સર્પની જિહ્વા સમાન ચંચળ છે. આ જગતના જીવ દુઃખસાગરમાં ડૂબી રહ્યા છે. આ
સંસારના ભોગ સ્વપ્નના ભોગ સમાન અસાર છે, કાયા પાણીના પરપોટા જેવી છે,
સંધ્યાના રંગ સમાન આ જગતનો સ્નેહ છે અને આ યૌવન ફૂલની જેમ કરમાઈ જાય
છે. આ તમારી મશ્કરી પણ અમને અમૃત સમાન કલ્યાણરૂપ થઈ. હસતાં હસતાં જે
ઔષધ પીએ તો શું રોગ ન હરે? અવશ્ય હરે જ. તમે અમને મોક્ષમાર્ગના ઉદ્યમના
સહાયક થયા, તમારા જેવા બીજા કોઈ અમારું હિત કરનાર નથી. હું સંસારના
આચરણમાં આસક્ત થઈ ગયો હતો તેમાંથી વીતરાગભાવ પામ્યો. હવે હું જિનદીક્ષા લઉં
છું, તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે તમે કરો. આમ કહીને સર્વ પરિવારને ખમાવીને,
તપ જ જેમનું ધન છે એવા ગુણસાર નામના મુનિની પાસે જઈ, ચરણારવિંદમાં નમસ્કાર
કરી, વિનયવાન બની કહેવા લાગ્યા કે હે સ્વામી! આપની કૃપાથી મારું મન પવિત્ર થયું
છે, હવે હું સંસારરૂપી કાદવમાંથી નીકળવા ઈચ્છું છું. તેનાં વચનો સાંભળીને ગુરુએ આજ્ઞા
આપી કે તમને ભવસાગરથી પાર ઉતારનારી આ ભગવતી દીક્ષા છે. કેવા છે ગુરુ? જે
સાતમા ગુણસ્થાનમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા છે. એમણે ગુરુની આજ્ઞા હૃદયમાં
ધારણ કરી, વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી પલ્લવ સમાન પોતાના હાથથી કેશનો લોચ કર્યો
અને પલ્યંકાસન ધારણ કર્યું. આ દેહને વિનશ્વર જાણી, શરીરનો સ્નેહ છોડીને, રાજપુત્રી
અને રાગ અવસ્થાને ત્યજી, મોક્ષને આપનારી જિનદીક્ષા અંગીકાર કરી અને ઉદયસુંદર
આદિ છવ્વીસ રાજકુમારોએ પણ જિનદીક્ષા ધારણ કરી. કેવા છે તે કુમારો? જેમનું રૂપ
કામદેવ સમાન છે, જેમણે રાગદ્વેષ મત્સરનો ત્યાગ કર્યો છે, જેમને વૈરાગ્યનો અનુરાગ
ઉત્પન્ન થયો છે એવા તેમણે પરમ ઉત્સાહથી પૂર્ણ નગ્ન મુદ્રા ધારણ કરી અને આ વૃત્તાંત
જોઈને વજ્રબાહુની સ્ત્રી મનોદેવીએ પતિ અને ભાઈના સ્નેહથી મોહિત થઈ, મોહ તજી
આર્યિકાનાં વ્રત ધારણ કર્યાં. સર્વ વસ્ત્રાભૂષણ તજીને એક સફેદ સાડી ધારણ કરી અને
મહાતપ આદર્યું. આ વજ્રબાહુની કથા એના દાદા રાજા વિજયે સાંભળી. તે સભામાં બેઠા
હતા ત્યાં શોકથી પીડિત થઈ કહેવા લાગ્યા કે આ આશ્ચર્ય જુઓ કે મારો પૌત્ર યુવાનીમાં
વિષયને વિષ સમાન જાણી વિરક્ત થઈ મુનિ થયો અને મારા જેવો મૂર્ખ વિષયોનો
લોલુપી વૃદ્ધાવસ્થામાં પણ ભોગને છોડતો નથી તે કુમારે કેવી રીતે છોડયા? અથવા તે
મહાભાગ્ય ભોગોને તૃણવત્ ત્યાગીને મોક્ષના નિમિત્ત એવા શાંતભાવમાં બેઠો, હું
મંદભાગ્ય વૃદ્ધાવસ્થાથી પીડિત છું. આ પાપી વિષયોએ મને લાંબા સમય સુધી છેતર્યો છે.
આ વિષયો જોવામાં તો અત્યંત સુંદર છે, પરંતુ તેનાં ફળ અત્યંત કડવાં છે. મારા
ઇન્દ્રનીલમણિ શ્યામ કેશ હતા તે હવે બરફ જેવા સફેદ થયા છે, મારું શરીર અતિ
દેદીપ્યમાન, શોભાયમાન, મહાબળવાન અને સ્વરૂપવાન હતું તે વૃદ્ધાવસ્થામાં વર્ષાથી
હણાયેલ ચિત્ર જેવું થઈ ગયું છે. જે ધર્મ, કામ, તરુણ અવસ્થામાં સારી રીતે સિદ્ધ થાય
છે તે જરામંડિત પ્રાણીથી સાધવું વિષમ છે. ધિક્કાર છે પાપી, દુરાચારી, પ્રમાદી એવા
મને! હું ચેતન છતાં મેં અચેતન દશા આદરી.