું અથવા અન્યથારૂપ વચન છે તેને નિશ્ચયથી અનૃત જાણવું. ‘तद्भेदाः चत्वारः सन्ति’– તે અસત્યવચનના ચાર ભેદ છે. ૯૧.

તે આગળ કહીએ છીએ. તેમાં પ્રથમ ભેદ કહે છેઃ–

स्वक्षेत्रकालभावैः सदपि हि यस्मिन्निषिध्यते वस्तु।
तत्प्रथममसत्यं स्यान्नास्ति यथा देवदत्तोऽत्र।। ९२।।

અન્વયાર્થઃ– [यस्मिन्] જે વચનમાં [स्वक्षेत्रकालभावैः] પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [सत् अपि] વિદ્યમાન હોવા છતાં પણ [वस्तु] વસ્તુનો [निषिध्यते] નિષેધ કરવામાં આવે છે [तत्] તે [प्रथमम्] પ્રથમ [असत्यं] અસત્ય [स्यात्] છે. [यथा] જેમ કે [अत्र] ‘અહીં [देवदत्तः] દેવદત્ત [नास्ति] નથી.’

ટીકાઃ– ‘यस्मिन् स्वद्रव्यक्षेत्रकालभावैः सत् अपि वस्तु निषिध्यते तत् प्रथमं असत्यं स्यात्’– જે વચનમાં પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સત્તારૂપે વિદ્યમાન એવા પદાર્થનો પણ નિષેધ કરવામાં આવે કે પદાર્થ નથી; તે પ્રથમ ભેદરૂપ અસત્ય છે. દ્રષ્ટાંત કહે છે– ‘यथा अत्र देवदत्तः नास्ति’– જેમકે અહીં દેવદત્ત નથી.

ભાવાર્થઃ– કોઈ ક્ષેત્રમાં દેવદત્ત નામનો પુરુષ બેઠો હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં દેવદત્ત છે? ત્યાં ઉત્તર આપ્યો કે અહીં તો દેવદત્ત નથી. આ રીતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જે વસ્તુ અસ્તિરૂપ હોય તેને નાસ્તિરૂપ કહીએ તે અસત્યનો પ્રથમ ભેદ છે. અસ્તિ વસ્તુને નાસ્તિ કહેવું તે. જે કોઈ તે પદાર્થ છે તેને તો દ્રવ્ય કહીએ. જે ક્ષેત્રમાં એકત્વરૂપ થઈને રહે છે તેને ક્ષેત્ર કહીએ. જે કાળે જે રીતે પરિણમે તેને કાળ કહીએ. તે પદાર્થનો જે કાંઈ નિજભાવ છે તેને ભાવ કહીએ. આ પોતાનાં ચતુષ્ટયની અપેક્ષાએ સર્વ પદાર્થ અસ્તિત્વરૂપ છે. અહીં દેવદત્તનાં પોતાનાં ચતુષ્ટય તો હતાં જ, પરંતુ નાસ્તિરૂપ જે કહ્યું તે જ અસત્ય વચન થયું. ૯૨.

આગળ બીજો ભેદ કહે છેઃ–

असदपि हि वस्तुरूपं यत्र परक्षेत्रकालभावैस्तैः।
उद्भाव्यते
द्वितीयं तदनृतमस्मिन् यथास्ति घटः।। ९३।।


Page 79 of 186
PDF/HTML Page 91 of 198
single page version

અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [यत्र] જે વચનમાં [तैः परक्षेत्रकालभावैः] તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી [असत् अपि] અવિદ્યમાન હોવા છતાં પણ [वस्तुरूपं] વસ્તુનું સ્વરૂપ [उद्भाव्यते] પ્રકટ કરવામાં આવે છે [तत्] તે [द्वितीयं] બીજું [अनृतम्] અસત્ય [स्यात्] છે, [यथा] જેમકે [अस्मिन्] અહીં [घट अस्ति] ઘડો છે.

ટીકાઃ– ‘हि यत्र तैः परद्रव्यक्षेत्रकालभावैः वस्तुरूपं असत् अपि उद्भाव्यते तत् द्वितीयं अनृतं’– નિશ્ચયથી જે વચનમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પદાર્થ સત્તારૂપ નથી તોપણ ત્યાં પ્રગટ કરવું તે બીજું અસત્ય છે. તેનું ઉદાહરણઃ–‘यथा अस्मिन् घटः अस्तिः’– જેમ કે અહીં ઘડો છે.

ભાવાર્થઃ– કોઈ ક્ષેત્રમાં ઘડો તો હતો નહિ તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જ નહોતાં; બીજો પદાર્થ હતો તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હતાં. કોઈએ પૂછયું કે અહીં ઘડો છે કે નહિ? ત્યાં ઘડો છે એમ કહેવું તે બીજો અસત્યનો ભેદ થયો, કેમકે નાસ્તિરૂપ વસ્તુને અસ્તિ કહી.

આગળ ત્રીજો ભેદ કહે છેઃ–

वस्तु सदपि स्वरूपात् पररूपेणाभिधीयते यस्मिन्।
अनृतमिदं च तृतीयं विज्ञेयं गौरिति
यथाऽश्वः।। ९४।।

અન્વયાર્થઃ– [च] અને [अस्मिन्] જે વચનમાં [स्वरूपात्] પોતાના ચતુષ્ટયથી [सत् अपि] વિદ્યમાન હોવા છતાં પણ [वस्तु] પદાર્થ [पररूपेण] અન્ય સ્વરૂપે [अभिधीयते] કહેવામાં આવે છે તે [इदं] [तृतीयं अनृतं] ત્રીજું અસત્ય [विज्ञेयं] જાણવું [यथा] જેમ [गौः] બળદ [अश्वः] ઘોડો છે [इति] એમ કહેવું તે.

ટીકાઃ– ‘च यस्मिन् सत् अपि वस्तु पररूपेण अभिधीयते इदं तृतीयं अनृतं विज्ञेयं’– જે વચનમાં પોતાનાં ચતુષ્ટયમાં વિદ્યમાન હોવા છતાં પણ તે પદાર્થને અન્ય પદાર્થરૂપે કહેવો તે ત્રીજું અસત્ય જાણવું. તેનું ઉદાહરણઃ– यथा गौः अश्वः–જેમ કે બળદને ઘોડો કહેવો તે.

ભાવાર્થઃ– કોઈ ક્ષેત્રમાં બળદ પોતાના ચતુષ્ટયમાં હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં શું છે? ત્યારે એમ કહેવામાં આવે કે અહીં ઘોડો છે, તે ત્રીજો અસત્યનો ભેદ છે. વસ્તુને અન્યરૂપે કહેવી તે. ૯૪.


Page 80 of 186
PDF/HTML Page 92 of 198
single page version

આગળ ચોથો ભેદ કહે છેઃ–

गर्हितमवद्यसंयुतमप्रियमपि भवति वचनरूपं यत्।
सामान्येन त्रेधा मतिमदमनृतं तुरीयं तु।। ९५।।

અન્વયાર્થઃ– [तु] અને [इदं] [तुरीयं] ચોથું [अनृतं] અસત્ય [सामान्येन] સામાન્યરૂપે [गर्हितम्] ગર્હિત, [अवद्यसंयुतम्] પાપ સહિત [अपि] અને [अप्रियम्] અપ્રિય– એ રીતે [त्रेधा] ત્રણ પ્રકારનું [मतम्] માનવામાં આવ્યું છે. [यत्] કે જે [वचनरूपं] વચનરૂપ [भवति] છે.

ટીકાઃ– ‘तु इदं तुरीयं अनृतं सामान्येन त्रेधा मतम्–यत् अपि वचनरूपं गर्हितं अवद्यसंयुतं अप्रियं भवति’– આ ચોથો જૂઠનો ભેદ ત્રણ પ્રકારે છે. ૧. વચનથી નિંદાના શબ્દો કહેવા. ૨.હિંસા સહિત વચન બોલવાં, ૩. અપ્રિય વચન અર્થાત્ બીજાને ખરાબ લાગે તેવાં વચન બોલવાં. આ ત્રણ ભેદ છે. ૯પ.

આગળ ત્રણ ભેદોનું અલગ અલગ વર્ણન કરે છે. પહેલાં
ગર્હિતનું સ્વરૂપ કહે છેઃ–

पैशून्यहासगर्भं कर्कशमसमञ्जसं प्रलपितं च।
अन्यदपि
यदुत्सूत्रं तत्सर्वं गर्हितं गदितम्।। ९६।।

અન્વયાર્થઃ– [पैशून्यहासगर्भं] દુષ્ટતા અથવા કુથલીરૂપ હાસ્યવાળું [कर्कशं] કઠોર, [असमञ्जसं] મિથ્યાશ્રદ્ધાનવાળું [च] અને [प्रलपितं] પ્રલાપરૂપ (બકવાદ) તથા [अन्यदपि] બીજું પણ [यत्] જે [उत्सूत्रं] શાસ્ત્ર–વિરુદ્ધ વચન છે [तत्सर्वं] તે બધાંને [गर्हितं] નિંદ્ય વચન [गदितम्] કહ્યું છે.

ટીકાઃ– ‘यत् वचनं पैशून्यहासगर्भं कर्कशं असमञ्जसं प्रलपितं च अन्यत् अपि उत्सूत्रं तत् गर्हितम् गदितम्’– જે વચન દુષ્ટતા સહિતનું હોય, બીજા જીવનું બૂરું કરનાર હોય, પોતાને રૌદ્રધ્યાન થાય તેવું હોય, તથા હાસ્યમિશ્રિત હોય, અન્ય જીવના મર્મને ભેદનારું હોય, પોતાને પ્રમાદ કરાવનારું હોય, કર્કશ–કઠોર હોય, અસમંજસ–મિથ્યાશ્રદ્ધા કરાવનાર હોય અને અપ્રમાણરૂપ હોય તે તથા બીજાં પણ જે શાસ્ત્ર–વિરુદ્ધ વચનો છે તે બધાં ગર્હિત વચનમાં જ ગર્ભિત છે. ૯૬.


Page 81 of 186
PDF/HTML Page 93 of 198
single page version

આગળ અવદ્યસંયુત જૂઠનું સ્વરૂપ લખે છેઃ–

छेदनभेदनमारणकर्षणवाणिज्यचौर्यवचनादि।
तत्सावद्यं
यस्मात्प्राणिवधाद्याः प्रवर्तन्ते।। ९७।।

અન્વયાર્થઃ– [यत्] જે [छेदनभेदनमारणकर्षणवाणिज्यचौर्यवचनादि] છેદન, ભેદન, મારણ, શોષણ અથવા વ્યાપાર કે ચોરી આદિના વચન છે [तत्] તે બધાં [सावद्यं] પાપયુક્ત વચન છે, [यस्मात्] કારણ કે એ [प्राणिवधाद्याः] પ્રાણીહિંસા વગેરે પાપરૂપે [प्रवर्तन्ते] પ્રવૃત્તિ કરે છે.

ટીકાઃ– ‘यत् छेदन भेदन मारण कर्षण वाणिज्य चौर्य वचनादि तत् सर्वं सावद्यं अस्ति यस्मात् प्राणिवधाद्याः प्रवर्तन्ते’– અર્થઃ– જે નાક વગેરે છેદવાનું વચન, કાપવાનું, મારવાનું, ખેંચવાનું, વ્યાપાર કરવાનું ચોરી કરવાનું વગેરે વચન કહેવાં તે બધું અવદ્યસહિત જૂઠનું સ્વરૂપ છે. એનાથી પ્રાણીઓનો ઘાત થાય છે. ૯૭.

આગળ અપ્રિય જૂઠનું સ્વરૂપ કહે છેઃ–

अरतिकरं भीतिकरं खेदकरं वैरशोककलहकरम्।
यदपरमपि तापकरं परस्य
तत्सर्वमप्रियं ज्ञेयम्।। ९८।।

અન્વયાર્થઃ– [यत्] જે વચન [परस्य] બીજા જીવને [अरतिकरं] અપ્રીતિ કરનાર, [भीतिकरं] ભય ઉત્પન્ન કરનાર, [खेदकरं] ખેદ કરનાર, [वैरशोककलहकरं] વેર શોક અને કજિયો કરાવનાર હોય તથા જે [अपरमपि] બીજા પણ [तापकरं] સંતાપોને કરાવનારું હોય [तत्] તે [सर्वं] બધું જ [अप्रियम्] અપ્રિય [ज्ञेयम्] જાણવું.

ટીકાઃ– ‘यत् वचनं परस्य अरतिकरं भीतिकरं खेदकरं वैरशोककलहकरं तथा अपरमपि तापकरं तत्सर्वं अप्रियं ज्ञेयम्’– અર્થઃ– જે વચન બીજાને અરતિ કરનાર અર્થાત્ બૂરું લાગે તેવું હોય, ભય ઉપજાવનાર હોય, ખેદ ઉત્પન્ન કરનાર હોય, તથા વેરશોક અને કલહ કરવાવાળું હોય તથા બીજું જે દુઃખ તે ઉત્પન્ન કરનાર હોય તે સર્વ વચન અપ્રિય જૂઠનો ભેદ છે. ૯૮.

જૂઠ વચનમાં હિંસાનો સદ્ભાવ

सर्वस्मिन्नप्यस्मिन्प्रमत्तयोगैकहेतुकथनं यत्।
अनृतवचनेऽपि तस्मान्नियतं हिंसा समवतरति।। ९९।।


Page 82 of 186
PDF/HTML Page 94 of 198
single page version

અન્વયાર્થઃ– [यत्] જે કારણે [अस्मिन्] [सर्वस्मिन्नपि] બધાં જ વચનોમાં [प्रमत्तयोगैकहेतुकथनं] પ્રમાદ સહિત યોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, [तस्मात्] તેથી [अनृतवचने] અસત્ય વચનમાં [अपि] પણ [हिंसा] હિંસા [नियतं] નિશ્ચિતરૂપે [समवतरति] આવે છે.

ટીકાઃ– यत् अस्मिन् सर्वस्मिन् अपि अनृतवचने प्रमत्तयोगैकहेतुकथनं अस्ति तस्मात् अनृतवचने हिंसा नियतं समवतरति’– અર્થઃ– આ સર્વ પ્રકારનાં જૂઠ વચનોમાં પ્રમાદયોગ જ કારણ છે તેથી જૂઠું વચન બોલવામાં હિંસા અવશ્ય જ થાય છે, કારણ કે હિંસા પ્રમાદથી જ થાય. પ્રમાદ વિના હિંસા થાય નહિ. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં હિંસા હોય નહિ. અને જ્યાં પ્રમાદ છે ત્યાં હિંસા અવશ્ય થાય છે. ‘‘प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा’’ इति वचनात्– (પ્રમાદના યોગથી પ્રાણોનો ઘાત કરવો તે હિંસા છે એ વચન પ્રમાણે.) ૯૯.

પ્રમાદસહિત યોગ હિંસાનું કારણઃ–

हेतौ प्रमत्तयोगे निर्दिष्टे सकलवितथवचनानाम्।
हेयानुष्ठानादेरनुवदनं भवति
नासत्यम्।। १००।।

અન્વયાર્થઃ– [सकलवितथवचनानाम्] સમસ્ત જૂઠ વચનોનો [प्रमत्तयोगे] પ્રમાદસહિત યોગ [हेतौ] હેતુ [निर्दिष्टे सति] નિર્દિષ્ટ કરવામાં આવ્યો હોવાથી [हेयानुष्ठानादेः] હેય–ઉપાદેયાદિ અનુષ્ઠાનોનું [अनुवदनं] કહેવું [असत्यम्] જૂઠ [न भवति] નથી.

ટીકાઃ– ‘सकल वितथ वचनानां प्रमत्तयोगे हेतौ निर्दिष्टे सति हेयानुष्ठानादेः अनुवदनं असत्यं न भवति’– અર્થઃ– સમસ્ત જૂઠ વચનોનું કારણ પ્રમાદસહિત યોગને બતાવીને હેય અને ઉપાદેયનું વારંવાર કથન કરવું–ઉપદેશ કરવો તે જૂઠ નથી.

ભાવાર્થઃ– જૂઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે; ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને તેમનો ઉપદેશ બૂરો લાગે, અથવા કોઈને ધર્મોપદેશ આપવાથી ખરાબ લાગે, તે દુઃખ પામે, પણ તે આચાર્યોને જૂઠનો દોષ લાગતો નથી. કેમકે તેમને પ્રમાદ (કષાય) નથી. પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદસહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ છે, અન્યથા નહિ. ૧૦૦.


Page 83 of 186
PDF/HTML Page 95 of 198
single page version

એના ત્યાગનો પ્રકારઃ–

भोगोपभोगसाधनमात्रं सावद्यमक्षमा मोक्तुम्।
ये तेऽपि शेषमनृतं समस्तमपि नित्यमेव मुञ्चन्तु।। १०१।।

અન્વયાર્થઃ– [य] જે જીવ [भोगोपभोगसाधनमात्रं] ભોગ–ઉપભોગના સાધન માત્ર [सावद्यम्] સાવદ્યવચન [मोक्तुम्] છોડવાને [अक्षमाः] અસમર્થ છે [ते अपि] તેઓ પણ [शेषम्] બાકીના [समस्तमपि] સમસ્ત [अनृतं] અસત્ય ભાષણનો [नित्यमेव] નિરંતર [मुञ्चन्तु] ત્યાગ કરે.

ટીકાઃ– ‘ये अपि भोगोपभोगसाधनमात्रं सावद्यं मोक्तुम् अक्षमाः (सन्ति) ते अपि शेषं समस्तम् अपि अनृतम् नित्यं एव मुञ्चन्तुं’– અર્થઃ– જે પ્રાણી પોતાના ન્યાયપૂર્વકના જે ભોગ– ઉપભોગ તેના કારણભૂત જે સાવદ્ય (હિંસાસહિત) વચન ત્યાગવાને અસમર્થ છે તેઓએ બીજાં બધાં જૂઠ વચનોનો હંમેશા ત્યાગ કરવો જોઈએ.

ભાવાર્થઃ– જૂઠનો ત્યાગ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ બને છે તથા એકદેશ ત્યાગ શ્રાવકધર્મમાં હોય છે. જો સર્વથા ત્યાગ બની શકે તો ઉત્તમ જ છે, કદાચ કષાયના ઉદયથી (અર્થાત્ કષાયવશ) સર્વથા ત્યાગ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય જ કરવો જોઈએ. કારણ કે શ્રાવક અવસ્થામાં અન્ય જૂઠના સર્વ ભેદોનો ત્યાગ કરે છે પણ સાવદ્ય જૂઠનો ત્યાગ કરી શકે નહિ, તો ત્યાં પણ પોતાના ભોગ–ઉપભોગના નિમિત્તે જ સાવદ્ય જૂઠ બોલે, પ્રયોજન વિના બોલે નહિ. ૧૦૧.

ત્રીજા ચૌર્યપાપનું વર્ણનઃ–

अवितीर्णस्य ग्रहणं परिग्रहस्य प्रमत्तयोगाद्यत्।
तत्प्रत्येयं स्तेयं सैव च हिंसा वधस्य हेतुत्वात्।। १०२।।

અન્વયાર્થઃ– [यत्] જે [प्रमत्तयोगात्] પ્રમાદકષાયના યોગથી [अवितीर्णस्य] આપ્યા વિના [परिग्रहस्य] સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું [ग्रहणं] ગ્રહણ કરે છે [तत्] તેને [स्तेयं] ચોરી [प्रत्येयं] જાણવી જોઈએ. [च] અને [सा एव] તે જ [वधस्य] વધનું [हेतुत्वात्] કારણ હોવાથી [हिंसा] હિંસા છે.

ટીકાઃ– ‘यत् प्रमत्तयोगात् अवितीर्णस्य परिग्रहस्य ग्रहणं तत् स्तेयं प्रत्येयं, च सैव हिंसा (भवति) वधस्य हेतुत्वात्’– અર્થઃ– જે પ્રમાદના યોગથી દીધા વિના


Page 84 of 186
PDF/HTML Page 96 of 198
single page version

સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે. તે જ ચોરી હિંસા છે. કેમકે પોતાના અને પરના જીવના પ્રાણઘાતનું કારણ છે.

ભાવાર્થઃ– પોતાને ચોરી કરવાના ભાવ થયા તે ભાવહિંસા અને જે પોતાને ચોર જાણતાં પ્રાણનો વિયોગ કરવામાં આવે તે દ્રવ્યહિંસા. જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરંગમાં પીડા થઈ તે તેની ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો, તે દ્રવ્યપ્રાણોમાં પીડા થઈ એ કારણે પરની દ્રવ્યહિંસા. આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ છે તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસા બન્ને પ્રકારે થાય છે. ૧૦૨.

ચોરી પ્રગટપણે હિંસા છેઃ–

अर्था नाम य एते प्राणा एते बहिश्चराः पुंसाम्।
हरति स तस्य प्राणान् यो यस्य जनो हरत्यर्थान्।। १०३।।

અન્વયાર્થઃ– [यः] જે [जनः] મનુષ્ય [यस्य] જે જીવના [अर्थान्] પદાર્થો અથવા ધન [हरति] હરે છે [सः] તે મનુષ્ય [तस्य] તે જીવના [प्राणान्] પ્રાણ [हरति] હરે છે, કેમકે જગતમાં [ये] જે [एते] [अर्था नाम] ધનાદિ પદાર્થો પ્રસિદ્ધિ છે [एते] તે બધા [पुंसां] મનુષ્યોને [बहिश्चराः प्राणाः] બાહ્યપ્રાણ [सन्ति] છે.

ટીકાઃ– ‘ये एते अर्था नाम एते पुंसाम् बहिश्चराः प्राणाः सन्ति यस्मात् यः जनः यस्य अर्थान् हरति स तस्य प्राणान् हरति’– આ જે પદાર્થો છે તે મનુષ્યના બાહ્યપ્રાણ છે. તેથી જે જીવ જેનું ધન હરે છે, ચોરે છે તે તેના પ્રાણને જ હરે છે.

ભાવાર્થઃ– ધન, ધાન્ય, સંપત્તિ, બળદ, ઘોડા, દાસ, દાસી, ઘર, જમીન, પુત્ર, સ્ત્રી, વસ્ત્રાદિ જેટલા પદાર્થો જે જીવને છે તે જીવને એટલા જ બાહ્યપ્રાણ છે. તે પદાર્થોમાંથી કોઈ પદાર્થનો નાશ થતાં પોતાના પ્રાણઘાત જેટલું જ દુઃખ થાય છે. તેથી પદાર્થોને જ પ્રાણ કહેવામાં આવ્યા છે. જેમકે अन्नं वै प्राणाः इति वचनात्– (અન્ન તે જ પ્રાણ છે એ વચન પ્રમાણે.) ૧૦૩.

હિંસા અને ચોરીમાં અવ્યાપકતા નથી પણ વ્યાપકતા છેઃ–

हिंसायाः स्तेयस्य च नाव्याप्तिः सुघटमेव सा यस्मात्।
ग्रहणे प्रमत्तयोगो द्रव्यस्य
स्वीकृतस्यान्यैः।। १०४।।


Page 85 of 186
PDF/HTML Page 97 of 198
single page version

અન્વયાર્થઃ– [हिंसायाः] હિંસામાં [च] અને [स्तेयस्य] ચોરીમાં [अव्याप्तिः] અવ્યાપ્તિદોષ [न] નથી, [सा सुघटमेव] તે હિંસા બરાબર ઘટે છે, [यस्मात्] કારણ કે [अन्यैः] બીજાના [स्वीकृतस्य] સ્વીકારેલા [द्रव्यस्य] દ્રવ્યના [ग्रहणे] ગ્રહણમાં [प्रमत्तयोगः] પ્રમાદનો યોગ છે.

ટીકાઃ– ‘हिंसायाः स्तेयस्य अव्याप्तिः न सा सुघटमेव यस्मात् अन्यैः स्वीकृतस्य द्रव्यस्य ग्रहणे प्रमत्तयोगः भवति’– અર્થઃ– હિંસામાં અને ચોરીમાં અવ્યાપકપણું નથી પણ સારી રીતે વ્યાપકપણું છે. કેમકે બીજા એ મેળવેલા પદાર્થમાં પોતાપણાની કલ્પના કરવી તેમાં પ્રમાદયોગ જ મુખ્ય કારણ છે.

ભાવાર્થઃ– જો કોઈ જીવને કોઈ કાળે (–જે સમયે) જ્યાં ચોરી છે ત્યાં હિંસા ન હોય તો અવ્યાપ્તિ નામ પામે, પણ પ્રમાદ વિના તો ચોરી બને નહિ. પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે. માટે એમ સિદ્ધ થયું કે જ્યાં જ્યાં ચોરી છે ત્યાં ત્યાં અવશ્ય જ હિંસા છે. ૧૦૪.

હિંસા અને ચોરીમાં અતિવ્યાપ્તિ પણ નથીઃ–

नातिव्याप्तिश्चः तयोः प्रमत्तयोगैककारणविरोधात्।
अपि
कर्म्मानुग्रहणे नीरागाणामविद्यमानत्वात्।। १०५।।

અન્વયાર્થઃ– [च] અને [नीरागाणाम्] વીતરાગી પુરુષોને [प्रमत्तयोगैककारण– विरोधात्] પ્રમાદયોગરૂપ એક કારણના વિરોધથી [कर्म्मानुग्रहणे] દ્રવ્યકર્મ નોકર્મની કર્મવર્ગણાઓ ગ્રહણ કરવામાં [अपि] નિશ્ચયથી [स्तेयस्य] ચોરી [अविद्यमानत्वात्] ઉપસ્થિત ન હોવાથી [तयोः] તે બન્નેમાં અર્થાત્ હિંસા અને ચોરીમાં [अतिव्याप्तिः] અતિવ્યાપ્તિ પણ [न] નથી.

ટીકાઃ– ‘च तयोः (हिंसा स्तेययोः) अतिव्याप्तिः च न अस्ति यतः नीरागाणां प्रमत्तयोगैककारण विरोधात् कर्मानुग्रहणे अपि हिंसायाः अविद्यमानत्वात्’– અર્થઃ– હિંસા અને ચોરીમાં અતિવ્યાપ્તિપણું પણ નથી, અર્થાત્ ચોરી હોય અને હિંસા ન થાય એમ નથી. તથા હિંસા હોય અને ચોરી ન હોય એમ પણ નથી કેમકે વીતરાગી મહાપુરુષોને પ્રમાદસહિત યોગનું કારણ નથી, તે કારણે દ્રવ્યકર્મ–નોકર્મની વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં પણ ચોરીનો સદ્ભાવ નથી, પ્રમાદ ન હોવાથી, દીધા વિના વસ્તુનું ગ્રહણ તે ચોરી છે. વીતરાગી અર્હંત ભગવાનને કર્મ–નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ


Page 86 of 186
PDF/HTML Page 98 of 198
single page version

હોય છે અને તે વર્ગણાઓ કોઈની આપેલી નથી માટે તેમને ચોરીનો પ્રસંગ આવે. પરંતુ પ્રમાદ અને યોગ વિના ચોરી હોતી નથી. પ્રમાદયોગ છે તે જ હિંસા છે તેથી અતિવ્યાપ્તિપણું નથી. જો હિંસા પ્રમાદ વિના ચોરી થઈ શકતી હોત તો અતિવ્યાપ્તિ દોષ આવત, પણ તે તો અહીં નથી. માટે એ વાત સિદ્ધ થઈ કે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી પણ નથી અને જ્યાં ચોરી નથી ત્યાં હિંસા પણ નથી. ૧૦પ.

ચોરીના ત્યાગનો પ્રકારઃ–

असमर्था ये कर्तुं निपानतोयादिहरणविनिवृत्तिम्।
तैरपि समस्तमपरं नित्यमदत्तं
परित्याज्यम्।। १०६।।

અન્વયાર્થઃ– [ये] જેઓ [निपानतोयादिहरणविनिवृत्तिम्] બીજાનાં કુવા, વાવ આદિ જળાશયોનું જળ વગેરેનું ગ્રહણ કરવાનો ત્યાગ [कर्तुंम्] કરવાને [असमर्था] અસમર્થ છે [तैः] તેમણે [अपि] પણ [अपरं] અન્ય [समस्तं] સર્વ [अदत्तं] દીધા વિનાની વસ્તુઓ ગ્રહણ કરવાનો [नित्यम्] હંમેશા [परित्याज्यम्] ત્યાગ કરવો યોગ્ય છે.

ટીકાઃ– ‘ये (जीवाः) निपानतोयादिहरणविनिवृत्तिम् कर्तुं असमर्थाः तैः (जीवैः) अपि नित्यं समस्तं अपरंअदत्तं परित्याज्यम्’– જે જીવો કુવા, નદીનું, જળથી માંડીને માટી વગેરે વસ્તુઓ–જે સામાન્ય જનતાના ઉપયોગને માટે હોય છે–તેના ગ્રહણનો ત્યાગ કરવા અશક્ત છે તે જીવોએ પણ હંમેશા બીજાની દીધા સિવાયની બધી વસ્તુઓના ગ્રહણનો ત્યાગ કરવો જોઈએ.

ભાવાર્થઃ– ચોરીનો ત્યાગ પણ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ હોય. તે જો બની શકે તો અવશ્ય કરવો. કદાચ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. શ્રાવક કુવા–નદીનું પાણી, ખાણની માટી કોઈને પૂછયા વિના ગ્રહણ કરે તોપણ ચોરી નામ પામે નહિ, અને જો મુનિ તેને ગ્રહણ કરે તો ચોરી નામ પામે. ૧૦૬.

કુશીલનું સ્વરૂપ

यद्वेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म।
अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सद्भावात्।। १०७।।


Page 87 of 186
PDF/HTML Page 99 of 198
single page version

અન્વયાર્થઃ– [यत्] જે [वेदरागयोगात्] વેદના રાગરૂપ યોગથી [मैथुनं] સ્ત્રી– પુરુષોનો સહવાસ [अभिधीयते] કહેવામાં આવે છે [तत्] તે [अब्रह्म] અબ્રહ્મ છે અને [तत्र] તે સહવાસમાં [वधस्य] પ્રાણિવધનો [सर्वत्र] સર્વસ્થાનમાં [सद्भावात्] સદ્ભાવ હોવાથી [हिंसा] હિંસા [अवतरित] થાય છે.

ટીકાઃ– ‘यत् वेदरागयोगात् मैथुनं अभिधीयते तत् अब्रह्म भवति तत्र हिंसा अवतरति (यतः) सर्वत्र वधस्य सद्भावात्’– જે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ સહિતના યોગથી મૈથુન અર્થાત્ સ્ત્રી–પુરુષે મળીને કામસેવન કરવું તે કુશીલ છે. તે કુશીલમાં હિંસા ઉત્પન્ન થાય છે કારણ કે કુશીલ કરનાર અને કરાવનારને સર્વત્ર હિંસાનો સદ્ભાવ છે.

ભાવાર્થઃ– સ્ત્રીની યોનિ, નાભિ, કુચ અને કાંખમાં મનુષ્યાકારના અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, તેથી સ્ત્રી સાથે સહવાસ કરવાથી દ્રવ્યહિંસા થાય છે અને સ્ત્રી–પુરુષ બન્નેને કામરૂપ પરિણામ થાય છે તેથી ભાવહિંસા થાય છે. શરીરની શિથિલતાદિના નિમિત્તે પોતાના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. પર જીવ સ્ત્રી કે પુરુષના વિકાર પરિણામનું કારણ છે અથવા તેને પીડા ઊપજે છે, તેના પરિણામ વિકારી થાય છે તેથી અન્ય જીવના ભાવપ્રાણનો ઘાત થાય છે. વળી મૈથુનમાં ઘણાં જીવો મરે છે, એ રીતે અન્ય જીવના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. ૧૦૭.

મૈથુનમાં પ્રગટરૂપ હિંસા છેઃ–

हिंस्यन्ते तिलनाल्यां तप्तायसि विनिहिते तिला यद्वत्।
बहवो
जीवा योनौ हिंस्यन्ते मैथुने तद्वत्।। १०८।।

અન્વયાર્થઃ– [यद्वत्] જેમ [तिलनाल्यां] તલની નળીમાં [तप्तायसि विनिहिते] તપેલા લોખંડનો સળિયો નાખવાથી [तिलाः] તલ [हिंस्यन्ते] બળી જાય છે [तद्वत्] તેમ [मैथुने] મૈથુન વખતે [योनौ] યોનિમાં પણ [बहवो जीवाः] ઘણા જીવો [हिंस्यन्ते] મરે છે.

ટીકાઃ– ‘यद्वत् तिलनाल्यां तप्तायसि विनिहिते (सति) तिलाः हिंस्यन्ते तद्वत् योनौ मैथुने (कृते सति) बहवो जीवाः हिंस्यन्ते’– જેમ તલથી ભરેલી નળીમાં તપાવેલો લોખંડનો સળિયો નાખવાથી તે નળીના બધા તલ બળી જાય છે તેમ સ્ત્રીના અંગમાં પુરુષનાં અંગથી મૈથુન કરવામાં આવતાં યોનિગત જે જીવો હોય છે તે બધા તરત જ મરણ પામે છે એ જ પ્રગટરૂપે દ્રવ્યહિંસા છે. ૧૦૮.


Page 88 of 186
PDF/HTML Page 100 of 198
single page version

કોઈ કહે કે અનંગક્રીડામાં તો હિંસા થતી નથી. તેને કહે છેઃ–

यदपि क्रियते किञ्चिन्मदनोद्रेकादनङ्गरमणादि।
तत्रापि भवति हिंसा
रागाद्युत्पत्तितन्त्रत्वात्।। १०९।।

અન્વયાર્થઃ– અને [अपि] એ ઉપરાંત [मदनोद्रेकात्] કામની ઉત્કટતાથી [यत् किञ्चित्] જે કાંઈ [अनङ्गरमणादि] અનંગક્રીડા [क्रियते] કરવામાં આવે છે [तत्रापि] તેમાં પણ [रागाद्युत्पत्तितन्त्रत्वात्] રાગાદિની ઉત્પત્તિને કારણે [हिंसा] હિંસા [भवति] થાય છે.

ટીકાઃ– ‘यत् अपि मदनोद्रेकात् अनङ्गरमणादि किञ्चित् क्रियते तत्रापि हिंसा भवति रागाद्युत्पत्तितन्त्रत्वात्’– જે જીવ તીવ્ર ચારિત્રમોહ કર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) તીવ્ર કામવિકાર થવાને લીધે અનંગક્રીડા કરે છે ત્યાં પણ હિંસા થાય છે. કેમકે હિંસાનું થવું રાગાદિની ઉત્પત્તિને આધીન છે. જો રાગાદિ ન થાય તો હિંસા કદી થઈ શકતી નથી. માટે એ સિદ્ધ થયું કે અનંગક્રીડામાં પણ હિંસા થાય છે. ૧૦૯.

કુશીલના ત્યાગનો ક્રમ

ये निजकलत्रमात्रं परिहर्तुं शक्नुवन्ति न हि मोहात्।
निःशेषशेषयोषिन्निषेवणं तैरपि न
कार्यम्।। ११०।।

અન્વયાર્થઃ– [ये] જે જીવ [मोहात्] મોહને લીધે [निजकलत्रमात्रं] પોતાની વિવાહિતા સ્ત્રીને જ [परिहर्तुं] છોડવાને [हि] નિશ્ચયથી [न शक्नुवन्ति] સમર્થ નથી [तैः] તેમણે [निःशेषशेषयोषिन्निषेवणं अपि] બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ [न] [कार्यम्] કરવું જોઈએ.

ટીકાઃ– ‘ये (जीवाः) हि मोहात् निजकलत्रमात्रं परिहर्तुं हि न शक्नुवन्ति तैरपि निःशेषशेषयोषिन्निषेवणं न कार्यम्’– જે જીવ અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીયના ઉદયથી (–ઉદયવશે)પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી તેઓએ (વિવાહિતા સ્ત્રી સિવાયની) સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામસેવન ન કરવું પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ રાખવો. એ એકદેશ બ્રહ્મચર્યવ્રત છે, તથા સ્ત્રીમાત્રની સાથે કામસેવન કરવાનો ત્યાગ કરવો તે મહાવ્રત છે. ૧૧૦.