આઠમો અધિકાર ][ ૨૭૫
એ પ્રમાણે તુચ્છબુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે. ‘પ્રથમ’ અર્થાત્
‘અવ્યુત્પન્ન-મિથ્યાદ્રષ્ટિ’ તેમના માટે જે અનુયોગ છે તે પ્રથમાનુયોગ છે, એવો અર્થ
ગોમ્મટસારની ટીકામાં કર્યો છે.૧
વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગ વાંચે – સાંભળે તો તેમને
આ તેના ઉદાહરણરૂપ ભાસે છે; જેમ કે — જીવ અનાદિનિધન છે, શરીરાદિ સંયોગી પદાર્થ છે,
એમ આ જાણતો હતો, હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાંતરોનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં
ઉદાહરણરૂપ થયું, વળી આ શુભ – અશુભ – શુદ્ધોપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો
હતો, હવે પુરાણોમાં તે ઉપયોગની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું
છે એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું એ જ પ્રમાણે અન્ય પણ જાણવું.
અહીં ઉદાહરણનો અર્થ એ છે કે – જેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવને અવસ્થા
થઈ તેથી તે આના જાણવામાં સાક્ષી થઈ.
વળી જેમ કોઈ સુભટ છે તે સુભટોની પ્રશંસા અને કાયરોની નિંદા જેમાં હોય એવી
કોઈ પુરાણપુરુષોની કથા સાંભળવાથી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ધર્માત્મા છે
તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણપુરુષોની કથા
સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે.
એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું.
કરણાનુયોગનું પ્રયોજન
કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથા ત્રિલોકાદિકની રચના નિરૂપણ કરી
જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે જીવોના ગુણસ્થાન –
માર્ગણાદિ ભેદ તથા કર્મોનાં કારણ – અવસ્થા – ફળ કોને કોને કેવી રીતે હોય છે. ઇત્યાદિ ભેદ
તથા ત્રણલોકમાં નર્ક – સ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી
જો એવા વિચારમાં ઉપયોગ રમી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઊપજે છે, તથા
તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ શીઘ્ર થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ કથન
જૈનમતમાં જ છે, અન્ય ઠેકાણે નથી – એવો તેનો મહિમા જાણી તે જૈનમતનો શ્રદ્ધાની થાય છે.
બીજું, જે જીવ તત્ત્વજ્ઞાની થઈને આ કરણાનુયોગનો અભ્યાસ કરે તેને આ તેના
१. प्रथमानुयोगः प्रथमं मिथ्यादृष्टिमव्रतिकमव्युत्पन्नं वा प्रतिपाद्यमाश्रित्य प्रवृत्तोऽनुयोगोऽधिकारः प्रथमानुयोगः।
અર્થઃ — પ્રથમ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ – અવ્રતી વિશેષજ્ઞાનરહિતને ઉપદેશ આપવા અર્થે જે પ્રવૃત્ત થયેલો અધિકાર
અર્થાત્ અનુયોગ તેને પ્રથમાનુયોગ કહે છે.
(ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૬૧ – ૩૬૨ ની ટીકા.) — અનુવાદક.