ઉચ્ચાર્યા કરે છે અને નાના પ્રકારની અજ્ઞાન ચેષ્ટા કરે છે, જાણે કે એને વાઈ આવતી
હોય. માટે તમે એને શીઘ્ર શાતા ઉત્પન્ન થાય એવા ઉપાયો વિચારી કાઢો. એ
ભોજનાદિથી પરાઙમુખ થઈ ગયો છે તેથી તેના પ્રાણ છૂટે તે પહેલાં જ ઉપાય કરો.
ચંદ્રગતિ આ વાત સાંભળીને વ્યાકુળ થયો અને પોતાની સ્ત્રી સાથે આવીને પુત્રને કહેવા
લાગ્યો કે હે પુત્ર! તું સ્થિર મન રાખ અને જેમ પહેલાં ભોજનાદિ ક્રિયા કરતો હતો તેમ
કર. તારા મનમાં જે કન્યા વસી છે તે તને શીઘ્ર પરણાવીશ. આ પ્રમાણે કહીને ચંદ્રગતિએ
પુત્રને શાંતિ ઉપજાવી. પછી તે એકાંતમાં હર્ષ, વિષાદ અને આશ્ચર્ય પામતો પોતાની સ્ત્રીને
કહેવા લાગ્યો કે હે પ્રિયે! વિદ્યાધરોની અતિસ્વરૂપવાન અનુપમ કન્યાને છોડીને
ભૂમિગોચરીઓનો સંબંધ આપણા માટે કેટલો ઉચિત ગણાય? અને ભૂમિગોચરીઓને ઘેર
આપણે કેવી રીતે જઈશું? અને કદાચ આપણે જઈને માગણી કરીએ અને તે ન સ્વીકારે
તો આપણા મુખની શોભા કેટલી રહેશે? અને કોઈ ઉપાય કરીને કન્યાના પિતાને અહીં
શીઘ્ર લાવી શકીએ એવો કોઈ ઉપાય નથી. ત્યારે ભામંડળની માતા કહેવા લાગીઃ હે
નાથ! યોગ્ય કે અયોગ્ય એ તમે જાણો, તો પણ આ તમારાં વચન મને પ્રિય લાગે છે.
પછી રાજાએ પોતાના એક સેવક ચપળવેગ નામના વિદ્યાધરને આદરપૂર્વક બોલાવીને
સકળ વૃત્તાંત તેના કાનમાં કહ્યો અને તેને સમજાવ્યો તેથી ચપળવેગ રાજાની આજ્ઞા
પામીને, ખૂબ આનંદમાં આવી તરત જ મિથિલાનગરીમાં જવા નીકળ્યો. જેમ પ્રસન્ન
થયેલ યુવાન હંસ સુગંધથી ભરેલી કમલિની તરફ જાય તેમ તે શીઘ્ર મિથિલાનગરીમાં
જઈ પહોંચ્યો. તે આકાશમાંથી ઊતરીને અશ્વનો વેષ લઈને ગાય, ભેંસ વગેરે પશુઓને
ત્રાસ આપવા લાગ્યો, રાજાના મંડળમાં ઉપદ્રવ કરવા લાગ્યો. લોકો તરફથી ફરિયાદ
આવવા લાગી અને તે સાંભળીને રાજા નગરની બહાર નીકળ્યો. પ્રમોદ, ઉદ્વેગ અને
કૌતુકથી ભરેલા રાજાએ એક ઘોડો જોયો. કેવો છે ઘોડો? નવયુવાન છે, ઊછળતો થકો
ખૂબ તેજસ્વી લાગે છે, મનસમાન તેને વેગ છે, સુંદર લક્ષણોવાળો છે, તેનું મુખ પ્રદક્ષિણા
ફરતું હોય તેમ ગોળ ગોળ ફરે છે, ખરીના અગ્રભાગથી જાણે કે મૃદંગ બજાવે છે, તેની
ઉપર કોઈ ચડી શકતું નથી, નાસિકામાંથી અવાજ કાઢતો તે અતિ શોભે છે. આવો અશ્વ
જોઈને રાજા આનંદ પામીને લોકોને વારંવાર કહેવા લાગ્યા કે આ કોઈકનો અશ્વ બંધન
તોડાવીને આવ્યો છે. ત્યારે પંડિતો રાજાને પ્રિય વચન કહેવા લાગ્યા કે હે રાજન્! આ
અશ્વ જેવો બીજો કોઈ અશ્વ નથી. બીજાની તો શી વાત? આવો અશ્વ રાજાને પણ દુર્લભ
છે, આપના જોવામાં પણ આવો અશ્વ નહિ આવ્યો હોય. સૂર્યના રથના તુરંગની ખૂબ
પ્રશંસા સાંભળીએ છીએ, પણ આના જેવો તો તેય નહિ હોય. કોઈ દૈવયોગે આપની પાસે
આવો અશ્વ આવ્યો છે, માટે આપ એને સ્વીકારો. આપ મહાન પુણ્યના અધિકારી છો.
એટલે રાજાએ અશ્વનો સ્વીકાર કર્યો. તેને પકડી લાવીને અશ્વશાળામાં સુંદર દોરીથી
બાંધ્યો અને જાતજાતની સામગ્રી વડે એને સાચવ્યો. તેને અહીં આવ્યા એક માસ થયો.
એક દિવસ સેવકે આવી રાજાને નમસ્કાર કરી વિનંતી કરી કે હે નાથ! એક જંગલી હાથી
આવ્યો છે તે