Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 267 of 660
PDF/HTML Page 288 of 681

 

background image
પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ ૨૬૭
પુત્રી કનક સમાન પ્રભાવશાળી હતી. જેમ સુભદ્રા ભરત ચક્રવર્તીને વરી હતી તેમ એ
દશરથના પુત્ર ભરતને વરી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક! કર્મોની
વિચિત્રતા જો. ભરત જેવા વિરક્ત ચિત્તવાળા પણ રાજકન્યામાં મોહિત થયા અને અન્ય
રાજાઓ ઉદાસીન થઈને પોતપોતાના ઠેકાણે ગયા. જેણે જેવું કર્મ ઉપાર્જિત કર્યું હોય તેવું
જ ફળ તે પામે છે. કોઈના દ્રવ્યને બીજા ઈચ્છે, પણ મેળવી શકે નહિ.
પછી મિથિલાપુરીમાં સીતા અને લોકસુંદરીનાં લગ્નનો મોટો ઉત્સવ થયો.
મિથિલાપુરી ધજાતોરણના સમૂહથી મંડિત છે. સુગંધથી ભરેલી છે, શંખ આદિ વાજિંત્રોના
સમૂહથી ભરેલી છે. શ્રી રામ અને ભરતનાં લગ્ન મહોત્સવ સહિત થયાં. ભિક્ષુકો દ્રવ્યથી
પૂર્ણ થયા. જે રાજાઓ લગ્નનો ઉત્સવ જોવા રોકાયા હતા તે રાજા દશરથ, જનક અને
કનક દ્વારા અત્યંત સન્માન પામીને પોતપોતાના સ્થાનકે ગયા. દશરથના ચારે પુત્ર,
રામની સ્ત્રી સીતા અને ભરતની સ્ત્રી લોકસુંદરી મહાન ઉત્સવ સહિત અયોધ્યામાં
આવ્યા. દશરથના પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ યશવાન છે, ગુણોમાં મગ્ન છે, જેમનાં શરીર પર
રત્નોનાં આભૂષણો શોભે છે, જેમણે માતાપિતાને ખૂબ હર્ષ ઉત્પન્ન કર્યો છે, નાના
પ્રકારનાં વાહનોથી પૂર્ણ સૈન્ય સાથે, અનેક પ્રકારના વાજિંત્રો જળનિધિ ગર્જતો હોય તેમ
વાગે છે, આવા ઠાઠમાઠ સહિત રાજમાર્ગે થઈ મહેલમાં પધાર્યા. માર્ગમાં જનક અને
કનકની પુત્રીને બધા જુએ છે અને જોઈને અત્યંત હર્ષિત થઈને કહે છે કે આમના જેવા
બીજા કોઈ નથી. એ ઉત્તમ શરીર ધારણ કરે છે, એમને જોવા માટે નગરનાં સ્ત્રી-પુરુષો
માર્ગમાં આવીને એકઠાં થયાં છે, તેને કારણે માર્ગ સાંકડો થઈ ગયો છે. નગરના
દરવાજાથી માંડીને રાજમહેલ સુધી માણસોનો પાર નથી, સમસ્ત જનોએ તેમનો આદર
કર્યો છે. એવા દશરથના પુત્ર, એમના શ્રેષ્ઠ ગુણોની જેમ જેમ લોકો સ્તુતિ કરે છે તેમ
તેમ એ અધિક નમ્ર થાય છે. મહાસુખ ભોગવતા એ ચારેય ભાઈ સુબુદ્ધિમાન છે,
પોતપોતાના મહેલમાં આનંદથી રહે છે. વિવેકીજન, આ બધું શુભ કર્મનું ફળ જાણીને
એવાં સુકૃત કરો કે જેથી સૂર્યથી પણ અધિક પ્રતાપ થાય. જેટલાં શોભાયમાન ઉત્કૃષ્ટ ફળ
છે તે બધાં ધર્મના પ્રભાવથી છે અને જે મહાનિંદ્ય કટુક ફળ છે તે બધાં પાપકર્મના
ઉદયથી છે. માટે સુખને માટે પાપક્રિયા છોડો અને શુભક્રિયા કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણનો ધનુષ્ય
ચડાવવાનો પ્રતાપ અને રામ-સીતા તથા ભરત-લોકસુંદરીના વિવાહનું વર્ણન કરનાર
અઠ્ઠાવીસમું પર્વ પૂર્ણ થયું.
* * *