Padmapuran (Gujarati). Parva 27 - Ram-Laxman dvara mlechh rajano parajay.

< Previous Page   Next Page >


Page 252 of 660
PDF/HTML Page 273 of 681

 

background image
૨પ૨ સત્તાવીસમું પર્વ પદ્મપુરાણ
જનકે વિચાર્યું કે જેમ રતિ કામદેવને માટે જ યોગ્ય છે તેમ આ કન્યા સર્વ
વિજ્ઞાનયુક્ત દશરથના મોટા પુત્ર રામને માટે જ યોગ્ય છે, સૂર્યના કિરણના યોગથી
કમળોની શોભા પ્રગટે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતા અને પ્રભામંડલના જન્મનું
વર્ણન કરનાર છવ્વીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
સત્તાવીસમું પર્વ
(રામ–લક્ષ્મણ દ્વારા મલેચ્છ રાજાનો પરાજય)
હવે રાજા શ્રેણિકે આ કથા સાંભળીને ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! જનકે
રામનું કયું મહત્વ જોઈને તેને પોતાની પુત્રી દેવાનો વિચાર કર્યો? ત્યારે ગણધરે ચિત્તને
આનંદ આપે એવાં વચનો કહ્યાં કે હે રાજન્! મહાન પુણ્યના અધિકારી શ્રી રામચંદ્રનો
સુયશ તું સાંભળ કે જેના કારણે મહાબુદ્ધિમાન જનકે રામને પોતાની કન્યા દેવાનો વિચાર
કર્યો. વૈતાડય પર્વતના દક્ષિણ ભાગમાં અને કૈલાસ પર્વતના ઉત્તર ભાગમાં અનેક અંતર્દેશ
વસે છે તેમાં એક અર્ધવરવર દેશ છે, તે અસંયમી, મહામૂઢ, નિર્દય મ્લેચ્છોથી ભરેલો છે.
તેમાં કાળના નગર સમાન ભયાનક મયૂરમાળ નામના નગરમાં આતરંગતમ નામનો
મ્લેચ્છ રાજા રાજ્ય કરે છે. તે પાપી, દુષ્ટોનો નાયક, ક્રૂર, મોટી સેના અને સકળ
મ્લેચ્છોને સાથે લઈ નાના પ્રકારનાં આયુધોથી મંડિત, દેશને ઉજાડવા આવ્યો અને તેણે
અનેક દેશોને ઉજ્જડ કર્યા. મ્લેચ્છોનાં ચિત્ત કરુણારહિત પ્રચંડ છે, તીવ્ર દોડવાળા છે. તે
જનક રાજાના દેશને ઉજાડવા તૈયાર થયા. જેમ તીડનું દળ આવે તેમ મ્લેચ્છોનાં દળ
આવી બધાને ઉપદ્રવ કરવા લાગ્યા. રાજા જનકે શીઘ્ર અયોધ્યા મનુષ્ય મોકલ્યા અને
મ્લેચ્છોના આગમનના બધા સમાચાર રાજા દશરથને લખ્યા. જનકના માણસોએ શીઘ્ર
આવીને દશરથને બધા સમાચાર કહ્યા કે હે દેવ! જનકે વિનંતી કરી છે કે પરદેશી ભીલો
આવ્યા છે તે આખી પૃથ્વીને ઉજ્જડ કરે છે, તેમણે અનેક આર્યદેશોનો નાશ કર્યો છે, તે
પાપી પ્રજાની એક જ જાતિના બનાવવા ઈચ્છે છે. જો પ્રજા નાશ પામે તો આપણા
જીવનથી શો લાભ? આપણું શું કર્તવ્ય છે? તેમની સાથે લડવું અથવા કોઈ કિલ્લામાં
આશ્રય લેવો અને લોકોને પણ કિલ્લામાં રક્ષણ આપવું. કાલિન્દીભાગા નદી તરફ વિષમ
સ્થળ છે, ક્યાં જવું? વિપુલાચલ તરફ જવું અથવા સર્વ સેના રહિત કુંજગિરિ તરફ જવું?
શત્રુઓની ભયંકર સેના આવી રહી છે. સાધુ શ્રાવક સર્વજનો અતિવિહ્વળ છે, તે પાપી
ગાય આદિ સર્વ પ્રાણીઓના ભક્ષક છે તેથી આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે કરીએ. આ
રાજ્ય પણ તમારું છે અને પૃથ્વી પણ તમારી છે. અહીં બધાનું પાલન તમારે કરવાનું છે.
પ્રજાની રક્ષા કરવાથી ધર્મની રક્ષા થાય છે, શ્રાવકો ભાવ સહિત ભગવાનની પૂજા કરે છે,
નાના પ્રકારનાં વ્રત લે છે, દાન કરે છે, શીલ પાળે છે, સામાયિક