તે પતિવ્રતા, પૂર્ણ ચંદ્રમા મુખવાળી, ઉત્તમ ચેષ્ટા ધરનારી, પતિ તરફ મનોહર કટાક્ષ બાણ
ફેંકનારી, અત્યંત વિચક્ષણ, જેના અંગમાં મદનનો નિવાસ છે, મધુર જેનાં વચનો છે,
સ્વર્ણકુંભ સમાન સ્તન, દાડમનાં બીજ જેવા દાંત, માણેક જેવા લાલ અધરવાળી તે નાથને
પ્રણામ કરીને કહેવા લાગી કે હે દેવ! મને ભરતારની ભિક્ષા આપો. આપ દયાળું,
ધર્માત્માઓ પ્રત્યે સ્નેહવાળા, હું તમારા વિયોગરૂપ નદીમાં ડૂબું છું તેથી મહારાજ મને
બહાર કાઢો. આ નદી દુઃખરૂપ જળથી ભરેલી છે, સંકલ્પ-વિકલ્પરૂપ લહેરોથી પૂર્ણ છે. હે
મહાબુદ્ધે! કુટુંબરૂપ આકાશમાં સૂર્ય સમાન પ્રકાશ કરનાર, મારી એક વિનંતી સાંભળો-
તમારા કુળરૂપ કમળોનું વન અત્યંત વિશાળ છે તે પ્રલય પામતું જાય છે તેને કેમ રાખતા
નથી? હે પ્રભો! તમે મને પટરાણીનું પદ આપ્યું હતું તો મારાં કઠોર વચનોને ક્ષમા કરો.
જે આપના હિત કરનાર છે તેમનાં વચન ઔષધ સમાન ગ્રાહ્ય છે, પરિણામ સુખદાયક
વિરોધરહિત સ્વભાવરૂપ આનંદકારી છે. હું એમ કહું છું કે તમે શા માટે સંદેહના
ત્રાજવામાં બેસો છો? આ ત્રાજવું બેસવા જેવું નથી, આપ શા માટે સંતાપ કરો છો અને
અમને બધાને સંતાપ કરાવો છો? હજી શું બગડી ગયું છે? તમારું બધું રાજ્ય, તમે
આખી પૃથ્વીના સ્વામી છો અને તમારા ભાઈ, પુત્રોને બોલાવી લ્યો. તમે તમારા ચિત્તને
કુમાર્ગેથી રોકો. તમારું મન વશ કરો, તમારો મનોરથ અત્યંત અકાર્યમાં પ્રવર્તે છે તે
ઇન્દ્રિયરૂપ ચંચળ અશ્વોને વિવેકની દ્રઢ લગામથી વશ કરો, ઇન્દ્રિયો માટે મનને કુમાર્ગમાં
કોણ લઈ જાય? તમે અપવાદરૂપ-કલંકરૂપ ઉદ્યમમાં શા માટે પ્રવર્તો છો? જેમ અષ્ટાપદ
પોતાનો પડછાયો કૂવામાં જોઈને ક્રોધથી કૂવામાં પડે તેમ તમે પોતે જ કલેશ ઉત્પન્ન
કરીને આપદામાં પડો છો. આ કલેશનું કારણ એવું અપયશરૂપ વૃક્ષ, તેને તજીને સુખેથી
રહો, કેળના થાંભલા સમાન અસાર આ વિષયને શા માટે ચાહો છો? આ તમારું કુળ
સમુદ્ર સમાન ગંભીર અને પ્રશંસા યોગ્ય છે તેને શોભાવો. આ ભૂમિગોચરીની સ્ત્રી ઊંચા
કુળવાનને માટે અગ્નિની શિખા સમાન છે, તેને તજો. હે સ્વામી! જે સામંત, સામંત સામે
યુદ્ધ કરે છે તે મનમાં એવો નિર્ણય કરે છે કે અમે સ્વામી માટે મરીશું. હે નાથ! તમે
કોના અર્થે મરો છો? પારકી સ્ત્રીને માટે શું મરવાનું? એ મરણમાં યશ નથી અને તેમને
મારીને તમારી જીત થાય તો પણ યશ નથી, ક્ષત્રિય મરે છે યશને અર્થે માટે સીતા
સંબંધી હઠ છોડો. અને જે મોટાં મોટાં વ્રત છે તેમના મહિમાની તો શી વાત કરવી, પણ
એક આ પરસ્ત્રીનો પરિત્યાગ જ પુરુષને હોય તો બેય જન્મ સુધરે, શીલવાન પુરુષ
ભવસાગર તરે. જે સર્વથા સ્ત્રીનો ત્યાગ કરે તે તો શ્રેષ્ઠ જ છે. કાજળ સમાન કાલિમા
ઉત્પન્ન કરનારી આ પરનારીમાં જે લોલુપી હોય તેનામાં બીજા મેરુ જેટલાં ગુણ હોય તો
પણ તૃણ સમાન લઘુ થઈ જાય છે. જે ચક્રવર્તીનો પુત્ર હોય અને દેવ જેના પક્ષમાં હોય
જો તે પરસ્ત્રીના સંગરૂપ કીચડમાં ડૂબે તો મોટો અપયશ પામે. જે મૂઢમતિ પરસ્ત્રી પ્રત્યે
રતિ કરે છે તે પાપી આશીવિષ નાગણ સાથે રમે છે. તમારું કુળ અત્યંત નિર્મળ છે તેને
અપયશથી મલિન ન કરો, કુબુદ્ધિ તજો. જે ખૂબ બળવાન હતા અને