હતાં? હું નિશ્ચયથી, તેમનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. ત્યારે સત્પુરુષની કથા કહેવાનો
જેમને પ્રમોદ છે એવા ગૌતમ સ્વામીએ કહ્યું કે હે નૃપ! વિજ્યાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણી
પૃથ્વીથી દશ યોજન ઊંચી છે, ત્યાં આદિત્યપુર નામનું મનોહર નગર છે. ત્યાં રાજા
પ્રહલાદ રાજ્ય કરે છે. તેની રાણી કેતુમતી છે અને પુત્ર વાયુકુમાર. તેમનું વક્ષસ્થળ
વિસ્તીર્ણ અને લક્ષ્મીનો નિવાસ છે. તે સંપૂર્ણ યુવાન થયા ત્યારે પિતાને તેમનાં લગ્નની
ચિંતા થઈ. તેમને પરંપરાએ પોતાનો વંશ વિસ્તારવાની ઇચ્છા છે. ભરતક્ષેત્રમાં પૂર્વદક્ષિણ
દિશાની મધ્યમાં દંતી નામનો પર્વત છે, તેનાં ઊંચા શિખરો આકાશને અડે છે. તે
જાતજાતનાં વૃક્ષો અને ઔષધિઓનો ભંડાર છે, પાણીનાં ઝરણાઓ તેમાં વહ્યાં કરે છે.
ત્યાં ઇન્દ્ર સમાન રાજા મહેન્દ્ર વિદ્યાધરે મહેન્દ્રપુર નામનું નગર વસાવ્યું છે. તેની રાણી
હૃદયવેગાને અરિંદમાદિ સો પુત્ર અને અંજનાસુંદરી નામની પુત્રી છે. ત્રણ લોકની સુંદર
સ્ત્રીઓનાં રૂપ એકત્ર કરીને તેને બનાવવામાં આવી છે. નીલકમલ જેવાં તેનાં નેત્ર છે,
કામના બાણ સમાન તીક્ષ્ણ, દૂરદર્શી, કાન સુધી પહોંચે તેવા કટાક્ષ છે, પ્રશંસાયોગ્ય
કરપલ્લવ અને રક્તકમળ સમાન ચરણ છે, હાથીના કુંભસ્થળ સમાન કુચ છે, સિંહ
સમાન કેડ છે, સુંદર નિતંબ, કદલી સ્તંભ સમાન કોમળ જંધા છે, સંગીતાદિ સર્વ કળાની
જાણકારી જાણે સાક્ષાત્ સરસ્વતી જ છે. એક દિવસ સખીઓ સાથે દડાથી રમતી તેને
પિતાએ જોઈ. જેમ સુલોચનાને જોઈને રાજા અકંપનને ચિંતા થઈ હતી તેમ અંજનાને
જોઈને રાજા મહેન્દ્રને ચિંતા ઉપજી. સંસારમાં માતાપિતાને કન્યા દુઃખનું કારણ છે. કુલીન
પુરુષોને એવી ચિંતા રહે છે કે મારી પુત્રીને પ્રશંસાયોગ્ય પતિ મળે, તેનું સૌભાગ્ય
દીર્ધકાળ સુધી ટકે, કન્યા નિર્દોષપણે સુખી રહે. રાજા મહેન્દ્રે પોતાના મંત્રીઓને કહ્યું કે
તમે બધી બાબતોમાં પ્રવીણ છો, મને મારી પુત્રીને યોગ્ય હોય તેવો શ્રેષ્ઠ વર બતાવો.
ત્યારે અમરસાગર મંત્રીએ કહ્યુંઃ ‘આ કન્યા રાક્ષસોના અધીશ રાવણને આપો. સર્વ
વિદ્યાધરોના અધિપતિનો સંબંધ પામીને તમારો પ્રભાવ સમુદ્રાંત પૃથ્વી સુધી ફેલાશે અથવા
ઇન્દ્રજિત કે મેઘનાદને આપો અને જો આ વાત પણ આપના મનમાં ન બેસે તો કન્યાનો
સ્વયંવર રચો, આમ કહીને અમરસાગર મંત્રી ચૂપ થયો. ત્યારે મહાપંડિત સુમતિ નામનો
મંત્રી બોલ્યો કે રાવણને તો અનેક સ્ત્રી છે, વળી તે મહાઅહંકારી છે, તેને પરણવાથી
આપસમાં અધિક પ્રેમ નહિ રહે. તે ઉપરાંત કન્યાની વય નાની છે અને રાવણની ખૂબ
વધારે એટલે તે ન બને. ઇન્દ્રજિત કે મેઘનાદને પરણાવીએ તો એ બન્નેમાં પરસ્પર
વિરોધ થશે. પહેલાં રાજા શ્રીષેણના પુત્રોમાં વિરોધ થયો હતો. માટે એ ન કરવું. પછી
તારાધન્ય નામના મંત્રીએ કહ્યું કે દક્ષિણ શ્રેણીમાં કનકપુર નામનું નગર છે. ત્યાં રાજા
હિરણ્યપ્રભની રાણી સુમનાનો પુત્ર સૌદામિનીપ્રભ મહાયશવંત, કિર્તિધારી, યુવાન, સર્વ
વિદ્યાકળામાં પારગામી, તેનું રૂપ પણ અતિસુંદર છે, સર્વ લોકોની આંખનો તારો, અનુપમ
ગુણ ને ચેષ્ટાથી આખા મંડળને આનંદિત કરે છે અને એવો પરાક્રમી છે કે બધા
વિદ્યાધરો એકત્ર થઈને આવે તો પણ તેને ન જીતી