રાજા દ્રોણમેઘની પુત્રી વિશલ્યાના સ્નાનનું જળ આપો, શીઘ્ર કૃપા કરો જેથી અમે લઈ
જઈએ, સૂર્યનો ઉદય થયા પછી લક્ષ્મણનું જીવન કઠણ છે. ત્યારે ભરતે કહ્યું કે તેના
સ્નાનનું જળ શું તેને જ લઈ જાવ. મને મુનિએ કહ્યું હતું કે આ વિશલ્યા લક્ષ્મણની સ્ત્રી
થશે. પછી દ્રોણમેઘની પાસે એક મનુષ્યને તે જ સમયે મોકલ્યો. લક્ષ્મણને શક્તિ વાગી છે
તે સાંભળીને દ્રોધમેઘે અત્યંત કોપ કર્યો અને યુદ્ધ માટે તૈયાર થયો. પછી ભરત અને
માતા કૈકેયી પોતે આવીને દ્રોણમેઘને સમજાવી વિશલ્યાને વિમાનમાં બેસાડી, બીજી એક
હજાર રાજાઓની કન્યા સાથે લઈ રામના સૈન્યમાં આવ્યા વિમાનમાંથી કન્યા ઊતરી,
તેની ઉપર ચામર ઢોળાય છે. કન્યાના કમળ સરખા નેત્ર હાથી, ઘોડા અને મોટા મોટા
યોદ્ધાઓને દેખવા લાગ્યા. જેમ જેમ વિશલ્યા દળમાં પ્રવેશતી ગઈ તેમ તેમ લક્ષ્મણના
શરીરમાં શાતા થવા લાગી, તે દેવરૂપિણી શક્તિ લક્ષ્મણના શરીરમાંથી નીકળી જાણે કે
જ્યોતિ સંયુક્ત દુષ્ટ સ્ત્રી ઘરમાંથી નીકળી. દેદીપ્યમાન અગ્નિના તણખા આકાશમાં ઊડતા
હતા, તે શક્તિને હનુમાને પકડી, તેણે દિવ્ય સ્ત્રીનું રૂપ ધર્યું હતું. પછી તે હનુમાનને હાથ
જોડી કહેવા લાગી કે હે નાથ! પ્રસન્ન થાવ, મને છોડી દો, મારો અપરાધ નથી, અમારી
આ જ રીત છે કે જે અમને સાધે છે તેને વશ અમે થઈએ છીએ. હું અમોધવિજયા
નામની ત્રણ લોકમાં પ્રસિદ્ધ વિદ્યાશક્તિ છું. કૈલાસ પર્વત પર વાલી મુનિ પ્રતિમા યોગ
ધરીને રહ્યા હતા અને રાવણે ભગવાનના ચૈત્યાલયમાં ભક્તિગાન કર્યું હતું. પોતાના
હાથની નસ વગાડીને જિનેન્દ્રનું ચરિત્ર ગાયું ત્યારે ધરણેન્દ્રનું આસન કંપ્યું અને ધરણેન્દ્ર
પરમ હર્ષથી આવ્યા અને રાવણ પ્રત્યે અતિ પ્રસન્ન થઈ મને સોંપી હતી. રાવણ યાચના
કરવામાં કાયર હતા તેથી તેણે મારી ઈચ્છા કરી નહિ. પણ ધરણેન્દ્રે તેને આગ્રહ કરીને
આપી હતી. હું અત્યંત વિકરાળ સ્વરૂપવાળી છું, જેને ચોંટું તેના પ્રાણહરી લઉં, મને
રોકવા કોઈ સમર્થ નથી. એક આ વિશલ્યાસુંદરી સિવાય હું દેવોની વિજેતા છું. હું આને
જોતાં જ ભાગી જાઉં છું. એના પ્રભાવથી હું શક્તિરહિત થઈ ગઈ છું. તપનો એવો
પ્રભાવ છે કે જો તે ચાહે તો સૂર્યને પણ શીતળ કરે અને ચંદ્રમાને ઉષ્ણ કરી નાખે. આણે
પૂર્વજન્મમાં અતિ ઉગ્ર તપ કર્યું હતું, કોમળ ફૂલ સમાન એનું શરીર તેણે તપમાં લગાડયું
હતું. તેણે એવું ઉગ્ર તપ કર્યું કે જે મુનિઓથી પણ ન બને. મારા મનમાં તો એમ જ
લાગે છે કે સંસારમાં જે પ્રાણી આવાં તપ કરે, વર્ષા, શીત, આતાપ, અને અતિ દુસ્સહ
પવનથી એ સુમેરુના શિખર સમાન અડગ રહી. ધન્ય એનું રૂપ, ધન્ય એનું સાહસ, ધન્ય
એનું મન દ્રઢ રહ્યું તે. આના જેવું તપ બીજી સ્ત્રીઓ કરવાને સમર્થ નથી-સર્વથા
જિનેન્દ્રના મત અનુસાર તપ કરે તે ત્રણ લોકને જીતે છે. અથવા આ વાતનું શું આશ્ચર્ય
છે? જે તપથી મોક્ષ પમાય તેને બીજું શું અઘરું હોય? હું પરને આધીન, જે મને ચલાવે
તેના શત્રુનો હું નાશ કરું. આણે મને જીતી, હવે હું મારા સ્થાનકે જાઉં છું. તેથી તમે તો
મારો અપરાધ ક્ષમા કરો. શક્તિદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તત્ત્વવેત્તા