ઘરમાં મોહ-નિદ્રાથી યુક્ત સૂતો હોય તેને કોઈ મેઘના ગડગડાટ સમાન ઊંચા સ્વરથી
જગાડે, તેમ સંસારરૂપ ગૃહમાં જન્મમૃત્યુ અગ્નિથી પ્રજ્વલિત ઘરમાં મોહ-નિદ્રાયુક્ત સૂતો
હતો અને આપે મને જગાડયો. હવે કૃપા કરીને આ દિગંબરી દીક્ષા મને આપો. આ
કષ્ટના સાગર એવા સંસારમાંથી મને ઉગારો. જ્યારે રાજા સુકૌશલે આવાં વચન મુનિને
કહ્યાં તે જ વખતે બધા સામંતો પણ આવ્યા અને રાણી વિચિત્રમાલા જે ગર્ભવતી હતી
તે પણ અતિ કષ્ટથી વિષાદસહિત સમસ્ત રાજકુટુંબ સહિત આવી. એમને દીક્ષા લેવા માટે
તૈયાર થયેલ જોઈ, અંતઃપુરના અને પ્રજાના બધા માણસો ખૂબ શોક પામ્યા. ત્યારે રાજા
સુકૌશલે કહ્યું કે આ રાણી વિચિત્રમાલાના ગર્ભમાં પુત્ર છે તેને હું રાજ્ય આપું છું. આમ
કહીને નિઃસ્પૃહ થયા, આશારૂપ ફાંસીને છેદી, સ્નેહરૂપ પિંજરાને તોડી, સ્ત્રીરૂપ બંધનથી
છૂટી, જીર્ણ તરણાની જેમ રાજ્યનો ત્યાગ કર્યો અને વસ્ત્રાભૂષણ બધું ત્યજીને,
બાહ્યાભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને કેશલોચ કર્યા અને પદ્માસન ધારણ કરીને બેઠા.
તેમના પિતા કીર્તિધર મુનીંદ્ર પાસે તેમણે દીક્ષા લીધી. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ
ગુપ્તિ અંગીકાર કરી, સુકૌશલ મુનિએ ગુરુની સાથે વિહાર કર્યો. કમળ સમાન આરક્ત
ચરણોથી પૃથ્વીને શોભાયમાન કરતા તે વિહાર કરવા લાગ્યા. એની માતા સહદેવી
આર્તધ્યાનથી મરીને તિર્યંચ યોનિમાં વાઘણ થઈ. આ પિતા-પુત્ર બન્ને મુનિ મહા
વૈરાગ્યવાન જે એક સ્થાનમાં રહેતા નહિ, દિવસના પાછલા પહોરે નિર્જન પ્રાસુક સ્થાન
જોઈને બેસી રહેતા, ચાતુર્માસમાં સાધુઓને વિહાર કરવાનો હોતો નથી તેથી ચાતુર્માસમાં
એક સ્થાનમાં બેસી રહેતા. દશે દિશાઓને શ્યામ બનાવતું ચાતુર્માસ પૃથ્વીમાં પ્રવર્ત્યું.
આકાશ મેઘમાળાના સમૂહથી એવું શોભતું, જાણે કે કાજળથી લીંપ્યું છે. ક્યાંક બગલાની
ઉડતી પંક્તિ એવી શોભતી જાણે કે કુમુદ ખીલી ઊઠયાં છે. ઠેકઠેકાણે કમળો ખીલી ગયાં
છે, તેમના ઉપર ભમરાઓ ગૂંજી રહ્યા છે તે જાણે કે વર્ષાકાળરૂપ રાજાનો યશ ગાય છે.
અંજનગિરિ સમાન મહાનીલ અંધકારથી જગત વ્યાપ્ત થઈ ગયું છે અને મેઘ ગાજવાથી
જાણે સૂર્ય-ચંદ્ર ડરીને છુપાઈ ગયા છે, અખંડ જળની ધારાથી પૃથ્વી સજળ બની ગઈ છે
અને ઘાસ ઊગી નીકળ્યું છે, જાણે કે પૃથ્વીએ હર્ષના અંકુર ધારણ કર્યાં છે. જળના
પ્રવાહથી પૃથ્વી પર ઊંચું કે નીચું સ્થળ નજરે પડતું નથી. પૃથ્વી પર જળનો સમૂહ ગાજે
છે અને આકાશમાં મેઘ ગાજે છે, જાણે કે જેઠ મહિનારૂપ વેરીને જીતીને ગર્જના કરી રહ્યા
છે. ધરતી ઝરણાઓથી શોભાયમાન બની છે, જાતજાતની વનસ્પતિ ધરતી પર ઊગી
નીકળી છે. તેનાથી પૃથ્વી એવી શોભે છે કે જાણે હરિતમણિ સમાન પથારી પાથરી દીધી
છે. પૃથ્વી ઉપર સર્વત્ર જળબંબાકાર થઈ રહ્યું છે, જાણે કે જળના ભારથી વાદળાં જ તૂટી
ગયાં છે, ઠેકઠેકાણે ઇન્દ્ર ગોપ દેખાય છે, જાણે કે વૈરાગ્યરૂપ વજ્રથી ચૂર્ણ થઈ ગયેલ છે.
રાગના ટુકડા જ પૃથ્વી પર ફેલાઈ ગયા છે, વીજળીનું તેજ સર્વ દિશામાં ફરી વળે છે,
જાણે કે મેઘ નેત્ર વડે જળથી ભરેલ અને ખાલી સ્થાન જોઈ રહ્યા છે. વિવિધ પ્રકારના
રંગ ધારણ