મૃદુમતિ મુનિ આહારના નિમિત્તે દુર્ગગિરિની સમીપે આલોક નામના નગરમાં આવ્યા. તે
ધોંસરી પ્રમાણ જમીન નીરખતા જતા હતા, તે નગરના લોકોએ જાણ્યું કે આ તે જ મુનિ
છે જે ચાર મહિના ગિરિશિખર પર રહ્યા હતા. આમ જાણીને અત્યંત ભક્તિથી તેમને
મનોહર આહાર આપ્યો અને નગરના લોકોએ ખૂબ સ્તુતિ કરી. આણે જાણી લીધું કે
ગિરિશિખર પર ચાર મહિના રહેવાના વિશ્વાસથી મારી પ્રશંસા થાય છે. તે માનના
ભારથી મૌન રહ્યો. લોકોને એમ ન કહ્યું કે હું અન્ય છું અને તે મુનિ અન્ય હતા. તેણે
ગુરુની પાસે પણ માયાશલ્ય દૂર ન કર્યું, પ્રાયશ્ચિત ન લીધું તેથી તિર્યંચ ગતિનું કારણ
થયું. તેણે તપ ઘણું કર્યું હતું તેથી પર્યાય પૂરી કરીને છઠ્ઠા દેવલોકમાં જ્યાં અભિરામનો
જીવ દેવ થયો હતો ત્યાં જ એ ગયો. પૂર્વજન્મના સ્નેહથી તે બન્ને વચ્ચે ખૂબ સ્નેહ થયો.
બન્નેય સમાન ઋદ્ધિના ધારક અનેક દેવાંગનાથી મંડિત સુખસાગરમાં મગ્ન હતા. બન્નેય
સાગરો સુધી સુખથી રમ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં અભિરામનો જીવ તો ભરત થયો
અને આ મૃદુમતિનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને માયાચારના દોષથી આ જંબૂદ્વીપના
ભરતક્ષેત્રમાં નિકુંજ નામના ગિરિ પાસેના અત્યંત ગહન શલ્લકી નામના વનમાં મેઘની
ઘટાસમાન શ્યામસુંદર ગજરાજ થયો. સમુદ્ર જેવી જેની ગર્જના અને પવન સમાન ગતિ
છે, અતિ મદોન્મત્ત, ચંદ્ર સમાન ઉજ્જવળ દાંતવાળો, ગજરાજનાં ગુણોથી મંડિત
વિજયાદિક મહાહસ્તના વંશમાં જન્મ્યો. ઐરાવત સમાન અતિ સ્વચ્છંદ, સિંહ-વાઘને
હણનારો, મોટાં વૃક્ષોને ઉખાડી નાખનારો, વિદ્યાધરોથી પણ ન પકડાય એવો, જેની
વાસથી સિંહાદિક પોતાનો નિવાસ છોડીને ભાગી જતા એવો પ્રબળ ગજરાજ વનમાં
પાંદડાનો આહાર કરતો, માનસરોવરમાં ક્રિડા કરતો અનેક ગજો સહિત વિચરતો. કોઈ
વાર કૈલાસ પર વિલાસ કરતો, કોઈ વાર ગંગાના જળમાં ક્રીડા કરતો, અનેક વન, ગિરિ,
નદી, સરોવરોમાં ક્રીડા કરતો અને હજારો હાથણીઓ સાથે રમતો, અનેક હાથીઓનો
શિરોમણિ યથેષ્ટ વિચરતા પક્ષીઓના સમૂહમાં ગરુડની જેમ શોભતો. એક દિવસ લંકેશ્વરે
તેને જોયો અને વિદ્યાના પરાક્રમથી ઉગ્ર એવા તેણે આને ધીરેધીરે કળબળથી વશ કર્યો
અને તેનું ત્રૈલોક્યમંડન નામ પાડયું. જેમ સ્વર્ગમાં તેણે ચિરકાળ સુધી અનેક અપ્સરાઓ
સાથે ક્રિડા કરી તેમ હાથીની પર્યાયમાં હજારો હાથણીઓ સાથે ક્રીડા કરી. દેશભૂષણ કેવળી
આ કથા રામ-લક્ષ્મણને કહે છે કે આ જીવ સર્વ યોનિમાં રતિ માની લે છે, નિશ્ચયથી
વિચારીએ તો બધી જ ગતિ દુઃખરૂપ છે. અભિરામનો જીવ ભરત અને મૃદુમતિનો જીવ
ત્રૈલોક્યમંડન હાથી સૂર્યોદય ચંદ્રોદયના જન્મથી લઈને અનેક ભવના સાથી છે. તેથી
ભરતને જોઈ પૂર્વભવ યાદ આવતાં ગજનું ચિત્ત શાંત થયું. ભરત ભોગોથી પરાઽમુખ,
જેનો મોહ દૂર થયો છે એવો તે હવે મુનિપદ લેવા ઇચ્છે છે, તે આ જ ભવે નિર્વાણ
પામશે, ફરીથી ભવ ધારણ નહિ કરે. શ્રી ઋષભદેવના સમયમાં આ બન્ને સૂર્યોદય-
ચંદ્રોદય નામના ભાઈ હતા, મારીચના ભરમાવવાથી મિથ્યાત્વનું સેવન કરીને તેમણે ઘણો
કાળ સંસારમાં ભ્રમણ કર્યું, ત્રસ