રાગાદિ વિભાવને પોતાનું ઘર માનીને તેમાં તું વસ્યો છો. પણ શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની સેવા કર. તેનાથી તારું કલ્યાણ થશે. અહા! સ્વઘરમાં આવવાનો ઉમંગ કોને ન આવે? ૨૫૯.
જ્ઞાનગુણને પ્રધાન કરીને આત્માને ‘જ્ઞાયક’ કહેવાય છે. જ્ઞાનગુણ પોતે સવિકલ્પ છે, એટલે કે તે પોતાને અને પરને જાણનાર છે; અને જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વ-પરને જાણવાનું સામર્થ્ય નથી, જેથી જ્ઞાન સિવાય બધા ગુણો નિર્વિકલ્પ છે. ૨૬૦.
તત્ત્વ સમજવામાં, તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ ક્રિયાકાંડમાં નથી. અરે! એક કલાક ધ્યાન રાખી તત્ત્વને સાંભળે તોપણ શુભભાવની ટંકશાળ પડે અને શુભભાવની સામાયિક થઈ જાય; તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ શી? તત્ત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો તેમાં, શુભ રાગનું જે પુણ્ય બંધાય તેના કરતાં, પરમાર્થના લક્ષ સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના શુભભાવ થઈ