૬૦૪ ] [ મોક્ષશાસ્ત્ર વસ્તુઓ પ્રત્યે રાગવાળા સમ્યગ્દ્રષ્ટિ તો મુનિપદ પ્રાપ્ત કરી શકે નહિ અને સર્વથા અકષાયદશાની પ્રાપ્તિ તો તેઓ ન જ કરી શકે એ દેખીતું જ છે.
૧૪. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્રના સ્વરૂપ સંબંધમાં થતી ભૂલો અને તેનું નિરાકરણ તે તે વિષયોને લગતા સૂત્રોની ટીકામાં આપ્યું છે, ત્યાંથી સમજી લેવું. કેટલાક જીવો આહાર ન લેવો તેને તપ માને છે; પણ તે માન્યતા યથાર્થ નથી. તપની તે વ્યાખ્યામાં થતી ભૂલો ટાળવા માટે સમ્યક્તપનું સ્વરૂપ ૧૯ મા સૂત્રની ભૂમિકામાં તથા ટીકા-પારા પ માં આપ્યું છે, તે સમજવું.
૧પ. મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે મુમુક્ષુ જીવોએ ઉપરની બાબતોનો યથાર્થ વિચાર કરીને સંવર-નિર્જરાતત્ત્વોનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. જે જીવો અન્ય પાંચ તત્ત્વો સહિત આ સંવર તથા નિર્જરાતત્ત્વની શ્રદ્ધા કરે છે, જાણે છે તે પોતાના ચૈતન્યસ્વરૂપ સ્વભાવભાવ તરફ વળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તથા સંસારચક્રને તોડી નાખીને અલ્પકાળમાં વીતરાગચારિત્રને પ્રગટ કરી નિર્વાણ પામે છે.
૧૬. આ અધ્યાયમાં સમ્યક્ચારિત્રનું સ્વરૂપ કહેતાં તેના અનુસંધાનમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું સ્વરૂપ પણ જણાવ્યું છે. (જુઓ, સૂત્ર ૩૬-૩૯) ચારિત્રના વિભાગમાં યથાખ્યાતચારિત્ર પણ સમાઈ જાય છે; ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે પરમ યથાખ્યાતચારિત્ર પ્રગટ થતાં ચારિત્રની પૂર્ણતા થાય છે, અને તે જ સમયે જીવ નિર્વાણ દશા પામે છે-મોક્ષ પામે છે. ૪૯ મા સૂત્રમાં સંયમલબ્ધિસ્થાનનું કથન કરતાં તેમાં નિર્વાણપદ પ્રાપ્ત થવા સુધીની દશાનું વર્ણન જણાવ્યું છે. એ રીતે આ અધ્યાયમાં સર્વે પ્રકારની ‘જિન’ દશાનું સ્વરૂપ ઘણાં ટૂંકા સૂત્રોદ્વારા આચાર્યભગવાને જણાવ્યું છે.