Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 122 of 238
PDF/HTML Page 133 of 249

 

background image
૧૨૨] [હું
ઘટતી જાય. અનુભવ થાય તે જ ભવમાં કેવળજ્ઞાન સુધીનો પુરુષાર્થ ન ઉપડે તો
આયુષ્ય પૂરું થયે દેવ થાય. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય. એવા એકાદ-બે ભવ
કરવા પડે તોપણ તેને રાગની મંદતા છે અને પુરુષાર્થ ચાલુ છે તેથી વૃદ્ધિ જ કરતો
જાય છે.
આત્માનુભવના ફળમાં શ્રુતકેવળી થાય, ભલે ૧૨ અંગનું જ્ઞાન ન હોય પણ
શાસ્ત્રના ભણતર વગર આત્માના ભણતરથી શ્રુતકેવળી થાય. અનુભવની જાત જ એવી
છે કે અંદરથી આગળ વધતાં શ્રુતકેવળી થઈ જાય. વળી આત્માનુભવના ફળમાં શુદ્ધિની
તો વૃદ્ધિ થાય પણ સાથે પુણ્ય બંધાય તેના ફળમાં બહારની સગવડતાઓ પણ પ્રાપ્ત થાય
છે. સ્વર્ગ, ચક્રવર્તી આદિના ભવો પુણ્યના ફળમાં અનુભવીને જ પ્રાપ્ત થાય છે.
જેમ કેરી વાવે તો પહેલાં ડાળાં-પાંદડાં થાય અને પછી કેરીનું ફળ પાકે તેમ
આત્માનો અનુભવ થતાં પહેલાં શુભરાગના ફળમાં સ્વર્ગ ચક્રવર્તી આદિના સુખો પ્રાપ્ત
થાય અને પછી પૂર્ણાનંદ-કેવળજ્ઞાનનું સુખ પ્રાપ્ત થાય. એ રીતે બીજો દાખલો પણ છે કે
ચક્રવર્તીના ઘર તરફનો રસ્તો પણ કોઈ જુદી જાતનો વૈભવયુક્ત હોય. તે રસ્તેથી
ચાલનાર વચ્ચે થોડો આરામ પણ લે. તેમ મોક્ષમાર્ગથી નિર્વાણ પહોંચવા માટે
આત્માનુભવની સુખદાયી સડક ઉપર જ્ઞાની ચાલે છે. મોક્ષરૂપી મહેલે પહોંચતા પહેલાં
પણ અનુભવી સુખરૂપી સડકે ચાલે, તેને દુઃખ નથી. વચ્ચે સ્વર્ગ આદિ અનુકૂળ સંયોગો
પામીને અંતે મોક્ષમહેલમાં પહોંચી જાય છે અને આઠેય કર્મોનો નાશ કરીને સિદ્ધદશા
પ્રાપ્ત કરે છે.
પ્રજા ઉપર રાજાની મીઠી નજર હોય તેમ શિષ્યો ઉપર ભગવાનની મીઠી નજર
હોય. ભગવાન કહે છે કે ચૈતન્યરત્નથી ભરેલાં રત્નાકર ઉપર જે દ્રષ્ટિ કરશે તે બધાં
ભગવાન થશે. કુંદકુંદ આચાર્ય મહાવિદેહમાં ભગવાન સીમંધરનાથના સમવસરણમાં
ગયેલાં, ત્યાં દિવ્યધ્વનિમાં આચાર્યને આશીર્વાદ મળેલાં. જુઓ! આચાર્ય માટે
ભગવાનની વીતરાગી વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના ધર્મ-ધુરંધર આચાર્ય છે-
આમ ભગવાનના કુંદકુંદ આચાર્યદેવને આશીર્વાદ મળ્‌યા. આચાર્યદેવ અત્યારે દેવલોકમાં
છે, પછી પુરુષાર્થ ઉપાડી મોક્ષે જશે.
આત્માનું ધ્યાન કરતાં વીર્ય ફાટતાં અનંત કેવળજ્ઞાન પ્રગટ કરવાની શક્તિ
ખીલી ઊઠે છે-એમ અહીં કહ્યું. હવે ૬૩ મી ગાથામાં કહે છે કે પરભાવનો ત્યાગ તે
સંસારના ત્યાગનું કારણ છે.
जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति ।
केवल–णाण–सरूव लइ [लहि?] ते संसारु मुंचति ।। ६३।।
જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ,
કેવળજ્ઞાન સ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩.
અહોહો!! મુનિરાજે એકલું માખણ ભર્યું છે.
અહીં ત્યાગધર્મની મુખ્યતા બતાવે છે. ત્યાગ એટલે વિકલ્પોનો પરભાવોનો
ત્યાગ. જે કોઈ ધર્માત્મા શુભાશુભ રાગાદિ પરભાવોનો ત્યાગ કરી પોતાને પોતા વડે
જાણે તે કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરી ભવતાપનો નાશ કરે છે.