સંસારસમુદ્રને તરાય. તપ-સંયમરૂપ બાણોથી મોહરૂપ શત્રુને હણી લોકના શિખર પર
અવિનાશીપુરનું અખંડ રાજ્ય કરો, નિર્ભય નિજપુરમાં નિવાસ કરો. મુનિના મુખથી આ
વચન સાંભળીને સુબુદ્ધિ રાજા વિજયપર્વત રાજ્ય છોડીને મુનિ થયા. પેલા દૂતના પુત્ર
ઉદિત અને મુદિત નામના બન્ને ભાઈ જિનવાણી સાંભળીને મુનિ થઈ પૃથ્વી પર
વિચરવા લાગ્યા. તે સમ્મેદશિખરની યાત્રાએ જતા હતા ત્યાં કોઈ પ્રકારે માર્ગ ભૂલીને
વનમાં જઈ ચડયા. તે વસુભૂતિ વિપ્રનો જીવ મહારૌદ્ર ભીલ થયો હતો તેણે મુનિને જોયા.
તે અતિક્રોધાયમાન થઈ કુહાડા જેવાં કઠોર વચન બોલ્યો, એમને ઊભા રાખીને મારવા
તૈયાર થયો. ત્યારે મોટો ભાઈ ઉદિત મુદિતને કહેવા લાગ્યો કે હે ભાઈ! ભય ન પામ,
ક્ષમારૂપ ઢાલને અંગીકાર કર. આ મારવા તૈયાર થયો છે, પણ આપણે ઘણા દિવસ તપથી
ક્ષમાનો અભ્યાસ કર્યો છે માટે અત્યારે દ્રઢતા રાખવી, આ વચન સાંભળી મુદિત બોલ્યો
કે આપણે તો જિનમાર્ગના શ્રદ્ધાળુ છીએ, આપણને ભય શાનો હોય? દેહ તો વિનશ્વર જ
છે અને આ વસુભૂતિનો જીવ છે જેને પિતાના વેરથી આપણે માર્યો હતો. આમ બન્ને
મુનિ પરસ્પર વાત કરીને, શરીરનું મમત્વ છોડી, કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા. તે
મ્લેચ્છ એટલે કે ભીલ મારવા આવ્યો; પણ તેના રાજાએ તેને રોક્યો અને બન્ને મુનિને
બચાવ્યા. આ કથા સાંભળીને રામે કેવળીને પ્રશ્ન કર્યો કે હે દેવ! પેલાએ બચાવ્યા તો તેને
તેમના ઉપર શા કારણે પ્રીતિ થઈ હતી? ત્યારે કેવળીના દિવ્ય ધ્વનિમાં ઉત્તર મળ્યો કે
એક યક્ષસ્થાન નામનું ગામ હતું. તેમાં સુરપ અને કર્ષક નામના બે ભાઈ રહેતા. કોઈ
પારધી એક પક્ષીને જીવતું પકડી તે ગામમાં લાવ્યો. આ બન્ને ભાઈઓએ દ્રવ્ય આપીને
તેને છોડાવ્યું હતું તે પક્ષી મરીને મ્લેચ્છપતિ થયું અને પેલા સુરપ, કર્ષક મરીને ઉદિત-
મુદિત થયા. તે પરોપકારથી તેણે આમને બચાવ્યા. જે કોઈ જેટલી નેકી કરે છે તે પણ
તેની નેકી કરે છે અને જે કોઈનું બૂરું કરે છે તો તે પણ તેનું બૂરું કરે છે. આ સંસારી
જીવોની રીત છે. માટે બધાનો ઉપકાર જ કરવો. કોઈ પ્રાણી પ્રત્યે વેર ન રાખવું એક
જીવદયા જ મોક્ષનો માર્ગ છે. દયા વિના ગ્રંથો ભણી જવાથી શો લાભ? એક સુકૃત જ
સુખનું કારણ છે તે કરવું. તે ઉદિત-મુદિત મુનિ ઉપસર્ગથી છૂટી સમ્મેદશિખરની યાત્રાએ
ગયા અને બીજાં પણ અનેક તીર્થોની યાત્રા કરી. રત્નત્રયનું આરાધન કરી સમાધિથી
પ્રાણ ત્યજી સ્વર્ગમાં ગયા. પેલો વસુમતિનો જીવ, જે મ્લેચ્છ થયો હતો, તે અનેક
કુયોનિઓમાં ભ્રમણ કરી, મનુષ્યદેહ પામી, તાપસનાં વ્રત કરી અજ્ઞાન તપથી મરીને
જ્યોતિષી દેવોમાં અગ્નિકેતુ નામનો ક્રૂર દેવ થયો. ભરતક્ષેત્રના વિષમ અરિષ્ટપુર નગરમાં
રાજા પ્રિયવ્રત અત્યંત ભોગી હતો. તેને કનકપ્રભા અને પદ્માવતી નામની બે રાણીઓ
હતી. પેલા ઉદિત-મુદિતના જીવ સ્વર્ગમાંથી ચ્યવીને પદ્માવતી રાણીની કૂખે રત્નરથ અને
વિચિત્રરથ નામના પુત્ર તરીકે જન્મ્યા. પેલો જ્યોતિષી દેવ ચ્યવીને કનકપ્રભાની કૂખે
અનુધર નામના પુત્ર તરીકે જન્મ્યો. રાજા પ્રિયવ્રત પુત્રને રાજ્ય આપી ભગવાનના
ચૈત્યાલયમાં છ દિવસોનું અનશન કરી, દેહત્યાગ કરી સ્વર્ગે ગયા.