હતી ત્યાં ગયા. બન્ને વીરોને જોઈને તે અત્યંત વિલાપ કરવા લાગી, સર્વ આભૂષણો
તોડી નાખ્યાં, તેમનાં શરીર ધૂળથી મલિન હતાં, પછી અત્યંત કરુણાવંત શ્રી રામે નાના
પ્રકારનાં શુભ વચનોથી સર્વ રાણીઓને દિલાસો આપ્યો, ધૈર્ય બંધાવ્યું અને પોતે બધા
વિદ્યાધરો સાથે રાવણના લોકાચાર માટે ગયા. કપૂર, અગર, મલયાગિરિ ચંદન ઇત્યાદિ
નાના પ્રકારનાં સુગંધી દ્રવ્યોથી પદ્મસરોવર ઉપર પ્રતિહરિના અગ્નિસંસ્કાર થયા. પછી
સરોવરના તીરે શ્રી રામ બેઠા. તેમનું ચિત્ત કૃપાથી ભરેલું છે. ગૃહસ્થાશ્રમમાં આવાં
પરિણામ કોઈ વીરલાનાં હોય છે. તેમણે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદને સર્વ સામંતો સાથે
છોડવાની આજ્ઞા કરી. તે વખતે કેટલાક વિદ્યાધરો કહેતા હતા કે તે ક્રૂર ચિત્તવાળા શત્રુ
છે, છોડવા યોગ્ય નથી, બંધનમાં જ ભલે મરે. ત્યારે શ્રી રામે કહ્યું કે એ ક્ષત્રિયોનો ધર્મ
નથી, જિનશાસનમાં ક્ષત્રિયોની કથા શું તમે સાંભળી નથી? સૂતેલાને, બંધાયેલાને,
ભયભીતને, શરણાગતને, મોઢામાં ઘાસ લેનારને, ભાગતાને, બાળ-વૃદ્ધ-સ્ત્રીઓને હણવાં
નહિ. એ ક્ષત્રિયોનો ધર્મ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. બધાએ પછી કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણ
છે. રામની આજ્ઞા પ્રમાણે મોટા મોટા યોદ્ધાઓ નાના પ્રકારનાં આયુધો લઈ તેમને લાવવા
ગયા. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘનાદ, મારીચ, મંદોદરીના પિતા રાજા મય ઇત્યાદિ પુરુષોને
સ્થૂળ બંધન સહિત સાવધાન યોદ્ધા લઈને આવે છે. તે મત્ત હાથી સમાન ચાલ્યા આવે
છે. તેમને જોઈ વાનરવંશી યોદ્ધા પરસ્પર વાત કરવા લાગ્યા કે જો ઇન્દ્રજિત, મેઘનાદ,
કુંભકર્ણ રાવણની ચિતા બળતી જોઈને ક્રોધ કરશે તો કપિવંશમાં તેમની સામે લડવાને
કોઈ સમર્થ નથી. જે કપિવંશી જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા ન થઈ શક્યા. ભામંડળે
પોતાના બધા યોદ્ધાઓને કહ્યું કે ઇન્દ્રજિત, મેઘનાદને અહીં સુધી બંધાયેલી સ્થિતિમાં જ
ખૂબ યત્નથી લાવજો. અત્યારે વિભીષણનો પણ વિશ્વાસ નથી. કદાચ તે ભાઈ-ભત્રીજાનું
મૃત્યુ જોઈને ભાઈના વેરનો વિચાર કરે તો એને ક્રોધ ઉપજી જાય, કારણ કે ભાઈના
મૃત્યુથી તે ખૂબ સંતપ્ત છે. આમ વિચારીને ભામંડળાદિક તેમને ખૂબ સાવધાનીથી રામ-
લક્ષ્મણની પાસે લાવ્યા. તે અત્યંત વિરક્ત, રાગદ્વેષરહિત, જેમને મુનિ થવાના ભાવ હતા,
અત્યંત સૌમ્ય દ્રષ્ટિથી ભૂમિને નીરખતા આવ્યા. તેમનાં મુખ શુભ છે, એ વિચારે છે કે
આ અસાર સંસારસાગરમાં સારતા તો લવલેશ પણ નથી. એક ધર્મ જ સર્વ જીવોનો
બાંધવ છે, તે જ સાર છે. તે મનમાં વિચારે છે કે જો આજ બંધનથી છૂટીશું તો દિગંબર
બની પાણિપાત્રમાં આહાર કરીશું. આવી પ્રતિજ્ઞા લઈને રામની સમીપમાં આવ્યા.
ઇન્દ્રજિત, કુંભકરર્ણાદિક વિભીષણ તરફ આવીને ઊભા, પરસ્પર યોગ્ય વાર્તાલાપ થયો,
પછી કુંભકર્ણાદિ શ્રી રામ-લક્ષ્મણને કહેવા લાગ્યા અહો તમારું ધૈર્ય, પરમ ગંભીરતા,
અદ્ભુત ચેષ્ટાદેવોથી પણ ન જિતાય એવા રાક્ષસના ઇન્દ્ર રાવણને પણ માર્યો. પંડિતોમાં
અતિશ્રેષ્ઠ ગુણોના ધારક, શત્રુ પણ તમારી પ્રશંસા કરે તે યોગ્ય છે. પછી શ્રી રામ-લક્ષ્મણે
તેમને ખૂબ શાતા ઉપજાવીને કહ્યુંઃ તમે પહેલાં જેમ મહાન ભોગ ભોગવતા હતા તેમ