અ. ૨. સૂત્ર ૨ ] [ ૧૮૭ અને ક્ષાયોપશમિકભાવ છે, તે શુદ્ધતાના અંશો હોવાથી બંધરૂપ નથી; અને મોક્ષ તે ક્ષાયિકભાવ છે, તે સર્વથા પવિત્ર પર્યાય છે એટલે તે પણ બંધરૂપ નથી.
લક્ષણ–ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. (શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા. પ્રશ્ન-ર.)
ઉપયોગ– ચૈતન્યગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે.
ઉપયોગને ‘જ્ઞાન-દર્શન’ પણ કહેવાય છે, તે બધા જીવોમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી, તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે; વળી તે સદ્ભૂત (આત્મભૂત) લક્ષણ છે તેથી બધા જીવોમાં સદાય હોય છે. આ સૂત્રમાં બધા જીવોને લાગુ પડે તેવું સામાન્ય લક્ષણ આપ્યું છે.
જેમ સોના અને ચાંદીનો એક પિંડ હોવા છતાં તેમાં સોનું તેના પીળાશાદિ લક્ષણ વડે અને ચાંદી તેના શુક્લાદિ લક્ષણ વડે બન્ને જુદાં છે એમ તેનો ભેદ જાણી શકાય છે, તેમ જીવ અને કર્મ-નોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં જીવ તેના ઉપયોગ-લક્ષણ વડે કર્મ-નોકર્મથી જુદો છે અને દ્રવ્યકર્મ-નોકર્મ તેમના સ્પર્શાદિ લક્ષણ વડે જીવથી જુદાં છે-એમ તેનો ભેદ જાણી શકાય છે.
જીવ અને પુદ્ગલને અનાદિથી એકક્ષેત્રાવગાહરૂપે સંબંધ છે, તેથી અજ્ઞાનદશામાં તે બન્ને એકરૂપ ભાસે છે. જીવ અને પુદ્ગલ એક આકાશક્ષેત્રે હોવા છતાં જો સાચાં લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બન્ને ભિન્ન છે તેવું જ્ઞાન થાય છે. ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. અનંત પરમાણુઓનું બનેલું શરીર અને જીવ એમ ઘણા મળેલા પદાર્થો છે, તેમાં અનંત પુદ્ગલો છે અને એક જીવ છે, તેને જ્ઞાનમાં જુદા કરવા માટે અહીં જીવનું લક્ષણ બતાવવામાં આવ્યું છે, ‘જીવનું લક્ષણ ઉપયોગ છે’ એમ અહીં કહ્યું છે.