Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 45-76.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 10

 

Page 49 of 186
PDF/HTML Page 61 of 198
single page version

અન્વયાર્થઃ– [खलु] નિશ્ચયથી [रागादिनां] રાગાદિ ભાવોનું [अप्रादुर्भावः] પ્રગટ ન થવું [इति][अहिंसा] અહિંસા [भवति] છે અને [तेषामेव] તે રાગાદિ ભાવોનું [उत्पत्तिः] ઉત્પન્ન થવું તે [हिंसा] હિંસા [भवति] છે. [इति] એવો [जिनागमस्य] જૈન સિદ્ધાન્તનો [संक्षेपः] સાર છે.

ટીકાઃ– ‘खलु रागादिनां अप्रादुर्भावः इति अहिंसा भवति’– નિશ્ચયથી રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એટલા માત્રથી અહિંસા થાય છે.

ભાવાર્થઃ– પોતાના શુદ્ધોપયોગરૂપ પ્રાણોનો ઘાત રાગાદિ ભાવોથી થાય છે. માટે રાગાદિ ભાવોના અભાવ તે જ અહિંસા. આદિ શબ્દથી દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય શોક, જુગુપ્સા, પ્રમાદાદિ સમસ્ત વિભાવભાવ જાણવા. એનાં લક્ષણ કહીએ છીએ. પોતાને કાંઈક ઈષ્ટ જાણી પ્રીતિરૂપ પરિણામ તેને રાગ કહીએ, પોતાને અનિષ્ટ જાણી અપ્રીતિરૂપ પરિણામ તેને દ્વેષ કહીએ. પરદ્રવ્યમાં મમત્વરૂપ પરિણામ તેને મોહ કહીએ, મૈથુનરૂપ પરિણામને કામ કહીએ, આણે અયોગ્ય કર્યું એમ જાણી પરને દુઃખદાયક પરિણામ તેને ક્રોધ કહીએ, બીજા કરતાં પોતાને મોટો માનવો તેને માન કહીએ, મન વચન કાયામાં એકતાનો અભાવ તેને માયા કહીએ, પરદ્રવ્ય સાથે સંબંધ કરવાની ઈચ્છારૂપ પરિણામને લોભ કહીએ, ભલી અથવા બૂરી ચેષ્ટા જોઈને વિકસિતરૂપ પરિણામ તે હાસ્ય કહીએ, પોતાને દુઃખદાયક જાણી ડરરૂપ પરિણામ તેને ભય કહીએ, પોતાને ઈષ્ટનો અભાવ થતાં આર્તરૂપ પરિણામ તેને શોક કહીએ, ગ્લાનિરૂપ પરિણામને જુગુપ્સા કહીએ, કલ્યાણકારી કાર્યમાં અનાદરને પ્રમાદ કહીએ.– ઈત્યાદિ સમસ્ત વિભાવભાવ હિંસાના પર્યાય છે. તે ન થાય એ જ અહિંસા.

‘तेषामेव उत्पत्तिः हिंसा’– તે રાગાદિભાવોનું ઊપજવું તે જ હિંસા. ‘इति जिनागमस्य संक्षेपः’– એવું જૈન સિદ્ધાન્તનું રહસ્ય છે.

ભાવાર્થઃ– જૈન સિદ્ધાન્તનો વિસ્તાર તો ઘણો ઘણો છે, પણ સર્વનું રહસ્ય સંક્ષેપમાં આટલું જ છે કે ધર્મનું લક્ષણ અહિંસા. રાગાદિ ભાવોનો અભાવ થવો તે અહિંસા. તેથી જેમ બને તેમ, જેટલો બને તેટલો રાગાદિ ભાવોનો નાશ કરવો. તે જ અન્ય ગ્રન્થોમાં કહ્યું છે– रागादीणामणुप्पा अहिंसा गत्तति देसि दंसमए ते सिंचे दुप्पत्ती हिंसेति जिणेहि णिदिठ्ठं।।

પ્રશ્નઃ– હિંસાનું લક્ષણ પર જીવના પ્રાણોને પીડવા એમ કેમ ન કહ્યું?


Page 50 of 186
PDF/HTML Page 62 of 198
single page version

ઉત્તરઃ– આ લક્ષણમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ બન્ને દોષ લાગે છે. ૪૪.

ત્યાં પ્રથમ જ અતિવ્યાપ્તિ દોષ બતાવે છેઃ–

युक्ताचरणस्य सतो रागाद्यावेशमन्तरेणापि।
न हि भवति जातु हिंसा प्राणव्यपरोपणादेव।। ४५।।

અન્વયાર્થઃ– [अपि] અને [युक्ताचरणस्य] યોગ્ય આચરણવાળા [सतः] સંત પુરુષના [रागाद्यावेशमन्तरेण] રાગાદિ ભાવો વિના [प्राणव्यपरोपणात्] કેવળ પ્રાણ પીડનથી [हिंसा] હિંસા [जातु एव] કદી પણ [न हि] નથી [भवति] થતી.

ટીકાઃ– ‘अपि युक्ताचरणस्य सतः रागाद्यावेशमन्तरेण प्राणव्यपरोपणात् जातु हिंसा न हि भवति’– નિશ્ચયથી યોગ્ય પ્રયત્નપૂર્વક છે આચરણ જેમનું એવા જે સંત પુરુષ તેને રાગાદિ ભાવોના પ્રવેશ વિના. કેવળ પરજીવના પ્રાણ પીડવાથી જ કદી હિંસા થતી નથી.

ભાવાર્થઃ– મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી. કેમકે એના પરિણામમાં કષાય હતો નહિ. તેથી પરજીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ. માટે અતિવ્યાપ્તિ દોષ લાગે છે.

આગળ અવ્યાપ્તિ દોષ બતાવે છેઃ–

व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम्।

म्रियतां जीवो मा वा धावत्यग्रे ध्रुवं हिंसा।। ४६।।

અન્વયાર્થઃ– [रागादीनां] રાગાદિભાવોના [वशप्रवृत्तायाम्] વશે પ્રવર્તેલી [व्युत्थानावस्थायां] અયત્નાચારરૂપ પ્રમાદ અવસ્થામાં [जीवः] જીવ [म्रियतां] મરો [वा] અથવા [मा ‘म्रियतां’] ન મરો, [हिंसा] હિંસા તો [ध्रुवं] નિશ્ચયથી [अग्रे] આગળ જ [धावति] દોડે છે.

ટીકાઃ– ‘रागादीनां वश प्रवृत्तायं व्युत्थानावस्थायां जीवः म्रियतां वा मा म्रियतां हिंसा अग्रे ध्रुवं धावति’– રાગાદિ પ્રમાદભાવના વશે થતી ઊઠવા–બેસવા આદિરૂપ ક્રિયામાં જીવ મરે કે ન મરે, હિંસા તો નિશ્ચયથી આગળ દોડે છે.


Page 51 of 186
PDF/HTML Page 63 of 198
single page version

ભાવાર્થઃ– જે પ્રમાદી જીવ કષાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતાં–ઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે. એટલે પરજીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્ભાવથી હિંસા નામ પામે છે. તે માટે જ તે લક્ષણમાં અવ્યાપ્તિ દોષ લાગે છે. ૪૬.

પ્રશ્નઃ– હિંસાનો અર્થ તો ઘાત કરવો તે છે, પરજીવના પ્રાણનો ઘાત કર્યા વિના હિંસા નામ કેવી રીતે પામે? તેનો ઉત્તર આગળ કહે છેઃ–

यस्मात्सकषायः सन् हन्त्यात्मा प्रथममात्मनात्मानम्।
पश्चाज्जायेत
न वा हिंसा प्राण्यन्तराणां तु।। ४७।।

અન્વયાર્થઃ– [यस्मात्] કારણ કે [आत्मा] જીવ [सकषायः सन्] કષાયભાવો સહિત હોવાથી [प्रथमं] પહેલાં [आत्मना] પોતા વડે જ [आत्मानं] પોતાને [हन्ति] હણે છે [तु] અને [पश्चात्] પછીથી ભલે [प्राण्यन्तराणां] બીજા જીવોથી [हिंसा] હિંસા [जायेत] થાય [वा] કે [न] ન થાય.

અર્થઃ– ‘यस्मात् सकषायः सन् आत्मा प्रथमं आत्मना आत्मानं हन्ति तु पश्चात् प्राण्यन्तराणां हिंसा जायेत वा न जायेत’– કારણ કે કષાયભાવો સહિત થયેલો આત્મા પહેલાં પોતાથી જ પોતાને હણે છે, પછી અન્ય પ્રાણી–જીવોનો ઘાત થાવ કે ન થાવ.

ભાવાર્થઃ– હિંસા નામ તો ઘાતનું જ છે, પણ ઘાત બે પ્રકારના છે. એક આત્મઘાત, બીજો પરઘાત. જ્યારે આ આત્મા કષાયભાવે પરિણમ્યો અને પોતાનું બૂરું કર્યું ત્યારે આત્મઘાત તો પહેલાં જ થયો. ત્યારે પછી બીજા જીવનું આયુષ્ય પૂરું થયું હોય અથવા પાપનો ઉદય હોય તો તેનો પણ ઘાત થાય. તું તેનો ઘાત કરી શકતો નથી કારણ કે તેનો ઘાત તો તેના કર્મને આધીન છે. આને તો આના ભાવનો દોષ છે. આ રીતે પ્રમાદસહિત યોગમાં આત્મઘાતની અપેક્ષાએ તો હિંસા નામ પામ્યો છે. ૪૭.

હવે પરઘાતની અપેક્ષાએ પણ હિંસાનો સદ્ભાવ બતાવે છેઃ–

हिंसायाअविरमणं हिंसा परिणमनपि भवति हिंसा।
तस्मात्प्रमत्तयोगे प्राणव्यपरोपणं नित्यम्।। ४८।।


Page 52 of 186
PDF/HTML Page 64 of 198
single page version

અન્વયાર્થઃ– [हिंसाया] હિંસાથી [अविरमणं] વિરક્ત ન થવું [हिंसा] તેનાથી હિંસા અને [हिंसापरिणमनं] હિંસારૂપ પરિણમવું તેનાથી [अपि] પણ [हिंसा] હિંસા [भवति] થાય છે. [तस्मात्] તેથી [प्रमत्तयोगे] પ્રમાદના યોગમાં [नित्यं] નિરંતર [प्राणव्यपरोपणं] પ્રાણઘાતનો સદ્ભાવ છે.

ટીકાઃ– ‘हिंसाया अविरमणं हिंसा परिणमनं अपि भवति हिंसा’– હિંસાના ત્યાગભાવનો અભાવ તે હિંસા છે અને હિંસારૂપ પરિણમવાથી પણ હિંસા થાય છે.

ભાવાર્થઃ– પરજીવના ઘાતરૂપ જે હિંસા છે તે બે પ્રકારની છે. એક અવિરમણરૂપ અને એક પરિણમનરૂપ.

૧. અવિરમણરૂપ હિંસાઃ– જે વખતે જીવ પરજીવના ઘાતમાં તો પ્રવર્તતો નથી, બીજા જ કોઈ કામમાં પ્રવર્તે છે પણ હિંસાનો ત્યાગ કર્યો નથી. તેનું ઉદાહરણઃ– જેમ કોઈને હરિતકાયનો ત્યાગ નથી અને તે કોઈ વખતે હરિતકાયનું ભક્ષણ પણ કરતો નથી, તેમ જેને હિંસાનો ત્યાગ તો નથી અને તે કોઈ વખતે હિંસામાં પ્રવર્તતો પણ નથી પરંતુ અંતરંગમાં હિંસા કરવાના અસ્તિત્વભાવનો નાશ કર્યો નથી તેને અવિરમણરૂપ હિંસા કહીએ છીએ.

૨. પરિણમનરૂપ હિંસાઃ– વળી જે વખતે જીવ પરજીવના ઘાતમાં મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તેને પરિણમનરૂપ હિંસા કહીએ. આ બે ભેદ હિંસાના કહ્યા. તે બન્ને ભેદમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. ‘तस्मात्प्रमत्तयोगे नित्यं प्राणव्यपरोपणमं्’– તેથી પ્રમાદ સહિતના યોગમાં હંમેશા પરજીવની અપેક્ષાએ પણ પ્રાણઘાતનો સદ્ભાવ આવ્યો. એનો અભાવ તો ત્યારે જ થાય જ્યારે આ જીવ પરહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ ન પરિણમે ત્યાંસુધી હિંસાનો તો અભાવ કોઈપણ પ્રકારે થઈ શકે નહિ. ૪૮.

પ્રશ્નઃ– જો પ્રમાદરૂપ પોતાના પરિણામોથી હિંસા ઊપજે છે તો બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ શા માટે કરાવવામાં આવે છે? તેનો ઉત્તર આગળ કહે છેઃ–

सूक्ष्मापि न खलु हिंंसा परवस्तुनिबन्धना भवति पुंसः।
हिंसायतननिवृत्तिः परिणामविशुद्धये तदपि
कार्या।। ४९।।

અન્વયાર્થઃ– [खलु] નિશ્ચયથી [पुंसः] આત્માને [परवस्तुनिबन्धना] પરવસ્તુનું જેમાં કારણ છે એવી [सूक्ष्महिंसा अपि] સૂક્ષ્મ હિંસા પણ [न भवति]


Page 53 of 186
PDF/HTML Page 65 of 198
single page version

થતી નથી. [तदपि] તોપણ [परिणामविशुद्धये] પરિણામોની નિર્મળતા માટે [हिंसायतननिवृत्तिः] હિંસાના સ્થાનરૂપ પરિગ્રહાદિનો ત્યાગ [कार्या] કરવો ઉચિત છે.

ટીકાઃ– ‘खलु पुंसः परवस्तुनिबन्धना सूक्ष्माअपि हिंसा न भवति’– નિશ્ચયથી આત્માને પરવસ્તુના કારણે નીપજતી એવી જરાપણ હિંસા નથી.

ભાવાર્થઃ– પરિણામોની અશુદ્ધતા વિના પરવસ્તુના નિમિત્તે અંશમાત્ર પણ હિંસાનો દોષ લાગતો નથી. નિશ્ચયથી તો એમ જ છે તોપણ પરિણામની શુદ્ધિ માટે ‘हिंसायतननिवृत्तिः कार्या’– હિંસાના સ્થાન જે પરિગ્રહાદિ તેનો ત્યાગ અવશ્ય કરવો.

ભાવાર્થઃ– જે પરિણામ થાય છે તે કોઈ વસ્તુનું આલંબન પામીને થાય છે. જો સુભટની માતાને સુભટ પુત્ર વિદ્યમાન હોય તો તો એવા પરિણામ થાય કે ‘હું સુભટને મારું,’ પણ જે વંધ્યા છે, જેને પુત્ર જ નથી તો એવા પરિણામ કેવી રીતે થાય કે હું વંધ્યાના પુત્રને હણું? માટે જો બાહ્ય પરિગ્રહાદિનું નિમિત્ત હોય તો તેનું અવલંબન પામીને કષાયરૂપ પરિણામ થાય. જો પરિગ્રહાદિકનો ત્યાગ કર્યો હોય તો નિમિત્ત વિના, અવલંબન વિના કેવી રીતે પરિણામ ઊપજે? માટે પોતાના પરિણામોની શુદ્ધતા માટે બાહ્ય કારણરૂપ જે પરિગ્રહાદિક તેનો પણ ત્યાગ કરવો. ૪૯.

આગળ એક પક્ષવાળાનો નિષેધ કરે છેઃ–

निश्चयमबुध्यमानो यो निश्चयतस्तमेव संश्रयते।
नाशयति करणचरणं स बहिःकरणालसो बालः।। ५०।।

અન્વયાર્થઃ– [यः] જે જીવ [निश्चयं] યથાર્થ નિશ્ચય સ્વરૂપને [अबुध्यमानः] જાણ્યા વિના [तमेव] તેને જ [निश्चयतः] નિશ્ચય શ્રદ્ધાથી [संश्रयते] અંગીકાર કરે છે. [स] તે [बालः] મૂર્ખ [बहिःकरणालसः] બાહ્ય ક્રિયામાં આળસુ છે અને [करणचरणं] બાહ્યક્રિયારૂપ આચરણનો [नाशयति] નાશ કરે છે.

ટીકાઃ– ‘यः निश्चयं अबुध्यमानः निश्चयतः तमेव संश्रयते सः बालः करणचरणं नाशयति’– જે જીવ યથાર્થ નિશ્ચયના સ્વરૂપને તો જાણતા નથી, જાણ્યા વિના માત્ર નિશ્ચયના શ્રદ્ધાનથી અંતરંગને જ હિંસા જાણી અંગીકાર કરે છે તે અજ્ઞાની દયાના આચરણનો નાશ કરે છે.

ભાવાર્થઃ– જે કોઈ કેવળ નિશ્ચયનો શ્રદ્ધાની થઈને એમ કહે છે કે અમે પરિગ્રહ રાખ્યો અથવા ભ્રષ્ટાચારરૂપ પ્રવર્તીએ તો શું થયું? અમારા પરિણામ સારા


Page 54 of 186
PDF/HTML Page 66 of 198
single page version

જોઈએ. એમ કહીને સ્વચ્છંદે પ્રવર્તે છે તે જીવે દયાના આચરણનો નાશ કર્યો. બાહ્યમાં તો નિર્દય થયો જ અને અંતરંગ નિમિત્ત પામી પરિણામ અશુદ્ધ થાય જ થાય; તેથી તે અંતરંગની અપેક્ષાએ પણ નિર્દય થયો. કેવો છે તે જીવ? બાહ્ય દ્રવ્યરૂપ અન્ય જીવની દયામાં આળસુ છે, પ્રમાદી છે અથવા આ સૂત્રનો બીજી રીતે અર્થ કરીએ છીએ. ‘यः निश्चयं अबुध्यमानः तमेव निश्चयतः संश्रयते सः बालः करुणा आचरणं नाशयति’– જે જીવ નિશ્ચયનયના સ્વરૂપને નહિ જાણીને વ્યવહારરૂપ જે બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ છે તેને જ નિશ્ચયથી મોક્ષમાર્ગ જાણી અંગીકાર કરે છે તે જીવ શુદ્ધોપયોગરૂપ જે આત્માની દયા તેનો નાશ કરે છે.

ભાવાર્થઃ– જે જીવ નિશ્ચયનયનું સ્વરૂપ તો જાણે નહિ, કેવળ વ્યવહારમાત્ર બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ કરે, ઉપવાસાદિકને અંગીકાર કરે, એ પ્રમાણે બાહ્ય વસ્તુમાં હેય– ઉપાદેયબુદ્ધિરૂપે પ્રવર્તે છે, તે જીવ પોતાના સ્વરૂપ અનુભવરૂપ શુદ્ધોપયોગમય અહિંસા ધર્મનો નાશ કરે છે. કેવો છે તે જીવ? ‘बहिः करणालसः’– ઉદ્યમ વડે તેણે અશુભોપયોગનો તો ત્યાગ કર્યો પણ બાહ્ય પરજીવની દયારૂપ ધર્મ તેના જ સાધનમાં આળસુ થઈને બેસી રહ્યો, શુદ્ધોપયોગ ભૂમિકામાં ચઢવાનો ઉદ્યમ કરતો નથી. આ રીતે એકાંતપક્ષવાળાનો નિષેધ કર્યો. આગળ દ્રવ્યહિંસા અને ભાવહિંસાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારના ભંગ બતાવે છે. પ૦.

તેના આઠ સૂત્ર કહે છેઃ–

अविधायापि हि हिंसां हिंसाफलभाजनं भवत्येकः।
कृत्वाप्यपरो हिंसा हिंसाफलभाजनं
न स्यात्।। ५१।।

અન્વયાર્થઃ– [हि] ખરેખર [एकः] એક જીવ [हिंसां] હિંસા [अविधाय अपि] કરવા છતાં પણ [हिंसाफलभाजनं] હિંસાના ફળને ભોગવવાને પાત્ર [भवति] બને છે અને [अपरः] બીજો [हिंसा कृत्वा अपि] હિંસા કરીને પણ [हिंसाफलभाजनं] હિંસાનું ફળ ભોગવવાને પાત્ર [न स्यात्] થતો નથી.

ટીકાઃ– ‘हि एकः हिंसां अविधाय अपि हिंसाफलभाजनं भवति’ નિશ્ચયથી કોઈ એક જીવ હિંસા ન કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર બને છે.

ભાવાર્થઃ– કોઈ જીવે બાહ્ય હિંસા તો કરી નથી પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો છે તેથી તે જીવ ઉદયકાળમાં હિંસાનું ફળ ભોગવે છે. ‘अपरः हिंसां कृत्वा अपि


Page 55 of 186
PDF/HTML Page 67 of 198
single page version

हिंसाफलभाजनं न स्यात्’– બીજો કોઈ જીવ હિંસા કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર થતો નથી.

ભાવાર્થઃ– કોઈ જીવે શરીર સંબંધથી બાહ્ય હિંસા તો ઉપજાવી છે પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો નથી, તેથી તે જીવ હિંસાના ફળનો ભોક્તા થતો નથી. પ૧.

एकस्याल्पा हिंसा ददाति काले फलमनल्पम्।
अन्यस्य महाहिंसा स्वल्पफला भवति परिपाके।। ५२।।

અન્વયાર્થઃ– [एकस्य] એક જીવને તો [अल्पा] થોડી [हिंसा] હિંસા [काले] ઉદયકાળે [अनल्पम्] ઘણું [फलम्] ફળ [ददाति] આપે છે. અને [अन्यस्य] બીજા જીવને [महाहिंसा] મોટી હિંસા પણ [परिपाके] ઉદયના સમયે [स्वल्पफला] બિલકુલ થોડું ફળ આપનારી [भवति] થાય છે.

ટીકાઃ– ‘एकस्य अल्पा हिंसा काले अनल्पं फलं ददति’– કોઈ એક જીવને થોડી પણ હિંસા ઉદયકાળે ઘણું ફળ આપે છે.

ભાવાર્થઃ– કોઈ જીવે બાહ્ય હિંસા તો થોડી જ કરી, પણ પ્રમાદી થઈને કષાયરૂપ ઘણો પરિણમ્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ ઘણું પામે છે. ‘अन्यस्य महाहिंसा परिपाके स्वल्पफला भवति’–બીજા કોઈ જીવને મોટી હિંસા ઉદયકાળે થોડું જ ફળ આપે છે.

ભાવાર્થઃ– કોઈ જીવે કોઈ કારણ પામીને બાહ્ય હિંસા તો ઘણી કરી, પણ તે ક્રિયામાં ઉદાસીન રહ્યો, કષાય થોડો કર્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ પણ થોડું જ પામે છે. પ૨.

एकस्य सैव तीव्रं दिशति फलं सैव मन्दमन्यस्य।
व्रजति सहकारिणोरपि हिंसा वैचिक्र्यमत्र फलकाले।। ५३।।

અન્વયાર્થઃ– [सहकारिणोः अपि हिंसा] એક સાથે મળીને કરેલી હિંસા પણ [अत्र] [फलकाले] ઉદયકાળે [वैचिक्र्यम्] વિચિત્રતાને [व्रजति] પામે છે અને [एकस्य] કોઈને [सा एव] તે જ હિંસા [तीव्रं] તીવ્ર [फलं] ફળ [दिशति] દેખાડે છે અને [अन्यस्य] કોઈને [सा एव] તે જ [हिंसा] હિંસા [मन्दम्] ઓછું ફળ આપે છે.


Page 56 of 186
PDF/HTML Page 68 of 198
single page version

ટીકાઃ– ‘सहकारिणोः अपि हिंसा अत्र फलकाले वैचिक्र्यं व्रजति’– બે પુરુષોએ સાથે મળીને કરેલી હિંસા ફળના સમયે વિચિત્રરૂપ–અનેક પ્રકારતાને પ્રાપ્ત થાય છે. એ જ કહીએ છીએ. ‘एकस्य सैव तीव्रं फलं दिशति’ – એક પુરુષને તો તે જ હિંસા તીવ્ર ફળ આપે છે. ‘अन्यस्य सा एव मन्दं फलं दिशति’– બીજા જીવને તે જે હિંસા મંદ ફળ આપે છે.

ભાવાર્થઃ– બે પુરુષોએ બાહ્ય હિંસા સાથે કરી, પણ તે કાર્યમાં જેણે તીવ્ર કષાયથી હિંસા કરી તેને આસક્તપણું બહુ હોવાથી ઉદયકાળે તીવ્રફળ થાય છે; જેને મંદકષાયથી આસક્તપણું બહુ ન થયું તેને ઉદયકાળે મંદફળ થાય છે. પ૩.

प्रागेव फलति हिंसा क्रियमाणा फलति फलति च कृता अपि।
आरभ्य कर्तुमकृतापि
फलति हिंसानुभावेन ।। ५४।।

અન્વયાર્થઃ– [हिंसा] કોઈ હિંસા [प्राक् एव] પહેલાં જ [फलति] ફળ આપે છે, કોઈ [क्रियमाणा] કરતાં કરતાં [फलति] ફળ આપે છે, કોઈ [कृता अपि] કરી લીધા પછી [फलति] ફળ આપે છે [च] અને કોઈ [कर्तुम् आरभ्य] હિંસા કરવાનો આરંભ કરીને [अकृता अपि] ન કરવાં છતાં પણ [फलति] ફળ આપે છે. આ જ કારણે [हिंसा] હિંસા [अनुभावेन] કષાયભાવ અનુસાર જ [फलति] ફળ આપે છે.

ટીકાઃ– ‘च हिंसा प्राक् एव फलति’– કોઈ હિંસા પહેલાં ફળે છે.

ભાવાર્થઃ– કોઈ જીવે હિંસાનો વિચાર કર્યો હતો પણ તે બની શકી તો નહિ પણ તે વિચારથી જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ઉદયમાં આવ્યું. પછી હિંસાનો જે વિચાર કર્યો હતો તે કાર્ય બાહ્યમાં બન્યું. આ રીતે હિંસા પહેલાં જ ફળ આવે છે.

‘क्रियमाणा फलति’–વળી કોઈ હિંસા કરતાં જ ફળે છે. ભાવાર્થઃ– કોઈએ હિંસાનો વિચાર કર્યો તેનાથી જે કર્મબંધ કર્યો તે જે સમયે ઉદયમાં આવ્યો તે જ વખતે વિચાર પ્રમાણે બાહ્ય હિંસા બની. આ રીતે હિંસા કરતાં જ તેનું ફળ આવે છે.

‘कृता अपि च फलति’–વળી કોઈ હિંસા કર્યા પછી ફળ આપે છે ભાવાર્થઃ– કોઈએ હિંસાનો વિચાર કર્યો, વિચાર પ્રમાણે બાહ્ય હિંસા પણ કરી. ત્યાર પછી તે હિંસાનું ફળ ઉદયમાં આવ્યું. આ રીતે કર્યા પછી હિંસા ફળે છે.


Page 57 of 186
PDF/HTML Page 69 of 198
single page version

‘हिंसा कर्तुम् आरभ्य अपि फलति’– કોઈએ હિંસા કરવાની શરૂઆત કરી પણ હિંસા પછી ન કરી તે પણ ફળે છે. ભાવાર્થઃ– કોઈએ હિંસાનો વિચાર કરી હિંસા કરવામાં લાગ્યો. પછી કારણ પામીને હિંસા ન કરી. એવી હિંસા પણ ફળ આપે છે. આ રીતે ફળ થવાનું કારણ કહે છે.

‘अनुभावेन’– કષાયભાવ અનુસાર ફળ થાય છે. આ જ પદ આગલા સૂત્રોમાં પણ ‘દેહલી દીપક ન્યાય’ ની જેમ બધે જાણી લેવું. પ૪.

માટે જ વચ્ચે કહ્યું છેઃ–

एकः करोति हिंसां भवन्ति फलभागिनो बहवः।
बहवो
विदधति हिंसां हिंसाफलभुग् भवत्येकः।। ५५।।

અન્વયાર્થઃ– [एकः] એક પુરુષ [हिंसां] હિંસા [करोति] કરે છે. પરંતુ [फलभागिनः] ફળ ભોગવનારા [बहवः] ઘણા [भवन्ति] થાય છે. એ જ રીતે [हिंसां] હિંસા [बहवः] ઘણા માણસો [विदधति] કરે છે પણ [हिंंसाफलभुक्] હિંસાનું ફળ ભોગવનાર [एकः] એક પુરુષ [भवति] થાય છે.

ટીકાઃ– ‘हिंसां एकः करोति फलभागिनः बहवः भवन्ति’– કયારેક હિંસા તો એક માણસ કરે છે અને ફળ અનેક માણસો ભોગવે છે. તેનું ઉદાહરણઃ– ચોરને (પ્રાણઘાતકરૂપ શિક્ષામાં) એક ચંડાળ જ મારે છે પણ દેખનારા બધા રૌદ્ર પરિણામ કરી પાપના ભોક્તા થાય છે. ‘हिंसां बहवः विदधति एकः हिंसाफलभुक् भवति’– કયાંક હિંસા તો ઘણા પુરુષો કરે પણ રાજા સ્વામિત્વબુદ્ધિ કરીને પ્રેરક થાય છે તેથી તે બધી હિંસાના ફળનો ભોક્તા થાય છે. પપ.

कस्यापि दिशति हिंसा हिंसाफलमेकमेव फलकाले।
अन्यस्य सैव हिंसा दिशत्यहिंसाफलं
विपुलम्।। ५६।।

हिंसाफलमपरस्य तु ददात्यहिंसा तु परिणामे।
इतरस्य पुनर्हिंसा दिशत्यहिंसाफलं नान्यत्।। ५७।।

અન્વયાર્થઃ– [कस्यापि] કોઈ પુરુષને તો [हिंसा] હિંંસા [फलकाले] ઉદયકાળમાં [एकमेक] એક જ [हिंसाफलं] હિંસાનું ફળ [दिशति] આપે છે અને


Page 58 of 186
PDF/HTML Page 70 of 198
single page version

[अनस्य] બીજા કોઈ પુરુષને [सैव] તે જ [हिंसा] હિંસા [विपुलं] ઘણી [अहिंसाफलं] અહિંસાનું ફળ [दिशति] આપે છે.

[तु अपरस्य] અને બીજા કોઈને [अहिंसा] અહિંસા [परिणामे] ઉદયકાળમાં [हिंसाफलं] હિંસાનું ફળ [ददाति] આપે છે, [तु पुनः] તથા [इतरस्य] બીજા કોઈને [हिंसा] હિંસા [अहिंसाफलं] અહિંસાનું ફળ [दिशति] આપે છે, [अन्यत् न] બીજું નહિ.

ટીકાઃ– ‘तु अपरस्य अहिंसा परिणामे हिंसाफलं ददाति’– બીજા કોઈ જીવને અહિંસા છે તે ઉદયના પરિણામમાં હિંસાનું ફળ આપે છે.

ભાવાર્થઃ– કોઈને અંતરંગમાં તો કોઈ જીવનું અહિત કરવાના પરિણામ છે, પણ બાહ્યમાં તેનો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ભલું કરે છે અથવા બૂરું કરે તોપણ તેના પુણ્યના ઉદયથી આના નિમિત્તે તેનું ભલું થઈ જાય છે. ત્યાં બહારમાં તો તેની દયા કરી પણ અંતરંગમાં પરિણામવડે તો હિંસા છે માટે હિંસાનું ફળ આપે છે, બીજું ફળ આપતી નથી.

ભાવાર્થઃ– કોઈના અંતરંગમાં દયાના ભાવથી તે યત્ન કરીને પ્રવર્તે છે છતાં તેને તત્કાલ પીડા થાય છે. અથવા યત્ન કરવા છતાં એના જ નિમિત્તે તેના પ્રાણઘાત થયા. ત્યાં બહારમાં તો તેની હિંસા જ થઈ, પણ અંતરંગ પરિણામવડે અહિંસાનું ફળ પામે છે. પ૬–પ૭.

इतिविविधभङ्गगहने सुदुस्तरे मार्गमूढद्रष्टीनाम्।
गुरवो भवन्ति शरणं
प्रबुद्धनयचक्रसञ्चाराः।। ५८।।

અન્વયાર્થઃ– [इति] એ રીતે [सुदुस्तरे] અત્યંત મુશ્કેલીથી પાર કરી શકાય તેવા અને [विविधभङ्गगहने] નાના પ્રકારના ભંગોવડે ગહન વનમાં [मार्गमूढद्रष्टीनाम्] માર્ગ ભૂલેલા પુરુષોને [प्रबुद्धनयचक्रसञ्चाराः] અનેક પ્રકારના નય સમૂહને જાણનાર [गुरवः] શ્રીગુરુઓ જ [शरणं] શરણ [भवन्ति] થાય છે.

ટીકાઃ– ‘इति सुदुस्तरे विविधभङ्गगहने मार्गमूढद्रष्टीनां गुरवः शरणं भवन्ति’– રીતે સુગમપણે જેનો પાર પમાતો નથી એવા અનેક પ્રકારના ભંગીરૂપી ગહન વનમાં સત્યશ્રદ્ધાનસ્વરૂપમાર્ગમાં જેની દ્રષ્ટિ ભ્રમિત થઈ છે તેમને શ્રીગુરુ જ શરણ છે. તેમના દ્વારા જ સત્યમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. કેવા છે ગુરુ? ‘प्रबुद्धनय–


Page 59 of 186
PDF/HTML Page 71 of 198
single page version

चक्रसञ्चाराः’– જેમણે અનેક પ્રકારના નય સમૂહનું પ્રવર્તન જાણ્યું છે, સર્વ નયો સમજાવવાને સમર્થ છે. પ૮.

अत्यंतनिशितधारं दुरासदं जिनवरस्य नयचक्रम्।
खण्डयति धार्यमाणं मूर्धानं झटिति दुर्विदग्धानाम्।। ५९।।

અન્વયાર્થઃ– [जिनवरस्य] જિનેન્દ્રભગવાનનું [अत्यन्तनिशितधारं] અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને [दुरासदं] દુઃસાધ્ય [नयचक्रं] નયચક્ર [धार्यमाणं] ધારણ કરવામાં આવતાં [दुर्विदग्धानां] મિથ્યાજ્ઞાની પુરુષોના [मूर्धानं] મસ્તકને [झटिति] શીધ્ર જ [खण्डयति] ખંડ ખંડ કરી દે છે.

ભાવાર્થઃ– જૈનમતના નયભેદ સમજવા અત્યંત મુશ્કેલ છે. જે કોઈ મૂઢ પુરુષ સમજ્યા વિના નયચક્રમાં પ્રવેશ કરે છે તે લાભને બદલે નુકસાન મેળવે છે. આ રીતે હિંસાના ભંગ કહ્યા. પ૯.

હવે હિંસાના ત્યાગનો ઉપદેશ કરે છેઃ–

अवबुध्य हिंस्यहिंसकहिंसाहिंसाफलानि तत्त्वेन।
नित्यमवगूहमानैर्निजशक्त्या त्यज्यतां
हिंसा।। ६०।।

અન્વયાર્થઃ– [नित्यं] નિરંતર [अवगूहमानैः] સંવરમાં ઉદ્યમી પુરુષોએ [तत्त्वेन] યથાર્થ રીતે [हिंस्यहिंसकहिंसाहिंसाफलानि] હિંસ્ય, હિંસક, હિંંસા અને હિંસાનું ફળ [अवबुध्य] જાણીને [निजशक्त्या] પોતાની શક્તિ પ્રમાણે [हिंसा] હિંસા [त्यज्यतां] છોડવી જોઈએ.

ટીકાઃ– ‘नित्यं अवगूहमानैः निजशक्त्या हिंसा त्यज्यताम्’– સંવરમાં ઉદ્યમી એવા જીવોએ હંમેશા પોતાની શક્તિવડે હિંસાનો ત્યાગ કરવો. જેટલી હિંસા છૂટે તેટલી છોડવી. કેવી રીતે? ‘तत्त्वेन हिंस्य हिंसक हिंसा हिंसाफलानि अवबुध्य’– યથાર્થ રીતે હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ– આ ચાર ભાવોને જાણીને હિંસા છોડવી. એને જાણ્યા વિના ત્યાગ થતો નથી. જો કર્યો હોય તોપણ કાર્યકારી નથી. તેમાં

૧. હિંસ્ય–જેની હિંસા થાય તેને હિંસ્ય કહે છે. પોતાના ભાવપ્રાણ અથવા દ્રવ્યપ્રાણ અને પરજીવના ભાવપ્રાણ કે દ્રવ્યપ્રાણ એ હિંસ્યના ભેદ છે. અથવા


Page 60 of 186
PDF/HTML Page 72 of 198
single page version

એકેંદ્રિયાદિ જીવસમાસના ભેદ જાણવા અથવા જ્યાં જ્યાં જીવ ઊપજવાનાં સ્થાન છે તે જાણવા જોઈએ. તેનું યથાસ્થાને વર્ણન હોય જ છે.

૨. હિંસક– હિંસા કરનાર જીવને હિંસક કહીએ. ત્યાં પ્રમાદભાવરૂપે પરિણમેલા અથવા અયત્નાચારમાં પ્રવર્તતા જીવને હિંસક જાણવા.

૩. હિંસા–હિંસ્યને પીડા ઉપજાવવી અથવા તેમનો ઘાત કરવો તે હિંસા છે. તેનું વર્ણન આગળ કર્યું છે.

૪. હિંસાફળ–હિંસાથી જે કાંઈ ફળ થાય તેને હિંસાફળ કહે છે. આ લોકમાં તો હિંસક જીવ નિંદા પામે છે, રાજા વડે દંડ પામે છે, જેની એ હિંસા કરવા ઈચ્છે છે તેને જો લાગ આવે તો આનો ઘાત કરે છે. વળી પરલોકમાં નરકાદિ ગતિ પામે છે, ત્યાં શરીરના નાના પ્રકારના છેદન–ભેદનાદિ અને નાના પ્રકારની માનસિક વેદના પામે છે. નરકનું વર્ણન કોણ કયાં સુધી લખે! સર્વ દુઃખનો જ સમુદાય છે. તિર્યંચાદિનું દુઃખ પ્રત્યક્ષ જ ભાસે છે. એ બધું હિંસાનું ફળ છે. આ રીતે હિંસ્યને જાણી પોતે તેને ઘાતે નહી, હિંસકને જાણી પોતે તેવો ન થાય, હિંસાને જાણી તેનો ત્યાગ કરે અને હિંસાનું ફળ જાણી તેનાથી ભયભીત રહે. માટે આ ચાર ભેદ જાણવા. ૬૦.

આગળ જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેણે પહેલાં શું કરવું તે કહે છેઃ–

मद्यं मांसं क्षौद्रं पञ्चोदुम्बरफलानि यत्नेन।
हिंसाव्युपरतिकामैर्मोक्तव्यानि
प्रथममेव।। ६१।।

અન્વયાર્થઃ– [हिंसाव्युपरतिकामैः] હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષોએ [प्रथममेव] પ્રથમ જ [यत्नेन] યત્નપૂર્વક [मद्यं] દારૂ–શરાબ, [मासं] માંસ, [क्षौद्रं] મધ અને [पञ्चोदुम्बरफलानि] પાંચ ઉદુમ્બર ફળો [मोक्तव्यानि] છોડી દેવા જોઈએ.

ટીકાઃ– ‘हिंसाव्युपरतिकामैः प्रथमं एव यत्नेन, मद्यं, मांसं क्षौद्रं, पञ्चउदुम्बरफलानि मोक्तव्यानि’–જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેમણે પહેલાં જ યત્નપૂર્વક દારૂ, માંસ, મધ અને પાંચ ઉદુંબર ફળ–આ આઠ વસ્તુઓ ત્યાગવા યોગ્ય છે. ૬૧. _________________________________________________________________ ૧. પાંચ ઉદુમ્બર ફળનાં નામ–ઉમરો, કઠુંબર, વડ, પીપર અને પીપળાનાં ફળ અથવા ગુલરના ફળ.


Page 61 of 186
PDF/HTML Page 73 of 198
single page version

ત્યાં પ્રથમ જ મદ્યના દોષ કહે છેઃ–

मद्यं मोहयति मनो मोहितचित्तस्तु विस्मरति धर्मम्।
विस्मृतधर्मा
जीवो र्हिंसामविशङ्कमाचरति।। ६२।।

અન્વયાર્થઃ– [मद्यं] દારૂ [मनो मोहयति] મનને મોહિત કરે છે, અને [मोहितचित्तः] મોહિત ચિત્ત પુરુષ [तु] તો [धर्मम्] ધર્મને [विस्मरति] ભૂલી જાય છે તથા [विस्मृतधर्मा] ધર્મને ભૂલી ગયેલો [जीवः] જીવ [अविशङ्कम्] નીડર થઈને બેધડક [हिंसाम्] હિંસા [आचरति] આચરે છે.

ટીકાઃ– ‘मद्यं मनः मोहयति’– મદિરા મનને મોહિત કરે છે. મદિરા પીધા પછી કાંઈ ખબર રહેતી નથી. ‘तु मोहितचित्तः धर्मं विस्मरति’– અને મોહિત ચિત્તવાળો મનુષ્ય ધર્મને ભૂલી જાય છે. ખબર વિના ધર્મને કોણ સંભાળે? ‘विस्मृतधर्मा जीवः अविशङ्कम् हिंसाम् आचरति’– ધર્મને ભૂલેલો જીવ નિઃશંકપણે હિંસા આચરે છે. ધર્મની ખબર ન હોવાથી હિંસા કરવામાં ડર શેનો હોય? માટે મદિરા હિંસાનું પરંપરા કારણ છે. ૬૨.

આગળ મદિરાને હિંસાનું સાક્ષાત્ કારણ કહે છેઃ–

रसजानां बहूनां जीवानां योनिरिष्यते मद्यम्।
मद्यं भजतां तेषां
हिंसा संजायतेऽवश्यम्।। ६३।।

અન્વયાર્થઃ– [च] અને [मद्यं] મદિરા [बहूनां] ઘણા [रसजानां जीवानां] રસથી ઉત્પન્ન થયેલા જીવોનું [योनिः] ઉત્પત્તિસ્થાન [इष्यते] માનવામાં આવે છે. તેથી જે [मद्यं] મદિરાનું [भजतां] સેવન કરે છે તેને [तेषां] તે જીવોની [हिंसा] હિંસા [अवश्यम्] અવશ્ય [संजायते] થાય છે.

ટીકાઃ– ‘च मद्यं रसजानां जीवानां बहूनां योनिः इष्यते’– મદિરા રસથી ઉત્પન્ન થયેલા ઘણા એકેન્દ્રિયાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન છે તેથી ‘मद्यं भजतां तेषां हिंसा अवश्यं संजायते’– જે મદિરાપાન કરે છે તેમને તે મદિરાના જીવોની હિંસા અવશ્યમેવ થાય છે મદિરામાં જીવ ઊપજ્યા હતા તે બધાને આ પી ગયો તો હિંસા કેમ ન થાય? ૬૩.


Page 62 of 186
PDF/HTML Page 74 of 198
single page version

આગળ મદિરામાં ભાવિત હિંસા બતાવે છેઃ–

अभिमानभयजुगुप्साहास्यारतिशोककामकोपाद्याः।
हिंसायाः पर्यायाः सर्वेऽपि च
सरकसन्निहिताः।। ६४।।

અન્વયાર્થઃ– [च] અને [अभिमानभयजुगुप्साहास्यारतिशोककामकोपाद्या] અભિમાન, ભય, ગ્લાનિ, હાસ્ય, અરતિ, શોક, કામ ક્રોધાદિ [हिंसायाः] હિંસાના [पर्यायाः] ભેદ છે અને [सर्वेऽपि] આ બધા જ [सरकसन्निहिता] મદિરાના નિકટવર્તી છે.

ટીકાઃ– ‘च अभिमानभयजुगुप्सा हास्य अरति शोक काम कोपाद्याः हिंसायाः पर्यायाः सर्वे अपि सरकसन्निहिताः’– વળી અભિમાન, ભય, જુગુપ્સા, હાસ્ય, અરતિ, શોક, કામ, ક્રોધાદિ જેટલા હિંસાના ભેદ છે તે બધા જ મદિરાના નિકટવર્તી છે. એક મદિરાપાન કરવાથી તે બધા તીવ્રપણે એવા પ્રગટ થાય છે કે માતા સાથે પણ કામક્રીડા કરવા તૈયાર થઈ જાય છે. અભિમાનાદિનાં લક્ષણ પૂર્વે વર્ણવ્યા છે. આમ મદિરાનો પ્રત્યક્ષ દોષ જાણી મદિરાનો ત્યાગ કરવો. બીજી માદક–નશાવાળી વસ્તુઓ છે તેમાં પણ હિંસાના ભેદ પ્રગટ થાય છે માટે તેમનો પણ ત્યાગ કરવો. ૬૪.

આગળ માંસના દોષ બતાવે છેઃ–

न विना प्राणिविघातान्मांसस्योत्पत्तिरिष्यते यस्मात्।
मांसं
भजतस्तस्मात् प्रसरत्यनिवारिता हिंसा।। ६५।।

અન્વયાર્થઃ– [यस्मात्] કારણ કે [प्राणिविघातात् विना] પ્રાણીઓના ઘાત વિના [मांसस्य] માંસની [उत्पत्तिः] ઉત્પત્તિ [न इष्यते] માની શકાતી નથી [तस्मात्] તે કારણે [मांसं भजतः] માંસભક્ષી પુરુષને [अनिवारिता] અનિવાર્ય [हिंसा] હિંસા [प्रसरति] ફેલાય છે.

ટીકાઃ– ‘यस्मात् प्राणिविघातात् विना मांसस्य उत्पत्तिः न इष्यते’– પ્રાણીઓનાજીવના ઘાત વિના માંસની ઉત્પત્તિ દેખાતી નથી. માંસ [બે ઈન્દ્રિય આદિ] જીવના શરીરમાં હોય છે, બીજી જગ્યાએ નહિ. તેથી તેનો ઘાત કરતાં જ માંસ મળે છે.‘तस्मात् मांसं भजतः अनिवारिता प्रसरति’– માટે માંસ ખાનારને હિંસા કેવી રીતે ન થાય? તે હિંસા કરે જ કરે. ૬પ.


Page 63 of 186
PDF/HTML Page 75 of 198
single page version

આગળ કોઈ કહે છે કે પોતે જીવને ન મારે તો દોષ નથી તેને કહે છેઃ–

यदपि किल भवति मांसं स्वयमेव मृतस्य महिषवृषभादेः।
तत्रापि भवति
हिंसा तदाश्रितनिगोतनिर्मथनात्।। ६६।।

અન્વયાર્થઃ– [यदपि] જો કે [किल] એ સાચું છે કે [स्वयमेव] પોતાની મેળે જ [मृतस्य] મરેલા [महिषवृषभादेः] ભેંસ, બળદાદિનું [मांसं] માંસ [भवति] હોય છે પણ [तत्रापि] ત્યાંયે પણ અર્થાત્ તે માંસના ભક્ષણમાં પણ [तदाश्रितनिगोतनिर्मथनात्] તે માંસને આશ્રયે રહેતા તે જે જાતિના નિગોદ જીવોના મંથનથી [हिंसा] હિંસા [भवति] થાય છે.

ટીકાઃ– ‘यद्यपि किल स्वयमेव मृतस्य महिषवृषभादेः मांसं भवीत तत्र अपि हिंसा भवति’– જોકે પ્રગટપણે પોતાની મેળે મરણ પામેલા ભેંસ, બળદ વગેરે જીવોનું માંસ હોય છે તોપણ તે માંસભક્ષણમાં પણ હિંસા થાય છે. કેવી રીતે? તેના આશ્રયે, જે નિગોદરૂપ અનંત જીવો છે તેનો ઘાત કરવાથી હિંસા થાય છે. ૬૬.

આગળ માંસમાં નિગોદની ઉત્પત્તિ કહે છેઃ–

आमास्वपि पक्वास्वपि विपच्यमानासु मांसपेशीषु।
सातत्येनोत्पादस्तज्जातीनां
निगोतानाम्।। ६७।।

અન્વયાર્થઃ– [आमासु] કાચી [पक्वासु] પાકી [अपि] તથા [विपच्यमानासु] રંધાતી [अपि] પણ [मांसपेशीषु] માંસપેશીઓમાં [तज्जातीनां] તે જ જાતિના [निगोतानाम्] સમ્મૂર્છન જીવોનો [सातत्येन] નિરંતર [उत्पादः] ઉત્પાદ થયા કરે છે.

ટીકાઃ– ‘आमास्वपि, पक्वास्वपि, विपच्यमानासु मांसपेशीषु तज्जातीनां निगोतानां सातत्येन उत्पादः अस्ति’– કાચા, અગ્નિથી રંધાયેલા, અથવા રંધાતા હોય તેવા સર્વ માંસના ટુકડાઓમાં તે જ જાતિના નિગોદના અનંત જીવોનું સમયે સમયે નિરંતર ઊપજવું થાય છે. સર્વ અવસ્થાઓમાં માંસના ટુકડામાં નિરંતર તેવા જ માંસ જેવા નવા નવા અનંત જીવ ઊપજે છે. ૬૭.

આગળ માંસથી હિંસા થાય છે એમ પ્રગટ કરે છેઃ–

आमां वा पक्वां वा खादति यः स्पृशति वा पिशितपेशीम्।
निहन्ति सततनिचितं पिण्डं बहुजीवकोटीनाम्।। ६८।।


Page 64 of 186
PDF/HTML Page 76 of 198
single page version

અન્વયાર્થઃ– [यः] જે જીવ [आमां] કાચી [वा] અથવા [पक्वां] અગ્નિમાં પાકેલી [पिशितपेशीम्] માંસની પેશીનું [खादति] ભક્ષણ કરે છે [वा] અથવા [स्पृशति] અડે છે. [सः] તે પુરુષ [सततनिचितं] નિરંતર એકઠા થયેલા [बहुजीवकोटीनाम्] અનેક જાતિના જીવસમૂહના [पिण्डं] પિંડને [निहन्ति] હણે છે.

ટીકાઃ– ‘यः आमां वा पक्वां पिशितपेशीम् खादति वा स्पृशति सः सततनिचितं बहुजीवकोटीनां पिण्डं निहन्ति’– જે જીવ કાચા કે અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાનું ભક્ષણ કરે છે અથવા હાથ વગેરેથી અડે પણ છે તે જીવ નિરંતર જેમાં અનેક જાતિના જીવો એકઠા થયા હતા તેવા પિંડને હણે છે.

માંસમાં તો નિરંતર જીવ ઊપજી એકઠા થયા હતા. આણે તે માંસનું ભક્ષણ કર્યું અથવા સ્પર્શ કર્યો તેથી તે જીવોની પરમ હિંસા ઊપજી, માટે માંસનો ત્યાગ અવશ્ય કરવો. બીજી પણ જે વસ્તુઓમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે તે બધી વસ્તુ ત્યાગવા યોગ્ય છે. ૬૮.

આગળ મધના દોષ બતાવે છેઃ–

मधुशकलमपि
प्रायो मधुकरहिंसात्मकं भवति लोके।
भजति मधु मूढधीको यः स भवति हिंसकोऽत्यन्तम्।। ६९।।

અન્વયાર્થઃ– [लोके] આ લોકમાં [मधुशकलमपि] મધનું એક ટીપું પણ [प्रायः] ઘણું કરીને [मधुकरहिंसात्मकं] માખીઓની હિંસારૂપ [भवति] હોય છે માટે [यः] જે [मूढधीकः] મૂર્ખબુદ્ધિ મનુષ્ય [मधु भजति] મધનું ભક્ષણ કરે છે. [सः] તે [अत्यन्तं हिंसकः] અત્યંત હિંસા કરનાર થાય છે. ૬૯.

स्वयमेव विगलितं यो गृह्णीयाद्वा छलेन मधुगोलात्।
तत्रापि भवति
हिंसा तदाश्रयप्राणिनां घातात्।। ७०।।

અન્વયાર્થઃ– [यः] જે [छलेन] કપટથી [वा] અથવા [गोलात्] મધપૂડામાંથી [स्वयमेव विगलितम्] પોતાની મેળે ટપકેલા [मधु] મધને [गृह्णीयात] ગ્રહણ કરે છે [तत्रापि] ત્યાં પણ [तदाश्रयप्राणिनाम्] તેના આશ્રયભૂત જન્તુઓના [घातात्] ઘાતથી [हिंसा] હિંસા [भवति] થાય છે. ૭૦.


Page 65 of 186
PDF/HTML Page 77 of 198
single page version

मधु मद्यं नवनीतं पिशितं च महाविकृतयस्ताः।
वल्भ्यन्ते न व्रतिना तद्वर्णा जन्तवस्तत्र।। ७१।।

અન્વયાર્થઃ– [मधु] મધ, [मद्यं] મદિરા, [नवनीतं] માખણ [च] અને [पिशितं] માંસ [महाविकृतः] મહાન વિકારોને ધારણ કરેલા [ताः] આ ચારે પદાર્થો [व्रतिना] વ્રતી પુરુષે [न वल्भ्यन्ते] ભક્ષણ કરવા યોગ્ય નથી. કારણ કે [तत्र] તે વસ્તુઓમાં [तद्वर्णाः] તે જ જાતિના [जन्तवः] જીવ રહે છે.

ટીકાઃ– ‘व्रतिना मधु मद्यं नवनीतं च पिशितं ताः महाविकृतयः न वल्भ्यन्ते’– વ્રતધારી જીવોએ મધ, મદિરા, માખણઅને માંસ જે ઘણા વિકારને ધારણ કરે છે. તે અને બીજી પણ વિકારયુક્ત વસ્તુઓનું ભક્ષણ ન કરવું જોઈએ. મધનું એક ટીપું પણ માખીની હિંસાથી મળે છે. જે મન્દબુદ્ધિ મધ ખાય છે તે અત્યંત હિંસક છે. જે સ્વયમેવ ટપકેલ અથવા કપટ કરીને મધપૂડામાંથી મધ લે તે પણ હિંસક છે. કારણ કે મધને આશ્રયે રહેલા જીવોની હિંસા તે સમયે પણ થાય છે. વ્રતી પુરુષ આ વસ્તુઓનું ભક્ષણ કરે નહિ. શા માટે? ‘तत्र तद्वर्णाः जन्तवः’– તે વસ્તુમાં તેવા જ રંગવાળા ઘણા જીવો હોય છે. જેવી તે વસ્તુ છે તેવા જ તેમાં જીવ હોય છે. બીજી વસ્તુઓ કહેતાં ચામડાના સ્પર્શવાળું ધી, તેલ, જળ અથવા અથાણાં, વિષ, માટી ઈત્યાદિ અભક્ષ્યનો ત્યાગ કરવો. મુખ્યપણે મધ, માંસ, મધનો ત્યાગ કરાવ્યો પછી બીજી પણ અભક્ષ્ય વસ્તુઓ છોડવાનો ઉપદેશ કર્યો. ૭૨.

આગળ પાંચ ઉદુમ્બર ફળના દોષ દેખાડે છેઃ–

योनिरुदुम्बरयुग्मं प्लक्षन्यग्रोधपिप्पलफलानि।
त्रसजीवानां तस्मात्तेषां तद्भक्षणे हिंसा।। ७२।।

અન્વયાર્થઃ– [उदुम्बरयुग्मं] ઉમર, અંજીર [प्लक्षन्यग्रोधपिप्पलफलानि] પીપળો, વડ અને પીપળનાં ફળ [त्रसजीवानां] ત્રસ જીવોની [योनिः] ખાણ છે [तस्मात्] તેથી [तद्भक्षणे] તેના ભક્ષણમાં [तेषां] તે ત્રસ જીવોની [हिंसा] હિંસા થાય છે. _________________________________________________________________

૧. માખણ માટે અભક્ષ્યપણું એ રીતે કહ્યું છે કે દહીંથી જુદું પાડેલું માખણ અંતર્મૃહૂર્તમાં તપાવી ગરમ કરી લેવું જોઈએ નહિતર તે અભક્ષ્ય થાય છે.


Page 66 of 186
PDF/HTML Page 78 of 198
single page version

ટીકાઃ– ‘उदुम्बरयुग्मं प्लक्ष न्यग्रोध पिप्पलफलानि त्रसजीवानां योनिः’– ઉદુમ્બર અને કઠુંબર એ બે તથા પીપર–પીપળો, વડનાં ફળ અને પાકર અંજીર એ ત્રણ–એ બધાંય ત્રસ જીવોની યોનિ છે. તેમાં ઊડતાં જંતુઓ જોવામાં આવે છે. ‘तस्मात् तद्भक्षणे तेषां हिंसा भवति’– તેથી તે પાંચ વસ્તુના ભક્ષણમાં તે ત્રણ જીવોની હિંસા થાય છે. ૭૨.

કોઈ કહે કે તે ઉદંબરાદિ ફળમાં ત્રસ ન હોય તો ભક્ષણ કરવાં.

તેને આગળ કહે છેઃ–

यानि तु पुनर्भवेयुः कालोच्छिन्नत्रसाणि शुष्काणि।
भजतस्तान्यपि हिंसा विशिष्ट रागादिरुपा स्यात्।। ७३।।

અન્વયાર્થઃ– [तु पुनः] અને વળી [यानि] જે પાંચ ઉદુમ્બર [शुष्कानि] સૂકા [कालोच्छिन्नत्रसाणि] સમય જતાં ત્રસરહિત બનેલાં [भवेयुः] હોય [तान्यपि] તેનું પણ [भजतः] ભક્ષણ કરનારને [विशिष्टरागादिरूपा] વિશેષ રાગાદિરૂપ [हिंसा] હિંસા [स्यात्] થાય છે.

ટીકાઃ– ‘तु पुनः यानि शुष्काणि कालोच्छिन्नत्रसाणि भवेयुः तान्यपि भजतः हिंसा स्यात्’– વળી જે ઉદુમ્બરાદિ પાંચ ફળો કાળ પામીને ત્રસજીવ રહિત સુકાઈ ગયાં હોય તોપણ તે ખાનારને હિંસા થાય છે. કેવી હિંસા થાય છે? ‘विशिष्ट रागादिरूपा’– જેમાં વિશેષ રાગભાવ થયો છે તેવા સ્વરૂપવાળી. જો અધિક રાગ ન હોત તો આવી નિંદ્ય વસ્તુ શા માટે અંગીકાર કરત? માટે જ્યાં અધિક રાગભાવ થયો તે જ હિંસા. જેમ કોઈએ લીલોતરી ન ખાધી પણ તે વસ્તુના રાગભાવથી તેને સૂકવીને ખાધી. જો રાગ ન હોય તો શા માટે એવો પ્રયાસ કરે?

પ્રશ્નઃ– સૂકી વસ્તુમાં જો દોષ હોય તો અન્ન શા માટે ખાઈએ છીએ?

ઉત્તરઃ– અન્ન નિંદ્ય નથી. વળી એના રાગભાવ વિના સહજ પ્રવૃત્તિથી તે સૂકાય છે. વળી તેનું ભક્ષણ પણ સામાન્ય પેટ ભરવાના નિમિત્તે થાય છે, કાંઈ વિશેષ રાગ હોવાનું કારણ નથી. અહીં તો વિશેષરૂપ રાગભાવનું થવું તે જ હિંસા –એમ બતાવવામાં આવે છે. ૭૩.


Page 67 of 186
PDF/HTML Page 79 of 198
single page version

આગળ આ કથન સંકોચે છેઃ–

अष्टावनिष्टदुस्तरदुरितायतनान्यमूनि परिवर्ज्य।
जिनधर्मदेशनाया
भवन्ति पात्राणि शुद्धधियः।। ७४।।

અન્વયાર્થઃ– [अनिष्टदुस्तरदुरितायतनानि] દુઃખદાયક, દુસ્તર અને પાપનું સ્થાન [अमूनि] એવા [अष्टौ] આઠ પદાર્થોનો [परिवर्ज्य] પરિત્યાગ કરીને [शुद्धधियः] નિર્મળ બુદ્ધિવાળા પુરુષ [जिनधर्मदेशनायाः] જૈનધર્મના ઉપદેશને [पात्राणि] પાત્ર [भवन्ति] થાય છે.

ટીકાઃ– ‘अनिष्टदुस्तरदुरितआयतनानि अमूनि अष्टौ परिवर्ज्य शुद्धधियः जिनधर्मदेशनायाः पात्राणि भवन्ति’– મહાદુઃખદાયક, સહેલાઈથી જેનો પાર પમાતો નથી એવી, મહાપાપના સ્થાનરૂપ જે આ આઠ વસ્તુઓ છે તેને ખાવાથી મહાપાપ ઊપજે છે. તેથી એને સર્વથા છોડીને, નિર્મળ બુદ્ધિવાળા થઈને, જૈનધર્મના ઉપદેશને પાત્ર થવાય છે. પહેલાં એનો ત્યાગ કરે ત્યારપછી અન્ય કોઈ ઉપદેશ દેવો. (અને કોઈ ઉપદેશ આપે) જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ એના ત્યાગ વિના શ્રાવક હોય નહિ. માટે જ એનું નામ મૂળ છે. ૭૪.

હવે આ હિંસાદિકનો ત્યાગ કરવાનું વિધાન કહે છેઃ–

कृतकारितानुमननैर्वाक्कायमनोभिरिष्यते नवधा।
औत्सर्गिकी निवृत्तिर्विचित्ररूपापवादिकी त्वेषा।। ७५।।

અન્વયાર્થઃ– [औत्सर्गिकी निवृत्तिः] ઉત્સર્ગરૂપ નિવૃત્તિ અર્થાત્ સામાન્ય ત્યાગ [कृतकारितानुमननैः] કૃત, કારિત અને અનુમોદનરૂપ [वाक्कायमनोभिः] મન, વચન અને કાયાથી [नवधा] નવ પ્રકારે [इष्यते] માનવામાં આવી છે, [तु] અને [एषा] [अपवादिकी] અપવાદરૂપ નિવૃત્તિ [विचित्ररूपा] અનેકરૂપ છેે.

ટીકાઃ– ‘औत्सर्गिकी निवृत्तिः कृतकारितानुमोदनैः वाक्कायमनोभिः नवधा इष्यते’– ઉત્સર્ગરૂપ ત્યાગ કૃત, કારિત અનુમોદન સહિત મન, વચન કાયાના ભેદથી નવપ્રકારે કહીએ છીએ. ‘तु अपवादिकी एषा विचित्ररूपा’– અને અપવાદરૂપ જે ત્યાગ છે તે જુદા જુદા પ્રકારે છે.

ભાવાર્થઃ– હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છે. એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને


Page 68 of 186
PDF/HTML Page 80 of 198
single page version

ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છે. મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહિ, વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે ઉપદેશ આપે નહિ, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહિ, કાયાથી પોતે કરે નહિ, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહિ અને કોઈએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા. અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કહ્યા તેમાંથી કેટલાક ભાંગાથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું –એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો. ૭પ.

હવે હિંસાના ત્યાગના બે પ્રકાર કહે છેઃ–

धर्ममहिंसारूपं संशृण्वन्तोपि ये परित्यक्तुम।
स्थावरहिंसामसहास्त्रसहिंसां
तेऽपि मुञ्चन्तु।। ७६।।

અન્વયાર્થઃ– [ये] જે જીવ [अहिंसारूपं] અહિંસારૂપ [धर्मं] ધર્મને [संशृण्वन्तः अपि] સારી રીતે સાંભળીને પણ [स्थावर हिंसा] સ્થાવર જીવોની હિંસા [परित्यक्तुम्] છોડવાને [असहाः] અસમર્થ છે [ते अपि] તેઓ પણ [त्रसहिंसां] ત્રસ જીવોની હિંસા [मुञ्चन्तु] છોડે.

ટીકાઃ– ‘ये अहिंसारुपं धर्म संशृण्वन्तः अपि स्थावरहिंसां परित्यक्तुम् असहाः ते अपि त्रसहिंंसां मुञ्चन्तु’– જે જીવ અહિંસા જ જેનું સ્વરૂપ છે એવા ધર્મનું શ્રવણ ગુરુમુખે કરે છે પણ રાગભાવના વશે સ્થાવર હિંસા છોડવાને સમર્થ નથી તે જીવે ત્રસહિંસાનો તો ત્યાગ કરવો.

ભાવાર્થઃ– હિંસાનો ત્યાગ બે પ્રકારે છે. એક તો સર્વથા ત્યાગ છે તે મુનિધર્મમાં હોય છે. તેને અંગીકાર કરવો. વળી જો કષાયના વશથી સર્વથા ત્યાગ ન બને તો ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શ્રાવકધર્મ તો અંગીકાર કરવો. અહીં કોઈ ત્રસજીવનું સ્વરૂપ પૂછે તો તેને કહીએ છીએ કે સંસારી જીવ બે પ્રકારના છે. એક સ્થાવર અને એક ત્રસ. જે એક સ્પર્શેન્દ્રિય સહિત એકેન્દ્રિય જીવ તે સ્થાવર છે. તેના પાંચ ભેદ છે. પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, પવનકાયિક અને વનસ્પતિકાયિક, જે બે ઈન્દ્રિયાદિ જીવ છે તેને ત્રસ કહીએ છીએ. તેના ચાર ભેદ છે. સ્પર્શન અને રસના ઇન્દ્રિય સહિત ઈયળ, કોડી, શંખ, ગીંગોડા વગેરે દ્વીન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ અને નાસિકા સંયુક્ત કીડી, મકોડા, કાનખજૂરા વગેરે ત્રીન્દ્રિય જીવ છે. સ્પર્શ,