Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 264 of 655
PDF/HTML Page 319 of 710

 

૨૬૨ ] [ મોક્ષશાસ્ત્ર અને અસાવદ્યકર્મઆર્ય. તેમાંથી સાવદ્યકર્મઆર્યના છ પ્રકાર છે- અસિ, મસિ, કૃષિ, વિદ્યા, શિલ્પ અને વાણિજય.

જે તરવાર વગેરે આયુધ ધારણ કરી આજીવિકા કરે તે અસિકર્મઆર્ય. જે દ્રવ્યની આવક તથા ખર્ચ લખવામાં નિપુણ હોય તે મસિકર્મઆર્ય. જે હળ, દાંતલા વગેરે ખેતીનાં સાધનો વડે ખેતી કરી આજીવિકામાં પ્રવીણ હોય તે કૃષિકર્મઆર્ય. આલેખ્ય. ગણિતાદિ બોંતેર કળામાં પ્રવીણ હોય તે વિદ્યાકર્મ આર્ય. ધોબી, હજામ, કુંભાર, લુહાર, સોની વગેરે કાર્યમાં પ્રવીણ હોય તે શિલ્પકર્મ આર્ય છે. ચંદનાદિ ગંધ, ઘી વગેરે રસ. ધાન્ય, કપાસ, વસ્ત્ર, મોતી-માણેક વગેરે અનેક પ્રકારની વસ્તુઓનો સંગ્રહ કરી વેપાર કરે તે વાણિજ્યકર્મ આર્ય.

આ છએ પ્રકારનાં કર્મ જીવને અવિરતદશામાં (પહેલેથી ચોથા ગુણસ્થાન સુધી) હોય છે તેથી તે સાવદ્યકર્મ આર્ય છે.

વિરતાવિરત પરિણત જે શ્રાવક (પાંચમા ગુણસ્થાનવર્તી) તે અલ્પસાવદ્યકર્મઆર્ય છે.

જે સકલસંયમી સાધુ તે અસાવદ્યકર્મ આર્ય છે. (અસાવદ્યકર્મઆર્ય અને ચારિત્રઆર્ય વચ્ચે શું ભેદ છે તે બતાવવામાં આવશે.)

૪. ચારિત્રઆર્ય–તેના બે પ્રકાર છે - અભિગતચારિત્રઆર્ય અને અનભિગતચારિત્રઆર્ય.

ઉપદેશ વગર જ ચારિત્રમોહના ઉપશમ કે ક્ષયથી, આત્માની ઉજ્જ્વળતારૂપ ચારિત્રપરિણામને ધારણ કરે એવા ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણસ્થાનધારક મુનિ તે અભિગતચારિત્રઆર્ય છે. અને અંતરંગમાં ચારિત્રમોહના ક્ષયોપશમથી તથા બાહ્યથી ઉપદેશના નિમિત્તથી સંયમરૂપ પરિણામ ધારે તે અનભિગતચારિત્રઆર્ય છે.

અસાવદ્યઆર્ય અને ચારિત્રઆર્ય એ બન્ને સાધુઓ જ હોય, પણ તે સાધુ જ્યારે પુણ્યકર્મનો બંધ કરે છે ત્યારે (-છઠ્ઠા ગુણસ્થાને) તેમને અસાવદ્યઆર્ય કહેવાય છે અને જ્યારે કર્મની નિર્જરા કરે છે ત્યારે (-છઠ્ઠા ગુણસ્થાનની ઉપર) તેમને ચારિત્રઆર્ય કહેવાય છે.

પ. દર્શનઆર્યઃ– તેના દશ પ્રકાર છે-આજ્ઞા, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને પરમાવગાઢ. [આ દસ ભેદો સંબંધી વિશેષ ખુલાસો મોક્ષમાર્ગ પ્રકાશક - ગુજરાતી પાનું ૩૩૩ માંથી જાણી લેવો.]

આ પ્રમાણે અનૃદ્ધિપ્રાપ્ત આર્યના ભેદોનું સ્વરૂપ કહ્યું. એ રીતે આર્ય મનુષ્યોનું વર્ણન પૂરું થયું. હવે મ્લેચ્છ મનુષ્યોનું વર્ણન કરવામાં આવે છે.