અ. ૨. સૂત્ર ૯ ] [ ૧૮૯ જિજ્ઞાસુઓ જલદી સમજી શકે છે, તેથી કહ્યું છે કે-‘सामान्य शास्त्रतो नूनं विशेषो बलवान् भवेत्’ અર્થાત્ સામાન્ય શાસ્ત્રથી વિશેષ બળવાન છે. સામાન્ય એટલે ટૂંકામાં કહેનારું અને વિશેષ એટલે ભેદો પાડીને બતાવનારું. સાધારણ માણસો વિશેષથી બરાબર નિર્ણય કરી શકે છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨૦૮]
શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઈ ઠેકાણે તો કોઈ અર્થ થાય છે તથા કોઈ ઠેકાણે કોઈ અર્થ થાય છે. ‘દર્શન’ શબ્દના પણ અનેક અર્થ થાય છે. (૧) અધ્યાય ૧, સૂત્ર ૧-૨માં મોક્ષમાર્ગ સંબંધી કથન કરતાં ‘સમ્યગ્દર્શન’ શબ્દ કહ્યો છે ત્યાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા છે. (ર) ઉપયોગના વર્ણનમાં ‘દર્શન’ શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે. અને (૩) ઇંદ્રિયના વર્ણનમાં ‘દર્શન શબ્દનો અર્થ નેત્ર વડે દેખવા માત્ર છે. આ ત્રણ અર્થોમાંથી અહીં ચાલતા સૂત્રમાં બીજો અર્થ લાગુ પડે છે.
દર્શન ઉપયોગ– કોઈ પણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી હઠીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટ થાય છે તે દર્શન છે. તે ઉત્સુકતા ચેતનામાં જ થાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને ‘દર્શનઉપયોગ’ કહેવામાં આવે છે. દ્રષ્ટાંતઃ- એક માણસનો ઉપયોગ ભોજન કરવામાં લાગી રહ્યો છે અને તેને એકદમ ઇચ્છા થઈ કે બહાર મને કોઈ બોલાવતું તો નથી ને? હું તે જાણી લઉં; અથવા કોઈનો અવાજ કાનમાં પડવાથી તેનો ઉપયોગ ભોજન તરફથી હઠીને શબ્દ તરફ લાગી જાય છે. આમાં ચેતનાના ઉપયોગનું ભોજનથી ખસવું અને શબ્દ તરફનું લાગવું થયું પણ જ્યાં સુધી શબ્દ તરફનું કાંઈ પણ જ્ઞાન ન થાય ત્યાં સુધીનો વ્યાપાર તે ‘દર્શન ઉપયોગ’ છે.
પૂર્વ વિષયથી હઠવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તે જ્ઞાનનો પર્યાય નથી તેથી તે ચેતનાપર્યાયને ‘દર્શન ઉપયોગ’ કહેવામાં આવે છે.
દ્રવ્ય-સંગ્રહની ૪૩ મી ગાથામાં ‘સામાન્ય’ શબ્દ વાપર્યો છે તેનો અર્થ ‘આત્મા’ થાય છે. સામાન્યગ્રહણ એટલે આત્મગ્રહણ; આત્મગ્રહણ તે દર્શન છે.