Padmapuran (Gujarati). Parva 10 - Raja Sugreev ane Rani Sutaranu vrutant.

< Previous Page   Next Page >


Page 114 of 660
PDF/HTML Page 135 of 681

 

background image
૧૧૪ દસમું પર્વ પદ્મપુરાણ
વાત, આનાથી દેવ પણ ડરે છે. આ શક્તિ અગ્નિજ્વાળાથી મંડિત વિસ્તીર્ણ શક્તિની ધારક
છે આથી રાવણે ધરણેન્દ્રની આજ્ઞા લોપવા અસમર્થ હોવાથી શક્તિનું ગ્રહણ કર્યું, કેમ કે
કોઈની પાસેથી કાંઈ લેવું તે અત્યંત લઘુતા છે એટલે આ વાતથી રાવણ પ્રસન્ન ન થયો.
રાવણ અતિ ઉદારચિત્ત છે. રાવણે હાથ જોડીને ધરણેન્દ્રને નમસ્કાર કર્યા. ધરણેન્દ્ર પોતે
પોતાના સ્થાનકે ગયા. રાવણે એક માસ કૈલાસ પર રહી ભગવાનનાં ચૈત્યાલયોની
મહાભક્તિથી પૂજા કરી, વાલી મુનિની સ્તુતિ કરી અને પછી પોતાના સ્થાનકે ગયો.
વાલી મુનિએ મનનો ક્ષોભથી જે કાંઈક પાપકર્મ ઉપાર્જ્યું હતું તેનું ગુરુઓની પાસે
જઈ પ્રાયશ્ચિત્ત લીધું. શલ્ય દૂર કરીને પરમ સુખી થયા. જેમ વિષ્ણુકુમાર મુનિએ
મુનિઓની રક્ષા નિમિત્તે બલીનો પરાભવ કર્યો હતો અને ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત લઈને
પરમ સુખી થયા હતા તેમ વાલી મુનિએ ચૈત્યાલયોની અને અનેક જીવોની રક્ષા નિમિત્તે
રાવણનો પરાભવ કર્યો, કૈલાસ થંભાવ્યો, પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને શલ્ય મટાડી
પરમ સુખી થયા. ચારિત્રથી, ગુપ્તિથી, ધર્મથી, અનુપ્રેક્ષાથી, સમિતિથી, પરીષહ સહન
કરવાથી મહાસંવર પામી, કર્મોની નિર્જરા કરી, વાલી મુનિ કેવળજ્ઞાન પામ્યા અને આઠ
કર્મથી રહિત થઈ લોકના શિખરે અવિનાશી સ્થાનમાં અવિનાશી સુખ પામ્યા. રાવણે
મનમાં વિચાર્યું કે જે ઇન્દ્રિયોને જીતે તેને જીતવા હું સમર્થ નથી. તેથી રાજાઓએ
સાધુઓની સેવા જ કરવી યોગ્ય છે. આમ જાણીને તે સાધુઓની સેવામાં તત્પર થયો.
સમ્યગ્દર્શનથી મંડિત, જિનેશ્વરમાં દ્રઢ ભક્તિવાળો તે કામભોગમાં અતૃપ્ત યથેષ્ટ સુખથી
રહેવા લાગ્યો.
આ વાલીનું ચરિત્ર પુણ્યાધિકારી, ભાવમાં તત્પર બુદ્ધિવાળો જે જીવ સારી રીતે
સાંભળે તે કદી પણ અપમાન ન પામે અને તેને સૂર્ય સમાન પ્રતાપ પ્રાપ્ત થાય.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં વાલી મુનિનું નિરૂપણ કરનાર
નવમું પર્વ પૂર્ણ થયું.
* * *
દસમું પર્વ
રાજા સુગ્રીવ અને રાણી સુતારાનું વૃત્તાંત
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક! આ વાલીના વૃત્તાંત પછી
સુગ્રીવ અને સુતારા રાણીનું વૃત્તાંત હું તને કહું છું તે સાંભળ. જ્યોતિપુર નામના
નગરના રાજા અગ્નિશિખની પુત્રી સુતારા સંપૂર્ણ સ્ત્રીગુણોથી પૂર્ણ, પૃથ્વી પર રૂપગુણની
શોભાથી પ્રસિદ્ધ, જાણે કમળવાસ છોડીને સાક્ષાત્ લક્ષ્મી જ આવી હોય તેવી હતી. એક
દિવસે રાજા ચક્રાંકની રાણી અનુમતિનો મહાદુષ્ટ સાહસગતિ નામનો પુત્ર યથેચ્છ ભ્રમણ
કરતો હતો તેણે સુતારાને જોઈ.