પર્વ પૂર્ણ થયું.
રાવણની સમીપે આવ્યા. દ્વારપાળોને વિનંતી કરી ઇન્દ્રનું સકળ વૃત્તાંત કહી રાવણની પાસે
ગયા. રાવણે સહસ્ત્રારને ઉદાસીન શ્રાવક જાણી તેમનો ખૂબ વિનય કર્યો. તેમને સિંહાસન
આપ્યું, પોતે સિંહાસનથી ઊતરીને નીચે બેઠો. સહસ્ત્રાર રાવણને વિવેકી જાણી કહેવા
લાગ્યાઃ હે દશાનન! તમે જગજિત છો તેથી ઇન્દ્રને પણ જીત્યો, તમારું બાહુબળ સૌએ
જોયું. જે મહાન રાજા હોય છે તે ગર્વિષ્ઠ લોકોનો ગર્વ દૂર કરી પછી કૃપા કરે છે, માટે
હવે ઇન્દ્રને છોડો. સહસ્ત્રારે આમ કહ્યું અને જે ચારે લોકપાલ હતા તેમનાં મુખમાંથી પણ
આ જ શબ્દો નીકળ્યા, જાણે કે સહસ્ત્રારનો પડઘો જ પાડયો. ત્યારે રાવણે સહસ્ત્રારને
હાથ જોડી એ જ કહ્યું કે આપ જેમ કહો છો તેમ જ થશે. પછી તેણે લોકપાલોને હસીને
રમત ખાતર કહ્યું કે તમે ચારે લોકપાલ નગરની સફાઈ કરો, નગરને તૃણ-કંટકરહિત
અને કમળની સુગંધરૂપ કરો, ઇન્દ્ર પૃથ્વી પર સુગંધી જળનો છંટકાવ કરો અને પાંચેય
વર્ણનાં સુગંધી મનોહર પુષ્પોથી નગરની શોભા કરો. રાવણે જ્યારે આમ કહ્યું ત્યારે
લોકપાલ તો લજ્જિત થઈને નીચું જોઈ ગયા અને સહસ્ત્રાર અમૃતમય વાણી બોલ્યા કે
હે ધીર! તમે જેને જે આજ્ઞા કરશો તે પ્રમાણે તે કરશે, તમારી આજ્ઞા સર્વોપરી છે. જો
તમારા મોટા માણસો પૃથ્વીને શિક્ષા ન આપે તો પૃથ્વીના લોક અન્યાય માર્ગમાં પ્રવર્તે.
આ વચન સાંભળી રાવણ અતિ પ્રસન્ન થયો અને બોલ્યોઃ હે પૂજ્ય! આપ અમારા
પિતાતુલ્ય છો અને ઇન્દ્ર મારો ચોથો ભાઈ છે. એને પ્રાપ્ત કરીને હું સકળ પૃથ્વીને
કંટકરહિત કરીશ. એનું ઇન્દ્રપદ એવું ને એવું જ છે અને આ લોકપાલ પણ જેમના તેમ
રહેશે; અને બન્ને શ્રેણીના રાજ્યથી અધિક ઈચ્છતા હો તો તે પણ લઈ લ્યો. મારામાં અને
એનામાં કાંઈ તફાવત નથી. આપ વડીલ છો, ગુરુજન છો. જેમ ઇન્દ્રને શિખામણ આપો
છો એમ મને પણ આપો, આપની શિખામણ અલંકારરૂપ છે. વળી, આપ રથનુપૂરમાં
બિરાજો કે અહીં બિરાજો, બન્ને આપની જ ભૂમિ છે. આવાં પ્રિય વચનથી સહસ્ત્રારનું મન
ખૂબ સંતોષ્યું. ત્યારે સહસ્ત્રાર કહેવા લાગ્યા, હે ભવ્ય! તમારા જેવા સજ્જન પુરુષોની
ઉત્પત્તિ સર્વ લોકોને આનંદ આપે છે. હે ચિરંજીવ!