Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 29 of 238
PDF/HTML Page 40 of 249

 

background image
પરમાત્મા] [૨૯
મુનિવ્રત, શ્રાવકના વ્રત, તપ, ભક્તિ, પઠન-પાઠન-ઇત્યાદિનો રાગ, મંત્ર-જાપનો
રાગએ-એ સર્વે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ એક વીતરાગ ભાવ છે. ભગવાન
આત્માના અંતર શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, નિર્વિકલ્પતા, વીતરાગતા,
શુદ્ધ સ્વરૂપને અવલંબીને થયેલા શુદ્ધતાના પરિણામ એ એક જ સંવર-નિર્જરારૂપ છે ને
તે એક જ મુક્તિનો ઉપાય છે. ૧૪.
હવે ૧પમી ગાથા દ્વારા કહે છે કે પુણ્ય-કર્મ મોક્ષસુખ આપી શકતું નથી.
अह पुणु अप्पा णवि मुणहि पुण्णु जि करहि असेस ।
तो वि ण पावहि सिद्धि–सुहु पुणु संसारु भमेस ।। १५।।
નિજરૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય;
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય.
૧પ.
પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપનું જ્ઞાન ને વિશ્વાસ સિવાય બધા પ્રકારના ઊંચામાં
ઊંચા શુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ, સાધુના પાંચ મહાવ્રત, બાર તપ આદિ
શુભભાવ સાધક છે નહીં. પંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂળગુણના પરિણામ,
જાવજીવ બ્રહ્મચર્ય પાળવાના પરિણામ, એક લંગોટી માત્ર પણ ન રાખવાના પરિણામ,
નવમી ગ્રૈવયેક જાય એવા શુભ પરિણામ-એ બધાય બંધના કારણ છે. આત્માના ભાવ
વિનાનું એ પુણ્ય મુક્તિનું કારણ નથી. આત્માના ભાન સહિત એ હોય તો તેને તેમાં
નિમિત્ત કહેવામાં આવે છે એટલે કે તે મુક્તિનું કારણ તો છે જ નહીં.
નિજ શુદ્ધ સ્વભાવનો ભંડાર અંતરમાં ઊંડો પડયો છે એને જેણે જ્ઞેય બનાવ્યો
નથી, એનો વિશ્વાસ ને જ્ઞાન કર્યા નથી ને ગમે તે જાતના ઊંચા શુભ પરિણામ કરે
તોપણ તે મુક્તિના સુખને પામતો નથી એટલે કે તેને સંવર-નિર્જરા થતી નથી.
પોતાના પૂર્ણાનંદની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના ભાવ શુદ્ધ ઉપાદાનથી પ્રગટ કર્યા ત્યારે
વ્રતાદિના પરિણામ કે જે બંધના કારણ છે તેને નિમિત્ત તરીકે કહેવાય. નિમિત્ત દેખીને
વાત કરી ત્યાં તેને વળગ્યો!
જેણે ભગવાન આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની કિંમત કરી નથી તે જીવો પુણ્યના
પરિણામની કિંમત કરીને દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ કરીને તેનાથી અમારું કલ્યાણ
થશે એમ માને છે તે જીવો ચાર ગતિમાં રખડશે. તેને જન્મ-મરણના અંતનો કાંઈ પણ
લાભ નહીં થાય. દેહ ને રાગથી ભિન્ન એવો જે પરમાત્માનો નિજસ્વભાવ તેને જે
જાણતો નથી તે ભલે અશેષ શુભભાવ કરે પણ એનાથી જરીએ ધર્મ થતો નથી. આટલું
કરવા છતાં-ઊંચામાં ઊંચા શુભભાવો ને તેની ક્રિયાઓ કરવા છતાં તે સિદ્ધના સુખને
પામતો નથી. ભગવાન આત્મામાં આનંદ ભર્યો છે પણ તેનો વિશ્વાસ કરતો નથી ને
શુભભાવમાં વિશ્વાસ કરે કે આનાથી મુક્તિ થશે તે ચાર ગતિમાં રખડશે એટલે કે તેને
આત્માના આનંદની પ્રાપ્તિ થશે નહીં ને ચાર ગતિમાં ફરી ફરીને રખડશે.