Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 34 of 660
PDF/HTML Page 55 of 681

 

background image
૩૪ ચોથું પર્વ પદ્મપુરાણ
શીતળ, મધુર ઈક્ષુરસનો આહાર આપ્યો. પરમ શ્રદ્ધા અને નવધા ભક્તિથી આહારદાન
આપ્યું, વર્ષોપવાસનું પારણું થયું તેના અતિશયથી દેવો હર્ષિત થયા, પંચાશ્ચર્યો પ્રગટ કર્યાં.
પ્રથમ રત્નોની વર્ષા થઈ. કલ્પવૃક્ષના પાંચ પ્રકારનાં ફૂલોની વર્ષા થઈ. શીતળ મંદ
સુગંધવાયુ વાવા લાગ્યો. અનેક પ્રકારનાં દુંદુભિ વાજિંત્રો વાગવા લાગ્યાં અને દેવવાણી
થઈ કે ધન્ય આ પાત્ર! ધન્ય આ દાન! ને ધન્ય છે આ દાન આપનાર રાજા શ્રેયાંસ!
આકાશમાં આ પ્રમાણે દેવોના શબ્દ થયા. શ્રેયાંસકુમારની કીર્તિ જોઈને દાનની રીત પ્રગટ
થઈ. દેવો વડે શ્રેયાંસરાજા પ્રશંસા પામ્યા. ભરત ચક્રવર્તીએ અયોધ્યાથી આવીને
શ્રેયાંસરાજાની ખૂબ સ્તુતિ કરી અને પોતાનો અત્યંત પ્રેમ બતાવ્યો. ભગવાન આહાર
લઈને વનમાં ગયા.
ત્યારપછી ભગવાને એક હજાર વર્ષ સુધી મહાતપ કર્યું અને શુક્લધ્યાનથી મોહનો
નાશ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. કેવું છે તે કેવળજ્ઞાન? જેમાં લોકાલોકનું અવલોકન
છે. ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે આઠ પ્રાતિહાર્ય પ્રગટ થયા. પ્રથમ તો તેમના
શરીરની કાંતિથી એવું મંડળ રચાયું કે જેનાથી સૂર્યચન્દ્રનો પ્રકાશ પણ ઝાંખો ભાસે,
રાત્રિદિવસનો ભેદ કળાય નહિ. બીજું અશોકવૃક્ષ રત્નમય પુષ્પો અને રક્ત પલ્લવવાળું
પ્રગટ થયું. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, જેની સુગંધથી ભમરાઓ ગુંજારવ કરી
રહ્યા હતા. દુંદુભિ વાજિંત્રોનો ધ્વનિ ફેલાયો. દેવોએ સમુદ્રના શબ્દથી પણ ગંભીર અવાજે
વાજાં વગાડયાં. એ દેવોનાં શરીર માયામયી હોવાથી અદ્રશ્ય રહ્યાં હતાં. ઇન્દ્રાદિક
ચન્દ્રમાનાં કિરણોથી પણ અધિક ઉજ્જવળ ચામર ઢોળતા હતા. સુમેરુના શિખર સમાન
પૃથ્વીના મુગટરૂપ સિંહાસન આપને બિરાજવા માટે પ્રગટ થયું. એ સિંહાસને પોતાની
જ્યોતિથી સૂર્યના તેજને પણ જીતી લીધું છે. ત્રણ લોકની પ્રભુતાના ચિહનસ્વરૂપ મોતીની
ઝાલરથી શોભાયમાન ત્રણ છત્ર શોભતાં હતાં, જાણે કે ભગવાનનો નિર્મળ યશ ન
ફેલાવતા હોય! સમોસરણમાં ભગવાન સિંહાસન ઉપર બિરાજ્યા તેની શોભાનું કથન તો
કેવળી જ કરી શકે, બીજા કોઈ નહિ. બધા જ ચતુર્નિકાયના દેવો વંદના કરવા આવ્યા.
ભગવાનના મુખ્ય ગણધર વૃષભષેન થયા તે ભગવાનના બીજા નંબરના પુત્ર હતા. અન્ય
પણ જે મુનિ થયા હતા તે મહાવૈરાગ્યવંત મુનિઓ વગેરે બાર સભાના જીવો પોતપોતાનાં
સ્થાનમાં બેસી ગયા. ત્યારપછી ભગવાનનો દિવ્ય ધ્વનિ પ્રગટ થયો, જેણે પોતાના નાદથી
દુંદુભિના ધ્વનિને જીતી લીધો હતો. ભગવાને જીવોના કલ્યાણ અર્થે તત્ત્વાર્થનું કથન કર્યું.
ત્રણ લોકમાં જીવોને ધર્મ જ પરમ શરણ છે, એનાથી જ પરમસુખ થાય છે, સુખ માટે
બધા જ પ્રયત્ન કરે છે, પણ સુખ ધર્મના કારણે જ થાય છે. આમ જાણીને ધર્મનો પ્રયત્ન
કરો. જેમ વાદળા વિના વરસાદ થતો નથી, બીજ વિના ધાન્ય ઊગતું નથી તેમ જીવોને
ધર્મ વિના સુખ મળતું નથી. જેમ કોઈ પંગુ (લંગડો માણસ) ચાલવાની ઈચ્છા કરે, મૂંગો
બોલવાની ઈચ્છા કરે અને આંધળો દેખવાની ઈચ્છા કરે તેમ મૂઢ પ્રાણી ધર્મ વિના
સુખની ઈચ્છા કરે છે. જેમ પરમાણું કરતાં બીજું કોઈ સૂક્ષ્મ નથી અને આકાશથી કોઈ
મોટું નથી તેમ ધર્મ સમાન જીવોનો બીજો કોઈ મિત્ર નથી અને દયા