Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 6-22 ; Granth Prarumbh; Shravak Dharma Vyakhyan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 10

 

Page 9 of 186
PDF/HTML Page 21 of 198
single page version

કતકફળ (નિર્મળી) નાખીને કાદવ અને જળને જાદું જાદું કરે છે. ત્યાં નિર્મળ જળનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાનો પુરુષાકાર પ્રતિભાસે છે એવા નિર્મળ જળનો આસ્વાદ લે છે. તેમ ઘણા અજ્ઞાની જીવો કર્મના સંયોગથી જેનો જ્ઞાનસ્વભાવ ઢંકાઈ ગયો છે એવા અશુદ્ધ આત્માને અનુભવે છે. કોઈ પોતાની બુદ્ધિ વડે શુદ્ધ નિશ્ચયનયના સ્વરૂપને જાણી કર્મ અને આત્માને જુદા જુદા કરે છે. ત્યાં નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાના ચૈતન્ય પુરુષનો આકાર પ્રતિભાસે છે એવો નિર્મળ આત્માને સ્વાનુભવરૂપ આસ્વાદે છે. તેથી શુદ્ધનય કતકફળ સમાન છે. એના શ્રદ્ધાનથી સર્વ સિદ્ધિ થાય છે. પ.

આગળ કહે છે કે જો એક નિશ્ચયનયના શ્રદ્ધાનથી જ સર્વ સિદ્ધિ થાય તો આચાર્ય વ્યવહારનયનો ઉપદેશ શા માટે કરે છે? તેનો ઉત્તર–અર્થ આ ગાથમાં કહ્યો છે. પ.

વળી જે શ્રોતા ગાથાના અર્થમાંના ઉપદેશને અંગીકાર કરવા લાયક નથી તેનું કથન કરે છે–

अबुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम्।
व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।। ६।।

અન્વયાર્થઃ– [मुनीश्वराः] ગ્રન્થ કરનાર આચાર્ય [अबुधस्य] અજ્ઞાની જીવોને [बोधनार्थः] જ્ઞાન ઉત્પન્ન કરવા માટે [अभूतार्थ] વ્યવહારનયનો [देशयन्ति] ઉપદેશ કરે છે અને [यः] જે જીવ [केवलं]કેવળ [व्यवहारम् एव] વ્યવહારનયને જ [अवैति] જાણે છે. [तस्य] તેને–તે મિથ્યાદ્રષ્ટિ માટે [देशना] ઉપદેશ [नास्ति] નથી.

ટીકાઃ– ‘मुनीश्वराः अबुधस्य बोधनार्थं अभुतार्थं देशयन्ति–’ મુનીશ્વરો એટલે આચાર્યો અજ્ઞાની જીવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે અભૂતાર્થ એવો જે વ્યવહારનય તેનો ઉપદેશ કરે છે.

ભાવાર્થઃ– અનાદિનો અજ્ઞાની જીવ વ્યવહારનયના ઉપદેશ વિના સમજે નહિ તેથી આચાર્ય વ્યવહારનય દ્વારા તેમને સમજાવે છે. તે જ બતાવીએ છીએ. જેમ કોઈ મ્લેચ્છને બ્રાહ્મણે ‘સ્વસ્તિ’ શબ્દ વડે આશીર્વાદ આપ્યો. તેને (અર્થની) કાંઈ ખબર પડી નહિ, તેના તરફ તાકી જ રહ્યો. ત્યાં દુભાષિયો તેને મ્લેચ્છની ભાષામાં કહેવા લાગ્યો કે આ કહે છે કે ‘તારુ ભલું થાવ.’ ત્યારે આનંદિત થઈને તેનો


Page 10 of 186
PDF/HTML Page 22 of 198
single page version

આશીર્વાદ અંગીકાર કરે છે. તેમ અજ્ઞાની જીવોને આચાર્યે ‘આત્મા’ એવા શબ્દ વડે ઉપદેશ કર્યો. ત્યારે તેને કાંઈ સમજણ ન પડવાથી આચાર્ય તરફ જોઈ રહ્યો. ત્યાં નિશ્ચયવ્યવહારનયના જાણનાર આચાર્યે વ્યવહારનય વડે ભેદ ઉપજાવીને કહ્યું કે–જે આ દેખનાર, જાણનાર, આચરણ કરનાર પદાર્થ છે તે જ આત્મા છે, ત્યારે સહજ પરમાનંદ દશાને પ્રાપ્ત થઈ તે આત્માને નિજ સ્વરૂપ વડે અંગીકાર કરે છે. આ રીત આ સદ્ભૂત વ્યવહારનયનું ઉદાહરણ આપ્યું.

હવે અસદ્ભૂત વ્યવહારનયનું ઉદાહરણ કહીએ છીએ. જેમ માટીનો ઘડો ઘીથી સંયુક્ત છે તેને વ્યવહારે ઘીનો ઘડો કહીએ છીએ. અહીં કોઈ પુરુષ જન્મથી ઘીનો ઘડો જાણે છે. જો કોઈ તેને ઘીનો ઘડો કહીને સમજાવે તો સમજે અને જો માટીનો ઘડો કહે તો બીજા કોઈ કોરા ઘડાનું નામ સમજે છે. નિશ્ચયથી વિચારીએ તો ઘડો છે તે માટીનો જ છે, પરંતુ તેને સમજાવવા માટે ‘ઘીનો ઘડો’ એવા નામ વડે કહીએ છીએ. તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા કર્મજનિત પર્યાયથી સંયુક્ત છે તેને વ્યવહારથી દેવ, મુનષ્ય ઈત્યાદિ નામથી કહીએ છીએ. અહીં અજ્ઞાની અનાદિથી તે આત્માને દેવ, મનુષ્ય ઇત્યાદિ સ્વરૂપ જ જાણે છે. જો કોઈ એને દેવ, મનુષ્ય વગેરે નામથી સંબોધીને સમજાવે તો સમજે અને ચૈતન્યસ્વરૂપ આત્માનું નામ કહે તો બીજા કોઈ પરમબ્રહ્મ, પરમેશ્વરનું નામ સમજે. નિશ્ચયથી વિચારીએ તો આત્મા છે તે ચૈતન્યસ્વરૂપ જ છે. પરંતુ એને સમજાવવા માટે આચાર્ય ગતિ, જાતિના ભેદ વડે જીવનું નિરૂપણ કરે છે. આ રીતે અજ્ઞાની જીવોને જ્ઞાન ઉપજાવવા માટે આચાર્ય વ્યવહારનો ઉપદેશ કરે છે. અહીં માત્ર વ્યવહાર ‘एवं अवैति तस्य देशना नास्ति’– જે જીવ કેવળ વ્યવહારની જ શ્રદ્ધા કરે છે તેને માટે ઉપદેશ નથી.

ભાવાર્થઃ– નિશ્ચયનયની શ્રદ્ધા વિના કેવળ વ્યવહાર માર્ગમાં જ જે પ્રવર્તે તે મિથ્યાદ્રષ્ટિને ઉપદેશ કરવો નિષ્ફળ છે. ૬.

આગળ કેવળ વ્યવહારનયનું શ્રદ્ધાન થવાનું કારણ બતાવે છે–

माणवक
एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।। ७।।

અન્વયાર્થઃ– [यथा] જેમ[अनवगीत सिंहस्य] સિંહને સર્વથા ન જાણનાર પુરુષને [माणवकः] બિલાડી [एव][सिंहः] સિંહરૂપ [भवति] થાય છે, [हि]


Page 11 of 186
PDF/HTML Page 23 of 198
single page version

નિશ્ચયથી [तथा] તેમ [अनिश्चयज्ञस्य] નિશ્ચયનયના સ્વરૂપથી અપરિચિત પુરુષને માટે [व्यवहारः] વ્યવહાર [एव][निश्चयतां] નિશ્ચયપણું [याति] પામે છે.

ટીકાઃ– ‘यथा हि अनवगीतसिंहस्य माणवक एव सिंहो भवति’– જેમ નિશ્ચયથી (ખરેખર) જેણે સિંહને જાણ્યો નથી તેને બિલાડી જ સિંહરૂપ થાય છે. તથા ‘अनिश्चयज्ञस्य व्यवहारः एव निश्चयतां याति’– તેમ જેણે નિશ્ચયનું સ્વરૂપ જાણ્યું નથી તેમને વ્યવહાર જ નિશ્ચયરૂપ થાય છે. અર્થાત્ તેઓ વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે.

ભાવાર્થઃ– જેમ બાળક સિંહને ઓળખતું નથી, બિલાડીને જ સિંહ માને છે તેમ અજ્ઞાની નિશ્ચયના સ્વરૂપને ઓળખતો નથી, વ્યવહારને જ નિશ્ચય માને છે. તે જ બતાવીએ છીએ. જે જીવ પોતાના શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ મોક્ષમાર્ગને ઓળખતો નથી તે જીવ વ્યવહારદર્શન, જ્ઞાન, ચારિત્રનું સાધન કરી પોતાને મોક્ષનો અધિકારી માને છે. અરિહંતદેવ, નિર્ગ્રંથ ગુરુ, દયાધર્મનું શ્રદ્ધાન કરી પોતાને સમ્યગ્દ્રષ્ટિ માને છે. અને કિંચિત્ જિનવાણીને જાણી પોતાને જ્ઞાની માને છે, મહાવ્રતાદિ ક્રિયાનું સાધન કરી પોતાને ચારિત્રવાન માને છે. આ રીતે એ શુભોપયોગમાં સંતુષ્ટ થઈ, શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગમાં પ્રમાદી છે તે કારણે કેવળ વ્યવહારનયના અવલંબી થયા છે એને ઉપદેશ આપીએ તો નિષ્ફળ છે. અહીં પ્રશ્ન ઊપજે છે કે આવા શ્રોતા પણ ઉપદેશ લાયક નથી.

તો શ્રોતા કેવા ગુણવાળા હોવા જોઈએ? તેનો ઉત્તર આગળ કહે છે–

व्यवहारनिश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः।
प्राप्नोति देशनायाः स एव फलमविकलं
शिष्यः।। ८।।

અન્વયાર્થઃ– [यः] જે જીવ [व्यवहारनिश्चयौ] વ્યવહારનય અને નિશ્ચયનયને [तत्त्वेन] વસ્તુસ્વરૂપ વડે [प्रबुध्य] યથાર્થપણે જાણીને [मध्यस्थः] મધ્યસ્થ [भवति] થાય છે, અર્થાત્ નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાતરહિત થાય છે [सः] તે [एव][शिष्यः] શિષ્ય [देशनायाः] ઉપદેશના [अविकलं] સમ્પૂર્ણ [फलं] ફળને [प्राप्नोति] પામે છે.

ટીકાઃ– ‘यः व्यवहारनिश्चयौ तत्त्वेन प्रबुध्य मध्यस्थः भवति’– જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને યથાર્થપણે જાણીને પક્ષપાતરહિત થાય છે ‘स एव शिष्यः


Page 12 of 186
PDF/HTML Page 24 of 198
single page version

देशनायाः अविकलं फलं प्राप्नोति’– તે જ શિષ્ય ઉપદેશનું સંપૂર્ણ ફળ પામે છે.

ભાવાર્થઃ– શ્રોતામાં અનેક ગુણ જોઈએ. પરંતુ વ્યવહાર અને નિશ્ચયને જાણીને એક પક્ષના હઠાગ્રહીરૂપ ન થવું એ ગુણ મુખ્ય જોઈએ. કહ્યું છે કે–

जइ जिणमयं पवज्जह ता मा ववहार णिच्छए मुअह।
एकेण विणा छिज्जइ तित्थं, अप्णेण पुण तच्चं।।
(– પં. પ્રવર આશાધરકૃત અનગાર ધર્મામૃત પ્ર. અ. પૃ. ૧૮)

અર્થઃ– જો તું જિનમતમાં પ્રવર્તે છે તો વ્યવહાર અને નિશ્ચયને ન છોડ. જો નિશ્ચયનો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ તો રત્નત્રયસ્વરૂપ ધર્મતીર્થનો અભાવ થશે. અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ નિશ્ચયને છોડીશ તો શુદ્ધ તત્ત્વસ્વરૂપનો અનુભવ નહિ થાય. તેથી પહેલાં વ્યવહાર–નિશ્ચયને બરાબર જાણી પછી યથાયોગ્યપણે એને અંગીકાર કરવા, પક્ષપાતી ન થવું એ જ ઉત્તમશ્રોતાનું લક્ષણ છે. અહીં પ્રશ્નઃ–જે નિશ્ચય–વ્યવહારના જાણપણારૂપ ગુણ વક્તાનો કહ્યો હતો તે જ શ્રોતાનો કહ્યો તેમાં વિશેષ શું આવ્યું? ઉત્તરઃ–જે ગુણ વક્તામાં અધિકપણે હોય તે જ શ્રોતામાં હીનતાપણે–થોડા અંશે હોય છે. એ રીતે વક્તા અને શ્રોતાનું વર્ણન કર્યું. ૮.


[ભૂમિકા સમાપ્ત]


Page 13 of 186
PDF/HTML Page 25 of 198
single page version

હવે ગ્રન્થનું વર્ણન કરે છે. આ ગ્રન્થમાં પુરુષના અર્થની સિદ્ધિના ઉપાયનું વ્યાખ્યાન કરશે. તેથી પ્રથમ જ પુરુષનું સ્વરૂપ કહે છેઃ–

अस्ति पुरुषश्चिदात्मा विवर्जितः स्पर्शगन्धरसवर्णैः।
गुणपर्ययसमवेतः
समाहितः समुदयव्ययध्रौव्यैः।। ९।।

અન્વયાર્થઃ– [पुरुषः] પુરુષ અર્થાત્ આત્મા [चिदात्मा] ચેતનાસ્વરૂપ [अस्ति] છે, [स्पर्शगन्धरसवर्णैः] સ્પર્શ, ગંધ, રસ, અને વર્ણથી [विवर्जितः] રહિત છે, [गुणपर्ययसमवेतः] ગુણ અને પર્યાય સહિત છે તથા [समुदयव्ययध्रौव्यैः] ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય [समाहितः] યુક્ત છે.

ટીકાઃ– पुरुषः चिदात्मा अस्ति –પુરુષ છે તે ચૈતન્યસ્વરૂપ છે.

ભાવાર્થઃ– (पुरु) ઉત્તમ ચેતના ગુણમાં (सेते) સ્વામી થઈને પ્રવર્તે તેનું નામ પુરુષ છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ કહીએ. આ જ ચેતના અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષરહિત આ આત્માનું અસાધારણ લક્ષણ છે. અવ્યાપ્તિ દોષ તેને કહે છે કે જેને જેનું લક્ષણ કહ્યું હોય તે તેના કોઈ લક્ષ્યમાં હોય, અને કોઈ લક્ષ્યમાં ન હોય. પણ કોઈ આત્મા ચેતના રહિત નથી.

જો આત્માનું લક્ષણ રાગાદિ કહીએ તો અવ્યાપ્તિ દૂષણ લાગે છે કારણ કે રાગાદિ સંસારી જીવને છે, સિદ્ધ જીવોને નથી.

જે લક્ષણ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં પણ હોય તેને અતિવ્યાપ્તિ દૂષણ કહીએ. પણ ચેતના જીવ પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થમાં નથી. જો આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહીએ તો અતિવ્યાપ્તિ દૂષણ લાગે; કારણ કે જેવી રીતે આત્મા અમૂર્તિક છે તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અમૂર્તિક છે. વળી જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવ પદાર્થમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો અસંભવ દોષ લાગે છે; કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. આ રીતે ત્રણ દોષ રહિત આત્માનું ચેતના લક્ષણ


Page 14 of 186
PDF/HTML Page 26 of 198
single page version

બે પ્રકારે છે. એક જ્ઞાનચેતના છે, બીજી દર્શનચેતના છે. જે પદાર્થોને સાકારરૂપે વિશેષપણે કરીને જાણે તેને જ્ઞાનચેતના કહે છે.

જે પદાર્થોને નિરાકારરૂપે સામાન્યપણે દેખે તેને દર્શનચેતના કહીએ. આજ ચેતના પરિણામની અપેક્ષાએ ત્રણ પ્રકારની છે. જ્યારે આ ચેતના શુદ્ધ જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે ત્યારે જ્ઞાનચેતના કહીએ, જ્યારે રાગાદિ કાર્યરૂપે પરિણમે ત્યારે કર્મચેતના અને હર્ષ–શોકાદિ વેદનરૂપ કર્મના ફળરૂપે પરિણમે ત્યારે કર્મફળચેતના કહીએ. આ રીત ચેતના અનેક સ્વાંગ કરે પણ ચેતનાનો અભાવ કદી થતો નથી. આવા ચેતનાલક્ષણથી વિરાજમાન જીવ નામના પદાર્થનું નામ પુરુષ છે વળી કેવો છે પુરુષ? સ્પર્શ, રસ ગંધ અને વર્ણથી રહિત છે. આઠ પ્રકારના સ્પર્શ, બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારના રસ, પાંચ પ્રકારના વર્ણ એવા જે પુદ્ગલોનાં લક્ષણ તેનાથી રહિત અમૂર્તિક છે. આ વિશેષણથી પુદ્ગલ દ્રવ્યથી જુદાઈ પ્રગટ કરી, કારણ કે આ આત્મા અનાદિથી સંબંધરૂપ જે પુદ્ગલ દ્રવ્ય છે તેમાં અહંકાર–મમકારરૂપ પ્રવર્તે છે. જો પોતાનાં ચૈતન્ય પુરુષને અમૂર્તિક જાણે તો દ્રવ્યકર્મ, નોકર્મ, ધનધાન્યાદિ પુદ્ગલદ્રવ્યમાં અહંકાર–મમકાર ન કરે.

વળી કેવો છે પુરુષ? ‘गुणपर्यायसमवेतः’–ગુણપર્યાયોથી વિરાજમાન છે. ત્યાં ગુણનું લક્ષણ સહભૂત છે. સહ એટલે દ્રવ્યની સાથે છે, ભૂ એટલે સત્તા. દ્રવ્યમાં જે સદાકાળ પ્રાપ્ત છે તેને ગુણ કહીએ. આત્મામાં ગુણ બે પ્રકારે છે. જ્ઞાન–દર્શનાદિ અસાધારણ ગુણ છે, બીજા દ્રવ્યમાં તે હોતા નથી. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વાદિ સાધારણ ગુણ છે, બીજાં દ્રવ્યમાં પણ હોય છે. પર્યાયનું લક્ષણ ક્રમવર્તી છે. જે દ્રવ્યમાં અનુક્રમે ઊપજે, કદાચિત્–કોઈવાર હોય તેને પર્યાય કહીએ. આત્મામાં પર્યાય બે પ્રકારે છે. જે નર–નારકાદિ આકારરૂપ અથવા સિદ્ધના આકારરૂપ પર્યાય તેને વ્યંજનપર્યાય કહીએ. જ્ઞાનાદિ ગુણને પણ સ્વભાવ વા વિભાગરૂપ પરિણમન જે છ પ્રકારે હાનિ–વૃદ્ધિરૂપ છે તેને અર્થપર્યાય કહે છે. આ ગુણપર્યાયોથી આત્માની તદાત્મક એક્તા છે. આ વિશેષણ વડે આત્માનું વિશેષ્ય જાણી શકાય છે.

વળી કેવો છે પુરુષ? ‘समुदयव्ययध्रौव्यैः समाहितः’– ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યથી સંયુક્ત છે. નવીન અર્થપર્યાય અને વ્યંજનપર્યાયનું ઊપજવું તે ઉત્પાદ, પૂર્વ પર્યાયનો નાશ થવો તે વ્યય અને ગુણની અપેક્ષાએ અથવા દ્રવ્યની અપેક્ષાએ શાશ્વતપણું તેને ધ્રૌવ્ય કહીએ. જેમ સોનું કુંડળ પર્યાયથી ઊપજે છે, કંકણ પર્યાયથી વિણસે છે,


Page 15 of 186
PDF/HTML Page 27 of 198
single page version

પીળાશ વગેરેની અપેક્ષાએ અથવા સોનાપણાની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં શાશ્વતતા છે. આ વિશેષણથી આત્માનું અસ્તિત્વ પ્રગટ કર્યું. ૯.

પ્રશ્નઃ– આવા ચૈતન્ય પુરુષને અશુદ્ધતા કઈ રીતે થઈ જેથી એને પોતાના અર્થની સિદ્ધિ કરવી પડે? તેનો ઉત્તર આગળ કહે છે–

परिणममानो नित्यं ज्ञानविवर्त्तैरनादिसन्तत्या।
परिणामानां स्वेषां स भवति कर्त्ता च भोक्ता च।। १०।।

અન્વયાર્થઃ– [सः] તે ચૈતન્ય આત્મા [अनादिसन्तत्या] અનાદિની પરિપાટીથી [नित्यं] નિરંતર [ज्ञानविवर्त्तैः] જ્ઞાનાદિ ગુણોના વિકારરૂપ રાગાદિ પરિણામોથી [परिणममानः] પરિણમતો થકો [स्वेषां] પોતાના [परिणामानां] રાગાદિ પરિણામોનો [कर्त्ता च भोक्ता च] કર્તા અને ભોક્તા પણ [भवति] થાય છે.

ટીકાઃ– ‘‘अनादि सन्तत्या नित्यं ज्ञानविवर्त्तैः परिणममानः स्वेषां परिणामानां कर्त्ता च भोक्ता च भवति।’’ – તે ચૈતન્ય પુરુષ અનાદિની પરિપાટીથી સદા જ્ઞાન ચારિત્રરહિત જે રાગાદિ પરિણામ તે વડે પરિણમતો થકો પોતાના જે રાગાદિ પરિણામ થયા તેનો એ કર્તા પણ છે અને ભોક્તા પણ છે.

ભાવાર્થઃ– આ આત્માને નવી અશુદ્ધતા થઈ નથી. અનાદિકાલથી સંતાનરૂપે દ્રવ્યકર્મથી રાગાદિ થાય છે, રાગાદિથી વળી દ્રવ્યકર્મનો બંધ થાય છે. સુવર્ણકીટિકા જેમ અનાદિ સંબંધ છે. તે સંબંધથી પોતાના જ્ઞાનસ્વભાવની ખબર જ નથી તેથી ઉદયાગત કર્મ પર્યાયમાં ઈષ્ટ– અનિષ્ટભાવ વડે રાગ, દ્વેષ, મોહરૂપ પરિણમ્યો છે. જોકે આ પરિણામોને દ્રવ્યકર્મનું કારણ છે તોપણ એ પરિણામ ચેતનામય છે. તેમાં આ પરિણામનો વ્યાપ્યવ્યાપક ભાવથી આત્મા જ કર્તા છે.

ભાવ્યભાવકભાવથી આત્મા જ ભોક્તા છે. વ્યાપ્યવ્યાપકભાવ એટલે શું તે કહીએ છીએ. જે નિયમથી સહચારી હોય તેને વ્યાપ્તિ કહે છે. જેમ ધૂમાડા અને અગ્નિમાં સહચારીપણું છે. જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય અને અગ્નિ વિના ધૂમાડો ન હોય. તેમ રાગાદિભાવ અને આત્મામાં સહચારીપણું છે. જ્યાં રાગાદિ હોય ત્યાં આત્મા હોય જ. આત્મા વિના રાગાદિ ન હોય. આ વ્યાપ્તિક્રિયામાં જે કર્મ છે તેને વ્યાપ્ય કહીએ. આત્મા કર્તા છે તેને વ્યાપક કહીએ. આવી રીતે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ સંભવે, બીજા સ્થાનમાં ન સંભવે. એ જ


Page 16 of 186
PDF/HTML Page 28 of 198
single page version

રીતે જે જે ભાવ અનુભવવા યોગ્ય હોય તેને ભાવ્ય કહીએ. અનુભવ કરનાર પદાર્થને ભાવક કહીએ. આવો ભાવ્યભાવકસંબંધ જ્યાં હોય ત્યાં ભોક્તાભોગ્યસંબંધ સંભવે, બીજી જગ્યાએ ન સંભવે. ૧૦.

આ રીતે આ અશુદ્ધ આત્માને અર્થસિદ્ધિ કયારે થાય અને અર્થસિદ્ધિ કોને કહેવાય તે આગળ કહે છે–

सर्वविवर्त्तोतीर्णं यदा स चैतन्यमचलमाप्नोति।
भवति तदा कृतकृत्यः सम्यक्पुरुषार्थसिद्धिमापन्नः।। ११।।

અન્વયાર્થઃ– [यदा] જ્યારે [सः] ઉપર્યુક્ત અશુદ્ધ આત્મા [सर्वविवर्त्तोत्तीर्णं] સર્વ વિભાવોથી પાર થઈને [अचलं] પોતાના નિષ્કમ્પ [चैतन्यं] ચૈતન્ય સ્વરૂપને [आप्नोति] પ્રાપ્ત થાય છે [तदा] ત્યારે આ આત્મા તે [सम्यक्पुरुषार्थसिद्धिम्] સમ્યક્પણે પુરુષાર્થના પ્રયોજનની સિદ્ધિને [आपन्नः] પ્રાપ્ત થતો થકો [कृतकृत्यः] કૃતકૃત્ય [भवति] થાય છે.

ટીકાઃ– ‘स यदा सर्वविवर्त्तोत्तीर्णं चैतन्यमचलमाप्नोति तदा कृतकृत्यः भवति’– રાગાદિ ભાવોથી લિપ્ત તે જ આત્મા જ્યારે સર્વ વિભાવથી પાર થઈ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને નિઃશંકપણે પ્રાપ્ત થાય ત્યારે આ જ આત્મા કૃતકૃત્ય થાય છે. કેવો છે આ આત્મા? ‘सम्यक्पुरुषार्थसिद्धिमापन्नः’– સમ્યક્ પ્રકારે પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થયો છે.

ભાવાર્થઃ– જ્યારે આ આત્મા સ્વ–પર ભેદવિજ્ઞાન વડે શરીરાદિ પરદ્રવ્યને જુદા જાણે ત્યારે તેમાં ‘‘આ ભલા–ઈષ્ટ, આ બૂરા’’ એવી બુદ્ધિનો ત્યાગ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બૂરું થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે, પરદ્રવ્યના કરવાથી ભલું–બૂરું થતું નથી. તેથી સર્વ પરદ્રવ્યોમાં રાગદ્વેષ ભાવનો ત્યાગ કરે. જો અવશપણે (–પુરુષાર્થની નિર્બળતાથી) રાગાદિ ઊપજે તો તેના નાશના માટે અનુભવ–અભ્યાસમાં ઉદ્યમવંત રહે. આમ કરતાં જ્યારે સર્વ વિભાવભાવનો નાશ થાય, અક્ષુબ્ધ સમુદ્રવત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લવણવત્ પરિણામ લીન થાય, ધ્યાતાધ્યેયનો વિકલ્પ ન રહે, એમ ન જાણે કે હું શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાવું છું, પોતે જ તાદાત્મ્યવૃત્તિથી શુદ્ધાત્મસ્વરૂપ થઈ નિષ્કંપપણે પરિણમે, તે વખતે આ આત્માને જે કાંઈ કરવાનું હતું તે કરી લીધું, કાંઈ કરવાનું હવે બાકી રહ્યું નહિ તેથી એને


Page 17 of 186
PDF/HTML Page 29 of 198
single page version

કૃતકૃત્ય કહીએ છીએ. તેની અવસ્થામાં પુરુષાર્થની સિદ્ધિ થઈ. પુરુષનો જે અર્થ અર્થાત્ પ્રયોજનરૂપ કાર્ય તેની જે સિદ્ધિ થવાની હતી તે થઈ ગઈ. આવી અવસ્થાને જે પ્રાપ્ત થયો તે આત્માને કૃતકૃત્ય કહીએ છીએ. ૧૧.

આગળ પુરુષાર્થસિદ્ધિનો ઉપાય કહેવા ઈચ્છે છે ત્યાં પ્રથમ પરદ્રવ્યના સંબંધનું કારણ કહે છે, જે જતાં જે કંઈ ઉપાય કરવામાં આવે છે તે કહે છેઃ–

जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये।
स्वयमेव परिणमन्तेऽत्र
पुद्गलाः कर्मभावेन।। १२।।

અન્વયાર્થઃ– [जीवकृतं] જીવના કરેલા [परिणामं] રાગાદિ પરિણામને [निमित्तमात्रं] નિમિત્તિમાત્ર [प्रपद्य] પામીને [पुनः] ફરી [अन्ये पुद्गलाः] જીવથી ભિન્ન અન્ય પુદ્ગલ સ્કન્ધ [अत्र] આત્મામાં [स्वयमेव] પોતાની મેળે જ [कर्मभावेन] જ્ઞાનાવરણાદિ કર્મરૂપ [परिणमन्ते] પરિણમે છે.

ટીકાઃ– ‘‘जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनः अन्ये पुद्गलाः स्वयमेव कर्मभावेन परिणमन्ते।’’ જીવે કરેલા જે રાગાદિ પરિણામ તેને નિમિત્તમાત્ર પામીને નવા અન્ય પુદ્ગલસ્કંધ સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ થઈ પરિણમે છે.

ભાવાર્થઃ– જ્યારે જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યારે તે ભાવોનું નિમિત્ત પામી પોતે જ પુદ્ગલ દ્રવ્ય કર્મઅવસ્થાને ધારણ કરે છે. વિશેષ એટલું કે જો આત્મા દેવ–ગુરુ–ધર્માદિક પ્રશસ્ત રાગરૂપે પરિણમે તો શુભકર્મનો બંધ થાય.

પ્રશ્નઃ– જીવના ભાવ મહા સૂક્ષ્મરૂપ છે તેની ખબર જડકર્મને કેવી રીતે પડે? અને ખબર વિના કેવી રીતે પુણ્ય–પાપરૂપે થઈને પરિણમે છે?

ઉત્તરઃ– જેમ મંત્રાસાધક પુરુષ બેઠો બેઠો ગુપ્તપણે મંત્ર જપે છે, તેમ મંત્રના નિમિત્તથી એના કર્યા વિના જ કોઈને પીડા ઊપજે છે, કોઈનું મરણ થાય છે, કોઈનું ભલું થાય છે, કોઈ વિટંબણારૂપ પરિણમે છે–એવી એ મંત્રમાં શક્તિ છે. તેનું નિમિત્ત પામી ચેતન–અચેતન પદાર્થ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. તેવી રીતે અજ્ઞાની જીવ પોતાના અંતરંગમાં વિભાવભાવરૂપે પરિણમે છે. તે ભાવનું નિમિત્ત પામીને એના કર્યા સિવાય જ કોઈ પુદ્ગલ પુણ્યપ્રકૃતિરૂપે પરિણમે છે, કોઈ પાપરૂપ પરિણમે છે એવી એના ભાવોમાં શક્તિછે. તેનું નિમિત્ત પામીને પુદ્ગલ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. એવો જ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. ૧૨.


Page 18 of 186
PDF/HTML Page 30 of 198
single page version

આ જીવને જે વિભાવભાવ થાય છે તે પોતાથી જ થાય છે વા એનું પણ નિમિત્ત કારણ છે એ પ્રશ્નનો ઉત્તર આગળ કહેશે.

परिणममानस्य चितश्चिदात्मकैः स्वयमपि, स्वकैर्भावैः।
भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म
तस्यापि।। १३।।

અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [स्वकैः] પોતાના [चिदात्मकैः] ચેતનાસ્વરૂપ [भावैः] રાગાદિ પરિણામોથી [स्वयमपि] પોતે જ [परिणममानस्य] પરિણમતા [तस्य चितः अपि] પૂર્વોક્ત આત્માને પણ [पौद्गलिकं] પુદ્ગલ સંબંધી [कर्म] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ [निमित्तमात्रं] નિમિત્ત માત્ર [भवति] થાય છે.

ટીકાઃ– हि चिदात्मकैः स्वकैर्भावैः परिणममानस्य तस्य चितः अपि पौद्गलिकं कर्म निमित्तमात्रं भवति’– નિશ્ચયથી ચૈતન્યસ્વરૂપ પોતાના રાગાદિ પરિણામરૂપે પરિણમેલા તે પૂર્વોક્ત આત્માને પણ પૌદ્ગલિક જ્ઞાનાવરણાદિ કર્મ નિમિત્તમાત્ર થાય છે.

ભાવાર્થઃ– આ જીવને રાગાદિ વિભાવભાવ પોતાથી જ (સ્વદ્રવ્યના આલંબનથી) થતા નથી. જો પોતાથી જ થાય તો તે જ્ઞાન–દર્શનની જેમ સ્વભાવભાવ થઈ જાય. સ્વભાવભાવ હોય તો તેનો નાશ પણ ન થાય. તેથી એ ભાવ ઔપાધિક છે, અન્ય નિમિત્તથી થાય છે. તે નિમિત્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોને જાણવું. જે જે પ્રકારે દ્રવ્યકર્મ ઉદય અવસ્થારૂપે પરિણમે તે તે પ્રકારે આત્મા વિભાવભાવરૂપે પરિણમે છે.

પ્રશ્નઃ– પુદ્ગલમાં એવી કઈ શક્તિ છે કે જે ચૈતન્યને વિભાવરૂપે પરિણમાવે છે.?

ઉત્તરઃ– જેમ કોઈ મનુષ્યના શિર ઉપર મંત્રેલી રજ નાખી હોય તો તે રજના નિમિત્ત દ્વારા તે પુરુષ પોતાને ભૂલી નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. મંત્રના નિમિત્તે રજમાં એવી શક્તિ હોય છે કે જે બુદ્ધિમાન મનુષ્યને વિપરીત પરિણમાવે છે. તેવી જ રીતે આ આત્માના પ્રદેશોમાં રાગાદિના નિમિત્તે બંધાયેલાં પુદ્ગલોના નિમિત્તે આ આત્મા પોતાને ભૂલીને નાના પ્રકારના વિપરીત ભાવોરૂપે પરિણમે છે. એના વિભાવભાવોના નિમિત્તે પુદ્ગલમાં એવી શક્તિ હોય છે કે જે ચૈતન્યપુરુષને વિપરીત _________________________________________________________________

૧. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને ભાવથી છે, પર દ્રવ્યાદિનો તેમાં સદાય અભાવ જ છે. તેથી કોઈ કોઈને પરિણમાવી શકતું નથી, છતાં જીવની તે પ્રકારે પરિણમવાની યોગ્યતા કાળે બાહ્યમાં કઈ સામગ્રીને નિમિત્ત બનાવવામાં આવી તેનું જ્ઞાન કરાવવા માટે અસદ્ભૂત વ્યવહારનયથી નિમિત્તને કર્ત્તા કહેવામાં આવે છે, વ્યવહાર કથનની રીત આમ છે એમ જાણવું જોઈએ.


Page 19 of 186
PDF/HTML Page 31 of 198
single page version

પરિણમાવે છે. આ રીતે ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે. તેનું નામ સંસાર કહીએ. ૧૩.

આગળ આ સંસારનું મૂળ કારણ બતાવીએ છીએ.–

एवमयं कर्मकृतैर्भा वैरसमाहितोऽपि युक्त इव।
प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।। १४।।

અન્વયાર્થઃ– [एवम्] એ રીતે [अयं] આ આત્મા [कर्मकृतैः] કર્મોના કરેલા [भावैः] રાગાદિ અથવા શરીરાદિ ભાવોથી [असमाहितोऽपि] સંયુક્ત ન હોવા છતાં પણ [बालिशानां] અજ્ઞાની જીવોને [युक्तः इव] સંયુક્ત જેવો [प्रतिभाति] પ્રતિભાસે છે અને [सः प्रतिभासः] તે પ્રતિભાસ જ [खलु] નિશ્ચયથી [भवबीजं] સંસારના બીજરૂપ છે.

ટીકાઃ– ‘स एवं अयं कर्मकृतैर्भावैः असमाहितः अपि बालिशानां युक्तः इति प्रतिभाति’– આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી તોપણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મજનિત ભાવોથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે.

ભાવાર્થઃ– પહેલાં આમ કહ્યું કે પુદ્ગલકર્મને કારણભૂત રાગાદિભાવ છે, રાગાદિભાવોનું કારણ પુદ્ગલકર્મ છે. તેથી આ આત્મા નિજ સ્વભાવભાવની અપેક્ષાએ કર્મજનિત નાના પ્રકારના ભાવોથી જુદો જ ચૈતન્યમાત્ર વસ્તુ છે.

જેમ લાલ ફૂલના નિમિત્તે સ્ફટિક લાલ રંગરૂપે પરિણમે છે પરંતુ તે લાલ રંગ સ્ફટિકનો નિજ ભાવ નથી. સ્ફટિક સ્વચ્છતારૂપ પોતાના શ્વેત વર્ણથી બિરાજમાન છે. લાલ રંગ છે તે સ્વરૂપમાં પેઠા સિવાય ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં રત્નનો પારખુ ઝવેરી તો એમ જ જાણે છે અને અપારખુ (અપરીક્ષક) પુરુષને સત્યરૂપ લાલ મણિની જેમ લાલરંગરૂપ જ પ્રતિભાસે છે. તેવી જ રીતે કર્મનિમિત્તથી આત્મા રાગાદિરૂપે પરિણમે છે. તે રાગાદિ આત્માના નિજ ભાવ નથી. આત્મા પોતાની સ્વચ્છતારૂપ ચૈતન્યગુણમાં વિરાજમાન છે. રાગાદિ છે તે સ્વરૂપમાં પેઠા વિના ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં જ્ઞાની સ્વરૂપના પરીક્ષક તો એમ જ જાણે છે. અને અપરીક્ષક જીવોને સત્યરૂપ આત્મા પુદ્ગલ કર્મની પેઠે રાગાદિ સ્વરૂપ જ પ્રતિભાસે છે. અહીં પ્રશ્ન–તમે જ રાગાદિભાવને જીવકૃત કહ્યા હતા. અહીં તેને કર્મકૃત કેવી


Page 20 of 186
PDF/HTML Page 32 of 198
single page version

રીતે કહો છો? તેનો ઉત્તર– રાગાદિભાવ ચેતનારૂપ છે તેથી એનો કર્તા જીવ જ છે, પરંતુ અહી શ્રદ્ધા કરાવવા માટે મૂળભૂત જીવના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ રાગાદિ ભાવ કર્મના નિમિત્તથી થાય છે તેથી કર્મકૃત કહ્યા.

જેમ કોઈ મનુષ્યને ભૂત વળગ્યું હોય તો તે મનુષ્ય તે ભૂતના નિમિત્તે નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. તેથી તે ચેષ્ટાઓનો કર્તા તો મનુષ્ય જ છે પરંતુ તે ચેષ્ટા મનુષ્યનો નિજભાવ નથી માટે એ ચેષ્ટાઓને ભૂતકૃત કહીએ. તેમ આ જીવ કર્મના નિમિત્તે નાના પ્રકારના વિપરીત ભાવોરૂપે પરિણમે છે, તે ભાવોનો કર્તા તો જીવ જ છે પરંતુ આ જીવનો નિજભાવ નથી તેથી તે ભાવોને કર્મકૃત કહીએ છીએ. અથવા કર્મે કરેલા જે નાના પ્રકારના પર્યાય, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, કર્મ, અથવા દેવ–નારક–મનુષ્ય–તિર્યંચશરીર, સંહનન, સંસ્થાનાદિ ભેદ અથવા પુત્ર, મિત્ર, મકાન, ધન, ધાન્યાદિ ભેદ–એ બધાથી શુદ્ધાત્મા પ્રત્યક્ષ ભિન્ન જ છે. જેમ કોઈ મનુષ્ય અજ્ઞાની ગુરુના કહેવાથી એકાંત ઓરડામાં બેસી પાડાનું ધ્યાન કરવા લાગ્યો, પોતાને પાડા સમાન મોટા શરીરવાળો ચિંતવવા લાગ્યો, આકાશ જેવડા મોટા શિંગડાંવાળો માની હું આ ઓરડામાંથી કેવી રીતે નીકળીશ એમ ચિંતવવા લાગ્યો. તે પોતાને પાડો ન માને તો મનુષ્યસ્વરૂપ પોતે બની જ રહ્યો છે. તેમ આ જીવ મોહના નિમિત્તથી પોતાને વર્ણાદિક સ્વરૂપ માની દેવાદિ પર્યાયોમાં આવ્યો માને છે. જો ન માને તો અમૂર્તિક શુદ્ધાત્મા પોતે બની રહેલ જ છે.

આ રીતે આ આત્મા કર્મજનિત રાગાદિકભાવ અથવા વર્ણાદિકભાવ તેનાથી સદાકાળ ભિન્ન છે. કહ્યું છે કે –‘‘वर्णाद्या वा राग मोहादयो वा। भिन्ना भावाः सर्वएवास्य पुंसः।।’’ તોપણ અજ્ઞાની જીવોને આત્મા કર્મજનિત ભાવોથી સંયુક્ત પ્રતિભાસે છે, ‘‘खलु सः प्रतिभासः भवबीजम्’’। નિશ્ચયથી આ પ્રતિભાસ તે જ સંસારના બીજભૂત છે.

ભાવાર્થઃ– જેમ બધાં વૃક્ષોના મૂળભૂત બીજ છે તેમ અનંત સંસારનું મૂળકારણ કર્મજનિત ભાવોને પોતાના માનવા તે છે. આવી રીતે અશુદ્ધતાનું કારણ બતાવ્યું. ૧૪. _________________________________________________________________ ૧–આ પુરુષ (–આત્મા)ને વર્ણાદિ, રાગાદિ અથવા મોહાદિ બધાય ભાવ (પોતાથી) ભિન્ન છે.


Page 21 of 186
PDF/HTML Page 33 of 198
single page version

પુરુષાર્થસિદ્ધિનો ઉપાય

विपरीताभिनिवेशं निरस्य सम्यग्व्यवस्य निजतत्त्वम्।
यत्तस्मादविचलनं
स एव पुरुषार्थसिद्धयुपायोऽयम्।। १५।।

અન્વયાર્થઃ– [विपरीताभिनिवेशं] વિપરીત શ્રદ્ધાનનો [निरस्य] નાશ કરીને [निजतत्त्वम्] નિજસ્વરૂપને [सम्यक्] યથાર્થપણે [व्यवस्य] જાણીને [यत्] જે [तस्मात्] તે પોતાના સ્વરૂપમાંથી [अविचलनं] ભ્રષ્ટ ન થવું [स एव] તે જ [अयं][पुरुषार्थ– सिद्धयुपायः] પુરુષાર્થસિદ્ધિનો ઉપાય છે.

ટીકાઃ– ‘‘यत्विपरीताभिनिवेशं निरस्य सम्यक् निजतत्त्वं व्यवस्य तत् तस्मात् अविचलनं स एव अयं पुरुषार्थसिद्धयुपायः।’’– જે વિપરીત શ્રદ્ધાનનો નાશ કરી યથાર્થપણે નિજસ્વરૂપને જાણે અને તે પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થાય તે જ પુરુષાર્થસિદ્ધિ થવાનો ઉપાય છે.

ભાવાર્થઃ– પૂર્વે જે કહ્યું હતું કે સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણે– પોતારૂપે જાણવું તેનું જ નામ વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ. તેનો મૂળમાંથી નાશ કરવો તે સમ્યગ્દર્શન છે. કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપને યથાર્થપણે જાણવું તે સમ્યગ્જ્ઞાન છે અને કર્મજનિત પર્યાયોથી ઉદાસીન થઈ સ્વરૂપમાં અકંપ–સ્થિર રહેવું તે સમ્યક્ ચારિત્ર છે. એ ત્રણે ભાવોનો સમૂહ તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય સર્વથા નથી ૧પ.

જે આ ઉપાયમાં લાગે છે તેમનું વર્ણન આગળ કરે છે–

अनुसरतां पदमेतत् करम्बिताचारनित्यनिरभिमुखा।
एकान्तविरतिरुपा
भवति मुनीनामलौकिकी वृत्तिः।। १६।।

અન્વયાર્થઃ– [एतत् पद्म अनुसरतां] આ રત્નત્રયરૂપ પદવીને અનુસરનાર અર્થાત્ પ્રાપ્ત કરેલ [मुनीनां] મહામુનિઓની [वृत्तिः] વૃત્તિ [करम्बिताचारनित्यनिरभिमुखा] પાપક્રિયા મિશ્રિત આચારોથી સર્વથા પરાઙ્મુખ તથા [एकान्तविरतिरुपा] પરદ્રવ્યોથી સર્વદા ઉદાસીનરૂપ અને [अलौकिकी] લોકથી વિલક્ષણ પ્રકારની [भवति] હોય છે.


Page 22 of 186
PDF/HTML Page 34 of 198
single page version

ટીકાઃ– ‘‘एतत्पदं अनुसरतां मुनीनां वृत्तिः अलौकिकी भवति’’– આ રત્નત્રયરૂપ પદવીને પ્રાપ્ત થયેલા જે મહામુનિઓ છે તેમની રીત લોકરીતિને મળતી આવતી નથી. તે જ કહીએ છીએ. લોકો પાપક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે, મુનિ પાપક્રિયાનું ચિંતવન પણ કરતા નથી. લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે, પોષે છે, મુનિ અનેક પ્રકારે શરીરને પરીષહ ઉપજાવે છે અને પરીષહ સહે છે. વળી લોકોને ઈન્દ્રિયવિષયો બહુ મીઠા લાગે છે, મુનિ વિષયોને હળાહળ ઝેર સમાન જાણે છે.

લોકોને પોતાની પાસે માણસોનો સંગ–સમુદાય ગમે છે. મુનિ બીજાનો પણ સંયોગ થતાં ખેદ માને છે. લોકોને વસ્તી ગમે છે, મુનિને નિર્જન સ્થાન સારું લાગે છે. કયાંસુધી કહીએ? મહા મુનીશ્વરોની રીત લોકોની રીતથી ઊલટા રૂપે હોય છે. કેવી છે મુનીશ્વરોની પ્રવૃત્તિ? ‘करम्बिताचार नित्यनिरभिमुखा’– પાપક્રિયા સહિતના આચારથી પરાઙ્મુખ છે. જેમ શ્રાવકનો આચાર પાપક્રિયાથી મિશ્રિત છે, તેમ મુનીશ્વરોના આચારમાં પાપનો મેળાપ નથી અથવા કરંબિત એટલે કર્મજનિત ભાવમિશ્રિત જે આચરણ તેમાં પરાઙ્મુખ છે, કેવળ નિજસ્વરૂપને અનુભવે છે તે માટે એકાંત વિરતિરૂપા એટલે સર્વથા પાપક્રિયાના ત્યાગસ્વરૂપ છે અથવા એક નિજસ્વભાવના અનુભવ વડે સર્વથા પરદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. રત્નત્રયના ધારક મહામુનિઓની એવી પ્રવૃત્તિ છે. ૧૬.

ઉપદેશ દેવાનો ક્રમ

बहुशः समस्तविरतिं प्रदर्शितां यो न जातु गृह्णाति।
तस्यैक
देशविरतिः कथनीयानेन बीजेन।। १७।।

અન્વયાર્થઃ– [यः] જે જીવ [बहुशः] વારંવાર [प्रदर्शितां] બતાવેલી [समस्तविरतिं] સકળ પાપરહિત મુનિવૃત્તિને [जातु] કદાચ [न गृह्णाति] ગ્રહણ ન કરે તો [तस्य] તેને [एकदेशविरतिः] એકદેશ પાપક્રિયા રહિત ગૃહસ્થાચાર [अनेन बीजेन] હેતુથી [कथनीया] સમજાવે અર્થાત્ કહે.

ટીકાઃ– ‘‘यउ बहुशः प्रदर्शितां समस्तविरतिं न जातु गृह्णाति तस्य एकदेशविरतिः अनेन बीजेन कथनीया।’’– જે જીવ વારંવાર ઉપદેશ વડે બતાવવામાં આવેલ સકલ પાપરહિત મહાવ્રતની ક્રિયા તેને કદાચ ગ્રહણ ન કરે તો તે જીવને એકદેશ પાપરહિત શ્રાવક–ક્રિયા આ રીતે કહેવી.


Page 23 of 186
PDF/HTML Page 35 of 198
single page version

ભાવાર્થઃ– જે જીવ ઉપદેશ સાંભળવાની રુચિવાળા હોય તેમને પહેલાં વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિપદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. ૧૭.

શ્રાવકધર્મનું વ્યાખ્યાન આગળ જે રીત કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે–

यो यतिधर्ममकथयन्नुपदिशति गृहस्थधर्ममल्पमतिः।
तस्य
भगवत्प्रवचने प्रदर्शितं निग्रहस्थानम्।। १८।।

અન્વયાર્થઃ– [यः] જે [अल्पमति] તુચ્છ બુદ્ધિ ઉપદેશક [यतिधर्मं] મુનિધર્મનું [अकथयन्] કથન ન કરતાં [गृहस्थधर्मं] શ્રાવકધર્મનો [उपदिशति] ઉપદેશ આપે છે [तस्य] તે ઉપદેશકને [भगवत्प्रवचने] ભગવાનના સિદ્ધાન્તમાં [निग्रहस्थानं] દંડ દેવાનું સ્થાન [प्रदर्शितं] બતાવ્યું છે.

ટીકાઃ– ‘‘यः अल्पमतिः यतिधर्मः अकथयन् गृहस्थधर्मं उपदिशति तस्य भगवत्प्रवचने निग्रहस्थानं प्रदर्शितम्’’– તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ન આપતાં, ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે, તેને ભગવાનના સિદ્ધાન્તમાં દંડનું સ્થાન કહ્યું છે.

ભાવાર્થઃ– જે ઉપદેશક પહેલાં યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે પણ પહેલાં જ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જિનમતમાં પ્રાયશ્ચિતરૂપ દંડ યોગ્ય કહ્યો છે. ૧૮.

આગળ એને દંડ આપવાનું કારણ કહે છેઃ–

अक्रमकथनेन यतः प्रोत्सहमानोऽतिदूरमपि शिष्यः।
अपदेऽपि सम्प्रतृप्तः प्रतारितो भवति तेन दुर्मतिना।। १९।।

અન્વયાર્થઃ– [यतः] જે કારણે [तेन] તે [दुर्मतिना] દુર્બુદ્ધિના [अक्रमकथनेन] ક્રમભંગ કથનરૂપ ઉપદેશ કરવાથી [अतिदुरं] અત્યંત દૂર–વધારે [प्रोत्सहमानोऽपि] ઉત્સાહવાળો હોવા છતાં પણ [शिष्यः] શિષ્ય [अपदे अपि] તુચ્છ સ્થાનમાં જ [संप्रतृप्तः] સંતુષ્ટ થઈને [प्रतारितः भवति] ઠગાય છે.


Page 24 of 186
PDF/HTML Page 36 of 198
single page version

ટીકાઃ– ‘‘यतः तेन दुर्मतिना अक्रमकथनेन शिष्यः प्रतारितो भवति।’’– જે કારણે તે મંદબુદ્ધિ ઉપદેશદાતાએ અનુક્રમ છોડીને કથન કરવાથી સાંભળનાર શિષ્ય છેતરાયો છે. પહેલાં શ્રાવકધર્મનો ઉપદેશ સંભળાવીને શિષ્યને છેતરવામાં આવ્યો છે. તેનું કારણ કહે છે. કેવો છે શિષ્ય? ‘‘अतिदूरं प्रोत्साहमानो अपि अपदेऽपि संप्रतृप्तः’’– અત્યંત દૂર સુધી જવા માટે ઉત્સાહિત થયો હતો તોપણ તે અપદ જે તુચ્છ સ્થાન તેમાં સંતુષ્ટ થયો છે. એ શિષ્યના અંતરંગમાં એટલો ઉત્સાહ થયો હતો કે જો પહેલાં મુનિધર્મ સાંભળ્‌યો હોત તો મુનિપદવી જ અંગીકાર કરત. પરન્તુ ઉપદેશદાતાએ તેને પ્રથમ જ શ્રાવકધર્મ સંભળાવ્યો. તેણે એ જ ધર્મ અંગીકાર કર્યો. તે માટે મુનિધર્મ છેતર્યો એટલે ઉપદેશદાતાને તેનો દંડ આપવો યોગ્ય છે. ૧૯.


Page 25 of 186
PDF/HTML Page 37 of 198
single page version

શ્રાવકધર્મ વ્યાખ્યાન

જે જીવ મુનિધર્મનો ભાર ઉપાડી ન શકે તેના નિમિત્તે આચાર્ય આગળ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે છે. ત્યાં શ્રાવકને ધર્મસાધનમાં શું કહેવું તેનું વ્યાખ્યાન કરે છે.

एवं सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मको नित्यम्।
तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति।। २०।।

અન્વયાર્થઃ– [एवं] આ રીતે [तस्यापि] તે ગૃહસ્થને પણ [यथाशक्ति] પોતાની શક્તિ અનુસાર [सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मकः] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ભેદરૂપ [मोक्षमार्गः] મુક્તિનો માર્ગ [नित्यं] સર્વદા [निषेव्यः] સેવન કરવા યોગ્ય [भवति] થાય છે.

ટીકાઃ– ‘‘तस्य अपि यथाशिक्त एवं मोक्षमार्गः निषेव्य भवति’’– તે ગૃહસ્થને પણ પોતાની શક્તિ અનુસાર આગળ જેનું વર્ણન કરે છે તે પ્રકારે મોક્ષમાર્ગ સેવન કરવા યોગ્ય છે.

ભાવાર્થઃ– મુનિને તો મોક્ષમાર્ગનું સેવન સંપૂર્ણપણે હોય છે અને ગૃહસ્થે પણ પોતાની શક્તિ પ્રમાણે મોક્ષમાર્ગનું થોડુંઘણું સેવન કરવું. કારણ કે ધર્મનું બીજું કોઈ અંગ નથી કે જેનું સેવન કરવાથી પોતાનું ભલું થાય. કેવો છે મોક્ષમાર્ગ? ‘‘सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मकः’ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રનું ત્રિક જેનું સ્વરૂપ છે. જુદા જુદા ત્રણે મોક્ષમાર્ગ નથી. ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. ૨૦.

આ ત્રણેમાં પ્રથમ કોને ગ્રહણ કરવું તે કહે છેઃ–

तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन।
तस्मिन्
सत्येव यतो भवति ज्ञानं चरित्रं च।। २१।।

અન્વયાર્થઃ– [तत्रादौ] એ ત્રણેમાં પ્રથમ [अखिलयत्नेन] સમસ્ત પ્રકારે સાવધાનતારૂપ યત્નથી [सम्यक्त्वं] સમ્યગ્દર્શન [समुपाश्रयणीयम्] સારી રીતે અંગીકાર કરવું જોઈએ. [यतः] કેમ કે [तस्मिन् सति एव] તે હોતાં જ [ज्ञानं] સમ્યગ્જ્ઞાન [च] અને [चारित्रं] સમ્યક્ચારિત્ર [भवति] થાય છે.


Page 26 of 186
PDF/HTML Page 38 of 198
single page version

ટીકાઃ– ‘‘तत्र आदौ अखिलयत्नेन सम्यक्त्वं समुपाश्रणीयम्’’– એ ત્રણેમાં પહેલાં સમસ્ત ઉપાયો વડે જો બને તો સમ્યગ્દર્શન અંગીકાર કરવું. એ પ્રાપ્ત થતાં અવશ્ય મોક્ષપદ પ્રાપ્ત થાય છે. એના વિના સર્વથા મોક્ષ થતો નથી. વળી તે સ્વરૂપપ્રાપ્તિનું અદ્વિતીય કારણ છે. માટે એને અંગીકાર કરવામાં પ્રમાદી ન રહેવું. મરીને પણ આ કાર્યજેમ બને તેમ કરવું વધારે શું કહીએ? આ જીવનું ભલું થવાનો ઉપાય એક સમ્યગ્દર્શન સમાન કોઈ નથી. માટે તેને અવશ્ય અંગીકાર કરવું. પહેલાં એને અંગીકાર કરવાનું કારણ શું છે તે કહે છે. ‘‘यतः तस्मिन् सति एव ज्ञानं च चरित्रं भवति’’– તે સમ્યગ્દર્શન થતાં જ સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર થાય છે.

ભાવાર્થઃ– સમ્યકત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી અન્તિમ ગ્રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યકત્વ સહિત જે કાંઈ જાણપણું હોય તે બધું સમ્યગ્જ્ઞાન નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક્ચારિત્ર નામ પામે. જેમ અંકસહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે, અંક વિના શૂન્ય શૂન્ય જ છે, તેમ સમ્યકત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યકત્વ અંગીકાર કરી પછી બીજું સાધન કરવું. ૨૧.

આમ જો સમ્યકત્વનું લક્ષણ જાણીએ તો તેને અંગીકાર કરીએ. માટે તે સમ્યકત્વનું લક્ષણ કહે છેઃ–

जीवाजीवादीनां तत्त्वाथरनां सदैव कर्त्तव्यम्।
श्रद्धानं विपरीताभिनिवेशविविक्तमात्मरूपं तत्।। २२।।

અન્વયાર્થઃ– [जीवाजीवादीनां] જીવ, અજીવાદિ [तत्त्वाथरनां] તત્ત્વાર્થોનું [विपरिताभिनिवेशविविक्तं] વિપરીત અભિનિવેશ (આગ્રહ) રહિત અર્થાત્ બીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાનથી રહિત [श्रद्धानं] શ્રદ્ધાન અર્થાત્ દ્રઢ વિશ્વાસ [सदैव] નિરંતર જ [कर्त्तव्यं] કરવું જોઈએ. કારણ કે [तत्] તે શ્રદ્ધાન જ [आत्मरूपं] આત્માનું સ્વરૂપ છે.

ટીકાઃ– ‘‘जीवाजीवादीनां तत्त्वाथरनां श्रद्धानं सदैव कर्त्तव्यं’’– જીવ–અજીવ આદિ જે તત્ત્વાર્થતત્ત્વ એટલે જેનો જેવો કાંઈ નિજભાવ છે તેવો જ હોવો તે. તે તત્ત્વથી સંયુક્ત જે અર્થ એટલે પદાર્થ તે તત્ત્વાર્થ–તેનું શ્રદ્ધાન એટલે આમ જ છે, બીજી


Page 27 of 186
PDF/HTML Page 39 of 198
single page version

રીત નથી એવો પ્રતીતભાવ તે સદૈવ કર્તવ્ય છે. તેવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે? ‘विपरीताभिनिवेशविविक्तं’– એટલે બીજાને બીજારૂપે માનવારૂપ મિથ્યાત્વથી રહિત શ્રદ્ધાન કરવું. ‘तत् आत्मरूपं अस्ति’– તે શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. જે શ્રદ્ધાન ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને ઊપજે છે તે જ સિદ્ધ અવસ્થા સુધી રહે છે. તેથી ઉપાધિભાવ નથી, આત્માનો નિજ ભાવ છે.

ભાવાર્થઃ– તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે તત્ત્વાર્થશ્રદ્ધાન બે પ્રકારે છે. એક સામાન્યરૂપ, એક વિશેષરૂપ. જે પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને પોતારૂપે શ્રદ્ધે છે તે સામાન્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન તો નારકી, તિર્યંચાદિ સર્વ સમ્યગ્દ્રષ્ટિ જીવોને હોય છે. અને જીવ–અજીવાદિ સાત તત્ત્વોના વિશેષણો (ભેદો) જાણી શ્રદ્ધાન કરે તે વિશેષ તત્ત્વાર્થશ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન મનુષ્ય, દેવાદિ વિશેષ બુદ્ધિવાન જીવોને હોય છે. પરંતુ રાજમાર્ગ (–મુખ્યમાર્ગ) ની અપેક્ષાએ સાત તત્ત્વોને જાણવાં તે સમ્યક્ત્વનું–સમ્યક્શ્રદ્ધાનનું કારણ છે. કારણ કે જો તત્ત્વોને જાણે નહિ તો શ્રદ્ધાન શાનું કરે? તેથી સાત તત્ત્વોનું થોડુંક વર્ણન કરીએ છીએ.

૧. જીવતત્ત્વઃ પ્રથમ જ જીવતત્ત્વ ચેતના લક્ષણથી વિરાજમાન તે શુદ્ધ, અશુદ્ધ અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. ત્યાં (૧) શુદ્ધ જીવતત્ત્વજે જીવોને સર્વ ગુણ–પર્યાય પોતાના નિજભાવરૂપ પરિણમે છે અર્થાત્ જેમના કેવળજ્ઞાનાદિ ગુણ શુદ્ધ પરિણતિ–પર્યાયથી બિરાજમાન થયા તેને શુદ્ધ જીવ કહીએ.

(૨) અશુદ્ધ જીવતત્ત્વ જે જીવોના સર્વ ગુણ–પર્યાય વિકારભાવને પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્ઞાનાદિ ગુણ આવરણથી આચ્છાદિત થઈ રહ્યા છે, જે થોડાઘણા પ્રગટરૂપ છે તે વિપરીતપણે પરિણમી રહ્યા છે અને જેની પરિણતિ રાગાદિરૂપ પરિણમી રહી છે તે મિથ્યાદ્રષ્ટિ જીવોને અશુદ્ધ જીવ કહીએ.

(૩) મિશ્રજીવ– જે જીવના સમ્યક્ત્વાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે અથવા તેમાં પણ કાંઈક મલિનતા રહી ગઈ છે. અર્થાત્ કોઈ જ્ઞાનાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે, બીજી બધી અશુદ્ધ રહી છે, કેટલાક ગુણ અશુદ્ધ થઈ રહ્યા છે, એવી તો ગુણોની દશા થઈ છે અને જેની પરિણતિ શુદ્ધાશુદ્ધરૂપ પરિણમે છે તે જીવ શુદ્ધાશુદ્ધસ્વરૂપ મિશ્ર કહીએ. આ રીતે જીવ નામનું તત્ત્વ ત્રણ પ્રકારે છે.

૨. અજીવતત્ત્વ જે ચેતનાગુણ રહિત તે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળરૂપ (–કાલાણુરૂપ) પાંચ પ્રકારે છે. તેમાં (૧) પુદ્ગલદ્રવ્ય–સ્પર્શ, રસ, ગંધ,


Page 28 of 186
PDF/HTML Page 40 of 198
single page version

વર્ણસંયુક્ત, અણુ અને સ્કંધના ભેદથી બે પ્રકારે છે. તેમાં જે એકાકી–અવિભાગી પરમાણુ તેને અણુ કહીએ. અનેક અણુ મળીને સ્કંધ થાય છે તેને સ્કંધ કહીએ. અથવા પુદ્ગલદ્રવ્યના છ ભેદ છેઃ–

૧–સ્થૂલસ્થૂલ– કાષ્ઠ–પાષણ આદિ જે છેદાયા ભેદાયા પછી મળે નહિ તેને સ્થૂલસ્થૂલ પુદ્ગલ કહીએ. ૨–સ્થૂલ–જે જળ, દૂધ, તેલ આદિ દ્રવ પદાર્થોની જેમ છિન્નભિન્ન થવા છતાં ફરી તુરત જ મળી શકે તેને સ્થૂલ કહીએ. ૩–સ્થુલસૂક્ષ્મ–આતાપ, ચાંદની, અંધકારાદિ આંખથી દેખાય પણ પકડાય નહિ તેને સ્થૂલસૂક્ષ્મ કહીએ. ૪–સૂક્ષ્મસ્થૂલ– જે શબ્દ ગંધાદિ આંખથી ન દેખાય પણ અન્ય ઈન્દ્રિયથી જણાય તેને સૂક્ષ્મસ્થૂલ કહીએ, પ–સૂક્ષ્મ–જે ઘણા પરમાણુઓનો સ્કંધ છે પણ ઈન્દ્રિયગમ્ય નથી તેને સૂક્ષ્મ કહીએ. ૬–સૂક્ષ્મસૂક્ષ્મ– અતિ સૂક્ષ્મ સ્કંધ અથવા પરમાણુને સૂક્ષ્મ–સૂક્ષ્મ કહીએ. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો આ પુદ્ગલ દ્રવ્યનો છે.

(૨) ધર્મદ્રવ્ય– જીવ અને પુદ્ગલોને ગતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.

(૩) અધર્મદ્રવ્ય– જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.

(૪)આકાશદ્રવ્ય– સર્વ દ્રવ્યોને અવગાહનહેતુત્વલક્ષણસંયુક્ત લોકાલોકપ્રમાણ એક દ્રવ્ય છે. જ્યાં સર્વ દ્રવ્યો પ્રાપ્ત થાય તેને લોક અને જ્યાં કેવળ એક આકાશ જ છે તેને અલોક કહીએ. બન્નેની સત્તા જુદી નથી તેથી એક દ્રવ્ય છે.

(પ) કાળદ્રવ્ય– સર્વ દ્રવ્યોને વર્ત્તનાહેતુત્વલક્ષણસંયુક્ત લોકના એકેક પ્રદેશ ઉપર સ્થિત એકેક પ્રદેશમાત્ર અસંખ્યાત દ્રવ્ય છે. તેના પરિણામના નિમિત્તે સમય, આવલી આદિ વ્યવહાર કાળ છે. આ રીતે જીવદ્રવ્ય સહિત છ દ્રવ્ય જાણવા. કાળને બહુ પ્રદેશ નથી તેથી કાળ સિવાય પંચાસ્તિકાય કહીએ. એમાં જીવતત્ત્વ અને પુદ્ગલ–અજીવતત્ત્વના પરસ્પર સંબંધથી અન્ય પાંચ તત્ત્વ થાય છે.

૩. આસ્રવતત્ત્વ જીવના રાગાદિ પરિણામથી યોગ દ્વારા આવતા પુદ્ગલના આગમનને આસ્રવતત્ત્વ કહીએ.

૪. બંધતત્ત્વજીવને અશુદ્ધતાના નિમિત્તે આવેલાં પુદ્ગલોનું જ્ઞાનાવરણાદિરૂપ પોતાની સ્થિતિ અને રસસંયુક્ત પ્રદેશો સાથે સબંધરૂપ થવું તે બંધતત્ત્વ કહીએ.