પ્રયત્ન કરતો. પણ તે કયાંથી પ્રસન્ન થાય? જેમ અગ્નિની જ્વાળાને કોઈ પી ન શકે
અને નાગના માથાનો મણિ ન લઈ શકે, તેમ સીતાને કોઈ મોહ ઉપજાવી શકે નહિ.
રાવણ હાથ જોડી, મસ્તક નમાવી, નમસ્કાર કરી જાતજાતનાં દીનતાનાં વચનો કહેતો, પણ
સીતા એની કોઈ વાત સાંભળતી નહિ. પછી મંત્રી વગેરે સન્મુખ આવ્યા, બધી
દિશાઓથી સામંત આવ્યા, રાક્ષસોનો પતિ રાવણ અનેક લોકોથી ઘેરાઈ ગયો, લોકો
જયજયકારનો ધ્વનિ કરવા લાગ્યા. મનોહર ગીત, નૃત્ય, વાજિંત્ર થવા લાગ્યાં. રાવણે
ઇન્દ્રની જેમ લંકામાં પ્રવેશ કર્યો, ત્યારે સીતા મનમાં વિચારવા લાગી કે જ્યારે રાજા જ
અમર્યાદાની રીત આચરે તો પૃથ્વી કોના શરણે રહે? જ્યાં સુધી રામચંદ્રના ક્ષેમકુશળના
સમાચાર હું નહિ સાંભળું ત્યાં સુધી મારે ખાનપાનનો ત્યાગ છે. રાવણ દેવારણ્ય નામના
ઉપવનમાં, જે સ્વર્ગ સમાન સુંદર હતું, જ્યાં કલ્પવૃક્ષો હતાં, ત્યાં સીતાને મૂકીને પોતાના
મહેલમાં ગયો. તે જ સમયે ખરદૂષણનાં મૃત્યુના સમાચાર આવ્યા તેથી મહાશોકથી
રાવણની અઢાર હજાર રાણીઓ ઊંચા સ્વરથી વિલાપ કરવા લાગી અને ચંદ્રનખા
રાવણના ખોળામાં આળોટતી કરુણ રુદન કરતી કહેવા લાગી કે હાય, હું અભાગણી મરી
ગઈ, મારો ધણી મરાઈ ગયો, મેઘની ધારા સમાન તેણે રુદન કર્યું. અશ્રુપાતનો પ્રવાહ
વહી રહ્યો. પતિ અને પુત્ર બેયના મરણના શોકરૂપ અગ્નિથી દગ્ધાયમાન હૃદયવાળી તેને
વિલાપ કરતી જોઈ તેનો ભાઈ રાવણ તેને કહેવા લાગ્યો કે હે વત્સે! રોવાથી શો ફાયદો
છે? આ જગતના પ્રસિદ્ધ ચરિત્રને કોણ નથી જાણતું? આયુષ્ય પૂરું થયા વિના કોઈ
વજ્રથી મારે તો પણ મરતો નથી અને જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે સહજમાં મરી
જાય છે. ક્યાં તે ભૂમિગોચરી રંક અને ક્યાં તારો પતિ વિદ્યાધર, દૈત્યોનો અધિપતિ
ખરદૂષણ; તેને એ લોકો મારી શકે એ કાળનું જ કારણ છે. જેણે તારા પતિને માર્યો છે
તેને હું મારીશ. આ પ્રમાણે બહેનને ધૈર્ય આપીને કહ્યુંઃ હવે તું ભગવાનનું અર્ચન કર,
શ્રાવિકાનાં વ્રત ધારણ કર, ચંદ્રનખાને આમ કહીને રાવણ મહેલમાં ગયો, સર્વ તરફ
નિસાસો નાખતો સેજ પર પડયો. ત્યાં પટરાણી મંદોદરી આવીને પતિને વ્યાકુળ જોઈને
કહેવા લાગી, હે નાથ! ખરદૂષણના મરણથી અત્યંત આકુળવ્યાકુળ થયા છો, તો તમારા
સુભટ કુળને માટે એ ઉચિત નથી. જે શૂરવીર હોય છે તેમને ગમે તેવી આપત્તિમાં પણ
વિષાદ થતો નથી, તમે વિરાધિવીર ક્ષત્રિય છો, તમારા કુળમાં તમારા સુભટો અને મિત્રો
રણસંગ્રામમાં અનેક નાશ પામ્યા છે, તો કોનો કોનો શોક કરશો? કોઈ વાર કોઈનો શોક
ન કર્યો, હવે ખરદૂષણનો આટલો શોક કેમ કરો છો? પહેલાં ઇન્દ્ર સાથેના સંગ્રામમાં
તમારા કાકા શ્રીમાલી મરણ પામ્યા હતા, અને બાંધવો રણમાં હણાયા હતા, તમે કોઈનો
કદી શોક ન કર્યો, આજે આવો શોક અમને કેમ દેખાય છે અને જે પહેલાં અમને કદીયે
દેખાયો નહોતો? ત્યારે રાવણ નિશ્વાસ નાખીને બોલ્યો કે હે સુંદરી! સાંભળ, મારા
અંતઃકરણનું રહસ્ય તને જ કહું છું. તું મારા પ્રાણોની સ્વામીની છે અને સદા મારી વાંછા
પૂર્ણ કરે છે. જો તું મારું જીવન ચાહતી હો તો ગુસ્સો ન કરીશ,