શક્તિથી દ્રવ્યકર્મ અને ભાવકર્મને દૂર કરીને હલકા થઈ જાય છે. આ રીતે મોહનો
અંધકાર નાશ પામે છે અને સૂર્યથી પણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનની જ્યોત જાગે છે, પછી
કર્મ અને નોકર્મથી છુપાઈ ન શકવા યોગ્ય અનંતશક્તિ પ્રગટ થાય છે જેથી તે સીધા
મોક્ષમાં જાય છે અને કોઈના રોકયા રોકાતા નથી.પ૮.
પ્રમાદ વિના હિંસા થઈ જવા છતાં મુનિઓને બંધ થતો નથી, સમ્યગ્દ્રષ્ટિ જીવ
અસંયમી હોવા છતાં પણ બંધ રહિત છે. એથી સ્પષ્ટ છે કે કાર્મણ વર્ગણાઓ, યોગ,
હિંસા અને અસંયમથી બંધ થતો નથી, કેવળ શુભ-અશુભ અશુદ્ધોપયોગ જ બંધનું
કારણ છે. અશુદ્ધ ઉપયોગ રાગ-દ્વેષ-મોહરૂપ છે અને રાગ-દ્વેષ-મોહનો અભાવ
સમ્યગ્દર્શન છે, માટે બંધનો અભાવ કરવા માટે સમ્યગ્દર્શનની સંભાળ કરવી
જોઈએ. એમાં પ્રમાદ કરવો ઉચિત નથી કેમ કે સમ્યગ્દર્શન જ ધર્મ, અર્થ, કામ અને
મોક્ષ એ ચારે પુરુષાર્થોનો દાતા છે. આ સમ્યગ્દર્શન વિપરીત અભિનિવેશ રહિત હોય
છે. મેં કર્યું, મારું છે, હું ઇચ્છું તે કરીશ, એ મિથ્યાભાવ સમ્યગ્દર્શનમાં હોતો નથી.
એમાં શરીર, ધન, કુટુંબ અથવા વિષય-ભોગથી વિરક્તભાવ રહે છે અને ચંચળ
ચિત્તને વિશ્રામ મળે છે. સમ્યગ્દર્શન જાગૃત થતાં વ્યવહારની તલ્લીનતા રહેતી નથી,
નિશ્ચયનયના વિષયભૂત નિર્વિકલ્પ અને નિરુપાધિ આત્મરામનું સ્વરૂપ-ચિંતવન હોય
છે અને મિથ્યાત્વને આધીન થઈને સંસારી આત્મા જે અનાદિકાળથી ઘાણીના
બળદની જેમ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો હતો તેને વિલક્ષણ શાંતિ મળે છે.
સમ્યગ્જ્ઞાનીઓને પોતાનો ઇશ્વર પોતાનામાં જ દેખાય છે; અને બંધના કારણોનો
અભાવ થવાથી તેમને પરમેશ્વરપદ પ્રાપ્ત થાય છે.