અનેક ધાતુઓથી ભરેલાં છે. જ્યાં અનેક રંગોથી આકાશ જુદાજુદા રંગનું બની રહ્યું છે.
પર્વતમાં નાના પ્રકારની ઔષધિઓ છે. કેટલીક એવી જડીબુટ્ટી છે તે દીપક સમાન
પ્રકાશરૂપ અંધકારને દૂર કરે છે. તેમને પર્વતનો ભય નથી, પવનમાં પણ પ્રજ્વલિત રહે
છે. આ પર્વત પરથી ઝરણાં ઝરે છે તેનો સુંદર અવાજ થાય છે અને તેનાં છાંટાનાં ટીપાં
મોતીઓ જેવો પ્રકાશ વેરે છે. આ પર્વતના કેટલાંક સ્થળ ઉજ્જવળ છે, કેટલાંક નીલ છે,
કેટલાંક લાલ દેખાય છે, સૂર્યનાં કિરણો પર્વતના શિખર પરનાં વૃક્ષોની ટોચ પર પડે છે
અને પવનથી પાંદડાં હલે છે તે ખૂબ શોભે છે. હે સુબુદ્ધિરૂપિણી! આ વનમાં કેટલાંક વૃક્ષો
ફૂલોના ભારથી નીચાં નમી રહ્યાં છે અને કેટલાંક જાતજાતના રંગનાં ફૂલોથી શોભે છે.
ક્યાંક મધુર અવાજ કરતાં પક્ષીઓથી શોભે છે. હે પ્રિય! આ પર્વતમાંથી આ કૌંચરવા
નદી જગતપ્રસિદ્ધ નીકળી છે, જેમ જિનરાજના મુખમાંથી જિનવાણી નીકળે છે. આ નદીનું
જળ એવું મીઠું છે, જેવી તારી ચેષ્ટા મિષ્ટ છે. હે સુકેશી! આ નદીમાં પવનથી લહેરો ઊઠે
છે અને કિનારાનાં વૃક્ષોના પુષ્પ જળમાં પડે છે. નદીમાં હંસના સમૂહ અને ફીણના
ગોટાથી તે ઉજ્જવળ છે, તેનું જળ ગંભીર અવાજ કરી રહ્યું છે. ક્યાંક વિકટ પાષાણોના
સમૂહથી વિષમ છે. હજારો મગર-મચ્છ વગેરેથી ભયંકર છે. ક્યાંક ખૂબ વેગથી ચાલે છે
એટલે તેનો પ્રવાહ દુર્નિવાર છે. જેમ મહામુનિઓના તપની ચેષ્ટા દુર્નિવાર છે. ક્યાંક નદી
ધીમે ધીમે વહે છે, ક્યાંક તેમાં કાળી શિલાઓ હોય છે અને ક્યાંક શ્વેત. તેમની કાંતિથી
જળ નીલ અને શ્વેત એમ બે રંગવાળું બની રહ્યું છે, જાણે કે બળદેવ-નારાયણનું સ્વરૂપ
જ છે. ક્યાંક લાલ શિલાઓમાં કિરણોથી નદી લાલ બની રહી છે, જેમ સૂર્યના ઉદયથી
પૂર્વ દિશા લાલ થાય છે. ક્યાંક હરિત પાષાણના સમૂહથી જળમાં હરિતપણું ભાસે છે ત્યાં
શેવાળની શંકા થાય છે. હે કાંતે! કમળના સમૂહથી મકરંદના લોભી ભમરા નિરંતર ભ્રમણ
કરે છે અને મકરંદની સુગંધથી જળ સુગંધી બની રહ્યું છે અને મકરંદના રંગોથી જળ
સુવર્ણરંગી લાગે છે, પરંતુ તારા શરીરની સુગંધ સમાન મકરંદની સુગંધ નથી અને તારા
રંગ જેવો મકરંદનો રંગ નથી. જાણે કે તું કમળવદની કહેવાય છે તેથી તારા મુખની
સુગંધથી જ કમળ સુગંધી છે અને આ ભ્રમર કમળોને છોડીને તારા મુખ આસપાસ
ગુંજારવ કરી રહ્યા છે. આ નદીનું જળ કોઈ ઠેકાણે પાતાળ સમાન ગંભીર છે, જાણે તારા
મન જેવી ગંભીરતા ધારણ કરે છે અને ક્યાંક નીલકમળોથી તારાં નેત્રોની છાયા ધારણ
કરે છે. અહીં અનેક પ્રકારના પક્ષીઓ જાતજાતની ક્રીડા કરે છે, જેમ રાજપુત્રો અનેક
પ્રકારની ક્રીડા કરે છે. હે પ્રાણપ્રિયે! આ નદીની રેત અતિસુંદર છે, જ્યાં પત્ની સાથે
વિદ્યાધરો અથવા પક્ષીઓ આનંદથી વિચરે છે. હે અખંડવ્રતે! આ નદીના કિનારાંના વૃક્ષો
ફળફૂલો સહિત, જાતજાતના પક્ષીઓથી મંડિત, જળથી ભરેલી કાળી વાદળીઓ સમાન
સઘન શોભા ધારે છે. આમ શ્રી રામચંદ્રજીએ જનકસુતાને અતિસ્નેહભર્યાં વચનો કહ્યાં.
ત્યારે તે પતિવ્રતા અતિહર્ષથી ભરેલી પતિ પ્રત્યે પ્રસન્ન થઈ અત્યંત આનંદપૂર્વક કહેવા
લાગીઃ હે કરુણાનિધે!