ધારક મુનિઓ સહિત બિરાજ્યા. ગૌતમ સ્વામી કહે છેઃ હે શ્રેણિક! તેમનાં ગુણોનું વર્ણન
કોણ કરી શકે? જેમ અમૃત ભરેલો સુવર્ણનો કળશ અત્યંત શોભે તેમ મહામુનિ અનેક
ઋદ્ધિથી ભરેલા શોભતા હતા. તેઓ એક શિલા ઉપર શુક્લ ધ્યાન ધરીને બેઠા અને તે જ
રાત્રે તેમને કેવળજ્ઞાન ઉપજ્યું. તેમનાં અદ્ભુત ગુણોનું વર્ણન કરવાથી પાપનો નાશ થાય
છે. પછી અસુરકુમાર, નાગકુમાર, ગરુડકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, પવનકુમાર,
મેઘકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર અને દિક્કુમાર આ દશ પ્રકારનાં ભવનવાસી દેવો, આઠ
પ્રકારના વ્યંતર-કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ, પાંચ
પ્રકારના જ્યોતિષી-સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા અને સોળ સ્વર્ગનાબધા જ સ્વર્ગવાસી આ
ચતુરનિકાયના દેવો સૌધર્મ ઇન્દ્રાદિક ધાતકી ખંડમાં જ્યારે શ્રી તીર્થંકર દેવનો જન્મ થયો
હતો તે સુમેરુ પર્વત ઉપર ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવી જન્મકલ્યાણકનો ઉત્સવ
કરી પ્રભુને માતાપિતાને સોંપી ત્યાં ઉત્સવ સહિત તાંડવનૃત્ય કરી પ્રભુની વારંવાર સ્તુતિ
કરતા હતા. ભગવાન બાલ્યાવસ્થા ધરે છે, પણ બાલ્યાવસ્થાની અજ્ઞાન ચેષ્ટાથી રહિત છે.
ત્યાં જન્મકલ્યાણકનો સમય સાધીને બધા દેવ લંકામાં અનંતવીર્ય કેવળીના દર્શન માટે
આવ્યા. કેટલાક વિમાનમાં બેસીને આવ્યા, કેટલાક રાજહંસ પર બેસીને આવ્યા, કેટલાક
અશ્વ, સિંહ, વાઘાદિ અનેક વાહનો પર ચઢીને આવ્યા. ઢોલ, નગારાં, મૃદંગ, વીણા,
બંસરી, ઝાંઝ, મંજીરાં, શંખ ઇત્યાદિ નાના પ્રકારનાં વાજિંત્રો વગાડતા, મનોહર ગીત
ગાતા, આકાશને આચ્છાદતા, કેવળીની પાસે અર્ધરાત્રિના સમયે આવ્યા. તેમનાં
વિમાનોની જ્યોતિથી પ્રકાશ થઈ ગયો, વાજિંત્રોના અવાજથી દશેય દિશાઓ વ્યાપ્ત થઈ
ગઈ. રામ-લક્ષ્મણ આ વૃત્તાંત સાંભળી હર્ષ પામ્યા, બધા જ વાનરવંશી અને રાક્ષસવંશી
વિદ્યાધરો ઇન્દ્રજિત, કુંભકર્ણ, મેઘનાદ આદિ રામ-લક્ષ્મણની સાથે કેવળીના દર્શન માટે
જવા તૈયાર થયા. શ્રી રામ-લક્ષ્મણ હાથી પર બેઠા. કેટલાક રાજા રથમાં બેઠા, કેટલાક
અશ્વ પર બેઠા. છત્ર, ચામર, ધ્વજથી શોભાયમાન, અતિભક્તિ સહિત દેવસરખા સુગંધી
શરીરવાળા પોતાનાં વાહનોમાંથી ઊતરીને પ્રણામ કરતા, સ્તોત્રપાઠ પઢતા કેવળીની પાસે
આવ્યા. અષ્ટાંગ દંડવત્ કરીને ભૂમિ પર બેઠા. તેમને ધર્મશ્રવણની અભિલાષા હતી.
કેવળીના મુખેથી દિવ્ય ધ્વનિમાં આ વ્યાખ્યાન આવ્યું કે આ પ્રાણી આઠ કર્મથી બંધાયેલા
દુઃખના ચક્ર પર ચડી ચાર ગતિમાં ભ્રમણ કરે છે, આર્તરૌદ્રધ્યાનથી યુક્ત જુદાજુદા
પ્રકારનાં શુભાશુભ કર્મો કરે છે. મોહનીય કર્મથી આ જીવ બુદ્ધિરહિત થઈ સદા હિંસા કરે
છે, અસત્ય વચન કહે છે, બીજાના મર્મને ભેદનાર વચનો બોલે છે, પરનિંદા કરે છે,
પરદ્રવ્ય હરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, અત્યંત લોભની વૃદ્ધિથી પ્રમાણરહિત પરિગ્રહ
અંગીકાર કરે છે. તેઓ અતિ નિંદ્ય કર્મ કરીને શરીર તજી અધોલોકમાં જાય છે. ત્યાં તીવ્ર
દુઃખનાં કારણ સાત નરક છે. તેમનાં નામ-રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા,
ધૂમપ્રભા, તમપ્રભા, મહાતમપ્રભા. આ સાત નરક અંધકારયુક્ત, દુર્ગંધયુક્ત, સૂંઘી ન
શકાય, દેખી ન શકાય, સ્પર્શી ન શકાય