અ. ૮ ઉપસંહાર ] [ પ૧૯ આઠે પ્રકારના કર્મના બંધમાં નિમિત્ત થવાની લાયકાત કેવી રીતે છે તે અહીં બતાવવામાં આવે છે-
(૧) જીવ પોતાના સ્વરૂપની અસાવધાની રાખે છે, તે મોહ કર્મના બંધનું નિમિત્ત થાય છે.
(ર) સ્વરૂપની અસાવધાની હોવાથી જીવ તે સમયે પોતાનું જ્ઞાન પોતાના તરફ ન વાળતાં પર તરફ વાળે છે તે ભાવ જ્ઞાનાવરણકર્મના બંધનું નિમિત્ત થાય છે.
(૩) તે જ સમયે, સ્વરૂપની અસાવધાનીને લીધે પોતાનું દર્શન પોતાના તરફ ન વાળતાં પર તરફ વાળે છે તે ભાવ દર્શનાવરણકર્મના બંધનું નિમિત્ત થાય છે.
(૪) તે જ સમયે, સ્વરૂપની અસાવધાની હોવાથી પોતાનું વીર્ય પોતાના તરફ ન વાળતાં પર તરફ વાળે છે તે ભાવ અંતરાયકર્મના બંધનું નિમિત્ત થાય છે.
(પ) પર તરફના લક્ષે પરનો સંયોગ થાય છે તેથી તે સમયનો (-સ્વરૂપની અસાવધાની સમયનો) ભાવ શરીર વગેરે નામકર્મના બંધનું નિમિત્ત થાય છે.
(૬) જ્યાં શરીર હોય ત્યાં ઊંચ-નીચ આચારવાળા કુળમાં ઉત્પત્તિ હોય, તેથી તે જ સમયનો વિકારી ભાવ ગોત્રકર્મના બંધનું નિમિત્ત થાય છે.
(૭) જ્યાં શરીર હોય ત્યાં બહારની સગવડ, અગવડ, સાજું, માંદુ વગેરે હોય; તેથી તે સમયનો ભાવ વેદનીયકર્મના બંધનું નિમિત્ત થાય છે.
અજ્ઞાનદશામાં આ સાત કર્મો તો સમયે સમયે બંધાયા જ કરે છે; સમ્યગ્દર્શન થયા પછી ક્રમે ક્રમે જેમ જેમ ચારિત્રની અસાવધાની દૂર થાય તેમ તેમ જીવમાં અવિકારીદશા વધતી જાય અને તે અવિકારી ભાવ પુદ્ગલકર્મના બંધમાં નિમિત્ત થાય નહિ તેથી તેટલે અંશે બંધન ટળે છે.
(૮) શરીર તે સંયોગી વસ્તુ છે, તેથી જ્યાં તે સંયોગ હોય ત્યાં વિયોગ પણ થાય જ, એટલે કે શરીરની સ્થિતિ અમુક કાળની હોય. ચાલુ ભવમાં જે ભવને લાયક ભાવ જીવને થાય તેવા આયુનો બંધ નવા શરીર માટે થાય છે.
૭. કર્મબંધનાં જે પાંચ કારણો છે તેમાં મુખ્ય મિથ્યાત્વ છે અને તે કર્મબંધનો અભાવ કરવા માટે સૌથી પહેલું કારણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શન થતાં જ મિથ્યાદર્શનનો અભાવ થાય છે અને ત્યાર પછી જ ક્રમે ક્રમે અવિરતિ વગેરેનો અભાવ થાય છે.