Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 298 of 660
PDF/HTML Page 319 of 681

 

background image
૨૯૮ તેત્રીસમું પર્વ પદ્મપુરાણ
છે. ભમતા રોઝના સમૂહોએ પાંદડાં ચારેકોર વેરી મૂકયા છે. જાતજાતનાં પક્ષીઓના ક્રૂર
શબ્દોથી વન ગુંજી રહ્યું છે. વાંદરાઓની કૂદાકૂદથી વૃક્ષોની ડાળીઓ ધ્રુજી રહી છે, પર્વત
પરથી શીઘ્ર, વેગથી ધસતા જળના પ્રવાહથી પૃથ્વી ઘસાઈ રહી છે, વૃક્ષોની ઘટાને કારણે
સૂર્યનાં કિરણો પણ ત્યાં દેખાતાં નથી. જાતજાતનાં ફળફૂલથી ભરેલું વન છે, તેમાં અનેક
પ્રકારની સુગંધ ફેલાઈ રહી છે, જાતજાતની ઔષધિઓથી પૂર્ણ છે. તથા વગડાઉ ધાન્યથી
પૂર્ણ છે. ક્યાંક વન નીલ વર્ણનું, ક્યાંક લાલ રંગનું, ક્યાંક લીલા રંગનું દેખાય છે તે
વનમાં બન્ને વીરોએ પ્રવેશ કર્યો. ચિત્રકૂટ પર્વતનાં મનોહર ઝરણામાં ક્રીડા કરતા, વનની
અનેક સુંદર વસ્તુઓને જોતા, પરસ્પર વાત કરતા બન્ને ભાઈ વનમાં મિષ્ટ ફળોનો
આસ્વાદ લેતા, કિન્નર અને દેવોનાં મનનું હરણ કરે એવું મનોહર ગીત ગાતાં, પુષ્પોનાં
પરસ્પર આભૂષણ બનાવતાં, શરીર ઉપર સુગંધી દ્રવ્યોનો લેપ કરતા, જેમનાં સુંદર નેત્રો
ખીલી ઊઠયાં છે એવા અત્યંત સ્વચ્છંદી, શોભા ધારણ કરતા, સુરનર, નાગોના મનને
હરતા, નેત્રોને પ્યારા, ઉપવનની જેમ ભયંકર વનમાં ફરવા લાંગ્યા. અનેક પ્રકારના સુંદર
લતામંડપોમાં વિશ્રામ કરતા, નાના પ્રકારની કથા કરતા, વિનોદ કરતા, રહસ્યની વાતો
કરતા જાણે નંદનવનમાં દેવભ્રમણ કરતા હોય તેમ અત્યંત રમણીક લીલા કરતા
વનવિહાર કરવા લાગ્યા.
સાડા ચાર માસ પછી માલવદેશમાં આવ્યા. તે દેશ નાના પ્રકારનાં ધાન્યોથી
શોભતો હતો, ગ્રામ પાટણ ઘણાં હતાં, કેટલેક દૂર આવી જોયું તો ત્યાં વસતિ નહોતી
એટલે એક વડની છાયામાં બેસીને બન્ને ભાઈ પરસ્પર બતાવવા લાગ્યા કે આ દેશ કેમ
ઉજ્જડ દેખાય છે. જાતજાતનાં ખેતરમાં પાક લહેરાતો હતો અને માણસો નહોતા, વૃક્ષો
ફળફૂલથી શોભતાં હતાં, શેરડીના સાંઠાના વાઢ ઘણા હતા, સરોવરોમાં કમળ ખીલી રહ્યાં
હતાં, જાતજાતના પક્ષીઓ કેલિ કરતાં હતાં. જેમ જિનદીક્ષા લીધેલા મુનિ વીતરાગભાવરૂપ
પરમ સંયમ વિના શોભે નહિ તેમ આ અતિવિશાળ દેશ માણસોના સંચાર વિના શોભતો
નહિ. આવી સુંદર વાત રામ લક્ષ્મણને કરી રહ્યા છે. ત્યાં અત્યંત કોમળ સ્થાનક જોઈને
રત્નકાંબળી બિછાવીને શ્રીરામ બેઠા, તેમનું ધનુષ પાસે પડયું હતું અને પ્રેમરૂપ જળની
સરોવરી, જેનું મન શ્રીરામમાં આસક્ત છે તે સીતા સમીપમાં બેઠાં. શ્રી રામે લક્ષ્મણને
આજ્ઞા કરી કે તું વડ પર ચડીને જો કે કોઈ વસતિ દેખાય છે. તે આજ્ઞા અનુસાર જોવા
લાગ્યા અને કહેવા લાગ્યાકે હે દેવ! વિજ્યાર્ધ પર્વત સમાન ઊંચાં જિનમંદિર દેખાય છે,
શરદનાં વાદળાં સમાન તેનાં શિખરો શોભે છે, ધજા ફરકે છે અને ઘણાં ગામ પણ દેખાય
છે. કૂવા, વાવ, સરોવરોથી મંડિત વિદ્યાધરોનાં નગર સમાન દેખાય છે, ખેતમાં પાક
લહેરાય છે, પણ મનુષ્ય કોઈ દેખાતા નથી. કોણ જાણે લોકો કુટુંબ સાથે ક્યાં ભાગી ગયા
છે? અથવા ક્રૂર કર્મના કરનારા મ્લેચ્છો બાંધીને લઈ ગયા છે? એક ગરીબ માણસ
આવતો દેખાય છે. તે મૃગ સમાન શીઘ્ર આવે છે, તેના વાળ રૂક્ષ છે, શરીર મેલું છે,
છાતી લાંબી દાઢીથી ઢંકાઈ ગઈ છે, વસ્ત્ર ફાટેલાં પહેર્યાં છે, તેના પગ ફાટી ગયા છે,
શરીર પરથી પરસેવો