અજ્ઞાનીએ અનાદિ કાળથી અનંત જ્ઞાન-આનંદાદિ સમૃદ્ધિથી ભરેલા નિજ ચૈતન્યમહેલને તાળાં મારી દીધાં છે અને પોતે બહાર રખડ્યા કરે છે. જ્ઞાન બહારથી શોધે છે, આનંદ બહારથી શોધે છે, બધું બહારથી શોધે છે. પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા માગ્યા કરે છે.
જ્ઞાનીએ ચૈતન્યમહેલનાં તાળાં ખોલી નાખ્યાં છે. અંદરમાં જ્ઞાન-આનંદ આદિની અખૂટ સમૃદ્ધિ દેખીને, અને થોડી ભોગવીને, તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાંત થઈ ગઈ છે. ૩૯૧.
એક ચૈતન્યતત્ત્વ જ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી છે. વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી કે જે ચૈતન્યતત્ત્વથી ઊંચી હોય. તે ચૈતન્ય તો તારી પાસે જ છે, તું જ તે છો. તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતાં કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરે છે કેમ? જે કોઈ બાધા પહોંચાડે છે તે તો પુદ્ગલને પહોંચાડે છે, જે છૂટી જાય છે તે તો તારું હતું જ નહિ. તારું તો મંગળકારી, આશ્ચર્યકારી તત્ત્વ છે. તો પછી તને ડર શાનો? સમાધિમાં સ્થિર થઈને એક આત્માનું ધ્યાન કર, ભય છોડી દે. ૩૯૨.