લાગી. પહેલાં રાવણનાં રૂપગુણ સાંભળીને અનુરાગવતી હતી જ. રાત્રે તે પોતાની સખી
વિચિત્રમાલાને એકાંતમાં આમ કહેવા લાગી કે હે સુંદરી! તું મારા પ્રાણ સમાન સખી છે,
તારા જેવું બીજું કોઈ નથી. આપણું અને સામાનું એક મન હોય તેને સખી કહીએ છીએ.
મારામાં અને તારામાં ભેદ નથી માટે હે ચતુરે! મારા કાર્યનું સાધન તું ચોક્કસ કરવાની
હો તો તને મારા ચિત્તની વાત કરું જે સખી હોય છે તે નિશ્ચયથી જીવનનું અવલંબન
હોય છે. રાણી ઉપરંભાએ આમ કહ્યું ત્યારે સખી વિચિત્રમાલા કહેવા લાગી કે હે દેવી!
આવી વાત કેમ કહો છો? હું તો તમારી આજ્ઞાકારિણી છું. તમારું મનવાંછિત કાર્ય કહેશો
તે કરીશ જ. હું મારા મોઢે મારા વખાણ શું કરું? પોતાના વખાણ કરવા એ લોકમાં નિંદ્ય
ગણાય છે, વધારે શું કહું? મને તમે સાક્ષાત્ કાર્યની સિદ્ધિ ગણો. મારો વિશ્વાસ રાખીને
તમારા મનમાં જે હોય તે મને કહો. હે સ્વામિની! અમારી હયાતીમાં તમારે ખેદ શાનો
હોય? ત્યારે ઉપરંભા વિશ્વાસ રાખીને, ગાલ ઉપર હાથ મૂકીને, મુખમાંથી ન નીકળે એવાં
વચન વારંવાર પ્રેરણા કરીને બહાર કાઢવા લાગી. હે સખી! બાળપણથી જ મારું મન
રાવણ પ્રત્યે અનુરાગી છે. મેં અનેક વાર લોકમાં પ્રસિદ્ધ, અતિસુંદર એવા તેના ગુણો
સાંભળ્યાં છે. હું અંતરાયના ઉદયથી અત્યાર સુધી રાવણનો સંગ પ્રાપ્ત ન કરી શકી. મારા
ચિત્તમાં તેની પ્રત્યે પરમ પ્રીતિ છે. અને તેની અપ્રાપ્તિનો મને નિરંતર પસ્તાવો થાય છે.
હે રૂપિણી! હું જાણું છું કે આ કાર્ય પ્રશંસાયોગ્ય નથી. સ્ત્રી પરપુરુષના સંગથી નરકમાં
જાય છે તો પણ હું મરણને સહેવા સમર્થ નથી. તેથી હે મિષ્ટભાષિણી! મારો ઉપાય શીઘ્ર
કર. મારા મનનું હરણ કરનાર તે હવે મારી પાસે આવ્યો છે, કોઈ પણ ઉપાયે પ્રસન્ન
થઈને મારો તેની સાથે મેળાપ કરાવી દે, હું તારા પગે પડું છું. આમ કહીને તે સ્ત્રી પગે
પડવા લાગી, ત્યારે સખીએ તેનું માથું પકડી લીધું અને કહ્યું કે હે સ્વામિની! તમારું કામ
એક ક્ષણમાં જ હું સિદ્ધ કરી આપીશ. એમ કહીને તે સખી ઘરમાંથી બહાર નીકળી. આ
સકળ વાતોની રીત જાણનારી તે અતિસૂક્ષ્મ શ્યામ વસ્ત્ર પહેરીને આકાશમાર્ગે રાવણના
તંબૂમાં આવી. દ્વારપાળોને પોતાના આગમનનું વૃત્તાંત જણાવીને તેણે રાવણ પાસે જઈને
તેને પ્રણામ કર્યા. આજ્ઞા મળતાં બેસીને તે વિનંતી કરવા લાગી કે હે દેવ! દોષના
પ્રસંગરહિત આપના સકળ ગુણો વડે આખો લોક વ્યાપ્ત છે. આપને માટે એ જ યોગ્ય છે.
આપનો વૈભવ અતિ ઉદાર છે, આપ આ પૃથ્વી પર સૌને તૃપ્ત કરો છો, આપનો જન્મ
સૌના આનંદ નિમિત્તે છે. આપની આકૃતિ જોતાં આ મનમાં લાગે છે કે આપ કોઈની
પ્રાર્થનાનો ભંગ કરતા નથી. આપ મહાદાતાર છો, સૌના અર્થ પૂરા કરો છો, આપના જેવા
મહાપુરુષની વિભૂતિ પરોપકાર માટે જ છે તેથી આપ સૌને બહાર મોકલી એક ક્ષણ
એકાંત આપીને, મન દઈને મારી વાત સાંભળો તો હું કહું. રાવણે આ પ્રમાણે કર્યું ત્યારે
તેણે ઉપરંભાની સઘળી હકીકત તેના કાનમાં કહી.