Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 206 of 660
PDF/HTML Page 227 of 681

 

background image
૨૦૬ ઓગણીસમું પર્વ પદ્મપુરાણ
રત્નોનો ઉપયોગ કર્યા વિના મને સામાન્ય શસ્ત્રોથી જીતી લીધો. આપનો પ્રતાપ અદ્ભૂત
છે, અને પવનના પુત્ર હનુમાનના અદ્ભૂત પ્રભાવનો કેટલો મહિમા કરું? આપના પુણ્યથી
આવા આવા સત્પુરુષો આપની સેવા કરે છે. હે પ્રભો! આ પૃથ્વી કોઈના કુળમાં
અનુક્રમથી ચાલી આવતી નથી. એ કેવળ પરાક્રમને વશ છે. શૂરવીર જ એનો ભોક્તા છે.
હે ઉદારકીર્તિ! આપ જ અમારા સ્વામી છો, અમારા અપરાધ માફ કરો. હે નાથ! આપના
જેવી ક્ષમા ક્યાંય જોઈ નથી. આપના જેવા ઉદારચિત્ત પુરુષો સાથે સંબંધ કરીને હું કૃતાર્થ
થઈશ. આપ મારી સત્યવતી નામની પુત્રી સાથે લગ્ન કરો. આપ જ એને પરણવાને
યોગ્ય છો.’ આ પ્રમાણે વિનંતી કરીને ઉત્સાહથી પોતાની પુત્રી રાવણને પરણાવી.
સત્યવતી સર્વ રૂપાળી સ્ત્રીઓનું તિલક છે, તેનું મુખ કમળ જેવું છે. વરુણે રાવણનો ખૂબ
સત્કાર કર્યો. અને કેટલેક દૂર સુધી રાવણ સાથે તે ગયો. રાવણે અતિસ્નેહથી વિદાય
આપી. વરુણ પોતાની રાજધાનીમાં આવ્યો. પુત્રીના વિયોગથી તેનું ચિત્ત વ્યાકુળ હતું.
કૈલાસને કંપાવનાર રાવણે હનુમાનનું ખૂબ સન્માન કરીને પોતાની બહેન ચંદ્રનખાની
અત્યંત રૂપાળી પુત્રી અનંગકુસુમા તેની સાથે પરણાવી. હનુમાન તેને પરણીને ખૂબ
પ્રસન્ન થયા. અનંગકુસુમા સર્વલોકમાં પ્રસિદ્ધ ગુણોની રાજધાની છે, તેનાં નેત્રો કામનાં
આયુધ છે. રાવણે તેમને ખૂબ સંપદા આપી, કર્ણકુંડળપુરનું રાજ્ય પણ આપ્યું, તેમનો
રાજ્યાભિષેક કરાવ્યો. તે નગરમાં હનુમાન જેમ સ્વર્ગલોકમાં ઇન્દ્ર બિરાજે છે તેમ
સુખપૂર્વક વિરાજતા હતા. કિહકૂપુર નગરના રાજા નળે પોતાની પુત્રી હરમાલિનીને
હનુમાન સાથે પરણાવી, તે કન્યા રૂપ અને સંપદામાં લક્ષ્મીને જીતતી હતી. તે ઉપરાંત
કિન્નરગીત નગરના કિન્નર જાતિના વિધાધરોની ત્રણસો પુત્રીઓ તેને પરણી. આ
પ્રમાણે એક હજાર રાણીઓ તેને પરણી. પૃથ્વી પર હનુમાનનું શ્રીશૈલ નામ પ્રસિધ્ધ પામ્યું
કારણ કે તે પર્વતની ગુફામાં જન્મ્યા હતા તે હનુમાન પર્વત પર આવ્યા અને તેને જોઈને
ખૂબ પ્રસન્ન થયા, તેમની તળેટી રમણીય હતી.
કિહકંધપુર નગરમાં રાજા સુગ્રીવ અને રાણી સુતારાની ચંદ્ર સમાન કાંતિમાન
મુખવાળી અને રતિ સમાન રૂપવાળી પુત્રી પદ્મરાગા નવા કમળ જેવા રંગવાળી અનેક
ગુણોથી મંડિત હતી. પૃથ્વી પર પ્રસિદ્ધ લક્ષ્મી સમાન સુંદર નેત્રવાળી, જેનું મુખ
આભામંડળથી મંડિત છે, મહાન ગજરાજના કુંભસ્થળ સમાન ઊંચા કઠોર તેના સ્તન છે,
સિંહ સમાન કેડ છે, તેની મૂર્તિ લાવણ્યતાના વિસ્તીર્ણ સરોવરમાં મગ્ન છે, તેની ચેષ્ટા
જોતાં ચિત્ત પ્રસન્ન થાય એવી પુત્રીને યૌવનપ્રાપ્ત જોઈને માતાપિતાને તેના વિવાહની
ચિંતા થઈ. માતાપિતાને રાતદિન નિદ્રા આવતી નહિ. દિવસે ભોજન લેવાની ઈચ્છા થતી
નહિ. તેમનું ચિત્ત યોગ્ય વર માટે ચિંતાયુક્ત બન્યું. પછી રાવણના પુત્ર ઇન્દ્રજિત આદિ
અનેક કુળવાન, શીલવાન રાજકુમારોના ચિત્રપટ દોરાવી સખીઓ દ્વારા પુત્રીને બતાવ્યાં.
સુંદર કાંતિવાળી તે કન્યાની દ્રષ્ટિએ એમાંનું એકેય ચિત્ર પસંદ પડયું નહિ. તેણે પોતાની
દ્રષ્ટિ સંકોચી લીધી. પછી હનુમાનનું ચિત્ર જોયું. તે ચિત્રપટ જોઈને શોષણ, સંતાપન,
ઉચ્ચાટન, મોહન, વશીકરણ એવા કામનાં પાંચ બાણોથી વીંધાઈ ગઈ. તેને