Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 51 of 238
PDF/HTML Page 62 of 249

 

background image
પરમાત્મા] [પ૧
કર્મ ને વિકારનું સહિતપણું-સંબંધ છે પણ વસ્તુમાં એનો સંબંધ નથી એમ બતાવીને
આત્મા વીતરાગ પરમાત્મા સમાન છે-એ કરણાનુયોગના કહેવાનો સાર છે.
સર્વજ્ઞદેવનું જે કથન આવ્યું તે સર્વજ્ઞ ને વીતરાગ થયા પછી આવ્યું છે ને! તેથી
તેમાં શું આવે?-કે તું સર્વજ્ઞ ને વીતરાગ થા તે માટે ચારે અનુયોગ કહ્યાં છે. ભગવાન
આત્મા પરમાત્મા સમાન છે. ભાઈ! વિકાર સહિત કહ્યો તે રહિતપણે બતાવવા માટે કહ્યું
છે, એનું સહિતપણું વસ્તુમાં નથી એ બતાવવા માટે સહિતપણું બતાવ્યું છે. કેમ કે ચારે
અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે, એ વીતરાગતા ક્યારે આવે? જ્ઞાનાવરણીએ
જ્ઞાનને રોકયું-એમ બતાવ્યું એટલે શું?-કે તું જ્યારે જ્ઞાનની અવસ્થા હીણી કર ત્યારે
તેમાં જ્ઞાનાવરણી નિમિત્ત છે; પરંતુ એ બતાવવાનો હેતુ શું છે?-કે હીનદશા ને
નિમિત્તનો આશ્રય છોડ, ત્યાં રોકવા માટે એ કહ્યું નથી પણ તેનો આશ્રય છોડાવીને
વીતરાગતા બતાવવા માટે કહ્યું છે, પરમાત્મા થવા માટે કહ્યું છે. અલ્પજ્ઞપરિણામના
આદર માટે એ વાત નથી કરી. અલ્પદર્શન થાય, અલ્પવીર્ય થાય, તારી અલ્પદશા
તારાથી થાય એ બતાવીને તું પૂર્ણાનંદ અખંડ આત્મા છો ને હું પરમાત્મા થયો તેવો
પરમાત્મા તું થઈ શકે તેવો છો-એમ બતાવવા માટેનું એ કથન છે.
જિનેન્દ્ર છે તે જ આત્મા છે એટલે કે એવો જ આત્મા છે એવું મનન કરો. ચારે
અનુયોગમાં આ જ કહ્યું છે. ચરણાનુયોગમાં પણ જેણે શુદ્ધાત્મા જિન સમાન જાણ્યો છે,
એના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ છે તે ભૂમિકાના પ્રમાણમાં તે જીવને-મુનિને ને
શ્રાવકને રાગના આચરણનો ભાવ-વ્રતાદિનો કેવો હોય એ ત્યાં બતાવ્યું છે. પરંતુ
એકલા રાગના આચરણ ખાતર ત્યાં એ આચરણ બતાવ્યું નથી.
રાગનો ને વિકલ્પનો આશ્રય છોડી, નિમિત્તનો ને અલ્પજ્ઞતાનો આશ્રય છોડી,
સર્વજ્ઞ પરમાત્મા સર્વજ્ઞ થયા. તારે પણ સર્વજ્ઞ પરમાત્મા થવું હોય તો અમારા જેવું તું
કર એટલે કે અમારા જેવો તું છો એમ નક્કી કર. હું પૂરણ પરમાત્મા વીતરાગ
પરમેશ્વર છું-વસ્તુસ્વરૂપે; અલ્પજ્ઞતા ને રાગ પર્યાયમાં છે એ આદરવા લાયક નથી-એમ
ચરણાનુયોગમાં પણ કહ્યું છે.
શ્રાવકનું ને મુનિનું આચરણ-વ્યવહાર કેવો હોય તે ચરણાનુયોગમાં કહ્યું છે.
એવો વ્યવહાર કોને હોય?-કે નિશ્ચય શુદ્ધતા જ્યાં પ્રગટી હોય ત્યાં તેવો વ્યવહાર હોય.
એવી નિશ્ચય શુદ્ધતા ક્યાં હોય?-કે હું વીતરાગ સમાન પરમાત્મા છું, એકલો જ્ઞાતાદ્રષ્ટા
પરિપૂર્ણ પરમાત્મા છું એવું ભાન હોય ત્યાં નિશ્ચય શુદ્ધતા હોય અને એવા ભાનની
ભૂમિકામાં બાકી રહેલાં આચરણનો રાગ કેવો હોય એ ચરણાનુયોગમાં કહ્યું છે, તેથી
ચરણાનુયોગનો સાર તો આત્મા જ છે, રાગની ક્રિયા કાંઈ સાર નથી. ભેદથી બતાવ્યો
છે તો અભેદ, ભેદ કાંઈ સાર નથી. વ્યવહારથી બતાવ્યો છે તો નિશ્ચય, વ્યવહાર કાંઈ
સાર નથી. વ્યવહારનું આચરણ બતાવીને ત્યાં નિશ્ચય કેવો હોય તે બતાવ્યું છે.