બહાર ગયો અને એક મરેલું બાળક જોયું. તે તે જ દિવસે મરણ પામ્યું હતું, તેને વસ્ત્રમાં
વીંટાળીને તે પાપી લઈ આવ્યો, સ્વાદિષ્ટ વસ્તુઓમાં મેળવીને તેને રાંધ્યું અને રાજાને તે
ભોજનમાં આપ્યું. મહાદુરાચારી તે રાજા અભક્ષ્યનું ભક્ષણ કરી અત્યંત પ્રસન્ન થયો. તેણે
રસોઈયાને એકાંતમાં પૂછયું કે હે ભદ્ર! આ માંસ તું ક્યાંથી લાવ્યો? અત્યાર સુધી મેં
આવું માંસ ખાધું નહોતું. ત્યારે રસોઈયાએ અભયદાન માગીને જે બન્યું હતું તે કહ્યું.
ત્યારે રાજાએ કહ્યું કે હવે આવું જ માંસ સદા લાવ્યા કર. પછી રસોઈયો રોજ બાળકોને
લાડુ વહેંચવા લાગ્યો. તે લાડુની લાલચથી રોજ બાળકો આવતાં. બાળકો લાડુ લઈને જતા
ત્યારે જે બાળક સૌથી પાછળ રહી જતો તેને આ રસોઈયો પકડીને મારી નાખતો અને
રાજાને તેનું માંસ ખવરાવતો. નગરમાંથી રોજ એક બાળક ઘટવા લાગ્યું એટલે લોકોએ
તપાસ કરીને સર્વ હકીકત જાણી લઈ, રસોઈયા સહિત રાજાને દેશમાંથી કાઢી મૂક્યો.
તેની રાણી કનકપ્રભાના પુત્ર સિંહરથને રાજ્ય આપ્યું. ત્યારથી એ પાપી સર્વત્ર નિરાદર
પામી, મહાદુઃખી થઈ પૃથ્વી પર ભટકતો રહ્યો. લોકો જે મરેલા બાળકને સ્મશાનમાં દાટી
આવતા તેનું તે ભક્ષણ કરતો. સિંહની જેમ તે મનુષ્યોનું ભક્ષણ કરતો તેથી તેનું નામ
સિંહસૌદાસ એવું પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. પછી તે દક્ષિણ દિશામાં ગયો. ત્યાં તેને મુનિનાં
દર્શન થયા. તેમની પાસેથી ધર્મશ્રવણ કરી તેણે શ્રાવકનાં વ્રત લીધાં. તે તરફ એક
મહાપુર નામના નગરનો રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહોતો. બધાએ વિચાર્યું કે પટબંધ
હાથીને છૂટો મૂકવો. તે જેને પીઠ પર બેસાડીને લાવે તેને રાજા બનાવવો. તે હાથી આને
પીઠ પર બેસાડીને લાવ્યો તેથી તેને રાજ્ય આપવામાં આવ્યું. એ ન્યાયસંયુક્ત રાજ્ય
કરતો. તેણે પોતાના પુત્ર પાસે એક દૂત મોકલીને પોતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું.
પુત્રે લખ્યું કે તું મહાનિંદ્ય છે, હું તને નમસ્કાર કરીશ નહિ. તેથી તેણે પુત્ર પર ચડાઈ
કરી. તેને આવતો સાંભળીને લોકો ભાગવા લાગ્યા કે એ માણસોને ખાઈ જશે. પુત્ર અને
આની વચ્ચે મહાયુદ્ધ થયું. તેણે યુદ્ધમાં પુત્રને જીતી બન્ને રાજ્ય પુત્રને આપી પોતે
અત્યંત વૈરાગ્ય પામી તપ કરવા વનમાં ગયો.
વીરસેન, તેને પૃથ્વીમન્યુ, તેને કમળબંધુ-જે દીપ્તિથી જાણે સૂર્ય જ અને સમસ્ત મર્યાદામાં
પ્રવીણ છે, તેને રવિમન્યુ, તેને વસંતતિલક, તેને કુબેરદત્ત, તેને કુંથુભક્ત-મહાકીર્તિનો
ધારક, તેને શતરથ, તેને દ્વિરદરથ, તેને સિંહદમન, તેને હિરણ્યકશ્યપ, તેને પુંજસ્થળ, તેને
કકુસ્થળ, તેને રઘુ-તે મહાપરાક્રમી હતો. આ ઈક્ષ્વાકુવંશ શ્રી ઋષભદેવથી પ્રવર્ત્યો. હે
શ્રેણિક! એ વંશનો મહિમા તને કહ્યો. ઋષભદેવના વંશમાં શ્રી રામચંદ્ર પર્યંત અનેક મોટા
મોટા રાજા થયા. તે મુનિવ્રત ધારણ કરીને મોક્ષે ગયા. કેટલાક અહમિંદ્ર થયા, કેટલાક
સ્વર્ગે ગયા. આ વંશમાં પાપી કોઈક જ થયા.