થયા, કેટલાક સર્વાર્થસિદ્ધિમાં ગયા. કેટલાક સ્વર્ગમાં દેવ થયા અને કેટલાક પાપી નરકે
ગયા. અત્યારે તે વંશમાં ત્રણ ખંડનો અધિપતિ રાવણ રાજ્ય કરે છે. તેની બહેન ચંદ્રનખા
રૂપમાં અનુપમ છે. તે મહાપરાક્રમી ખરદૂષણને પરણી છે. તે ચૌદ હજાર રાજાઓનો
શિરોમણિ છે, રાવણની સેનામાં મુખ્ય દિગ્પાળ સમાન તે પાતાળલંકામાં થાણું સ્થાપીને
રહે છે. તેના શંબૂક અને સુંદ આ બે પુત્ર, રાવણના ભાણેજ પૃથ્વી પર ખૂબ પ્રસિદ્ધ છે.
શંબૂકને તેનાં માતાપિતાએ ખૂબ ના પાડવા છતાં તે કાળથી પ્રેરાઈને સૂર્યહાસ નામનું
ખડ્ગ સાધવા માટે મહાભયાનક વનમાં પ્રવેશ્યો અને શાસ્ત્રોક્ત આચરણ કરતો સૂર્યહાસ
ખડ્ગ સાધવાનો ઉદ્યમ કરવા લાગ્યો. એક જ અન્નનો આહાર કરનાર, બ્રહ્મચારી,
જિતેન્દ્રિય, વિદ્યા સાધવા માટે વાંસના પોલાણમાં એમ કહીને બેઠો છે કે જ્યારે મારી
સાધના પૂર્ણ થશે ત્યારે જ હું બહાર આવીશ, તે પહેલાં કોઈ આ વાંસમાં આવશે અને
મારી નજરે પડશે તેને હું મારીશ. એમ કહીને તે એકાંતમાં બેઠો. તે ક્યાં બેઠો?
દંડકવનમાં ક્રૌંચરવા નદીના ઉત્તર કિનારે વાંસના વનમાં બેઠો, બાર વર્ષ સાધના કરી
અને ખડ્ગ પ્રકટ થયું. જો સાત દિવસમાં એ ન લે અને તે ખડ્ગ બીજાના હાથમાં જાય
તો એ માર્યો જાય. ચંદ્રનખા નિરંતર પુત્રની પાસે ભોજન લઈને આવતી. તેણે ખડ્ગ
જોયું. પ્રસન્ન થઈને પતિને જઈને કહ્યું કે શંબૂકને સૂર્યહાસ ખડ્ગ સિદ્ધ થયું છે. હવે મારો
પુત્ર મેરુની પ્રદક્ષિણા કરીને ત્રણ દિવસમાં આવશે. તે આવા મનોરથ કરે છે ત્યાં તે
વનમાં ફરતા ફરતા લક્ષ્મણ આવ્યા. હજારો દેવોથી રક્ષિત ખડ્ગ સ્વભાવે સુગંધી અદ્ભુત
રત્ન છે. જે સર્વ લોકની ચેષ્ટા જાણે અને પાપરૂપ રજને ઉડાડવામાં પવન છે એવા
ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! તે દેવોપુનિત ખડ્ગ મહાસુગંધમય, દિવ્યગંધાદિથી
લિપ્ત, કલ્પવૃક્ષોનાં ફૂલોથી યુક્ત સૂર્યહાસ ખડ્ગની સુગંધ લક્ષ્મણને આવી હતી અને
લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા. બીજું કામ મૂકીને તરત જ સીધા વાંસ તરફ આવ્યા અને સિંહ
સમાન નિર્ભયતાથી જોવા લાગ્યા. વૃક્ષોથી આચ્છાદિત અત્યંત વિષમ સ્થળ હતું, જ્યાં
વેલોનો સમૂહ જાળની જેમ ગોઠવાયો હતો. ચારે તરફ ઊંચા પાષાણની મધ્યમાં સમતળ
ભૂમિ અને સુંદર ક્ષેત્ર હતું, શ્રી વિચિત્રરથ મુનિનું તે નિવાર્ણક્ષેત્ર, સુવર્ણનાં કમળોથી
પૂરિત, તેની મધ્યમાં એક વાંસનું વૃક્ષ હતું. તેની ઉપર ખડ્ગ આવી રહ્યું છે, તેનાં
કિરણના સમૂહથી વાંસનું બીડ પ્રકાશિત થઈ રહ્યું છે. લક્ષ્મણે આશ્ચર્ય પામી નિઃશંક થઈને
તે ખડ્ગ લીધું અને તેની તીક્ષ્ણતા જાણવા માટે વાંસના બીડા પર પ્રહાર કર્યો એટલે
શંબૂક સહિત વાંસનું વૃક્ષ કપાઈ ગયું અને ખડ્ગના રક્ષક હજારો દેવ લક્ષ્મણના હાથમાં
ખડ્ગ આવેલું જોઈને કહેવા લાગ્યા કે તમે અમારા સ્વામી છો, આમ કહીને નમસ્કાર
કરીને પૂજા કરી.