સાવધાન થઈને સાંભળ્યાં છે. હવે શ્રી રામચંદ્રનું ચરિત્ર સાંભળવાની મારી અભિલાષા છે.
લૌકિક ગ્રંથોમાં રાવણાદિકોને માંસભક્ષી રાક્ષસ કહ્યા છે, પરંતુ તે મહાકુલીન વિદ્યાધરો,
મધ, માંસ, રુધિરાદિનું ભક્ષણ કેવી રીતે કરે? રાવણના ભાઈ કુંભકર્ણ વિષે તેઓ એમ
કહે છે તે છ મહિના ઊંઘી રહેતો હતો, તેના ઉપર હાથી ચલાવતા, ઉકળતું તેલ કાનમાં
નાખતા તો પણ છ મહિના પહેલાં તે ઊઠતો નહિ, જાગતાં જ તેને એટલી ભૂખ-તરસ
લાગતી કે અનેક હાથી, પાડા વગેરે પશુઓ અને મનુષ્યોને ખાઈ જતો અને લોહી, પરુનું
પાન કરતો તો પણ તેને તૃપ્તિ થતી નહિ. તેઓ સુગ્રીવ, હનુમાનાદિકને વાનર કહે છે,
પરંતુ તેઓ તો મોટા વિદ્યાધર રાજાઓ હતા. મહાન પુરુષોનું વિપરીત વ્યાખ્યાન કરવાથી
મહાન પાપનો બંધ થાય છે. જેમ અગ્નિના સંયોગથી શીતળતા થતી નથી અને બરફના
સંયોગથી ગરમી થતી નથી, જળ વલોવવાથી ઘી મળતું નથી કે રેતીને પીલવાથી તેમાંથી
તેલ નીકળતું નથી તેમ, મહાપુરુષોના વિરૂદ્ધ શ્રવણ કરવાથી પુણ્ય થતું નથી. લોકો એમ
કહે છે કે રાવણે દેવોના રાજા ઇન્દ્રને જીત્યો હતો, પણ એમ બની શકે નહિ. ક્યાં એ
દેવોનો ઇન્દ્ર અને ક્યાં આ મનુષ્ય? ઇન્દ્રના કોપ માત્રથી જ એ ભસ્મ થઈ જાય. જેની
પાસે ઐરાવત હાથી, વજ્ર જેવું આયુધ અને આખી પૃથ્વીને વશ કરી શકે એટલું સામર્થ્ય
હોય એવા સ્વર્ગના સ્વામી ઇન્દ્રને આ અલ્પશક્તિનો સ્વામી વિદ્યાધર કેવી રીતે પકડીને
કેદમાં પૂરે? હરણથી સિંહને કેવી રીતે બાધા પહોંચે? તલથી શિલાને પીસવાનું, ઈયળથી
સાપને મારવાનું અને શ્વાનથી ગજેન્દ્રને હણવું કેવી રીતે બની શકે? વળી, લોકમાં
કહેવાય છે કે રામચન્દ્ર મૃગાદિની હિંસા કરતા હતા, પણ એ વાત બને નહિ. તે વ્રતી,
વિવેકી, દયાવાન, મહાપુરુષ જીવોની હિંસા કેવી રીતે કરે? માટે આવી વાત સંભવે નહિ.
તે અભક્ષ્યનું ભક્ષણ કેવી રીતે કરે? તે વાલીને સુગ્રીવના મોટાભાઈ કહે છે અને તે
સુગ્રીવની સ્ત્રીને પરણ્યા એમ કહે છે. હવે, મોટાભાઈ તો પિતા સમાન ગણાય તે નાના
ભાઈની સ્ત્રી સાથે કેવી રીતે પરણે? માટે આવી વાત સંભવિત નથી, માટે ગણધરદેવને
પૂછીને શ્રી રામચંદ્રજીની યથાર્થ કથાનું શ્રવણ કરું આમ તે ચિંતવવા લાગ્યા. વળી તે
વિચારે છે કે હંમેશા ગુરુના દર્શન કરીને, ધર્મના પ્રશ્નો કરીને તત્ત્વનો નિશ્ચય કરવાથી
પરમ સુખ થાય છે. એ આનંદનું કારણ છે એમ વિચારીને રાજા શય્યામાંથી ઊભા થયા
અને રાણી પોતાને સ્થાનકે ગઈ. કેવી છે રાણી? લક્ષ્મી સમાન કાંતિવાળી, મહાપતિવ્રતા
અને પતિનો ખૂબ વિનય કરનારી છે અને રાજા ધર્માનુરાગમાં અત્યંત નિષ્કંચિત્તવાળાં છે.
બન્નેએ પ્રભાતની ક્રિયાઓ પૂરી કરી અને જેમ સૂર્ય શરદઋતુના વાદળોમાંથી બહાર આવે
તેમ રાજા સફેદ કમળ સમાન ઉજ્જવળ સુગંધ મહેલમાંથી બહાર આવ્યા. તે સુગંધ
મહેલના ભમરા ગુંજારવ કરી રહ્યા છે.