Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 621 of 655
PDF/HTML Page 676 of 710

 

૬૨૨ ] [ મોક્ષશાસ્ત્ર

૪. એ રીતે અનાદિકાળની કર્મશૃંખલા અનેક કાળ સુધી ચાલતી જ રહે છે એમ દેખવામાં આવે છે; પરંતુ શૃંખલાઓનો નિયમ એવો નથી કે જે અનાદિકાલીન હોય તે અનંતકાળ પર્યંત રહેવી જ જોઈએ, કેમ કે શૃંખલા સંયોગથી થાય છે અને સંયોગનો કોઈને કોઈ વખતે વિયોગ થઈ શકે છે. જો તે વિયોગ અંશતઃ હોય તો તો શૃંખલા ચાલુ રહે છે, પણ જ્યારે તેનો અત્યંતિક વિયોગ થઈ જાય છે ત્યારે શૃંખલાનો પ્રવાહ તૂટી જાય છે. જેમ શૃંખલા બળવાન કારણદ્વારા તૂટે છે તેમ કર્મશૃંખલા અર્થાત્ સંસારશૃંખલા પણ જીવના સમ્યગ્દર્શનાદિ સત્ય પુરુષાર્થ દ્વારા નિર્મૂળ નષ્ટ થઈ જાય છે. વિકારી શૃંખલામાં અર્થાત્ વિકારી પર્યાયમાં પણ અનંતતાનો નિયમ નથી, તેથી જીવ વિકારી પર્યાયનો અભાવ કરી શકે છે અને વિકારનો અભાવ કરતાં કર્મનો સંબંધ પણ છૂટી જાય છે અને તેનું કર્મત્વ નષ્ટ થઈને અન્યરૂપે પરિણમી જાય છે.

પ. આત્માને બંધન છે તેની સિદ્ધિ

કોઈ જીવો કહે છે કે આત્માને બંધન હોતું જ નથી. તેઓની એ માન્યતા ખોટી છે, કેમ કે બંધન વગર પરતંત્રતા હોય નહિ. જેમ ગાય ભેંસ વગેરે પશુઓ જ્યારે બંધનમાં નથી હોતાં ત્યારે પરતંત્ર હોતાં નથી; પરતંત્રતા તે બંધનની હયાતી સૂચવે છે. માટે આત્માને બંધન માનવું યોગ્ય છે. આત્માને ખરું બંધન પોતાના વિકારીભાવનું જ છે; તેનું નિમિત્ત પામીને જડકર્મનું બંધન થાય છે અને તેના ફળ તરીકે શરીરનો સંયોગ થાય છે. શરીરના સંયોગમાં આત્મા રહે છે તે પરતંત્રતા સૂચવે છે. એ ધ્યાન રાખવું કે કર્મ, શરીર ઇત્યાદિ પરદ્રવ્યો કાંઈ આત્માને પરતંત્ર કરતાં નથી પણ જીવ પોતે અજ્ઞાનતાથી પોતાને પરતંત્ર માને છે અને પરવસ્તુથી પોતાને લાભ-નુકશાન થાય એવી ઊંધી પક્કડ કરીને પરમાં ઇષ્ટ-અનિષ્ટપણું કલ્પે છે. દુઃખનું કારણ પરાધીનતા છે. શરીરના નિમિત્તે જીવને દુઃખ થાય છે. તેથી જે જીવ શરીરથી પોતાને લાભ-નુકશાન માને તે પરતંત્ર રહે જ છે. કર્મ કે પરવસ્તુ જીવને પરતંત્ર કરતી નથી. પણ જીવ સ્વયં પરતંત્ર થાય છે. એ રીતે સંસારી આત્માને ત્રણ પ્રકારનું બંધન સિદ્ધ થાય છે-એક તો પોતાનો વિકારી ભાવ, બીજું તેનું નિમિત્ત પામીને સૂક્ષ્મકર્મ સાથે થતો સંબંધ અને ત્રીજું તેના નિમિત્તે સ્થૂળ શરીર સાથે થતો સંબંધ. (જુઓ, તત્ત્વાર્થસાર, પાનું ૩૯૪).

૬. મુક્ત થયા પછી ફરી બંધ કે જન્મ ન થાય

જીવના મિથ્યાદર્શનાદિ વિકારી ભાવોનો અભાવ થવાથી કર્મનો કારણ- કાર્યસંબંધ પણ છૂટી જાય છે. જાણવું-દેખવું તે કાંઈ કર્મબંધનું કારણ નથી પણ પર વસ્તુઓમાં-રાગ-દ્વેષમાં આત્મીયપણાની ભાવના તે બંધનું કારણ થાય છે. મિથ્યાભાવનાના