(૧) પ્રશ્નઃ– તિર્યંચાદિ તુચ્છ જ્ઞાની કેટલાક જીવો સાત તત્ત્વોનાં નામ પણ જાણી શકતા નથી છતાં તેમને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે, માટે તત્ત્વાર્થ-શ્રદ્ધાનપણું સમ્યક્ત્વનું લક્ષણ તમે કહ્યું તેમાં અવ્યાપ્તિ દૂષણ લાગે છે?
ઉત્તરઃ– જીવ-અજીવાદિનાં નામાદિક જાણો, ન જાણો વા અન્યથા જાણો, પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતાં સમ્યક્ત્વ થાય છે. ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તથા કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે. તિર્યંચાદિ તુચ્છજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિઓ જીવાદિકનાં નામ પણ જાણતાં નથી તોપણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે તેથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે. જેમ કોઈ તિર્યંચ પોતાનું વા બીજાઓનું નામાદિક તો ન જાણે પરંતુ પોતાનામાં જ પોતાપણું તથા અન્યને પર માને છે, તેમ તુચ્છ જ્ઞાની જીવ-અજીવનાં નામ ન જાણે તો પણ તે જ્ઞાનાદિસ્વરૂપ આત્મા છે તેમાં સ્વપણું માને છે તથા શરીરાદિકને પર માને છે, એવું શ્રદ્ધાન તેને હોય છે અને એ જ જીવ- અજીવનું શ્રદ્ધાન છે. વળી જેમ તે જ તિર્યંચ, સુખાદિનાં નામાદિ તો ન જાણે તોપણ સુખઅવસ્થાને ઓળખી તેના અર્થે ભાવિદુઃખનાં કારણોને પિછાણી તેનો ત્યાગ કરવા ઈચ્છે છે તથા વર્તમાનમાં જે દુઃખનાં કારણો બની રહ્યાં છે તેના અભાવનો ઉપાય કરે છે; તેમ તુચ્છજ્ઞાની, મોક્ષાદિનાં નામ જાણતો નથી તો પણ સર્વથા સુખરૂપ મોક્ષઅવસ્થાને શ્રદ્ધાન કરી તેના અર્થે ભાવિબંધના કારણરૂપ રાગાદિ આસ્રવભાવ છે તેના ત્યાગરૂપ સંવરને કરવા ઈચ્છે છે, તથા જે સંસારદુઃખનાં કારણ છે તેની શુદ્ધભાવ વડે નિર્જરા કરવા ઇચ્છે છે. એ રીતે આસ્રવાદિકનું તેને શ્રદ્ધાન છે. એ પ્રકારે તેને સાત તત્ત્વોનું શ્રદ્ધાન