ષટ્ઋતુ નથી, નિદ્રા નથી અને દેવોનું શરીર માતાપિતાથી ઉત્પન્ન થતું નથી. જ્યારે
આગલો દેવ મૃત્યુ પામે ત્યારે નવો દેવ ઉપપાદ શય્યામાં જન્મે છે. જેમ કોઈ સૂતેલો
માણસ પથારીમાંથી જાગીને બેઠો થાય છે તેમ ક્ષણમાત્રમાં દેવ ઉપપાદ શય્યામાં નવયૌવન
પામીને પ્રગટ થાય છે. તેમનું શરીર સાત ધાતુ-ઉપધાતુરહિત, રજ, પરસેવો, રોગરહિત,
સુગંધી, પવિત્ર, કોમળ, શોભાયુક્ત, આંખને ગમે તેવું ઔપપાદિક શુભ વૈક્રિયક હોય છે.
તેમનાં આભૂષણો દેદીપ્યમાન હોય છે. તેનાથી દશે દિશામાં ઉદ્યોત થઈ રહે છે. તે દેવોની
દેવાંગના અત્યંત સુંદર હોય છે, તેમના પગ કમળપત્ર જેવા, જાંધ કેળના થડ જેવી,
કંદોરાથી શોભિત કમર અને નિતંબ ઉપર કંદોરાની ઘૂઘરીઓનો અવાજ થઈ રહ્યો છે.
ઉગતા ચંદ્રથી અધિક કાંતિ હોય છે, સ્તન મનોહર હોય છે, રત્નોના સમૂહ અને ચાંદનીને
જીતે એવી એની પ્રભા હોય છે, માલતીની માળાથી કોમળ ભુજલતા હોય છે, મણિમય
ચૂડાથી હાથ શોભે છે, અશોકવૃક્ષની કૂંપળ જેવી તેની હથેળી લાલ હોય છે. શંખસમાન
ગ્રીવા હોય છે, કોયલથી મનોહર કંઠ હોય છે, રસભરેલ અધર હોય છે, કુંદપુષ્પ સમાન
દાંત અને નિર્મળ દર્પણ સમાન સુંદર કપોલ હોય છે, અતિસુંદર તીક્ષ્ણ કામનાં બાણ
સમાન નેત્ર, પદ્મરાગમણિ આદિનાં આભૂષણો, મોતીના હાર, ભ્રમર સમાન શ્યામ,
ચીકણા, સઘન કેશ, મધુર સ્વર, અત્યંત ચતુર, સર્વ ઉપચાર જાણનારી, મનોહર ક્રીડા
કરનારી, સામાના મનની ચેષ્ટા જાણનાર, પંચેન્દ્રિયોના સુખ ઉત્પન્ન કરનાર સ્વર્ગની
અપ્સરાઓ ધર્મના ફળથી મળે છે. ત્યાં જે ઇચ્છા કરે તે ઇચ્છા પ્રમાણે સર્વ સિદ્ધ થાય છે.
દેવલોકમાં જે સુખ છે અને મનુષ્યલોકમાં ચક્રવર્તી આદિનાં સુખ છે તે સર્વ ધર્મનું ફળ
જિનેશ્વરોએ કહ્યું છે. ત્રણ લોકમાં જે સુખ એવું નામ ધરાવે છે તે બધું ધર્મથી જ ઉત્પન્ન
થાય છે. જે તીર્થંકર અને ચક્રવર્તી, બળભદ્ર, કામદેવાદિ પદ છે તે સર્વ ધર્મનું ફળ છે. આ
બધું તો શુભયોગરૂપ વ્યવહારધર્મનું ફળ કહ્યું અને જે મહામુનિ નિશ્ચય રત્નત્રયના ધારક
મોહરિપુનો નાશ કરીને સિદ્ધપદ પામે છે તે શુદ્ધોપયોગરૂપ આત્મધર્મનું ફળ છે. તે
મુનિધર્મ મનુષ્યજન્મ વિના પ્રાપ્ત થતો નથી માટે મનુષ્યદેહ સર્વ જન્મોમાં શ્રેષ્ઠ છે જેમ
વનમાં પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, મનુષ્યોમાં રાજા, દેવોમાં ઇન્દ્ર, વૃક્ષોમાં ચંદન
અને પાષાણમાં રત્ન શ્રેષ્ઠ છે તેમ સકળ યોનિમાં મનુષ્યજન્મ શ્રેષ્ઠ છે. ત્રણ લોકમાં ધર્મ
સાર છે અને ધર્મમાં મુનિનો ધર્મ સાર છે. તે મુનિધર્મ મનુષ્યદેહથી જ થાય છે માટે
મનુષ્યજન્મ સમાન બીજું કાંઈ નથી. અનંતકાળના જીવના પરિભ્રમણમાં કોઈક વાર તે
મનુષ્યજન્મ પામે છે માટે મનુષ્યદેહ મહાદુર્લભ છે. આવો મનુષ્યદેહ પામીને જે મૂઢ પ્રાણી
સમસ્ત કલેશથી રહિત મુનિધર્મ અથવા શ્રાવક ધર્મનું પાલન કરતા નથી તે વારંવાર
દુર્ગતિમાં ભ્રમણ કરે છે. જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન હાથ આવવું મુશ્કેલ હોય છે તેમ
ભવસમુદ્રમાં નષ્ટ થયેલ મનુષ્યદેહ ફરીથી મેળવવો મુશ્કેલ છે. આ મનુષ્ય દેહમાં શાસ્ત્રોક્ત
ધર્મનું સાધન કરીને કોઈ મુનિવ્રત લઈ સિદ્ધ થાય છે અને કોઈ સ્વર્ગવાસી દેવ અથવા અહમિંદ્ર